થર્ડ ફ્રન્ટ સર્કસના પ્લેયર્સ જે હોય તે પણ તેની અસલી રિંગ માસ્ટર કોંગ્રેસ

લોકસભાની ચૂંટણી આવે તે પહેલાં અત્યાર સુધી યુપીએ અને એનડીએ વચ્ચે જ મુખ્ય સ્પર્ધા હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ અરવિંદ કેજરીવાલની આમઆદમી પાર્ટી મેદાનમાં આવી ગઈ. કેજરીવાલ એન્ડ કું. તેમના પક્ષ સિવાયના બીજા તમામ પક્ષોના નેતાઓને બેઇમાન સમજે છે. હવે, દિલ્હીમાં સત્તા કબજે કરવા માટે બિનકોંગ્રેસી અને બિનભાજપાવાળા કેટલાક પક્ષો ત્રીજા મોરચાના છત્ર હેઠળ એકત્ર થવા પ્રયાસ કરી રહ્યા છે. થર્ડ ફ્રન્ટના આ મોરચા અંગે કોંગ્રેસે વ્યૂહાત્મક મૌન ધારણ કર્યું છે, પરંતુ ભાજપાના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આક્રમક પ્રહાર કરતાં કહ્યું છે કે, “થર્ડ ફ્રંટની સરકાર આવશે તો તે દેશને થર્ડ રેટ બનાવી દેશે.”

લગ્ને લગ્ને કુંવારી ડોશીઓનો એ સંઘ કાશીએ પહોંચશે ખરો?

થર્ડ ફ્રંટ-ઇલેવન

દેશના ડાબેરીઓ સહિત કુલ ૧૧ બિનકોંગ્રેસી અને બિનભાજપાવાળી રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પહેલાં ગઠબંધન કરવા પહેલા મિટિંગનું આયોજન કર્યું. શરૂઆત લોકસભામાં પ્રજાના પ્રશ્નો અંગે એકસાથે મળીને કામ કરવાથી કરી. આ પ્રથમ બેઠકમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, ફોરવર્ડ બ્લોક રિવોલ્યુશનરી પાર્ટી, સમાજવાદી પાર્ટી, જનતા દળ (યુ), બીજુ જનતાદળ, અન્ના ડીએમકે, ઝારખંડ વિકાસ મોરચો, આસામ ગણપરિષદ વગેરેનો સમાવેશ થાય છે. બેઠક બાદ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચૂરીએ કહ્યું કે, ત્રીજા મોરચા અંગે કોઈ અવિશ્વાસ રાખવાની જરૂર નથી. કોંગ્રેસ અને ભાજપાની ધ્રુવીકરણની રાજનીતિનો અમે મુકાબલો કરીશું. આર્થિક ઉદારીકરણનો પણ વિરોધ કરીશું. ભ્રષ્ટાચારીઓનો પણ વિરોધ કરીશું.

ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર સામે

ચાલો, દેશમાં ચાલી રહેલા મહાયુદ્ધમાં હવે એક ત્રીજી સેના પણ જોડાઈ ગઈ છે. ચૂંટણી જંગ હવે ત્રિકોણીય થશે, પરંતુ ભ્રષ્ટાચાર અને બીજા કેટલાક મુદ્દાઓની વાત કરી રહેલા ત્રીજા મોરચાના નેતાઓની વાત સાંભળી પેલી કહેવત યાદ આવી જાય છે : ‘સો ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી.’ પૂરાં પાંચ વર્ષ સુધી પોતપોતાના રાજકીય ફાયદા ઢુંઢતી રહેલી ૧૧ રાજનૈતિક પાર્ટીઓ લોકસભાની ચૂંટણી પહેલાં એક મંચ બનાવવાની વાત કરે છે, તે હાસ્યાસ્પદ અને તકવાદી જોડાણ જ લાગે છે. કોંગ્રેસ અને ભાજપાની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવાવાળી આ રાજકીય પાર્ટીઓ હકીકતમાં ભૂતકાળમાં કોંગ્રેસ અને ભાજપાના નેતૃત્વ હેઠળની સરકારો ચલાવવા માટે સીધી યા આડકતરી રીતે પરદા પાછળ એ બંને પક્ષોની સરકારોને ટેકો આપતી જ આવી રહી છે. એમાંયે મુલાયમસિંહ યાદવની સમાજવાદી પાર્ટી તો આજે પણ યુપીએ સરકારને જ ટકાવવામાં મદદરૂપ થયેલી છે. સમાજવાદી પાર્ટી ખસી ગઈ હોય તો ક્યારનીયે યુપીએ-૨ની સરકાર ઊથલી પડી હોત. એ જ સમાજવાદી પાર્ટી કોંગ્રેસને ભ્રષ્ટાચારની જનની કહી રહી છે ત્યારે સૌથી વધુ આશ્ચર્ય થાય છે, કારણ કે મુલાયમસિંહ વિરુદ્ધ જ આવક કરતાં વધુ સંપત્તિના કેસ ચાલે છે.

નીતીશકુમારનો દંભ

એ જ રીતે ભારતીય જનતા પાર્ટીને સાંપ્રદાયિક કહેવાવાળી પાર્ટી- જનતાદળ (યુ) હજુ હમણાં સુધી એનડીએનો એક હિસ્સો હતી. નીતીશકુમારની આ જ પાર્ટી દસ વર્ષ સુધી ભાજપાની સાથે જ કેન્દ્રમાં અને બિહારમાં સત્તાનો સ્વાદ ચાખતી રહી હતી. નરેન્દ્ર મોદીના વડા પ્રધાનપદના ઉમેદવારની ઘોષણા થતાં જ માત્ર વ્યક્તિગત અહમ્ અને મહત્ત્વાકાંક્ષાના કારણે એણે એનડીએનો સાથ છોડી દીધો છે એવા જનતાદળ (યુ) પર જનતા કેવી રીતે ભરોસો કરશે ? ચૂંટણી પછી ભાજપાને પૂર્ણ બહુમતી ના મળે અને નરેન્દ્ર મોદીના નામ માટે સર્વસંમતિ ના થાય અને એલ. કે. અડવાણીને વડા પ્રધાન બનાવવા સહમતી સધાય તો એવી કોઈ ખાતરી છે કે, જનતાદળ (યુ) ફરી એકવાર એનડીએના સમર્થનમાં નહીં આવે ? વળી એ વાત છૂપી નથી કે નીતીશકુમાર ખુદ વડા પ્રધાન બનવાની છૂપી ખ્વાહિશ ધરાવે છે. પરંતુ આજકાલ તેમના ભાવ ડાઉન છે. તેઓ બિહારમાં જ સરકાર વિરોધી લહેરનો સામનો કરી રહ્યા છે. વળી તેમના જ મંત્રીમંડળના એક મુસ્લિમ મહિલા મંત્રી પક્ષમાંથી રાજીનામું આપી આમઆદમી પાર્ટીમાં જોડાઈ ગયાં છે. આ તેમના માટે આંચકારૂપ સમાચાર છે. ત્રીજા મોરચામાં જોડાઈ રહેલા તમિળનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાએ જ્યારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં ત્યારે તેમણે એકમાત્ર ગુજરાતના જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રિત કર્યા હતા અને હવે તે જ જયલલિતા ભાજપા તથા કોંગ્રેસ વિરોધી ત્રીજા મોરચામાં જોડાઈ રહ્યાં છે, એને શું સમજવું ?

ત્રીજા મોરચાનો ભૂતકાળ

હકીકત એ છે કે, ગુજરાત અને દેશના ઇતિહાસ પર નજર નાખીશું તો માલૂમ પડશે કે, ત્રીજા મોરચાએ કદી પ્રભાવશાળી ભૂમિકા નિભાવી નથી. ત્રીજો મોરચો હંમેશાં શંભુમેળા જેવો જ રહ્યો છે. ભૂતકાળમાં લોકસભાની ચૂંટણીઓનાં પરિણામો બાદ ઉપલબ્ધ ગણિતના કારણે વિશ્વનાથ પ્રતાપસિંહ, ચંદ્રશેખર, એચ. ડી. દેવેગૌડા તથા આઈ. કે. ગુજરાલ જેવાઓને થોડાક મહિનાઓ માટે દેશના વડા પ્રધાન બનવા માટે તક આપી, પણ તે સરકારોનું આયુષ્ય લાંબુ રહ્યું નહીં. ત્રીજા કે ચોથા મોરચાની સરકારો લાંબુ નહીં ચાલવાનું કારણ એક તો તેમની નીતિઓમાં મતભેદ હતો અને બીજું કારણ તે ઘટક પક્ષોના નેતાઓની મહત્ત્વાકાંક્ષા. છેલ્લા દસ વર્ષથી દેશમાં યુપીએની ડો. મનમોહનસિંહની સરકાર ચાલી રહી છે. તે દરમિયાન અનેક અવસર આવ્યા જ્યારે બિનકોંગ્રેસી અને બિનભાજપાવાળી ત્રીજા મોરચાની સરકારનો વિકલ્પ આપી શકાયો હોત, પરંતુ માંહેમાંહેની તકરારના કારણે એમ કદી શક્ય ના બન્યું. બહેતર એ હશે કે ત્રીજો મોરચો રચવાવાળા નેતાઓ પહેલાં એક કોમન મિનિમમ એજન્ડા નક્કી કરે અને ત્રીજા મોરચાનો એક નેતા નક્કી કરે, એ વાત પણ સ્પષ્ટ કરે કે ત્રીજા મોરચાની સરકાર રચાશે તો સરકારનું નેતૃત્વ કોણ કરશે ?

કોંગ્રેસની ગેમ

વાત અહીં જ પૂરી થઈ જશે, કારણ કે ત્રીજા મોરચામાં જોડાઈ રહેલા નેતાઓમાં કોંગ્રેસ અને ભાજપાનો વિકલ્પ આપવાના બદલે’વડા પ્રધાનપદ’ની મહત્ત્વાકાંક્ષાનો મુદ્દો વધુ અગ્રેસર છે, કારણ કે સંભવત- ત્રીજા મોરચામાં મુલાયમસિંહ યાદવ, જયલલિતા,નીતીશકુમાર જેવા અનેક નેતાઓ આજેય વડા પ્રધાનપદ હાંસલ કરવા તલપાપડ છે. માયાવતી થર્ડ ફ્રન્ટમાં જોડાયાં નથી, પરંતુ તેઓ ચૂંટણી પછી કોંગ્રેસ અથવા ભાજપના સહકારથી વડાં પ્રધાન બનવાની ખેવના ધરાવે છે. મમતા બેનરજીનું પણ એવું જ છે. તેઓ યુ.પી.એ. અને એન.ડી.એ. બંને સાથે તેમની સરકારોમાં રહી ચૂક્યા છે. એ જ રીતે ભાજપે નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના જાહેર કર્યા હોવા છતાં એલ. કે. અડવાણી, રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ અને નીતિન ગડકરી પણ વડા પ્રધાન બનવા માગે છે. જો કે હવે થર્ડ ફ્રન્ટ રચાઈ જ ગયો છે ત્યારે જૂની કહેવત પ્રમાણે લગ્ને લગ્ને કુંવારી ડોશીઓનો સંઘ કાશીએ પહોંચે છે કે કેમ તે જોવાનું રહ્યું.

એ યાદ રહે કે, અહીં કોંગ્રેસ પણ ગહેરી ચાલ ખેલી રહી છે. ઓપિનિયન પોલ્સના સર્વેક્ષણો મુજબ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુ.પી.એ.ની સરકાર રચાવાની ૨૦૧૪માં શક્યતા નથી તેથી કોંગ્રેસે કેન્દ્રમાં સરકાર રચવાનો ‘પ્લાન-એ’ પડતો મૂકીને ‘પ્લાન-બી’ અમલમાં મૂક્યો છે. ‘પ્લાન-બી’ એટલે કેન્દ્રમાં કોઈપણ સંજોગોમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએની સરકારની રચના થવા ન દેવી અને ‘પ્લાન-બી’નો પહેલો પાસો છે- ‘થર્ડ ફ્રન્ટ.’ બીજા શબ્દોમાં એમ કહી શકાય કે, નેશનલ સર્કસમાં કોંગ્રેસ રિંગ માસ્ટર છે અને મુલાયમ, નીતીશ અને જયલલિતા, પ્રકાશ કરાત અને નવીન પટનાયક વગેરે રિંગની અંદરના પ્લેયર્સ છે.