કભી કભી – દેવેન્દ્ર પટેલ
  • હિમાલયની ર્બિફલી પહાડી પર ખેલાયેલા જંગની કથા
  • એલઓસી કારગિલ‘ અને લક્ષ્ય‘ ફિલ્મની કથાનો અસલી હીરો યોગેન્દ્રસિંહ યાદવ

ભારતવર્ષના લોકો ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી. દેશના નેતાઓ ભવ્ય બંગલા,લાલબત્તીવાળી મોટરકાર,કમાન્ડોઝની સુરક્ષા અને પોલીસની સલામોના વૈભવમાં ડૂબેલા છે ત્યારે અહીં એક એવા જવાનની કહાણી પ્રસ્તુત છે, જેણે માઈનસ ૨૦ ડિગ્રીમાં ગરકાવ ર્બિફલી પહાડીઓની વચ્ચે દુશ્મન સૈન્ય અને પોતાની જિંદગી સાથે એક જબરદસ્ત લડાઈ લડી.

ભારતીય લશ્કરના એ જવાનનું નામ છે : નાયબ સૂબેદાર યોગેન્દ્રસિંહ યાદવ.

એ જવાનની કથા એમના જ શબ્દોમાં સાંભળોઃ ”ઈશ્વર દરેક માનવીને જિંદગીમાં એક વાર કોઈને કોઈ ખાસ કામ કરવાની તક આપે છે. મારા જીવનમાં પણ આવો જ એક મોકો આવ્યો. વાત ૧૯૯૯ની સાલની છે, હું મારા જીવનની શરૃઆત કરી રહ્યો હતો. તા. ૫મી મે, ૧૯૯૯ના રોજ મારું લગ્ન હતું. હું લગ્ન માટે મારા ગામ ગયો હતો. લગ્ન કરી લીધા બાદ તા. ૨૦મી મેના રોજ હું જમ્મુ પાછો આવ્યો, ત્યારે ખબર પડી કે મારી બટાલિયન કારગિલ કૂચ કરી ગઈ છે. કારગિલ પર પાકિસ્તાનના સૈનિકોએ આક્રમણ કરી દીધું હતું. મારા જીવન માટે આ જ એક સુવર્ણપળ હતી, આ જ એ સોનેરી ક્ષણ હતી, જેણે મને મારા દેશની સેવા કરવાની તક આપી. મને ગર્વ છે કે હું હિન્દુસ્તાનમાં જન્મ્યો છું. મને ગર્વ છે મારા માતા-પિતા પર, જેમણે મને દેશની સેવા માટે પ્રેરિત કર્યો.

યુદ્ધના મેદાનમાંથી અમને સમાચાર મળી રહ્યા હતા કે, આપણા કેટલાય જવાનો શહીદ થઈ ગયા હતા. કારગિલ ક્ષેત્રમાં એક ”ટાઈગર હિલ” છે, તેની પર દુશ્મનોએ કબજો લઈ લીધો હતો. એ ટાઈગર હિલ પર ફરી વિજય મેળવવા માટે ભારતીય લશ્કરે એક સ્ટ્રાઈકિંગ ફોર્સ અર્થાત્ ઘાતક ટુકડી તૈયાર કરી હતી. મને એ ટુકડીમાં સામેલ કરવામાં આવ્યો હતો. તા. ૨જી જુલાઈના રોજ અમે ટાઈગરહિલ પર ચઢાઈ શરૃ કરી. ખુશી એ વાતની હતી કે, મને એ ટુકડીમાં સહુથી આગળ ચાલવાની તક મળી હતી. તા.૫મી જુલાઈ સુધીમાં અમે ટાઈગરહિલ ચડી ગયા. રસ્તો અત્યંત મુશ્કેલ હતો. બરફનું તોફાન ચાલુ હતું, પરંતુ અમારો જુસ્સો બુલંદ હતો. અમે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા સજ્જ હતા. અમે બધા કદમથી કદમ મીલાવીને આગળ વધી રહ્યા હતા.

મને અત્યંત ગર્વ છે, હું હિન્દુસ્તાનમાં જન્મ્યો છું

અમે આગળ વધી રહ્યા હતા, ત્યાં જ અચાનક દુશ્મનોએ અમારી પર ફાયરિંગ શરૃ કરી દીધું. અમે પણ વળતું ફાયરિંગ શરૃ કર્યું. બંને તરફથી ગોળીઓ છૂટવા લાગી. દુશ્મન સેનાના આઠ સૈનિકો માર્યા ગયા. તેની આમે અમે માત્ર સાત જ જવાન હતા, પણ એ વખતે એમને લાગ્યું કે અમે સાત નહીં પણ ૭૦૦ છીએ.આ દરમિયાન દુશ્મન સૈનિકોની ટુકડી નજીક આવી ત્યારે જ એમને ખબર પડી કે, અમે ફક્ત સાત જ જવાન છીએ. એ લોકોએ પાછા જઈને એમના કમાન્ડરને જાણ કરી.

દુશ્મનોએ એમની રણનીતિ બદલી. અડધા કલાક બાદ પાકિસ્તાનના સૈનિકોએ નારાબાજી શરૃ કરી. તેની સામે અમે નક્કી કર્યું કે,એ લોકો વધુ કરીબ આવે તે પછી જ ફાયરિંગ શરૃ કરવું. અમારી પાસે દારૃગોળો ઓછો થવા લાગ્યો હતો. નીચેથી જ અમને સપ્લાય થતો નહોતો. દુશ્મન ટુકડી નજીક આવતાં જ અમે ફાયરિંગ શરૃ કર્યું. સામેથી દુશ્મનોએ પણ ફાયરિંગ શરૃ કર્યું. આ લોહિયાળ સંઘર્ષમાં અમારી ટુકડીના છ જવાન શહીદ થઈ ગયા. પરંતુ શહીદ થતા પહેલાં એમણે દુશ્મન સૈન્યના ૩૫ જવાનોને ઢાળી દીધા હતા.

ભારતીય સૈન્યની ટુકડીના સાત પૈકી એક માત્ર હું જ જીવીત હતો, પરંતુ હું પણ ગંભીર રીતે ઘવાયો હતો. મારા શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. એ વખતે પણ મારો જુસ્સો યથાવત હતો. મારું શરીર લોહીલુહાણ હોવા છતાં મને જરા પણ દર્દનો અહેસાસ થતો નહોતો. મારા દિલોદિમાગમાં સિર્ફ ભારતનો ત્રિરંગો લહેરાઈ રહ્યો હતો. યુદ્ધ ભૂમિ પર મારા સાથીઓના શબ પડયા હતા. હું અર્ધ બેહોશ હતો. એટલામાં દુશ્મન સૈનિકો આવી પહોંચ્યા. આપણા શહીદોના શબ પર ફરી ગોળીઓ છોડવા લાગ્યા. આપણા શહીદોના મૃતદેહને બુટથી લાતો મારવા લાગ્યા. એ લોકો અમને ગાળો પણ દેતા હતા. હું એ લોકો જોઈ ના શકે તે રીતે દૂરની એક શીલાની પાછળ લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. હું એમની વાતો સાંભળી રહ્યો હતો. એમના અફસરે અમારી નીચેની ચોકી નષ્ટ કરી દેવા હુકમ કર્યો. હું ચૂપચાપ પડયો જ રહ્યો. એક જણે મને જોઈ લીધો, પણ એ બધાંને લાગ્યું કે હું જીવંત નથી. મારી હાલત ગંભીર હતી. મેં ઈશ્વરને પ્રાર્થના કરી કે, ”હે ભગવાન! મને થોડીવાર માટે પણ જીવીત રાખો, જેથી હું નીચે મારી ચોકી પર જઈ મારા સાથીઓને દુશ્મનના ઈરાદાથી વાકેફ કરી શકું.”

આ દરમિયાન દુશ્મનોના અફસરે એના સાથીઓને કહ્યું, શબો પાસે જે રાઈફલો પડી છે, તે બધી ઉઠાવી લાવોે. એમણે અમારી રાઈફલો લઈ લીધી અને ફરીવાર શબો પર ગોળીઓ છોડવા લાગ્યા. એમણે મારા પર પણ ગોળી ચલાવી. એમણે મારી છાતી પર ગોળી મારી, પરંતુ મારા શર્ટના ઉપરના ખિસ્સામાં પાકિટ હતું. પાકિટમાં છુટ્ટા ચલણી સિક્કા હતા. દુશ્મનની ગોળી એ સિક્કા સાથે અથડાઈને પાછી ચાલી ગઈ.

હું બચી ગયો.

શાયદ ઈશ્વરની એ જ મરજી હતી. ઈશ્વર જ મને બચાવવા માંગતો હતો. દુશ્મનો અમારી રાઈફલો લઈને ભાગ્યા. મારી પાસે ખિસ્સામાં એક હેન્ડગ્રેનેડ જ બચ્યો હતો. મેં પૂરી તાકાતથી એ હેન્ડગ્રેનેડ દુશ્મનોની ભાગતી ટુકડી પર ફેંક્યો. પુષ્કળ અવાજ સાથે એ ફાટયો. એ ફાટતાં જ દુશ્મન ટુકડીમાં ગભરાટ ફેલાયો, એમને લાગ્યું કે ભારતીય ફોજ નીચેથી આવી ગઈ છે. જો કે એક જણે કહ્યું કે, ‘સાતમાંથી કોઈ એકાદ જવાન જીવતો લાગે છે.’

એ જ વખતે મેં મારી પાસે પડેલી એક રાઈફલ જોઈ. મારો એક હાથ બેકાર થઈ ગયો હતો. મેં બીજા હાથે રાઈફલ ઉઠાવી. અને દુશ્મનોના ચાર જવાનોને પાડી દીધા. મેં ઊભા થવા કોશિશ કરી અને ચારે તરફ મેં અંધાધૂંધ ફાયરિંગ શરૃ કરી દીધું. એ લોકોને હવે લાગ્યું કે સાચે જ ભારતીય ફોજ નીચેથી ઉપર આવી ગઈ છે. એ લોકો તેમનો જાન બચાવવા ભાગ્યા. કેટલાકને તો મેં લોહીલુહાણ કરી દીધા હતા.

એ લોકોના ભાગી ગયા બાદ મેં શાંતિથી મારા સાથીઓના શબ જોયાં, કદાચ કોઈ જીવીત હોય ! પરંતુ તે બધા જ શહીદ થઈ ચુક્યા હતા. મેં નીચે ભારતીય ચોકી તરફ જવા નિર્ણય કર્યો, જેથી દુશ્મનોની યોજનાને વિફલ બનાવી શકું. મેં માંડ માંડ ઊભા થઈ ચાલવાનું શરૃ કર્યું. એક નાળાના સહારે લથડીયા ખાતા ખાતા હું નીચે પહોંચ્યો. નીચે આવતાં જ મેં મારા કેટલાક સાથીઓને જોયા. મેં કમાન્ડરને બૂમ પાડી. મારો એક હાથ તૂટી ગયો હતો. આખો યુનિફોર્મ ચીંથરેહાલ અને લોહીથી તરબતર હતો. મારી હાલત જોઈ એમને લાગ્યું કે હું બચી શકીશ નહીં. મેં સાથીઓને કહ્યું: ”અહીં દુશ્મનો હુમલો કરવાના છે.”

એમણે તરત જ કમાન્ડિંગ ઓફિસરને સૂચના આપી. મને પણ તાત્કાલિક સારવાર આપવામાં આવી. પણ લોહી વહેવાનું ચાલુ હતું. અફસર સુધી પહોંચતાં સાંજના સાત વાગી ચુક્યા હતા. એ વખતે હું થોડું થોડું બોલી શક્તો હતો, પણ આંખે બરાબર દેખાતું નહોતું. હું મારા અધિકારીને બરાબર ઓળખી શક્યો નહીં, છતાં મેં ઉપર પહાડી પર બનેલી આખી ઘટનાથી તેમને વાકેફ કર્યા. એ વાત સાંભળ્યા બાદ તેમણે એક રણનીતિ બનાવી. તેના આધારે જવાનોની એક ટુકડી ફરી તૈયાર કરી અને પાકિસ્તાની ટુકડી સવારે અમારી ચોકી પર ત્રાટકે તે પહેલાં જ રાત્રે અમે દુશ્મનોને ઠાર કરી ટાઈગર હિલ પર ત્રિરંગો ફરકાવી દીધો.”

-નાયબ સૂબેદાર યોગેન્દ્રસિંહ યાદવની વાત અહીં પૂરી થાય છે. ભારતીય ફોજના જવાન યોગેન્દ્ર સિંહને કારગિલ યુદ્ધમાં તેમની શાનદાર બહાદુરી માટે દેશના પ્રતિષ્ઠિત સૈન્ય સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. બોલિવૂડની ફિલ્મો ”લક્ષ્ય” અને ”એલઓસી” કારગિલમાં યોગેન્દ્રસિંહ યાદવની દાસ્તાનને બખૂબીથી દર્શાવવામાં આવી છે.

ભારતીય ફોજના જવાનોને સલામ.
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in