કભી કભી – દેવેન્દ્ર પટેલ

નિર્ભયા પહેલાં દિલ્હીમાં જ કોમલ સાથે ઘટેલી ઘટનાની સમાજે અને મીડિયાએ ઉપેક્ષા કરી

નવી દિલ્હીમાં જંતરમંતર ખાતે કેટલાંક માણસો એકઠાં થયાં હતા. તેમના હાથમાં સૂત્રો લખેલા પ્લેકાર્ડસ હતા. કેટલાક માતા-પિતા તેમની દીકરીઓ સાથે થયેલા અત્યાચારો માટે ન્યાય માગી રહ્યા હતા. તેમાં એક બળાત્કારનો ભોગ બનેલી એક અણજાણ પીડિતાના પિતા પણ હતા. એક ફૂટપાથ પર નત મસ્તકે બેઠેલા હતા. હરિયાણાના એક ગામમાં તેમની સૌથી મોટી દીકરી પર રાયડાના ખેતરમાં બળાત્કાર થયો હતો.

'અમારી દીકરી અમારી આશા ને તાકાત હતી'

તા.૯ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ તેઓ આગરામાં હતા. એ દિવસની ઘટનાએ તેમના પરિવારમાં ઝંઝાવાત લાવી દીધો. તેમની ૧૯ વર્ષની દીકરી કોમલ એના માતા-પિતા સાથે પશ્ચિમ દિલ્હીના કુતુબ વિહાર ફેઝ-૨ ખાતે રહેતી હતી. એ સાંજે બીજી ત્રણ મહિલાઓ કામ પરથી એક બસ દ્વારા ઘરે આવી રહી હતી. રાત્રે ૮-૩૦ વાગે તે બસમાંથી ઉતરી. અહીં ચાલીને થોડેક દૂર એક આછા અજવાળાવાળી ગલીમાં તેના ઘરે પહોંચવાનું હતું. તેઓ ચાલતાં ચાલતાં હનુમાન ચોક પહોંચ્યા. એ દરમિયાન પાછળથી એક લાલ રંગની ઈન્ડિકા કાર આવી. એમાંથી ત્રણ યુવકો બહાર આવ્યા અને રસ્તા પર જ તેમની સાથે છેડતી કરવા લાગ્યા. તમામ છોકરીઓ ચીસો પાડવા લાગી. પરંતુ કોઈ તેમની મદદે આવ્યું નહીં. એ બદમાશોએ કોમલને પકડી લીધી અને ઘસડીને કારમાં ફેંકી. કારના દરવાજા બંધ કરી દઈ કાર અંધારામાં દોડાવી મૂકી.

બાકીની છોકરીઓએ કોમલના ઘરે જઈ આ ઘટનાની જાણ કરી. તે વખતે કોમલના પિતા આગરામાં હતા, તેમને ફોનથી જાણ કરવામાં આવી. આ તરફ પડોશીઓએ પોલીસને જાણ કરી. પોલીસ કલાકો પછી આવી. પડોશીઓએ પોલીસ કારનો પીછો કરવા અને નાકાબંધી કરવા કહ્યું. પોલીસે લોકોને કહ્યું: ”તમે અમને મોટરકાર આપો તો અમે એનો પીછો કરીએ.”

પોલીસના આવા બેજવાબદારી ભર્યા જવાબથી લોકો ઉશ્કેરાયા. જોતજોતામાં ૩૦૦ લોકો ભેગા થઈ ગયા અને નજીકમાં આવેલા છાવલા પોલીસ મથકે જઈ દેખાવો અને ધરણાં શરૃ કર્યા. પોલીસે અપહરણકારોને પકડવાની કામગીરી કરવાના બદલે ધરણાં કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કર્યો. પરંતુ લોકો ત્રણ દિવસ સુધી પોલીસ મથક સામેથી હટયા નહીં એ પછી જ પોલીસ સક્રિય થઈ. ત્રણ દિવસ બાદ પોલીસે તપાસ શરૃ કરી અને કેટલીક બાતમીના અને કારના કલરના આધારે એ જ વસ્તીમાં રહેતા રાહુલ,વિનોદ અને રવી નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી. આ ત્રણેય યુવક અગાઉ એક ચોરીના કિસ્સામાં પણ પકડાયા હતા, અને દિલ્હીની તિહાડ જેલમાં હતા પરંતુ જામીન પર છૂટી ગયાના થોડા દિવસ બાદ જ તેમણે કોમલનું અપહરણ કર્યું હતું.

આ ત્રણેય શખ્સોને પકડીને પોલીસ સ્ટેશને લાવ્યા બાદ તેમની પર થર્ડ ડિગ્રીનો અમલ થતાં તેમણે કરેલી કબૂલાતો શરીરના રુંવાટા ઊભાં કરી દે તેવી હતી. એ ત્રણેય યુવાનોએ રાત્રે એ બસ સ્ટોપ નજીકથી જ કોમલને ઉપાડીને દૂર આવેલા રાયડાના ખેતરમાં લઈ ગયા હતા. એ ખેતરમાં એ ત્રણેય જણે વારાફરતી કોમલ પર બળાત્કાર   કર્યો હતો.

પોલીસે એ યુવાનોની કેફિયત બાદ દૂર આવેલા ખેતરમાંથી જઈ કોમલની શોધ શરૃ કરી હતી. ખેતરમાંથી ૧૯ વર્ષની કોમલનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્રણેય જણે સામુહિક અત્યાચાર બાદ કોમલને ગંભીર રીતે ઘાયલ કરી નાખી હતી, ક્રૂરતા તો એ હતી કે,ત્રણેય જણે એ છોકરી પર બળાત્કાર કર્યા બાદ કોમલની આંખોમાં એસિડ નાખી તેની આંખો બાળી નાખી હતી. શરાબ પીને એમણે બળાત્કાર કર્યો હતો. એ જ બોટલને એક પથ્થર પર તોડી નાખી અણિયારા કાચવાળી બોટલ એ કિશોરીના પ્રાઈવેટ પાર્ટમાં ઈનસર્ટ કરી હતી. એને લોહીલુહાણ હાલતમાં છોડી દઈ એ ત્રણેય જણ રાતના અંધકારમાં ભાગી ગયા હતા. નોંધપાત્ર વાત એ હતી કે ભયંકર ઈજા પામેલી કોમલ ત્રણ દિવસ સુધી લોહીલુહાણ હાલતમાં ખેતરમાં જ બેભાન હાલતમાં પડી રહી હતી. તેનાથી ઊભા થઈ શકાય તેમ નહોતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે પોલીસે તેનો મૃતદેહ કબજે કર્યો તેના થોડા સમય પહેલાં જ તે મૃત્યુ પામી હતી. પોલીસે એ રાત્રે જ કોમલની ખોજ શરૃ કરી હોત તો તે જીવી જાત, પરંતુ પોલીસે સક્રિય થવામાં ત્રણ દિવસ લીધા અને ત્રણ દિવસ સુધી કોમલના શરીરમાંથી વહી જતા લોહીના કારણ મોત સામે ઝઝૂમતી રહી.

આ ઘટનાને બે વર્ષ વીતી ગયા પરંતુ પીડિતાનું પરિવાર ન્યાયનો ઈન્તજાર કરતું રહ્યું. કોમલ પર અત્યાચારનો કેસ ત્રણવાર વિવિધ કોર્ટોમાં બદલાતો રહ્યો. હવે તેને નવી દિલ્હી દ્વારકાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવામાં આવ્યો. કોમલના પિતા કહે છેઃ ઘટનાના છ માસ સુધી તો કાગળો તૈયાર કરવામાં છ મહિના લાગ્યા. હું કોર્ટની કચેરીની બહાર રોજ ત્યાં જઈને ઊભો રહેતો. હું પોલીસ સ્ટેશન અને વકીલોની ઓફિસે ચક્કરો મારી મારીને થાકી ગયો. આ શારીરિક અને માનસિક થાકના કારણે હું બીમાર પડી ગયો. હું દ્વારકાની એક શૈક્ષણિક સંસ્થામાં મહિને રૃ.૭,૦૦૦ના પગારે પટાવાળાની નોકરી કરતો હતો. મારી બીમારીના કારણે રજાઓ પડી અને મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો.

તેઓ કહે છેઃ ”મારી દીકરી ગુડગાંવના સાયબર સિટીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરતી હતી. મારા ઘરમાં મારી દીકરી કોમલ સિવાય બીજાં બે નાના સંતાનો પણ છે. એકની વય ૧૪ વર્ષ અને બીજાની વય ૧૧ વર્ષની છે. કોમલની થોડી ઘણી આવક અમને મદદરૃપ થતી હતી. હવે કોમલ પણ નથી અને મારી નોકરી પણ છૂટી ગઈ. હવે ઘર ચલાવવું પણ મુશ્કેલ છે. દેવું પણ કર્યું છે. હવે મારી આખી જિંદગીની બચત પણ પૂરી થઈ જવા આવી છે. મારું ઘર એક રૃમ ટેનામેન્ટ છે. તેનો અડધો પ્લોટ વેચવા કાઢયો છે.

પીડિતાના પિતા મૂળ ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લાના ગામથી ૧૪ વર્ષની વયે રોજીની શોધમાં દિલ્હી આવ્યા હતા. દિલ્હી આવ્યાના કેટલાંક વર્ષો બાદ તેમની જ્ઞાતિની એક સ્ત્રી સાથે પરણ્યા હતા. દિલ્હીમાં પૂરતી આવક ના હોવાના કારણે અવારનવાર પોતાના ગામ પાછા ફર્યા હતા, પરંતુ બાળકો થતાં તેમને ભણાવવા એ યુગલ દિલ્હી પાછું ફર્યું હતું. તેઓ તેમના સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માગતા હતા. ગણેશદેવી કહે છેઃ ”અમારી પહેલી દીકરી કોમલનો જન્મ થયો ત્યારે અમે ખુશ થયાં હતાં. અમે વિચાર્યું હતું કે આપણે ભલે ગરીબ છીએ પરંતુ આપણી દીકરીનું જીવન સારું જાય તે માટે તેને શ્રેષ્ઠ શિક્ષણ આપીશું.”

એ પરિવારે એમના બાળકોને ભણાવવા પોતે જ સખત પરિશ્રમ કર્યો. કોમલ પોતે પણ એક શિક્ષિકા બનવા માગતી હતી. કોમલની મમ્મી કહે છેઃ ”કોમલ દ્વારકાની એક કોલેજમાં ભણી રહી હતી તેની સાથે સાથે જ એણે ડેટા એન્ટ્રી ઓપરેટરનું કામ શીખી લઈ સાંજના સમયની નોકરી શરૃ કરી હતી. તેને જે આવક થતી હતી તેમાંથી બચત કરીને તે તેના નાનાભાઈ અને બહેનને એક પ્રાઈવેટ સ્કૂલમાં દાખલ કરાવી તેમની ફી ભરતી હતી. અમારી દીકરી અમારા ભવિષ્યની આશા અને અમારી શક્તિ હતી. કોમલ અમારી ખૂબ કાળજી રાખતી હતી. અમારા ટેનામેન્ટની બાજુના નાનકડા પ્લોટમાં એક રૃમ બનાવવા માગતી હતી જેથી એના નાના ભાઈ-બહેન કોઈનીયે ખલેલ વિના ભણી શકે. પણ હવે અમારી દીકરી જ નથી. અમે અત્યંત ગરીબ છીએ. ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ દિલ્હીની નિર્ભંયા સાથે સામૂહિક બળાત્કારની ઘટના બાદ દિલ્હીમાં હજારો લોકોએ જ દેખાવો કર્યા તેથી અમને પણ ન્યાય મળશે તેવી આશા જન્મી હતી. અમારી દીકરીએ પણ નિર્ભયા જેટલી જ ઘાતકી યાતના સહન કરી છે, પરંતુ અમારા માટે દિલ્હીમાં કે દેશમાં કોઈ શેરીઓમાં બહાર આવ્યું નહીં.”

પીડિતાના પિતાએ તેમની પુત્રીની કરુણ કથાને એક કાગળ પર લખી દિલ્હીના જંતરમંતર પાસેની એક ફૂટપાથના ખૂણામાં એક પોસ્ટર પર ચોંટાડીને મૂકી હતી. અહીં ફરવા આવતા લોકો કુતૂહલતાથી થોભીને એ ઘટના વાંચીને જતા રહેતા. એક દિવસ નવી દિલ્હી સ્થિત ‘સંજીવની’ નામની એક સંસ્થાએ તેમનો કેસ હાથ ધર્યો. આ સંસ્થાનાં વડા અનિતા ગુપ્તાએ નેગી પરિવારની દીકરીને ન્યાય અપાવવા દિલ્હીમાં ઝુંબેશ ચલાવવાની જવાબદારી ઉપાડી લીધી હતી. અનિતા ગુપ્તાની વય ૧૦ વર્ષની હતી ત્યારે તેમને ભણાવતાં એક મહિલા શિક્ષિકા પર બળાત્કાર થયો હતો અને તેમની હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાની ઘેરી અસર અનિતા ગુપ્તા પર થઈ હતી. એ પછી તેમણે મહિલાઓ પર થતી હિંસા અને બળાત્કારનો વિરોધ કરવા ચળવળ ઉપાડી છે. કોમલની મમ્મી સૌને પૂછે છે : ”શું મારી દીકરી આવા કરુણ અને કષ્ટદાયક મોત માટે જન્મી હતી ?”

દિલ્હીની નિર્ભયા પર સામૂહિક બળાત્કાર થયો ત્યારે આખા દેશમાં હજારો લોકોએ મીણબત્તીઓ જલાવી દેખાવો   કર્યા પરંતુ નિર્ભયા પહેલાંની કોમલ સાથે ઘટેલી ઘટનાની સમાજે અને મીડિયાએ ઉપેક્ષા જ કરી. હવે બે દિવસ પહેલાં જ દિલ્હીની ફાસ્ટટ્રેક કોર્ટે કોમલ પરના બળાત્કાર અને હત્યાના કેસને રેરેસ્ટ ઓફ રેર ગણીને ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફરમાવી છે.

(નામ પરિર્વિતત છે)
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in