કેજરીવાલ સમસ્યાઓનો ઉકેલ કે ખુદ એક સમસ્યા?
ભારતની રાજનીતિમાં અરવિંદ કેજરીવાલ નામનું એક અલગ વ્યક્તિત્વ ઊપસ્યું છે. તે દેશની સમસ્યાઓનો ઉકેલ છે કે સ્વયં એક કોયડો છે, તે નક્કી કરવા થોડી રાહ જોવી પડશે. દેશની પરંપરાગત રાજનીતિમાં એક નવી જ આશાનું કિરણ છે કે લોકતંત્રને ખતમ કરી નાખવા માગતો અરાજકતાવાદી આદમી છે, તે જોવા થોડી રાહ જોવી પડશે. તેઓ વિધાનસભા કે સંસદમાં કાયદા-કાનૂન મુજબ દેશને ચલાવવા માગે છે કે દેશનું વહીવટીતંત્ર ફૂટપાથ પર બેસી લોકોની ભીડ વચ્ચે ચલાવવા માગે છે, તે અંગે લોકો સ્વયં મૂંઝવણમાં છે. મૂકેશ અંબાણી સામે એફઆઈઆર નોંધાવી તેઓ દેશની રાજનીતિને મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓની પકડમાંથી મુક્ત કરાવવા માગે છે કે પછી દેશમાં ‘પીપલ્સ ડેમોક્રસી’ના નામે દેશમાં ચીન જેવો સામ્યવાદ લાવવા માગે છે, તે નક્કી કરવા માટે થોડોક ઇન્તઝાર કરવો પડશે.
એ વાતમાં કોઈ શંકા નથી કે અરવિંદ કેજરીવાલ સ્વયં ઇમાનદાર વ્યક્તિ છે. જાહેર સભાઓમાં નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મનમોહનસિંહ અને કોંગ્રેસ સામે જબરદસ્ત પ્રહારો કરે છે, પરંતુ પોતાના સાથીઓને સેફ પેસેજ આપે છે. હા, કેજરીવાલ ખુદ પ્રામાણિક હોઈ શકે છે, પરંતુ તેમના બધા જ સાથીઓને પ્રામાણિકતાનું પ્રમાણપત્ર આપી શકાય તેમ નથી. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર ૪૯ દિવસ રાજ કરીને વિદાય થઈ ગઈ. એમની સરકારે એક વાત તો સિદ્ધ કરી દીધી કે આ દેશમાં રાજનીતિ એ કેવળ મુઠ્ઠીભર લોકોનો એકાધિકારવાદ નથી. એમણે એ વાત પણ સિદ્ધ કરી દીધી કે રાજનીતિમાં માત્ર મંદિર કે મસ્જિદનો મુદ્દો હવે ચાલશે નહીં. હિન્દુવાદ કે લઘુમતીવાદનો મુદ્દો ચાલશે નહીં. જ્ઞાતિવાદ કે પ્રાંતવાદ પણ હવે ચાલશે નહીં. પ્રજા એ બધી પ્રયુક્તિઓથી ત્રસ્ત છે. કેજરીવાલે એ વાત પણ સિદ્ધ કરી દીધી કે અગર આમ આદમી મક્કમ થઈને નક્કી કરી લે તો રાજનીતિનો ઠેકો લઈને બેઠેલા ધંધાદારી- રાજકારણીઓને તે ઘરભેગા કરી શકે તેમ છે. બસ, આટલું જ તેમનું ઉજળું પાસું છે, પરંતુ તેની સામે કેજરીવાલની પાર્ટીનું ધૂંધળું પાસું ઘણું મોટું અને અતિ ગંભીર છે. જે રીતે જનલોકપાલ વિધેયક પર દિલ્હી વિધાનસભાની અંદર બંધારણની ધજ્જીઓ ઉડાડવામાં આવી અને જે રીતે અરાજકતા પેદા કરવામાં આવી તે તદ્દન શરમજનક ઘટના હતી. પાંડવો અને કૌરવોની સભામાં દુઃશાસને જે રીતે જાહેરમાં દ્રૌપદીનાં ચીરહરણ કર્યાં હતાં તેવાં જ ચીરહરણ કેજરીવાલે દિલ્હીની વિધાનસભામાં બંધારણનાં કર્યાં.
અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં ૨૮ બેઠકો કબજે કરી તે દિવસથી જ તેમને દિલ્હીમાં શાસન ચલાવવાની ઇચ્છા નહોતી. દિલ્હી વિધાનસભામાં તેમની કલ્પના બહારની બેઠકો આવ્યા બાદ તે દિવસથી જ તેમની નજર લોકસભા પર રહી છે. દિલ્હીનો પ્રયોગ તેઓ આખા દેશમાં કરવા માગે છે. દિલ્હીમાં જે દિવસથી તેમણે સત્તા સંભાળી તે દિવસથી જ તેમની સરકાર ઊથલી પડે અને તેઓ ‘રાજકીય શહીદ’ જાહેર થાય એવાં પગલાં લેતા રહ્યા હતા. દિલ્હીમાં રાજ કરવામાં તેમને રસ નહોતો. દિલ્હીના લોકો સારું અને સ્વસ્છ શાસન ચાહતા હતા, પરંતુ કેજરીવાલે દિલ્હીના લોકોને નિરાશ કર્યા. દિલ્હીનું શાસન માત્ર પ્રતીકાત્મક જ હતું. મુખ્યમંત્રીની ખુરશીમાં બેસી લોકોના પ્રશ્નો હલ કરવાને બદલે બે પોલીસવાળાઓની બદલી કરાવવા ફૂટપાથ પર બેસી ધરણાં કરવામાં તેમને વધુ રસ હતો. કેજરીવાલે દિલ્હીમાં સત્તા સંભાળી તે પછી તેઓ એક પછી એક એવા કેટલાક વિવાદોમાં સપડાતા ગયા. સહુથી પહેલાં તેમણે ૧૦ રૂમનો બંગલો રહેવા માટે પસંદ કર્યો. મીડિયાએ એ વાતનો પર્દાફાશ કરી નાંખતા ત્રણ બેડરૂમનો ફ્લેટ પસંદ કરવો પડયો. તે પછી તેમની જ કેબિનેટના સોમનાથ ભારતી નામના એક મંત્રી કે જેમની પર બે અશ્વેત મહિલાઓને અનિચ્છનીય ભાષામાં સંબોધવા મુદ્દે થયેલા આક્ષેપ પછી પણ તેઓ ચૂપ રહ્યા. સોમનાથ ભારતીનો બચાવ કરીને તેમણે પોતાની સ્વચ્છ પ્રતિભાને ખાસ્સું નુકસાન પહોંચાડયું. વીજળીનાં બિલ ૫૦ ટકા કરવા માટે તેમણે મૂળ સ્રોતમાંથી બિલ ઘટાડવાના બદલે સબસિડી આપી દીધી. એટલે કે સમાજ માટે શિક્ષણ કે બીજા કોઈ કલ્યાણ કામગીરી માટે વપરાનારાં નાણાં વીજ સબસિડીમાં પધરાવી દીધાં. એમાંયે જે પ્રામાણિક લોકોએ વીજ બિલ ભરી દીધાં હતાં તેનો લાભ ન મળ્યો. ડિફોલ્ટર્સને જાણે કે ચોકલેટ આપી દીધી. દિલ્હીમાં લોકોને પાણી મફત આપવાનું વચન પાળ્યું, પરંતુ દિલ્હીના ઘણા બધા વિસ્તારો આજે પણ પાણી વિના જ વંચિત છે. એ તરફ તેમણે ધ્યાન જ આપ્યું નહીં. લોકોના પ્રશ્નો હલ કરવા તેમણે દિલ્હીમાં જનતા દરબાર યોજ્યો, પરંતુ તેમાં હજારો લોકો આવી જતાં જનતા દરબારનો ફિયાસ્કો થયો. એ પછી બે પોલીસ અધિકારીઓની બદલી કરાવવા ધરણાં પર બેસી ગયા અને દિલ્હીના રોજબરોજના વ્યવહારને ખોરવી નાંખ્યો. મેટ્રો અટકી ગઈ. ટ્રાફિક જામ થઈ ગયો. લોકોનો મોટો પ્રતિભાવ ન મળતાં રાતોરાત એ ધરણાં સંકેલી લેવાં પડયાં.
અરવિંદ કેજરીવાલના ૪૯ દિવસના શાસનનું સરવૈયું મિશ્ર અભિપ્રાય ધરાવે છે. દિલ્હીમાં જ કેટલાક લોકો કહે છે તેમણે સારું કર્યું. કેટલાક લોકો કહે છે કે તેમણે મોટો જુગાર ખેલ્યો છે. કેટલાક લોકો કહે છે કે કેજરીવાલે દિલ્હીની જનતાના પ્રશ્નો હલ કરવાના બદલે ફરી ચૂંટણી આવે તેવી પરિસ્થિતિ ઊભી કરી દઈને દિલ્હીની જનતાને દગો કર્યો છે. કેટલાક વિવેચકો કેજરીવાલના આ પગલાને ઐતિહાસિક ભૂલ કહે છે. કેટલાક એમ માને છે કે દિલ્હીમાં સત્તા છોડી દઈને કેજરીવાલે આમ આદમીની આમ આદમી પાર્ટી પ્રત્યેની આશા જીવતી રાખી છે. કેટલાક કેજરીવાલના રાજીનામાને નાટક કહે છે. કેટલાક માને છે કે કેજરીવાલે લોકોનાં સપનાં વેચવાનું ચાલુ રાખ્યું છે. કેટલાક એમ માને છે કે કેજરીવાલે દિલ્હીમાં સરકારમાં બેસવાની જરૂર જ નહોતી. કોંગ્રેસને ગાળો દઈ ચૂંટણી લડયા પછી એ જ કોંગ્રેસના ટેકાથી કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા તે વાત તેમના માટે નૈતિકતાના અધઃપતન જેવી હતી.
આમ, અનેક દૃષ્ટિકોણથી જોઈએ તો અરવિંદ કેજરીવાલ એક ગૂંચવાડાભર્યું વ્યક્તિત્વ છે. તેમના સ્વયંના દિમાગમાં કોઈ સ્પષ્ટતા નથી અથવા તો દેશની ગરીબી, મોંઘવારી, બેકારી, પ્રાંતવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, આતંકવાદ, અલગતાવાદ જેવા અનેક પ્રશ્નો માત્ર ભ્રષ્ટાચાર દૂર કરવાથી હલ થઈ જશે એવા ભ્રમિત ખ્યાલમાં તેઓ રાચે છે. ગરીબી, મોંઘવારી, બેકારી એ બધા આર્થિક પ્રશ્નો છે. પ્રાંતવાદ, આતંકવાદ, અલગતાવાદ એ રાજકીય પ્રશ્નો છે. જ્ઞાતિવાદ અને કોમવાદ એ સામાજિક પ્રશ્નો છે. માત્ર ભ્રષ્ટાચાર દૂર થવાથી તેલંગણાનો કે જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદનો પ્રશ્ન હલ થઈ જશે એ વાત ગળે ઊતરે એવી નથી. ગરીબી દૂર કરવા વધુ ઉદ્યોગો જોઈશે. વધુ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ જોઈશે. ખેતરોને વધુ સિંચાઈની સવલતો અને વાજબી ભાવનાં ખાતરો જોઈશે. ખેડૂતોને સક્ષમ ભાવ મળવો જોઈશે. લાગે છે કે અરવિંદ કેજરીવાલ આ દેશના બંધારણ, અર્થતંત્ર, સમાજ અને સમસ્યાઓને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજતા નથી. ફૂટપાથ પર ધરણાં કરવાથી વરસાદ નથી વરસતો. ફૂટપાથ પર ધરણાં કરવાથી નવા ઉદ્યોગો સ્થપાતા નથી. ફૂટપાથ પર ધરણાં કરવાથી નવી નહેરો બંધાતી નથી. ફૂટપાથ પર ધરણાં કરવાથી દૂધ ઉત્પાદન વધતું નથી. ફૂટપાથ પર ધરણાં કરવાથી પૂરતા પોષણના અભાવે જન્મતાં જ મૃત્યુ પામતાં બાળકોને બચાવી શકાતાં નથી. ફૂટપાથ પર ધરણાં કરવાથી પાકિસ્તાનથી આવતા ત્રાસવાદીઓને રોકી શકાતા નથી. કેજરીવાલ આટલું સમજે તો સારું. દેશ ચલાવવા માટે વિકાસ અને ગૂડ ગવર્નન્સ જોઈએ.
ચાલો, છેલ્લે છેલ્લે અરવિંદ કેજરીવાલ માટે ચાલતી અનેક જોક્સ પૈકીની એક જોક માણીએ- The fate of nation is in the hands of a muffeler of a bluffer of a duffer.
મફલર અરવિંદ કેજરીવાલનો ટ્રેડમાર્ક છે. ડિક્શનરીમાં બ્લફરનો અર્થ ઉદ્ધતા, અસભ્યતા, અવિવેકી, ઢોંગી, નાદાન, તોફાની, વ્યવહારશૂન્ય અને પત્તાંબાજીની એક રમત એવો દર્શાવવામાં આવ્યો છે, જ્યારે ડફરનો અર્થ સસ્તી ચીજો વેચનાર ફેરિયો, મૂર્ખ, ઢાંઢો, બુદ્ધિનો બારદાન અને જડસો એવો દર્શાવવામાં આવ્યો છે. આશા રાખીએ કે અરવિંદ કેજરીવાલ એ જોકને ખોટી પાડે.

Comments are closed.