રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

અમેરિકાની ચૂંટણીઓ સમગ્ર વિશ્વ માટે એક ઈવેન્ટ હોય છે. વિશ્વભરનાં પ્રચાર માધ્યમોને અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં રસ રહે છે. પ્રમુખપદ માટે ટિકિટ મેળવવી અને ચૂંટણી જીતવી એ બહુ મોટો ઉત્સવ હોય છે. અત્યાર સુધીમાં ફક્ત ૪૩ વ્યક્તિઓ માટે જ આ શક્ય બન્યું છે. અહીં પણ પૈસાની રમત તો હોય છે જ. અમેરિકાના લોકો ભલે ગમે તેટલા ઉદારમતવાદી હોય પરંતુ ભીતરથી સનાતન મૂલ્યોને જ મહત્ત્વ આપે છે. ચૂંટણી ઝુંબેશ ચાલુ હોય ત્યારે ઉમેદવારે પોતાની છબીનું કાળજીપૂર્વક જતન કરવું પડે છે. વળી, નોંધપાત્ર વાત એ છે કે અમેરિકામાં કોઈ એક વ્યક્તિ પ્રમુખ બની જાય તો તે ગમે તેટલી લોકપ્રિય હોય તોપણ બે ટર્મથી વધુ પ્રમુખપદે રહી શકતી નથી. એક ટર્મ ચાર વર્ષની હોય છે. બરાક ઓબામાની આ બીજી ટર્મ છે. તેઓ જીતી શકે તેમ હોય તોપણ આગામી ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરે. ભારતમાં લોકો હાંકી કાઢે નહીં ત્યાં સુધી નેતાઓ નિવૃત્ત થતા નથી. વડાપ્રધાનપદ માટે ૮૭ વર્ષની વયના નેતાઓ પણ અહીં રિસાતા જોવા મળે છે.

ભારતમાં રાજનીતિની પેટર્ન બદલાઈ છે ત્યારે એ પરિપ્રેક્ષ્યમાં વિશ્વના સહુથી વધુ શક્તિશાળી દેશ-અમેરિકા પાસેથી શીખવા જેવું છે. અમેરિકા એટલે અમેરિકાનું અર્થકારણ. અમેરિકા એટલે અમેરિકાનો જબરદસ્ત મોટો ઉદ્યોગ સમૂહ અને અમેરિકા એટલે ન્યુક્લિયર પાવર, અમેરિકા એટલે તેની લેટેસ્ટ આર્મી. અમેરિકા એટલે લેટેસ્ટ ટેક્નોલોજી. બધું હોવા છતાં અમેરિકા આર્થિક રીતે પડી ભાગ્યું. જબરદસ્ત મંદી આવી. મિલકતો અડધી કિંમતે વેચાવા લાગી. દુનિયાનો એક પણ એવો દેશ નથી જ્યાં અમેરિકાનો હસ્તક્ષેપ ન હોય. દુનિયાનું એક પણ યુદ્ધ નથી કે જેમાં અમેરિકાનો હસ્તક્ષેપ ન હોય. આ બધું જ હોવા છતાં પ્રેસિડેન્ટ બરાક ઓબામા અમેરિકાને આર્થિક મંદીમાંથી બહાર કાઢી શક્યા નથી. ચૂંટણી પૂર્વે’ ન્યૂ યોર્ક ટાઇમ્સ’ અખબારે તો એમની ઠેકડી ઉડાડતાં લખ્યું હતું કે, “ઓબામા ભૂલથી રાજકારણી થયા છે. તેમણે કવિ કે નવલકથાકાર તરીકે તેમની કારકિર્દી બનાવવી જોઈતી હતી.” આવી મજાક છતાં ઓબામાને ટિકિટ મળી હતી અને આઠ વર્ષથી પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનનાં પત્ની હિલેરી ક્લિન્ટનના ‘વ્હાઈટ હાઉસમાં’ ધામા છતાં ડેમોક્રેટિક પાર્ટીએ બરાક ઓબામાને પ્રમુખ પદ માટે ટિકિટ આપી હતી અને તેઓ બે વાર વિજયી બન્યા હતા. 

પરંતુ પરિણામ?

પરિણામ લોકોની સમક્ષ છે. જે અમેરિકાએ ગોધરાકાંડની ઘટનાઓ માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવી અમેરિકામાં પ્રવેશવા વિઝા આપ્યા નહોતા તે જ અમેરિકા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોશિંગ્ટનમાં સત્કારવા થનગની રહ્યું છે. રખે કોઈ એમ માને કે અમેરિકા નરેન્દ્ર મોદીથી ડરે છે. ખરી વાત એ છે કે અમેરિકાને તેનાં ઉત્પાદનો વેચવા મોટું બજાર જોઈએ છે. ચીનને પણ પોતાની પ્રોડક્ટસ વેચવા મોટું બજાર જોઈએ છે અને તે ભારત છે. ભારતમાં એમની ચીજવસ્તુઓ ખરીદવા ૧૨૫ કરોડ ગ્રાહકો છે. અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીઓને ભારતમાં કન્ઝ્યુમર ગુડસ વેચવા છે. શસ્ત્રો અને ન્યુક્લિયર ઉપકરણો વેચવાં છે. ઉતારુ વિમાનો અને પેસ્ટિસાઇડ્સ પણ વેચવાં છે અને તે માટે બરાક ઓબામા પણ નરેન્દ્ર મોદી માટે રેડ કાર્પેટ પાથરી રહ્યા છે.

આ વાતને જરા અલગ દૃષ્ટિકોણથી જોઈએ. બરાક ઓબામા એક સજ્જન વ્યક્તિ છે, તેમાં કોઈ ઇનકાર નથી. તેઓ ઉત્કૃષ્ટ વક્તા છે. તેઓ સ્વપ્નદૃષ્ટા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે માર્ટીન લ્યુથર કિંગના શબ્દો વાપરીને કહ્યું હતું:

Yes, I have a dream. એક દિવસ એવો ઊગશે કે, અમેરિકામાં કાળા- ગોરા સર્વ માણસો સમાન હશે. ગૌર-વંશવાદનો નાશ થશે, એક દિવસ કાળા અને ગોરા કે કેથલિક અને પ્રોટેસ્ટન્સ, યહૂદીઓ અને ખ્રિસ્તીઓ એક થઈ બંધુત્વનો ભાવ કેળવશે. એક વાર કોઈએ મને પૂછયું હતું: “તમારા જીવનની મૂળભૂત પ્રેરણા કઈ?”- તો મેં જવાબ આપ્યો હતોઃ “એક નદીની જેમ જીવતા રહેવું અને એવી રીતે વહેવું કે આસપાસનો વિસ્તાર લીલોછમ કરવાની આપણી ક્ષમતા વધતી જાય.”

પણ બરાક ઓબામાનું આ સુંદર સ્વપ્ન સાકાર થયું છે ખરું?

 બરાક ઓબામા એક સજ્જન વ્યક્તિ હોવા છતાં તેઓ I have a dream’નું સૂત્ર આપ્યા બાદ શું તેમનું એ સ્વપ્ન અમેરિકાને ફળ્યું છે ખરું? આ પ્રશ્નોના જવાબ અમેરિકાની પ્રજા જ આપી શકે.

પ્રેસિડેન્ટ બરાક ઓબામા માત્ર સ્વપ્નોના સોદાગર નથી તેઓ વાસ્તવવાદી પણ છે અને તેઓ પરિચય તેઓ પહેલી જ વાર પ્રમુખ બન્યા ત્યારે જ આપી દીધો હતો. તેઓ પહેલી જ વાર અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા તે પછી વિજય રેલીને સંબોધતાં પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ કહ્યું હતું: “હું જાણું છું કે આ કાર્ય તમે કેવળ ચૂંટણી જિતાડવા માટે કર્યું નથી. તમે મારા માટેય કર્યું નથી. તમે આમ કર્યું, કારણ કે આપણી સમક્ષ કેટલો મોટો પડકાર છે તેની તમને ખબર છે. આજે આ વિજયની રાત આપણે ઊજવીએ છીએ પરંતુ તે ઉજવણીમાં પણ આવતી કાલના પડકારોની કલ્પનાઓ છુપાયેલી છે. આપણી સમક્ષ મોટાં આહ્વાનો છે. બે યુદ્ધો. ભયગ્રસ્ત માનવ સમુદાય, સદીનું સૌથી ભયંકર આર્થિક સંકટ એ બધા પડકારોની વચ્ચે આપણે આ વિજયની રાત ઊજવી રહ્યા છીએ. ઇરાક અને અફઘાનિસ્તાનના પહાડોમાં આપણા સૈનિકો પોતાના જીવનને સંકટમાં નાંખીને ઊભા છે. આજે કેટલાંય માતા-પિતા એવાં છે કે જેઓ રાત્રે નાનાં બાળકોને ઉંઘાડીને તેમના ઓશિકા પાસે બેસી તેમનાં બાળકોની સ્કૂલ-ફીની અને ડોક્ટરનાં બિલની િંચંતા કરતાં હોય છે. આપણે નવી ઊર્જા મેળવવી પડશે. નવા રોજગાર ઉપલબ્ધ કરવા પડશે. નવી શાળાઓ બાંધવી પડશે. આ બધું શક્ય નથી. સરકાર બધા જ પ્રશ્નો ઉકેલી શકતી નથી. આ વિજય એ જ ‘પરિવર્તન’ નથી. સત્ય એ છે કે આપણી સમક્ષ રહેલા પડકારો બાબતે હું તમારી સાથે પ્રામાણિક રહીશ. હું તમને જવાબ આપવા બંધાયેલો છું. મારો નિર્ણય તમને ગળે ન ઊતરે તો હું તમારી વાત સાંભળીશ.”

એક શક્તિશાળી પ્રેસિડેન્ટની કેવી વાસ્તવવાદી વાત?

આ તો ઠીક પણ પ્રેસિડેન્ટ ઓબામાએ વિજય રેલીને પ્રવચન કરતાં કહેલી એક વાત માત્ર અમેરિકાને જ નહીં, પરંતુ ભારત સહિત આખા વિશ્વને લાગુ પડે છે. તેમણે કહ્યું હતું કે, “આ આર્થિક સંકટે આપણને એ જ શીખવ્યું છે કે, ‘મેન સ્ટ્રીટ’ અસ્વસ્થ હશે તો ‘વોલ સ્ટ્રીટ’ પર ચળકાટ હોઈ શકે નહીં અને હોય તો તેનો કોઈ અર્થ નથી.” મતલબ એ કે અમેરિકાનું શેરબજાર કે જે ‘વોલ સ્ટ્રીટ’ તરીકે ઓળખાય છે તેની પર ચળકાટનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી ‘મેન સ્ટ્રીટ’ અને માનવીઓની શેરી સ્વસ્થ ન હોય.

ભારતનું શેરબજાર ચળકાટમાં છે અને સેન્સેક્સ આસમાનને સ્પર્શી રહ્યો છે, પરંતુ તેથી દેશની ૪૦ કરોડથી વધુ ગરીબ પ્રજાનું કોઈ દળદળ ફીટતું નથી, આ કડવું સત્ય છે. સેન્સેક્સને અને ગરીબ પ્રજાને મોંઘવારીનો અને બેકારીનો કોઈ સંબંધ નથી. સેન્સેક્સ ઊંચે જવાથી ગરીબી, મોંઘવારી કે બેરોજગારી ઘટતી નથી. સેન્સેક્સનો ચળકાટ એ દેશની ૧૨૫ કરોડની વસતીનો ચળકાટ નથી. સેન્સેક્સનો ચળકાટ એ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ અને શેરબજારિયાઓનો જ ચળકાટ છે. સેન્સેક્સ વધવાથી નવી સ્કૂલો, નવી નહેરો,નવા પાતાળકૂવા કે નવાં શૌચાલયો ઊભાં થતાં નથી. સેન્સેક્સને દેશની પ્રગતિ માની લેનારાઓને સેન્સેક્સ જ ડુબાડશે. સેન્સેક્સ એ મૂડીપતિઓની નાડી છે, આમ પ્રજાની નહીં.

સેન્સેક્સ વધવાથી ગરીબીમોંઘવારી અને બેરોજગારી દૂર થતી નથી

www. devendrapatel.in