બાવન વર્ષની વયના પ્રદીપ ગુપ્તા સેકટર-૭, રોહિણી,દિલ્હી ખાતે રહેતા હતા. તેઓ પરિણીત હતા. પત્ની અને બે પુત્રો સાથે સુંદર જિંદગી બસર કરતા હતા. તેઓ માર્બલનો ધંધો કરતા હતા. ખાધે પીધે સુખી હતા. મતોલપુરી પથ્થર માર્કેટમાં માર્બલની દુકાન હતી.

તેમની દુકાનમાં ઇન્દ્રજીત નામનો નોકર હતો તે તેની ૩૨ વર્ષની સુંદર પત્ની સાથે દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતોે હતો. આખો દિવસ પ્રદીપ ગુપ્તાની દુકાનમાં કામ કર્યા બાદ રાતે ઝૂંપડી પર જતો. અંધારુ થતાં જ દેશી દારૂની પોટલી પી જતો. ખાતો ઓછું અને પીતો વધુ. શરૂઆતમાં બેઉનંુ દામ્પત્ય જીવન સુમધુર રહ્યુ પરંતુ પાછળથી પરિણામ એ આવ્યું કે એક દિવસ તેને ખબર પડી કે તે હવે ગર્ભવતી છે, પરંતુ તેની નજર સમક્ષ જ ઇન્દ્રજીત ગંભીર રીતે બીમાર પડયો. એક દિવસ લીવરની ગંભીર બીમારીથી તે મૃત્યુ પામ્યો.

પત્ની સરોજ ભરયુવાનીમાં વિધવા થઇ. એના ઉદરમાં હજુ એક માસનો ગર્ભ હતો. જેમ તેમ કરીને સરોજે પતિની અંતિમ ક્રિયા કરાવી. પતિના શેઠ પ્રદીપ ગુપ્તાએ થોડી ઘણી મદદ પણ કરી. એ પછી ભલમનસાઇથી પ્રદીપ ગુપ્તાએ વિધવા થયેલી સરોજને ઘર ખર્ચ માટે પૈસા પણ મોકલ્યા. પ્રદીપ ગુપ્તાએ કહ્યું “સરોજ! તું ચિંતા કરતી નહીં. તારી બીજી વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી હું તારું ઘર ખર્ચ ઉઠાવીશ, પરંતુ બે-ત્રણ મહિના બાદ તું તારા કામધંધાનું કે પિયર જવાનું વિચારી લેજે.”

સરોજે કહ્યું, “પ્રદીપ શેઠ! તમે તો મારા મતે ભગવાન થઇને ઉતર્યા છો, તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.”

“હું ભગવાન નથી, માણસ છું અને માણસાઇ માટે આ કરું છું.”

પ્રદીપ ગુપ્તાને હતું કે, બે-ચાર મહિના બાદ સરોજ પોતાની આજીવિકાની વ્યવસ્થા કરી લેશે. પરંતુ સરોજે કોઇ આજીવિકા શોધી નહીં અથવા મળી નહીં. કાયમ માટે એને સરોજનું ખર્ચ ઉઠાવવું પોસાય તેમ નહોતું. એણે સરોજને સમજાવ્યું કે, તેણે હવે પિયર ચાલ્યા જવું જોઇએ, પરંતુ સરોજે કહ્યું : “મારા માતા પિતા જ એટલા ગરીબ છે કે હું તેમના માટે બોજ બનવા માંગતી નથી.”

“તો નોકરી શોધી લે.” પ્રદીપ ગુપ્તાએ કહ્યું

“એ માટે પણ પ્રયાસ કરું જ છું.” સરોજે કહ્યું.

પ્રદીપ ગુપ્તાનો ધંધો હમણાં મંદો હતો. એક દિવસ સરોજ બે હાથ જોડીને તેમની સામે ઊભી રહી : “શેઠ! ઘરમાં અનાજ નથી. સ્ટવ માટે કેરોસીન નથી. થોડી મદદ કરો.”

પ્રદીપ ગુપ્તાએ કહ્યું : “સરોજ! હમણાં મંદી ચાલે છે. મારે પણ બૈરું છોકરાં છે. તું મારી આગળ હાથ લંબાવવાનુ છોડી દે.”

“હું ક્યાં જાઉં શેઠ?” સરોજ બોલી : “મને જેવું કામ મળશે એટલે હું નહીં આવું.”

પ્રદીપ ગુપ્તાએ ફરી એને બે હજાર રૂપિયાની મદદ કરી. સરોજ તેમના પગે પડી જતી રહી.

એક દિવસ રાત્રે આઠ વાગે ફરી સરોજ પૈસા માંગવા પ્રદીપ ગુપ્તા પાસે પહોંચી. એ વખતે પ્રદીપ ગુપ્તા એકલા દુકાનમાં હતા. શટર અડધું પાડેલું હતું. બહાર કંપાઉન્ડમાં માર્બલ ગોઠવેલા હતા. બહાર પણ અંધારુ હતું. પ્રદીપ ગુપ્તા દિવસભરનો થાક ઉતારવા એકલા બેઠા બેઠા વ્હિસ્કી પી રહ્યા હતા. એ કારણથી બહારની બત્તી બંધ કરી દીધી હતી. બરાબર એ વખતે જ સરોજ અડધા ખૂલેલા શટરને ખટખટાવી રહી. એણે બહારથી બૂમ પાડી : “શેઠ!”

પ્રદીપ ગુપ્તાએ શટરને ઊંચકતા જોયું તો રાતના સમયે સરોજ એકલી સામે ઊભી હતી. પ્રદીપ ગુપ્તાએ પૂછયું “બોલ સરોજ! રાતના સમયે અત્યારે કેમ આવી?”

સરોજ નતમસ્તકે બોલીઃ “ભાઇ સાહેબ, મને બે હજાર રૂપિયાની જરૂર છે.”

પ્રદીપ ગુપ્તા દુકાનમાં તેમની ખુરશી પર શાંતિથી બેઠા. સામે પડેલો ગ્લાસ ગટગટાવી દીધો. અગાઉ પણ બે પેગ પીધેલા હતા. શરૂઆતમાં તો સરોજને જોઇને ચીડાયેલા પ્રદીપ ગુપ્તાએ જોયું તો સરોજના દેહ પરથી સાડી સરકી પડી હતી, તે વિધવા હોવા છતાં હજુ આકર્ષક લાગતી હતી. તેના વાળ વીખેરાયેલા હતા છતાં એ કારણથી જ તે વધુ સુંદર લાગતી હતી. સરોજના દેહમાંથી પરસેવાની ગંધ આવતી હતી પરંતુ તે પણ તેમને માદક લાગવા માંડી. જંગલી ફૂલોની પરાગરજ કયારેક વધુ મદહોશ બનાવી દે છે. આ બધું જોયા બાદ પ્રદીપ ગુપ્તાનો મૂડ અચાનક બદલાઇ ગયો.

એમણે કહ્યું : “આવ સરોજ. તું આવી જ ગઇ છે તો બેસ અહીં. આજે તું ખુબ જ સરસ લાગે છે.”

સરોજ સંકોચાઇ, તે લજાતી-શરમાતી બેસી ગઇ. પ્રદીપ ગુપ્તાએ પેગ બનાવ્યો. તે પછી તેઓ બોલ્યા : “તારે બે હજાર રૂપિયા જોઇએ છે ને!”

“હા.” સરોજ દયનીય સ્વરે બોલી : “જુઓ, મારા હાથ એકદમ ખાલી છે ને!”

અને પ્રદીપ શર્માએ ધીમેથી એનો હાથ પકડી લેતા કહ્યું : “તારા હાથ સરસ છે.”

સરોજ ક્ષોભ સાથે હાથ પાછા ખેંચી લેતા બોલી : “તમને ચડી ગઇ છે.”

પ્રદીપ ગુપ્તાએ કહ્યું : “ચાલો એક વાત તો સારી થઇને કે મને ચડી ગઇ છે ત્યારે તો તારી સુંદરતા જોવાનો મોકો મળ્યો.”

સરોજ ખુરશી પરથી ઊભી થઇ ગઇ અને બોલી : “પ્રદીપ શેઠ! મને લાગે છે કે શરાબના નશામાં તમે સારું-નરસું પણ ભૂલી ગયા છો.”?

પ્રદીપ ગુપ્તાએ મૂડ બદલતાં કહ્યું : “મારી વાત ખરાબ લાગતી હોય તો ચાલી જા, અહીંથી. રાત્રે મારી પાસે આવી શા માટે? મને એકલાને શાંતિથી શરાબ પીવા દે.”

સરોજે ધીમેથી કહ્યું “ના ના. એવું નથી હું તો તમારી કસોટી કરવા રાત્રે આવી હતી. મને બે હજાર રૂપિયા આપો કે ના આપો પરંતુ આજ સુધી તમે મને મદદ કરી છે તે માટે હું આપનો આભાર માનું છું. હું કઇ રીતે તમારું ઋણ ચૂકવીશ?”

પ્રદીપ ગુપ્તા ફરી રોમેન્ટિક મૂડમાં આવી ગયા. એમણે કહ્યું: “ઋણ ચૂકવવાના અનેક રસ્તા છે. બેસ મારી પાસે. મારા હાથ-પગ દબાવી આપ. જો સરોજ! આ દુનિયા બડી સંગદિલ છે. પૈસાના બદલામાં કાંઇ ને કાંઇ તો આપવું જ પડે છે.”

સરોજ ખામોશ રહી.

જાણે કે એની સંમતિ હતી. પ્રદીપ ગુપ્તાની આંખો હવે શરારતી બની. સરોજના હોઠ પણ ફફડી રહ્યા હતા. એનો શ્વાસોશ્વાસ વધી ગયો હતો. પૂરા ત્રણ મહિના બાદ કોઇ એને સ્પર્શી રહ્યું હતું. પ્રદીપ ગુપ્તા પોતાના સ્વચ્છ ચારિત્ર્યને ભૂલી શરાબના નશામાં લપસી રહ્યા હતા. તેઓ બોલ્યા : સરોજ! તારા પસીનાની ગંધ જ મને નશામાં તરબોળ કરી રહી છે.!

સરોજ બોલી : “અમારા જેવાં ગરીબો પાસે પસીના સિવાય બીજું છે પણ શું?”

અને દુકાનનું અડધુ શટર બંધ થઇ ગયું.

રાત વીતી ગઇ.
વાત વહી ગઇ.

સવારે શરાબનો નશો ઉતરી ગયો. પ્રદીપ ગુપ્તાને હજુ હેંગઓવર હતું. બીજા દિવસે સવારે નાહી ધોઇને તૈયાર થઇ ફરી માર્બલની દુકાને આવ્યા. રાતની વાત માટે તેમનો અંતરાત્મા દુભાતો હતો. તેમણે જિંદગીમાં પહેલી જ વાર ભૂલ કરી હતી. દુકાનમાં ભગવાનનો દીવો કરી ઇશ્વરની માફી માંગવા લાગ્યા. પૂજા બાદ તેમણે નજર ફેરવી તો ફરી પોલીસ તેમની સામે ઊભી હતી. પ્રદીપ ગુપ્તાએ પૂછયું : “ઇન્સ્પેકટર સાહેબ, ખેરિયત તો છે ને?”

પોલીસે કહ્યું : “તમારા નોકરની પત્ની સરોજ રાત્રે અહીં આવી હતી?”

“હા, કેમ શું થયું?”

“એણે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. એના બ્લાઉઝમાંથી એક ચિઠ્ઠી મળી છે. તેમાં તમારું નામ-સરનામું છે. એણે તમારો આભાર માન્યો છે, પરંતુ આપઘાતનું કારણ જણાવ્યું નથી.

તમારે એને શું સંબંધ હતો? એણે આભાર કેમ માન્યો? એના આપઘાતનું કોઇ કારણ તમે જાણો છો?”

પ્રદીપ ગુપ્તા પાસે કહી શકાય તેવો કોઇ જવાબ નહોતો. તેમને લાગ્યું કે સરોજ ગરીબ હતી પરંતુ બદચલન નહોતી. તેઓ મનોમન બબડયા : “ભૂલ, મારી જ હતી.”

– દેવેન્દ્ર પટેલ