કભી કભી – દેવેન્દ્ર પટેલ
નબી મોહંમદ મૂળ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના ગજરૌલા ગામનો રહેવાસી હતો. તેની શાદી નૂર ફાતિમા સાથે થઈ હતી. કામની તલાશમાં તે દિલ્હીના નોઈડા વિસ્તારમાં આવ્યો હતો. અહીં તેનો ઈરફાન નામનો મિત્ર રહેતો હતો. ઈરફાન મકાનો રંગવાના કોન્ટ્રાક્ટ લેતો હતો. નબી મોહમ્મદને ઈરફાને કલર કામ કરવા માટે રાખી લીધો. નબી મોહમ્મદ એકરૃમ ભાડે લઈ ફાતિમા સાથે રહેવા લાગ્યો.
ઈરફાન પરણેલો હતો. કલર કામના કોન્ટ્રાક્ટની સાથે સાથે તે પ્રોપર્ટી ડિલિંગનું કામ પણ કરી સારું કમાઈ લેતો હતો. એક વાર તેણે નબી મોહમ્મદને ઘેર જમવા બોલાવ્યો. ઈરફાને નબી મોહમ્મદની પત્ની ફાતિમાને પહેલી જ વાર જોઈ. ફાતિમા ખૂબસુરત હતી. તેને ફાતિમા પસંદ આવી ગઈ. બીજી બાજુ ઈરફાનનો ઠાઠમાઠ જોઈ ફાતિમા પણ પ્રભાવિત થઈ. ફાતિમા મહત્ત્વાકાંક્ષી હતી. તેનું તો ઘર પણ બરાબર ચાલે એટલી આવક નહોતી. બંનેની આંખ મળી. આંખોના પલકારામાં ઘણી બધી વાતો થઈ ગઈ. ફાતિમા જાણે કે ઈરફાનને આમંત્રણ આપતી હતી,
એક દિવસ બપોરના સમયે ઈરફાન નબી મોહમ્મદના ઘેર પહોંચી ગયો. ફાતિમા એકલી જ ઘેર હતી. બેઉના જીવ મળી ગયા હતા. બેઉ વચ્ચે સંબંધ પણ બંધાયો. તે પછી ઈરફાન બપોરના સમયે નિયમિત ફાતિમાને મળવા આવવા લાગ્યો. ફાતિમાએ પોતાનું બધું જ ઈરફાનને સોંપી દીધું હતું. બદલામાં ઈરફાન તેને આર્થિક મદદ કરતો હતો. તે હવે નબી મોહમ્મદને શરાબ પીવા પણ પૈસા આપવા લાગ્યો. અલબત્ત, નબી મોહમ્મદને તેની પત્ની ફાતિમા અને ઈરફાન વચ્ચેના અવૈધ સંબંધોની જાણકારી નહોતી.
એક દિવસ બપોરના સમયે કાંઈક કામથી નબી મોહમ્મદ અચાનક ઘેર આવી ગયો. બારણું અંદરથી બંધ હતું. ફાતિમાએ બારણું ખોલ્યું. તેનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત હતા. અપૂરતા વસ્ત્રોમાં ઈરફાન આડો પડેલો હતો. નબી મોહમ્મદ સમજી ગયો. એને જોતાં જ ફાતિમા અને ઈરફાનના ચેહરાના રંગ ઊડી ગયા. ઈરફાન વસ્ત્રો પહેરી કાંઈ પણ બોલ્યા વિના બહાર નીકળી ગયો. ફાતિમાએ પણ પોતાના વસ્ત્રો સરખા કરી લીધા. આશ્ચર્યની વાત એ હતી કે પત્નીને ગેરમર્દની બાહોમાં જોયા બાદ નબી મોહમ્મદનું લોહી ઉકળી જવાના બદલે તે મૌન રહ્યો. એણે ના તો ઈરફાનને કાંઈ કહ્યું કે ના તો ફાતિમાને. ફાતિમા પણ પતિના રહસ્યમય મૌનને સમજી શકી નહીં.
ફાતિમા ચુપચાપ કામ કરવા લાગી. એ રાત્રે બત્તી બુઝાવી દીધા બાદ નબી મોહમ્મદે તેની પત્ની ફાતિમાને કહ્યું: ”ઈરફાન તારી સાથે જે કાંઈ કરી રહ્યો છે તે હું મફતમાં નહીં થવા દઉં. એણે મને રોજેરોજનું ખર્ચ આપવું પડશે.”
પતિની વાત સાંભળી ફાતિમા ખુશ થઈ ગઈ.
આમેય ઈરફાન તેને તો થોડી ઘણી મદદ કરતો જ હતો. હવે થોડું વધુ ખર્ચ ઉઠાવશે તો એના બદલામાં તેને પણ ઈરફાન સાથે ખુલ્લેઆમ મોજમસ્તી કરવા મળશે એવી દરખાસ્તથી તે ખુશ થઈ ગઈ. બીજા દિવસે ફાતિમાએ તેના પતિ દ્વારા મૂકવામાં આવેલી અશોભનીય પણ ફાયદાકારક દરખાસ્તની વાત કરી. ઈરફાનને એ સોદો મંજૂર હતો. ઈરફાન ફાતિમાનો ઉપભોગ કરવાના બદલ તેનું ઘર ખર્ચ ઉઠાવવા રાજી થઈ ગયો. હવે કોઈ ડર નહોતો. તે રોજેરોજ બલ્કે રાત્રે પણ ફાતિમાને મળવા ખુલ્લેઆમ આવવા લાગ્યો. ફાતિમાના પતિને એ બંનેના સંબંધો પર કોઈ એતરાજ નહોતો.
ઈરફાન અને નબી મોહમ્મદની પત્ની ફાતિમાને સંબંધ છે એ વાતની ખબર ઈરફાનની પત્નીને નહોતી. ઈરફાન તેની પત્નીને અંધારામાં રાખીને જ ફાતિમાને મળવા આવતો હતો. હવે તે ફાતિમાને ખાનગીમાં મળવવા આવવાના બદલે ફાતિમા સાથે નિકાહ કરી લેવાનું પણ વિચારવા લાગ્યો. થોડા દિવસ બાદ તેણે પોતાનો એ વિચાર ફાતિમા સમક્ષ અને તે પછી ફાતિમાએ એ દરખાસ્ત નબી મોહમ્મદ સમક્ષ મૂક્યા.
નબી મોહમ્મદે એ બેઉને શાદી કરી લેવા પર સંમત્તી આપી.
તે પછી એક દિવસે ઈરફાને ફાતિમા સાથે નિકાહ કરી લીધા. ફાતિમાએ ઈરફાન સાથે નિકાહ તો કરી લીધા, પરંતુ હજુ તે નબી મોહમ્મદ સાથે જ રહેતી હતી. ઈરફાન દર આંતરા દિવસે ફાતિમા પાસે આવી જતો હતો. તે હજુ તેની પત્નીને આ બીજાં લગ્નની વાત કરતા ડરતો હતો.
આ તરફ ફાતિમાના પતિ નબી મોહમ્મદનો સ્વભાવ હવે બદલાવા લાગ્યો. તે વાતવાતમાં ગુસ્સો પણ કરવા લાગ્યો હતો. પડોશીઓ પણ પતિ દ્વારા પત્નીને અપાયેલા ખુલ્લા વ્યાભિચારની છૂટથી નારાજ હતા. લોકો નબી મોહમ્મદને મહેણાં ટોણાં મારવા લાગ્યા હતા. તે રોજ વધુ ને વધુ શરાબ પીવા લાગ્યો હતો. એને લાગતું હતું કે, એણે એની ખૂબસુરત પત્ની એના દોસ્ત ઈરફાનને સોંપી દીધી છે, પરંતુ બદલામાં ઈરફાન તેને ઘણું ઓછું વળતર આપે છે. તે વધુ પૈસા માંગવા લાગ્યો. કારની પણ માંગણી કરી. ઈરફાને વધુ પડતી માગણીઓ સ્વીકારવા ઈન્કાર કર્યો. ત્યારે નબી મોહમ્મદે ઈરફાનને ધમકી આપી કે, ”હું તારી બીબીને બધું કહી દઈશ.”
ઈરફાન તેની પત્નીથી ડરતો હતો. મજબૂરીના કારણે તે નબી મોહમ્મદની બધી જ માગણીઓ પૂરી કરવા લાગ્યો. ઈરફાનની આ કમજોરીનો નબી મોહમ્મદ ફાયદો ઉઠાવતો રહ્યો. આ બ્લેક મેઈલિંગથી તે આર્થિક રીતે ઘસાવા લાગ્યો. એણે કેટલીયે વાર નબી મોહમ્મદને વધુ પડતી માગણીઓ ના કરવા સમજાવ્યો, પરંતુ નબી મોહમ્મદ પત્નીના બદલામાં પોતાની માગણીઓ પર સખ્ત થતો ગયો. એક દિવસ તો નબી મોહમ્મદે કહી દીધું: ”મારે કાલે જ પાંચ લાખ રૃપિયા જોઈએ છે. કાલે મને પૈસા નહીં મળે તો હું તારી બીબી પાસે જઈશ અને તારી અને ફાતિમાની વાત કહી દઈશ.”
એ વાત સાંભળ્યા બાદ એ જ ક્ષણે ઈરફાને નબી મોહમ્મદના એ ડરને હંમેશાં માટે ખત્મ કરી દેવા નિર્ણય લીધો. એણે એક ખતરનાક ફેંસલો લઈ લીધો. એણે નબી મોહમ્મદનું મોં કાયમ માટે બંધ કરી દેવાની યોજનાની વાતથી ફાતિમાને અંધારામાં રાખી. એ કામને તે એકલો જ અંજામ આપવા માંગતો હતો. નબી મોહમ્મદને પતાવી દેવા માટે ઈરફાને તેની સાથે કામ કરતા રાકેશ અને સુરજ હાશમી નામના બે મિત્રોને વાત કરી, એ બંને પણ દિલ્હીની કચ્ચી કોલોની, મદનપુર વિસ્તારમાં રહેતા હતા.
યોજના અનુસાર તા. ૯મી ડિસેમ્બરે ઈરફાને નબી મોહમ્મદને ફોન કરી દિલ્હીના જૈતપુર ખાતેના એક ઠેકા પર સાંજે દારૃ પીવા બોલાવ્યો. નબી મોહમ્મદે કહ્યું: ”ઠીક છે, હું આવું છું.”
નબી મોહમ્મદ શરાબના ઠેકા પર પહોંચ્યો ત્યાં તેને ચિક્કાર દારૃ પીવરાવવામાં આવ્યો. હવે તે ચાલી પણ શકે તેમ નહોતો. ઈરફાન, રાકેશ અને સુરજ હાશમીએ તેને ઊંચકીને સેન્ટ્રો કારમાં બેસાડયો. કારને હાઈવેથી દૂર એક નિર્જન રસ્તા પર લઈ જવામાં આવી. રાતના અંધારામાં જ ઈરફાન અને તેના મિત્રોએ નબી મોહમ્મદનું ગળું દબાવી દીધું. નબી મોહમ્મદના શ્વાસ થંભી ગયા. તે તરફડીને મૃત્યુ પામ્યો. તે પછી તેના મૃતદેહને કારની બહાર કાઢી જમીન પર ફેંકી દેવાયો. કોઈ તેને ઓળખી શકે નહીં, તે માટે ઈંટોથી તેનું માથું અને ચહેરો છુંદી નાંખ્યો. ભૂલથી યે તે જીવતો ન રહે તે માટે તેનું ગળું પણ ચાકુથી કાપી નાંખવામાં આવ્યું. એ પછી એના ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢી લઈ લાશને યમુના નદી પાસેની ઝાડીમાં ફેંકી દેવામાં આવી. કામ પૂરું થઈ ગયા બાદ એ ત્રણેય એ સ્થળેથી નીકળી ગયા.
મોડી રાત્રે ઈરફાન ઘેર પહોંચ્યો ત્યારે ઘરમાં અંધારું હતું. એણે બત્તી સળગાવી. એના ઘરનું દૃશ્ય જોઈ તે સ્તબ્ધ થઈ ગયો. પંખા પર તેની જ પત્નીની લાશ લટકતી હતી. નીચે ચિઠ્ઠી પડી હતીઃ ”આજે સાંજે નબી મોહમ્મદ આપણા ઘેર આવ્યો હતો. તેણે તમારા અને ફાતિમાના સંબંધોની વાત મને કહી દીધી છે. હું તમને વફાદાર રહી, પરંતુ તમે મારી સાથે દગો કર્યો છે. હું જિંદગીનો અંત લાવી રહી છું.”
એ પત્ર વાંચી ઈરફાન ભાંગી પડયો.
એ જ ક્ષણે એ નજીકના પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો અને નબી મોહમ્મદની હત્યાનો ગુનો કબૂલી લીધો.
માત્ર પૈસા માટે જ બીજાની પત્ની બનનાર ફાતિમા હવે એકલી છે.
Comments are closed.