આયારામ-ગયારામ જેવી બદનામ રાજનીતિને પ્રોત્સાહન આપવાની ભાજપને જરૂર કેમ પડી?

દેશમાં ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી આવે તે પહેલાં જ ગુજરાતમાં સૌથી વધુ નાટયાત્મક ઘટનાઓ ઘટવા માંડી છે. જહાજ ડૂબવાનું થાય તે પહેલાં ઉંદરો જહાજમાંથી કૂદી પડે તે રીતે કેટલાંક કોંગ્રેસી ધારાસભ્યો પક્ષ છોડીને ભાજપામાં જોડાવા લાગ્યા છે. વર્ષો પહેલાં ગુજરાતની રાજનીતિ જે ઉક્તિથી બદનામ હતી, તે ‘આયારામ-ગયારામ’નો જમાનો ફરી આવી ગયો છે, અને તે પણ ગાંધી-સરદારના ગુજરાતમાં ! કોંગ્રેસના ધારાસભ્યો જે રીતે ભાજપમાં જવા લાઈનો લગાવી રહ્યા છે તે સાંપ્રત રાજનીતિની અધોગતિ સિવાય બીજું કંઈ નથી.

ગુજરાતમાં પક્ષપલટાનો ખતરનાક ખેલ કેમ ?

કયો લાભ ખાટવા ?

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનથી શરૂ થયેલો આ સિલસિલો હવે પરાકાષ્ઠાએ છે. હજુ એક વર્ષ પહેલાં જ જે ધારાસભ્યો કોંગ્રેસ કે જીપીપીના પ્રતીક પર ચૂંટણી લડીને ધારાસભામાં ગયા છે તેઓ પક્ષપલટો કરીને માત્ર તેમના પક્ષનો જ દ્રોહ કરતાં નથી, પરંતુ તેમના મતદારોનો પણ દ્રોહ કરી રહ્યા છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ કોઈ ચોક્કસ વિચારસરણીને મત આપ્યા છે અને રાતોરાત ગમે તે લોભ, લાલચ કે પ્રલોભનથી આકર્ષાઈને જે નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે તે માફ કરવાને લાયક નથી. આજના સમયમાં પૈસા, પદ કે બીજી લાલચ વિના કોઈ પક્ષપલટો કરતું નથી એ વાત ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે. રાતોરાત પક્ષપલટો કરી રહેલા નેતાઓએ પ્રજા સમક્ષ જઈ એ સ્પષ્ટ કરવું પડશે કે તેમનો કયો લાભ ખાટવા પક્ષપલટો કરવો પડયો છે. હવે સમય બદલાઈ ગયો છે. પ્રજા જાગૃત થઈ ચૂકી છે. પક્ષપલટો કરનાર આવા નેતાઓને બજાર વચ્ચે ઊભા રાખી પ્રજાએ તેમને જવાબ આપવા મજબૂર કરી દેવા જોઈએ અને જરૂર પડે તો એવા લોકોને જાહેર જીવનમાંથી કાયમ માટે રુખસદ આપી દેવાની ફરજ પાડવી જોઈએ.

નિષ્ઠાવાન કાર્યકરોનું શું?

સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે, ભારતીય જનતા પાર્ટી તરફથી વડા પ્રધાનપદ માટે નામાંકિત થયેલા નરેન્દ્ર મોદી જ્યારે દેશને ગુજરાતનું મોડેલ આપવાની વાત કરે છે ત્યારે મોદીની એ જાહેરાતમાં ગુજરાતમાં ચાલી રહેલા પક્ષપલટાની રાજનીતિનું પણ મોડેલ એમાં સામેલ છે ખરું ? અટલ બિહારી વાજપેયી પછી દેશમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આજે ટોચ પર છે ત્યારે મોદીને કે એમની પાર્ટીને કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષપલટો કરાવવાની જરૂર શું પડી ? શું અંદરથી તેઓ ભયભીત છે ? દેશને તેઓ રુશવતમુક્ત અને કોંગ્રેસમુક્ત બનાવવા માગતા હોય તો એ જ કોંગ્રેસીઓની એમને શું જરૂર પડી ? કોંગ્રેસમાંથી આવી રહેલા ધારાસભ્યોને શું લાલચો આપવામાં આવી ? પક્ષપલટો કરાવવો એ બદનામ થયેલી રાજનીતિ નથી ? પક્ષપલટો કરીને ભાજપામાં આવી રહેલા ધારાસભ્યો રાતોરાત દૂધે ધોયેલા થઈ જશે ? વળી ભાજપાના જે નિષ્ઠાવાન કાર્યકરોએ વર્ષો સુધી પક્ષ માટે જાત ઘસી નાખી છે તેમને હાંસિયામાં ધકેલી દઈ નવા આવેલા પક્ષપલટુઓને માન, ચાંદ, ટિકિટો કે ચેરમેનપદ અપાશે ? ભારતીય જનતા પાર્ટી શું ‘જમવામાં જગલો ને કૂટવામાં ભગલો’ની નીતિ અખત્યાર કરી રહી છે ? ભાજપાના હજારો કાર્યકરોએ તમામ કામ પડતા મૂકીને સભાઓ યોજી છે, સરઘસો કાઢયાં છે, પક્ષ માટે પ્રચાર કર્યો છે અને પક્ષ માટે લોહીનું પાણી કર્યું છે ત્યારે પક્ષને દગો કરીને આવનારા પલક્ષપલટુઓના કપાળમાં શું કંકુના તિલક કરવામાં આવશે ?

પક્ષપલટાના અને રાજનીતિના ગંદા ખેલ ગુજરાતે ભૂતકાળમાં જોયેલા છે. પંચવટી ફાર્મ અને ખજૂરાહો કાંડની વરવી ઘટનાઓ ગુજરાત હજુ ભૂલ્યું નથી. રાજનીતિની એ નિમ્નકક્ષાના ખેલથી ગુજરાતની પ્રજા ત્રસ્ત હતી. હજુ એક વર્ષ પહેલાં જ ગુજરાતમાં ચંટણીઓ થઈ એ વખતે ગુજરાતની પ્રજાએ જે તે ઉમેદવારને પાંચ વર્ષ માટે વિધાનસભામાં જવા મેન્ડેટ આપ્યો હતો, પરંતુ સત્તા ના મળતાં સત્તાધારી પક્ષનો લાભ લેવા જઈ રહેલા પક્ષપલટુઓ દગાબાજ અને લાલચુ જ સાબિત થયા છે. આવા લોકો ફરી ચૂંટણીમાં ઊભા રહે તો પ્રજાએ તેમને બરાબરનો પદાર્થપાઠ શીખવવો જોઈએ. ગુજરાતની પ્રજાને આવા બિકાઉ રાજકારણીઓની જરૂર નથી. એવી જ રીતે ગુજરાતની પ્રજાને નેતાઓને ખરીદવામાં આવે એવા પક્ષની પણ જરૂર નથી.

આવી જરૂર કેમ પડી ?

અટલબિહારી વાજપેયીના સમયે ભારતીય જનતા પાર્ટીનો આરંભ થયો ત્યારે આ પક્ષને ‘પાર્ટી વિથ ડિફરન્સ’ એવું નામ અપાયું હતું, પરંતુ ગુજરાતની ભાજપા જે રીતે પક્ષપલટાને પ્રોત્સાહન આપી રહી છે તે જોતાં તેનામાં અને મુલાયમસિંહ કે લાલુ યાદવની પાર્ટીમાં કોઈ ફરક દેખાતો નથી. ભારતીય જનતા પાર્ટી પણ એક બજારુ અને ધંધાદારી રાજકારણીઓની પાર્ટી તરીકે પોત પ્રકાશી રહી છે જે દેશની રાજનીતિ માટે આંચકારૂપ છે. અટલબિહારી વાજપેયીએ સત્તા પર આવવા કે સત્તા પર ટકવા પક્ષપલટાના રાજકારણનો કદીયે સહારો લીધો નહોતો. તેઓ પક્ષને એક ઊંચાઈ પર લઈ ગયા હતા. આજે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે તે જોતાં પક્ષની ઇમેજ બેશક નીચે જઈ રહી છે. નરેન્દ્ર મોદી જેવા શક્તિશાળી રાજકારણીએ પક્ષપલટાને પ્રોત્સાહન કેમ આપવું પડયું તે સમજાતું નથી. ગઈકાલ સુધી જે લોકોને તેઓ ભ્રષ્ટ અને લઘુમતીવાદી કહેતા હતા તેઓ રાતોરાત સુધરી ગયા ?

ગુજરાત બદનામ થશે ખેર !

આયારામ-ગયારામનો આ ગંદો ખેલ એક જમાનામાં હરિયાણા જેવા પ્રદેશની ઓળખ હતી. પક્ષપલટો કરનાર ધારાસભ્ય હોય તો રાજીનામું આપી દેવાનો કાનૂન છે. એ તો થશે જ, પરંતુ એથી તેઓ નૈતિક અને નીતિમત્તાવાળા નેતા બની ગયા છે એમ તેઓ માનતા હોય તો તેમની તે માન્યતા ગલત છે. આયારામ-ગયારામનો આ ગંદો ખેલ ગુજરાતને બદનામી જ અપાવશે. સાંભળવામાં તો એવું આવ્યું છે કે, કેટલાક ધારાસભ્યોને ધાકધમકી આપીને ભાજપામાં જોડાવા ફરજ પાડવામાં આવી રહી છે. કેટલાક ધારાસભ્યોનાં ધંધાના સ્થળો પર દરોડા પાડવાની કે તેમની ગ્રાન્ટ બંધ કરી દેવાની ધમકી અપાઈ હોવાનું સંભળાઈ રહ્યું છે. જો આ સાચું હોય તો તે બાબત સૌથી વધુ ડેન્જરસ છે. ગુજરાતમાં ભય ફેલાવીને પક્ષપલટો કરાવવાની નીતિથી વધુ નિમ્ન કક્ષાની નીતિ બીજી કોઈ હોઈ શકે નહીં.

શું કોલ્ડ સ્ટોરેજમાં જશે ?

પક્ષપલટો કરીને જઈ રહેલા નેતાઓએ એ વાત પણ જાણી લેવાની જરૂર છે કે, પક્ષપલટો કરનાર તમામને લાભ મળતો નથી. કોઈવાર આ જા-ફસા જા જેવો ખેલ પણ પડતો હોય છે. પક્ષમાં પ્રવેશ આપ્યા બાદ ઘણાને કોલ્ડ સ્ટોરેજમાં જ રાખવામાં આવે છે. ઘણાં ફસાયેલા છે. પૂછી આવો તેમને. રાજનીતિમાં ‘ઉપયોગીતાવાદ’ નામનો એક શબ્દ છે. એવું ના બને કે લોકસભાની ચૂંટણી બાદ પક્ષપલટો કરનારાઓને શોધવા પડે કે તેઓ ક્યાં છે ?