હોળીની રજાઓમાં રાજસ્થાનથી આવેલો એક મજદૂર વતન જવા માટે એસ.ટી.બસ સ્ટેશને કલાકોથી કતારમાં ઊભો રહે છે. એસ.ટી.બસમાં ઊભો ઊભો વતન પહોંચે ત્યારે સાવ નંખાઇ ગયો હોય છે. બીજી બાજુ ગુજરાતના એક પૂર્વ રાજ્યપાલ ઘણા વર્ષો પહેલાં મધ્યપ્રદેશ ખાતે તેમના વતન જવા માટે છાસવારે ગુજરાત રાજ્યના હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હતા. ગુજરાતમાં રહી ચૂકેલા એક બીજા પૂર્વ રાજ્યપાલને ખુશ્બુદાર પાનનો શોખ હતો. રાજભવનથી લકઝુરિયસ કારમાં બેસે ત્યારે જ તેમના પગની બાજુમાં ‘પાકિઝા’ ફિલ્મમાં જોવા મળે છે તેવી પિત્તળની ચમકતી પાનદાની ગોઠવી દેવામાં આવતી હતી.

રાજભવનમાં લીલા?

ચાલો , આ તો ઠીક છે. આજથી પાંચ વર્ષ પહેલા ગુજરાત બહારના એક રાજ્યના પૂર્વ રાજ્યપાલ ૮૩ વર્ષની વયે ત્રણ યુવતીઓ સાથે સેક્સ માણતા કેમેરા સામે ઝડપાયા હતા. દેશના લોકો અને ખુદ પ્રશાસન પણ એ વખતે ચોંકી ગયુ હતું. કદાચ એ સમય જ યોગ્ય હતોે જ્યારે આ દેશમાં રાજ્યપાલો નીમવાની પ્રથાનો અંત લાવી રાજભવનોને મ્યુઝિયમ, હોસ્પિટલ, સ્કૂલ કે પ્રશાસન અધિકારીઓ માટેના તાલીમ કેન્દ્રોમાં ફેરવી નાંખવાની જરૂર હતી. આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં એનડીેની સરકાર સત્તા પર આવી છે અને તેમણે કેટલાક રાજ્યપાલોને બદલવાની કાર્યવાહી હાથ કરી છે ત્યારે કેટલાક પોલિટિક્લ પંડિતો રાજ્યપાલોને બદલવા જોઇએ કે બદલવા ના જોઇએ તેની પરિણામ વગરની એબ્સર્ડ ચર્ચા કરી રહ્યા છે.

પ્રજાને કોઇ ફાયદો નથી

એ વાત સુનિશ્ચિત છે કે ભારતે બ્રિટિશ બંધારણની શૈલી અપનાવી છે. ભારતમાં સંસદીય લોકશાહી છે. લોકસભામાં ચૂંટાયેલા સાંસદો વડાપ્રધાન નક્કી કરે છે. દરેક રાજ્યમાં એક ગવર્નર હોય છે અને ગવર્નર ચૂંટાયેલા મુખ્યમંત્રી તથા મંત્રીઓને સોગંદ લેવડાવે છે. રાજ્યપાલ રાજ્યની યુનિર્વિસટીઓના ચાન્સેલર ગણાય છે. પરંતુ આ બધાં જ કાર્યોમાં તેમની કોઇ અસરકારક ભૂમિકા હોતી નથી. બ્રિટિશ બંધારણ કે જેની આપણે નકલ કરી છે તે બ્રિટિશ બંધારણ હકીકતમાં અલિખિત છે. અમેરિકા કે ફ્રાન્સની પ્રમુખશાહી પદ્ધતિ એ લોકતંત્રનું આધુનિક સ્વરૂપ છે. અમેરિકામાં રાજ્યોના વડા તરીકે ચૂંટાયેલી વ્યક્તિ ગવર્નર ગણાય છે. ભારતમાં ચૂંટાયેલી વ્યક્તિ મુખ્યમંત્રી ગણાય છે. જ્યારે ગવર્નરોની નિમણૂક કેન્દ્ર સરકારની ઇચ્છા અનુસાર રાષ્ટ્રપતિશ્રી કરે છે. વિશ્વના બીજા આધુનિક લોકતંત્ર ધરાવતા દેશોમાં રાજાશાહી પદ્ધતિ જેવા રાજ્યપાલોના પદ જ નથી. જ્યારે ભારત જેવા ગરીબ દેશમાં રાજ્યપાલોની આઉટ ઓફ ડેટ પ્રથા ચાલુ રાખવામાં આવી છે. રાજભવનોનો નિભાવ ખર્ચ, વાહન વ્યવહાર ખર્ચ, સુરક્ષા ખર્ચ, તબીબી ખર્ચ, તથા એડીસીથી માંડીને સ્ટાફનો ખર્ચ પ્રજાના કરમાંથી ચૂકવવામાં આવે છે અને રાજ્યપાલોથી પ્રજાના જીવનમાં ફાયદો થાય એવો કોઇ ફાળો રાજ્યપાલોનો હોતો નથી.

રાજભવનો-વૃદ્ધાશ્રમો

દેશના મોટાભાગના રાજભવનો વૃદ્ધાશ્રમ જેવાં હોય છે. રાજકારણમાં ફેંકાઇ ગયેલા અથવા જેમને ઠેકાણે પાડવા જરૂરી છે તેવા વૃદ્ધ નેતાઓ માટે આ પદોનો ઉપયોગ થાય છે. વળી કેટલીકવાર કેન્દ્રમાં સત્તા પર બેઠેલા શાસકે રાજ્યોમાં જો તેમની વિરોધી સરકાર હોય તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવા રાજ્યપાલોનો એક ઇન્સ્ટ્રુમેન્ટની જેમ ઉપયોગ કરે છે. કારણકે રાષ્ટ્રપતિ શાસન લાદતા પહેલાં કેન્દ્ર સરકાર જે તે રાજ્યની પરિસ્થિતિ અંગે રાજ્યપાલનો રિપોર્ટ મંગાવે છે. ભૂતકાળમાં એક ગવર્નરે આંધ્રમાં એન.ટી.રામારાવની સરકારને ઘરભેગી કરી હતી અને નન્દેલા ભાસ્કર રાવને મુખ્યમંત્રી બનાવી દીધા હતા. ૧૯૮૪માં તેમની સરકાર માત્ર ૩૧ દિવસ જ ચાલી હતી. એ વખતથી જ રાજ્યપાલોની ગરીમાના અંતનો આરંભ થઇ ચૂક્યો હતો. ૧૯૯૭માં ગવર્નરે રોમેશ ભંડારીએ પણ યુ.પી.માં કલ્યાણસિંહની સરકારને ડીસમીસ કરવા અને તેમણે જગદંબીકા પાલને મુખ્યમંત્રી બનાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કોર્ટની દરમિયાનગીરી અને મીડિયાની જાગૃતિના કારણે એ પેરવી નિષ્ફળ નીવડી હતી. આ દેશની પ્રજાએ જોયું છે કે દેશના કેટલાક રાજ્યોમાં રાજ્યપાલો કેન્દ્રમાં જે પક્ષની સરકાર હોય તેના એજન્ટ તરીકે વર્તવા પ્રયાસો કર્યા છે. આમ રાજભવનો ખુદ રાજનીતિના અખાડા બની રહ્યાં હોવાના કેટલાંયે ઉદાહરણો છે.

ચીફ જસ્ટિસને સોંપો

કેન્દ્રમાં હવે નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારે દેશની પ્રજાને તેમની પાસેથી અનેક ઉમ્મીદો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓના સમૂહની બનેલી કેટલીક કમિટિઓ વિખેરી નાંખી તે રીતે હિંમતપૂર્વક રાજ્યપાલો નીમવાની પ્રથા નાબૂદ કરી ભારતીય લોકતંત્રને વધુ ગતિશીલ બનાવવાની જરૂર છે. એ વાત સુવિદિત છે કે કેટલીકવાર રાજ્યમાં જે પક્ષની સરકાર હોય તે પક્ષ કરતાં અન્ય પક્ષની સરકારે નીમેલા રાજ્યપાલ હોય તો ઘણાં બિલો પુનઃવિચારણાના નામે પાછાં મોકલી નિર્ણયો લેવામાં વિલંબ કરાવે છે. છેવટે તેમાં પ્રજાનું જ અહિત થાય છે. આ બિનજરૂરી પ્રજાને આર્િથક બોજ આપનારી રાજ્યપાલો નીમવાની પ્રથાનો અંત લાવવાની હિંમત દાખવવાની જરૂર છે. ગવર્નરો પાસે જે બંધારણીય કાર્યભાર છે તે જે તે રાજ્યોની હાઇકોર્ટના વડા ન્યાયર્મૂિતઓને સોંપી દેવો જોઇએ. મુખ્યમંત્રીઓ અને તેમના મંત્રીઓેને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ જ સોગંધ લેવરાવે તે વધુ ઉચિત લાગશે. દેશના રાજભવનો તે બ્રિટિશ રાજની જરીપુરાણી શૈલીના પ્રતીક છે. રાજભવનોને જોઇએ છીએ ત્યારે હજુ પણ અંગ્રેજોની માનસિક ગુલામી ભોગવતા હોઇએ એવું લાગે છે. કોઇવાર સત્તા માટે વિવિધ પક્ષો તરફથી વિવિધ દાવા થાય તો ધારાસભ્યોની પરેડ કરાવવામાં આવે છે. આ કામ વિધાનસભાના અધ્યક્ષને સોંપી શકાય. જે તે પક્ષ ગમે તે દાવો કરે પણ બહુમતી તો વિધાનસભાના ફલોર પર જ નક્કી કરવી પડે છે. ટૂંકમાં બ્રિટિશરોએ આપેલી રાજાશાહીના આ પ્રતીકનો હવે અંત લાવી દેવો જોઇએ. રાજભવનો તે જે તે પક્ષના બેકાર કે વૃદ્ધ કે અશક્ત થઇ ગયેલા રાજનેતાઓની નિવૃત્તિનું આરામગૃહ કે વૃદ્ધાશ્રમ નથી. તા.૨૬મી જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવો હોય તો સમાજના સહુથી ગરીબ વ્યક્તિ પાસે તેકામ કરાવો. કોઇ કવિ, કોઇ કલાકાર, કોઇ શિક્ષક કે કોઇ દાર્શનીક દ્વારા ફરકાવો. દેશના ૪૦ કરોડ લોકો ગરીબી અને ભૂખમરામાં સબડે છે ત્યારે બ્રિટિશરોએ આપેલા કોલોનિયલ યુગની રાજ્યપાલોની પ્રથાના અંતની જરૂર છે. રાજ્યપાલોનુ પદ આદરણીય હતું પરંતુ એન.ડી.તિવારી જેવા રાજ્યપાલોએ એ પદની ગરીમા ખત્મ કરી નાંખી હતી એ જ દિવસે આ નિર્ણય લેવાની જરૂર હતી.

શ્રેષ્ઠ રાજ્યપાલો

હા, અત્રે એ વાત નોંધનીય છે કે, ગુજરાતને સદભાગ્યે એકંદરે ઉત્કૃષ્ટ રાજ્યપાલો મળ્યાં છે તે પૈકી મહેંદી નવાઝ જંગ એક ઉમદા વ્યક્તિ હતા. તેઓ સામાજિક કાર્યોમાં રત રહેતા. ગુજરાતના હાલના ગવર્નર શ્રીમતી ડો. કમલાજી પણ એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના પરિવારનું યોગદાન યશસ્વી રહેલું છે. ડો. શ્રીમતી કમલાજીએ ૧૯૩૮માં ‘કેપ્ટન ઓફ ગર્લ’તરીકે આઝાદીના સંગ્રામમાં ભાગ લીધો હતો. ૨૦૦૧માં તેમને લાલબહાદુર શાસ્ત્રી સંસ્કૃત વિદ્યાપીઠ તરફથી ‘વાચસ્પતિ ડી-લીટ’ની પદવી આપવામાં આવી હતી. એ જ વર્ષમાં અમેરિકન બાયોલોજિકલ ઇન્સ્ટિટયૂટ તરફથી તેમને ‘વુમન ઓફ ધ યર’ નો એવોર્ડ અપાયો હતો.તેમની સાદગી દેશના તમામ રાજ્યપાલોમાં એક અલગ અને શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગુજરાતના રાજ્યપાલ ડો. શ્રીમતી ડો. કમલા વિશે એક સાવ અજાણી વાત જાણવા જેવી છે. તે સમયે બરકતુલ્લાખાન રાજસ્થાનના મુખ્યમંત્રી હતા. તેના મંત્રીમંડળમાં શ્રીમતી કમલા ગૃહસૂચના અને જનસંપર્ક રાજ્યમંત્રી હતા. બાદમાં તે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી બન્યા. તે સમયે પોલીસ મહાનિરીક્ષક હતા સ્વ. સુલ્તાનસિંહ. પોલીસ મહાનિરીક્ષક કોઇ કામ માટે તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી શ્રીમતી ડો. કમલાજીને મળવા પહોંચ્યા. તેણે જોયું કે ત્યાં નાનકડો મંડપ લગાવાયો છે. મંડપ એકદમ ખાલીખમ હતો. કેટલીક ખુરશીઓ પાથરેલી હતી. પોલીસ મહાનિરીક્ષકે ત્યાં હાજર કમલાજીના નોકરોને પૂછયુ કે “આ મંડપ શા માટે લગાવાયો છે?” ત્યારે જવાબ મળ્યો કે “આજે કમલાજીની પુત્રીના લગ્ન છે.”

તત્કાલીન પોલીસવડાને આંચકો લાગ્યો.

આ જવાબ સાંભળીને તત્કાલીન સમયે રાજ્યના સૌથી મોટા પોલીસ અધિકારી હતપ્રભ થઇ ગયા. તેને થયું કે “હું રાજ્યનો પોલીસવડો છું અને કમલાજીએ મને જ આમંત્રણ ન આપ્યું.” પોલીસ મહાનિરીક્ષક ઘરે પરત આવ્યા.તેણે પોતાના પીએને કહ્યું કે “તપાસ કરો કે શું કમલાજી પોતાની પુત્રીના લગ્નનું આમંત્રણકાર્ડ મને મોકલવાનું ભૂલી ગયા કે શું?” પોલીસ મહાનિરીક્ષકના પીએએ કમલાજીના પીએને ફોન કર્યો.

શ્રીમતી ડો. કમલાજીના પીએએ જવાબ આપ્યો કે ‘કાર્ડ તો છપાવ્યા જ નથી. માત્ર ૧૨ જ જણા જાનમાં આવવાના છે અને બાકીના ઘરના સભ્યો જ હશે.”

આ જવાબ સાંભળી તત્કાલીન પોલીસવડા તો છક થઇ ગયા. આવાં છે ગુજરાતના રાજ્યપાલ ડો. શ્રીમતી કમલાજી. સાદગીનું આવું ઉત્કૃષ્ટ ઉદાહરણ ભાગ્યે જ ક્યાંક જોવા મળે.