૭,રેસકોર્સ રોડ, નવી દિલ્હી. આ દેશના વડાપ્રધાન ડો. મનમોહનસિંહનું સત્તાવાર નિવાસસ્થાન છે. ૪૮,૫૬૨ ચોરસ મીટરમાં પથરાયેલું આ સંકુલ વડાપ્રધાનનું માત્ર નિવાસસ્થાન જ નહીં, પરંતુ તેમાં તેમની ઓફિસ પણ આવેલી છે. આ સંકુલને અત્યંત ચુસ્ત સલામતી બક્ષવામાં આવેલી છે. કોઈ પણ મુલાકાતીએ વડાપ્રધાનના ઘરે મળવું હોય તો અગાઉથી પોતાનું નામ અને કાર નંબર આપવાં પડે છે.
મુખ્ય ગેટમાં પ્રવેશતાં જ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપની પહેલી ટુકડી મુલાકાતીઓનાં નામ અને કાર નંબરની યાદી સાથે ઊભી હોય છે. એ પહેલાં સુરક્ષાકવચને પસાર કર્યા બાદ થોડાક મીટરના અંતરે બીજું સુરક્ષાકવચ છે. પ્રાઈવેટ કાર અહીં થોભાવી દેવી પડે છે. એસપીજીના અધિકારીઓ કારમાંથી બહાર આવી મુલાકાતીઓનાં આઈકાર્ડ તપાસે છે. એ આઈકાર્ડ સરકારી એટલે કે મોટરવાહન ચલાવવાનું લાઇસન્સ કે ચૂંટણી ઓળખકાર્ડ કે પાસપોર્ટ જેવું અધિકૃત હોવું જોઈએ. પ્રાઈવેટ કંપનીએ આપેલાં આઈકાર્ડ માન્ય નથી. એ બીજી ટુકડી પાસે પણ મુલાકાતીઓનાં મંજૂર થયેલાં નામોની યાદી હોય છે. તેમને એક રિસેપ્શન હોલમાં લઈ જવામાં આવે છે. અંદરથી ફરી મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડે છે. મોબાઈલ જમા કરાવી દેવા પડે છે. આ સુરક્ષાકવચ પસાર થયા બાદ રિસેપ્શન કમરાના પાછલા દરવાજામાંથી મુલાકાતીને બહાર લાવવામાં આવે છે. બહાર વડાપ્રધાનની કચેરીની કાર અને ડ્રાઈવર તૈયાર હોય છે. એ કારમાં તમને કેટલાંક મીટર દૂર આવેલ પીએમના નિવાસસ્થાને લઈ જવામાં આવે છે. બહાર ઊભેલા અધિકારીઓ મુલાકાતીને અંદર એક ડ્રોઈંગરૂમમાં લઈ જાય છે. તેને અડીને બીજો એક ડ્રોઈંગરૂમ છે, જેની અંદર વડાપ્રધાન બેઠા હોય છે. અગાઉના મુલાકાતી બહાર નીકળે એટલે અધિકારી તમને પીએમ જ્યાં બેઠા હોય ત્યાં લઈ જાય છે. વડાપ્રધાનનો ડ્રોઈંગ રૂમ અત્યંત સાદગીભર્યો અને ભભકા વગરનો છે. વડાપ્રધાન વાતચીત કરતા હોય ત્યારે પીએમ હાઉસનો કર્મચારી ચોક્કસ ગણવેશમાં પહેલાં પકોડા કે રિંગ રોલ જેવો હળવો નાસ્તો અને તે પછી ચા કે કોફી લઈને આવે છે. વડાપ્રધાન આગળ કોઈ રજૂઆત કરી હોય તો એ ખંડની બહાર નીકળતા જ પીએમ ઓફિસના ઉચ્ચ અધિકારી પીએમ ઓફિસમાં તેમના સચિવને કેટલા વાગ્યે મળવાનું છે તેનો સમય એ વખતે જ આપી દે છે. ફરી પીએમ નિવાસસ્થાનની કાર તમને રિસેપ્શન સુધી મૂકવા આવે છે.
આવું અત્યંત સુરક્ષિત, અત્યંત શક્તિશાળી નિવાસસ્થાન ૭, રેસકોર્સ રોડ છોડવા ડો. મનમોહનસિંહે મન બનાવી લીધું છે. આ તેમની છેલ્લી ટર્મ છે. તે એમણે અગાઉ જાહેર કરી દીધું છે. આજ સુધી બીજા એક પણ વડાપ્રધાને ભૂતકાળમાં અગાઉથી પોતાની નિવૃત્તિ જાહેર કરી નથી. ડો. મનમોહનસિંહે અગાઉથી નિવૃત્તિ જાહેર કરી હોઈ દિલ્હીનું વહીવટી તંત્ર ડો. મનમોહનસિંહ માટે નિવૃત્તિ પછી રહેવાના નિવાસસ્થાનની શોધ કરી રહ્યું છે.
આમ તો રાજીવ ગાંધીના સમયથી ૭, રેસકોર્સ રોડ વડાપ્રધાનનું સત્તાવાર નિવાસ સ્થાન અને ઓફિસ એમ બેઉ હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. નિયમ એવો છે કે ટર્મ પૂરી થાય તે પછી એક મહિના સુધી બીજા સાંસદોની જેમ વડાપ્રધાન પણ તેમને જે નિવાસસ્થાન ફાળવ્યું હોય તેમાં રહી શકે છે. અલબત્ત, ૧૯૮૯માં વીપી સિંહ સામેના પરાજય બાદ રાજીવ ગાંધીએ વડાપ્રધાન તરીકેનું તેમનું નિવાસસ્થાન તાત્કાલિક ખાલી કરી દીધું હતું અને તેઓ ૧૦, જનપથ ખાતે રહેવા જતા રહ્યા હતા.
રાજીવ ગાંધી ૧૦, જનપથ ખાતે રહેવા ગયા ત્યારે જાહેર બાંધકામ ખાતાના એક અધિકારીએ તેમને ચેતવ્યા હતા કે આ ઘરમાં એક ભૂત રહે છે, તમે સાચવજો. એ અધિકારીની વાત સાંભળ્યા બાદ રાજીવ ગાંધીએ જોરદાર હસીને કહ્યું હતું, જબ વહ ભૂત ઈસ ભૂત કો (એટલે કે મને) દેખેગા તો ભાગ જાયેંગા.
દેશના બધા જ પૂર્વ વડાપ્રધાનોને ઉચ્ચ શ્રેણીમાં આવતા ટાઈપ -૮ બંગલો આપવામાં આવે છે. ડો. મનમોહનસિંહ પણ હવે નિવૃત્ત થઈ રહ્યા હોઈ તેમના માટે વિવિધ બંગલાઓ તપાસવામાં આવી રહ્યા છે. નિવૃત્તિ બાદ પણ ડો. મનમોહનસિંહને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપનું સુરક્ષાકવચ મળશે.
તેમના માટે જે એક બંગલો પસંદ કરવામાં આવ્યો છે તે અગાઉ પૂર્વ વડાપ્રધાન આઈ.કે. ગુજરાલને ફાળવવામાં આવ્યો હતો. આઈ.કે. ગુજરાલ ગત. તા. ૩૦મી નવેમ્બર, ૨૦૧૨ના રોજ મૃત્યુ પામ્યા અને તે પછી તેમનાં પત્ની શીલાનું પણ અવસાન થતાં તે બંગલો હાલ ખાલી છે. તેના સુરક્ષાની દૃષ્ટિએ જરૂરી ફેરફાર કરવા પડશે. અલબત્ત, આ સિવાય પણ કેટલાંક બીજાં નિવાસસ્થાનોની યાદી શોર્ટ લીસ્ટમાં કરવામાં આવી છે.
રાજીવ ગાંધી વડાપ્રધાન તરીકે ૭, રેસકોર્સ રોડ ખાતે રહેવા આવ્યા ત્યારપછી એ જ નિવાસસ્થાનને વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન બનાવી દેવામાં આવ્યું છે. એ અગાઉ તેઓ તેમનાં માતા ઇન્દિરા ગાંધીના ૧, સફદરજંગ ખાતેના નિવાસસ્થાને રહેતાં હતાં. ઇન્દિરા ગાંધી અકબર રોડ અને ૧, સફદરજંગ એમ બે બંગલાઓમાં બનેલા સંકુલમાં રહેતાં હતાં. એકમાં તેમનું નિવાસસ્થાન હતું જ્યારે બીજામાં તેમનું કાર્યાલય હતું. તા. ૩૧ ઓક્ટોબર,૧૯૮૪ના રોજ તેમની હત્યા થઈ ગઈ તે પછી તે નિવાસસ્થાનને ઇન્દિરા ગાંધી મેમોરિયલમાં પરિર્વિતત કરી દેવામાં આવ્યું છે. ૧૯૮૯થી ગાંધી પરિવાર ૧૦, જનપથ ખાતે રહે છે. તે અંગે કેટલીક વાતો પણ ચાલે છે કે અહીં રહેલી કોઈ વિચિત્ર તાકાતને કારણે વડાપ્રધાનો પૈકી કોઈના કોઈનું અકાળે મૃત્યુ થયું છે અથવા તો રાજકીય પીછેહઠ થઈ છે.
પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી પણ એ બંગલામાં જ રહેતા હતા અને રશિયામાં તાશ્કંદ ખાતે તેમનું અચાનક જ અવસાન થયું. તે પછી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર એલ. કે. ઝા અહીં રહેવા આવ્યા હતા. તેઓ રાજ્યસભામાં પ્રવેશ્યા અને તેમની ટર્મ પૂરી થાય તે પહેલાં તેમનું મૃત્યુ થયું.
ચન્દ્રશેખર એક જ એવા વડાપ્રધાન હતા જેઓ ૭, રેસકોર્સ રોડ ખાતે રહેવા ન ગયા. તેમણે તેમનું કાર્યાલય આ સરનામે ચાલુ રાખ્યું હતું, પરંતુ તેઓ રહેતા હતા ૩, સાઉથ એવન્યૂ બંગલો ખાતે. તેમની સરકાર સાત જ મહિના ચાલી હતી.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈના નેતૃત્વ હેઠળના એનડીએનો પરાજય થયો ત્યારે દિલ્હીનું વહીવટી તંત્ર અટલ બિહારી વાજપેઈ માટે નવું ઘર અગાઉથી શોધવા સજ્જ નહોતું. વડાપ્રધાન માટે મકાનો શોધવાનું કામ કેન્દ્ર સરકારનું શહેરી વિકાસ મંત્રાલય કરે છે. વાજપેઈજીના નેતૃત્વવાળું એનડીએ ચૂંટણી જીતી જશે એવા ખ્યાલથી તેમના માટે નિવાસસ્થાન શોધવાનું કામ કોઈએ કર્યું જ નહીં. એનડીએની સરકાર ગયાના છ મહિના બાદ ૬-એ, ક્રિશ્ન મેનન માર્ગનું મકાન તૈયાર પછી જ તેઓ આ નવા નિવાસસ્થાને રહેવા ગયા હતા. ત્યાં સુધી ડો. મનમોહનસિંહ વડાપ્રધાન બન્યા પછી પણ તેમને રાજ્યસભાના સભ્ય તરીકે મળેલા ૧૯, સફદરજંગ માર્ગ ખાતેના નિવાસસ્થાનમાં રહ્યા હતા અને ૭, રેસકોર્સ રોડ ખાતેની વડાપ્રધાનની કચેરીનો જ ઉપયોગ કરતા હતા. ડો. મનમોહનસિંહ તો હવે નિવૃત્ત થઈ રહ્યા છે, પરંતુ ૭, રેસકોર્સ રોડ હવે નવા વડાપ્રધાનનો ઇંતજાર કરી રહ્યું છે.
Comments are closed.