જનસંઘની ભગવી ટોપી, પ્રસોપાની લાલ ટોપી, કોંગ્રેસની ગાંધી ટોપી, કેજરીવાલની આમ ટોપી
અમદાવાદમાં એક જૂની લોન્ડ્રી છે- વિક્ટોરિયા વોશિંગ કાં. તેની દુકાનમાં એક બોર્ડ લગાવવામાં આવ્યું છે : “એક જમાનામાં અમે રોજ ૧૦૦૦ ટોપીઓ ધોતાં હતાં.” લાગે છે કે, એ જમાનો ફરી આવશે. ચૂંટણીની ખીલી રહેલી મોસમમાં ટોપીઓના ધંધામાં ફરી બહાર આવી રહી છે. થેંક્સ ટુ કેજરીવાલ.
કોંગ્રેસની ગાંધી ટોપી
હા, જૂની પેઢીના ઘણા લોકોને યાદ હશે કે, ગાંધી ટોપી એ કોંગ્રેસીઓનું પ્રતીક હતું. ગાંધીજીએ તો પાછલી વયમાં ટોપી પહેરવાનું છોડી દીધું હતું, પરંતુ પંડિત જવાહરલાલ નહેરુએ ખાદીની ધારદાર સફેદ ટોપી પહેરવાનું ચાલુ રાખ્યું હતું. ટોપી એ કોંગ્રેસીઓની ઓળખ બની ગઈ હતી. કોંગ્રેસીઓ પર પ્રજાની નારાજગી હોય ત્યારે લોકો ટોપીને જ નિશાન બનાવતા. દા.ત. ૧૯૫૬ના ગાળામાં મોરારજી દેસાઈના દુરાગ્રહથી ગુજરાત-મહારાષ્ટ્રનું એક એવું દ્વિભાષી રાજ્ય બનાવવામાં આવ્યું હતું. તે પછી ગુજરાતમાં મોરારજી દેસાઈના એ હઠાગ્રહના વિરોધમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. મહાગુજરાતના એ આંદોલન વખતે ગુજરાતના ગામો અને શહેરોના વિદ્યાર્થીઓએ કોંગ્રેસીઓ વિરોધી એક નારો ગજવ્યો હતો : “એક દો, ધોળી ટોપી ફેંક દો.” અને વિદ્યાર્થીઓએ કેટલાયે નેતાઓની ટોપી ઊતરાવી હતી.
સમય બદલાતાં ટોપી આઉટ ઓફ ડેટ થઈ ગઈ. નેતાઓની નવી પેઢીએ ધોળી ટોપીને વિદાય આપી દીધી. ભારતભરમાંથી ટોપીઓ સીવવાવાળા દરજી ગાયબ થઈ ગયા, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમઆદમી પાર્ટીએ દરજીઓને રોજગારનો નવો રસ્તો ખોલી આપ્યો છે. આમઆદમી પાર્ટીએ દેશના બડા બડા રાજકીય પક્ષોને કેટલીયે બાબતોમાં પોતાની નકલ કરતાં કરી દીધા છે. આગામી લોકસભાની ચૂંટણીમાં દિલ્હીના તખ્તા પર સત્તા હાંસલ કરવા માગતી ભારતીય જનતા પાર્ટીને પણ કેસરિયા કે ભગવા રંગની ટોપી પહેરતી કરી દીધી છે. આમઆદમી પાર્ટીની નકલ કરી રહેલા નેતાઓની એ નવી શૈલીને બદલાતા સમયની મજબૂરી ગણવી કે હાસ્યાસ્પદ હરકત એ વાચકોએ નક્કી કરી લેવાનું છે. એક જમાનાના એક ન્યૂઝ ચેનલના એન્કર આશુતોષ અને ભાજપના દિલ્હીના નેતા ડો. હર્ષવર્ધનને ટોપી પહેરેલા જોઈ કોઈને પણ હસવું આવશે.
ટોપીથી અધિકારીઓ ડરતા
એ વાત સુવિદિત છે કે, આ દેશમાં ગાંધી ટોપી એ ભારતીયતાની નિશાની હતી. એ સફેદ ટોપી કોંગ્રેસીઓના શિરની શાન હતી. કોઈપણ સરકારી કચેરીમાં સફેદ ટોપીવાળો નેતા પ્રવેશે એટલે અધિકારીઓ તેને માન આપતા, પરંતુ રાજનીતિએ એક કરવટ બદલી કે, સ્વતંત્રતા બાદ ભારતમાં ખુરશીની દોડમાં કોઈ નેતાઓ એકબીજાને ટોપી પહેરાવવા લાગ્યા અને કોઈ બીજાની ટોપી ઉતારવા લાગ્યા. છેલ્લે છેલ્લે કોંગ્રેસના મોરારજી દેસાઈ પ્રભાવશાળી ટોપી પહેરતા હતા, પરંતુ પહેલાં પંડિત જવાહરલાલ નહેરુએ અને ત્યાર બાદ ઇન્દિરા ગાંધીએ મોરારજીભાઈની ટોપી ઉડાવી દીધી હતી. મોરરાજી દેસાઈ એક પ્રામાણિક નેતા હોવા છતાં તેમના નામનો બ્રિજ કે રસ્તો શોધવો મુશ્કેલ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા, હિતેન્દ્ર દેસાઈ ગાંધીટોપી પહેરતા હતા, પણ બાબુભાઈ જસભાઈ પટેલ, ઘનશ્યામ ઓઝા, ચીમનભાઈ પટેલ અને છબીલદાસ મહેતાએ ટોપી ના પહેરી.
ટોપી માત્ર કોંગ્રેસીઓનું જ પ્રતીક રહી છે એવું નથી. ૧૯૬૨માં જ્યારે જનસંઘનો ઉદય થયો ત્યારે એ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ ભગવા રંગની ટોપી પહેરવા લાગ્યા હતા. એ વખતે જનસંઘનું ચૂંટણી પ્રતીક દીપક હતું. ભગવા રંગની ટોપી પહેરતા જનસંઘના કાર્યકર્તાઓ ૧૯૬૯માં ઉત્તર ભારતના કેટલાક ક્ષેત્રોમાં ગામેગામ ફરતા અને નારો પોકારતા : “હર હાથ કો કામ, હર ખેત કો પાની, ઘર ઘર મેં દીપક જનસંઘ કી નિશાની.” અટલ બિહારી વાજપેયી અને એલ. કે. અડવાણીનું ગોત્ર પણ જનસંઘ જ છે. બલરાજ મધોક જનસંઘના લોકપ્રિય નેતા હતા, પરંતુ કટ્ટરવાદના કારણે એ પક્ષ ના ચાલ્યો અને કેટલાય સમય બાદ’ભારતીય જનતા પાર્ટી’ના નવા નામે અવતરીત થયો. એટલે હવે ભાજપાના નેતાઓ અને કાર્યકર્તાઓ ભગવી ટોપી પહેરે તો તેમણે તેમના પુરોગામીઓનું જ અનુસરણ કર્યું તેમ તેઓ કહી શકશે, ભલે તેની પર કેજરીવાલ-ઇફેક્ટ હોય !
અત્રે એ નોંધવું પણ જરૃરી છે કે, જનસંઘ જ્યારે ઉદય પામી રહ્યો હતો ત્યારે ખભા ઉપર હળ સાથેના કિસાનના ચૂંટણી પ્રતીક સાથે ‘ભારતીય ક્રાંતિદળ’ નામનો પક્ષ પેદા થયો. તેના નેતા ચૌધરી ચરણસિંહ હતા. તેમણે એવો તર્ક આપ્યો કે, વીજળીના જમાનામાં જનસંઘનો દીપક કેવી રીતે રોશની આપી શકશે ? સમય જતાં જનસંઘના દીપકની જ્યોત મંદ થઈ અને ચરણસિંહ ચૌધરીએ સફેદ ગાંધીટોપી પહેરીને ખેડૂતોને સડક પર ઉતાર્યા. પરિણામે જનસંઘની ભગવી ટોપી અદૃશ્ય થઈ ગઈ.
આ જ સમયગાળા દરમિયાન ડો. રામમનોહર લોહિયાએ ‘સંસોપા’ અર્થાત્ સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી અને આચાર્ય નરેન્દ્ર દેવે ‘પ્રસોપા’ એટલે કે પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી શરૃ કરી. ડો. રામમનોહર લોહિયાએ ટોપીને મહત્ત્વ ના આપ્યું. તેમણે કહ્યું : “દિલથી સમાજવાદ લાવો.” પરંતુ પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીના આચાર્ય નરેન્દ્ર દેવે લાલ રંગની ટોપીને તેમના પક્ષના નેતાઓની પહેચાન બનાવી. એ જમાનામાં નાનાં નાનાં ગામોમાં પણ પ્રસોપાના લાલ રંગની ટોપી પહેરતા એક-બે નેતાઓ મળી આવતા. બિહારના લાલુ પ્રસાદ યાદવ, નીતીશકુમાર અને ઉત્તર પ્રદેશના મુલાયમસિંહ યાદવ ડો. રામમનોહર લોહિયાના જ શિષ્યો છે, પરંતુ પાછળથી તેમણે સ્વતંત્ર પક્ષો ઊભા કર્યા. લાલુ અને નીતીશકુમારે ટોપી ફગાવી દીધી, પરંતુ મુલાયમસિંહ યાદવ ક્યારેક લાલ રંગની ટોપી પહેરતા દેખાય છે. નીતીશકુમાર સિવાય બાકીના નેતાઓ ડો. લોહિયાના સિદ્ધાંતોથી વિમુખ થયેલા જણાય છે.
એ સમયગાળા દરમિયાન બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે સમાંતર એવી રિપબ્લિકન પાર્ટીની સ્થાપના કરી હતી. એમણે તેમના નેતાઓ અને કાર્યકર્તાઓને ભૂરી ટોપી અને હાથીનું નિશાન આપ્યાં. એ વખતે કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક બે બળદની જોડી હતું. એ જોડીને ભગાવવા બાબાસાહેબ આંબેડકરે ઝુંબેશ ચલાવી હતી. એ વખતે ચૂંટણી મેદાનમાં ટોપીઓના રંગથી જ સમજી જતા હતા કે, બહાર કઈ પાર્ટીની હવા ચાલી રહી છે. હવે માયાવતીની બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ પણ ભૂરી ટોપી પહેરવા લાગ્યા છે.ળઇન્દિરાજીએ ટોપી હટાવી
ખરી રમત તો ૧૯૬૯માં જોવા મળી. ૧૯૬૯માં ઇન્દિરા ગાંધીએ પહેલી જ વાર કોંગ્રેસનું વિભાજન કરીને ‘કોંગ્રેસ-ઇ’ અર્થાત્ ઇન્ડિકેટ બનાવી ત્યારે માત્ર ‘કોંગ્રેસ-ઓ’ અર્થાત્ સિન્ડિકેટના નેતાઓ સહિત બીજી બધી જ પાર્ટીઓના નેતાઓના માથા પરથી ટોપીઓ ઊડી ગઈ. જનસંઘ, પ્રસોપા, સંસોપા, ભારતીય ક્રાંતિદળ અને મોરારજી દેસાઈની સંસ્થા કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓને ઇન્દિરા ગાંધીએ ભારે શિકસ્ત આપી અને ટોપી વગરના અજાણ્યા ચહેરા લોકસભામાં પ્રવેશ્યા. મોટા સાફા, પાઘડીઓ અને ભવ્ય મુગુટ પહેરતા રાજા-મહારાજાઓના ટોપી વગરના નોકરચાકરોને ચૂંટણીમાં જીત મળી અને એવા લોકોને લોકસભામાં સ્થાન મળ્યું. એ સમયથી જ કોંગ્રેસીઓના માથાં પરથી ટોપીઓ ગાયબ થઈ ગઈ. ટોપી વગરના નેતાઓ ‘ઇન્દિરા ગાંધી કી જય’ પોકારી સરકાર ચલાવવા લાગ્યા. એ વખતે ટોપી વગર રાજનીતિ કરવાવાળા સ્વતંત્ર પાર્ટીની જેમ બીજી બધી પાર્ટીઓએ પણ ટોપીને વિદાય આપી દીધી.
પણ હવે ફરી ટોપી મેદાનમાં આવી ગઈ છે. કેજરીવાલે ભાજપને તો તેની અસલી ભગવી ટોપી પહેરાવી, મુલાયમને લાલ ટોપી પહેરી અને માયાવતીને ભૂરી ટોપી પહેરાવી દીધી, પણ કોંગ્રેસ તેની ગાંધીટોપી ક્યારે અપનાવે છે તેની રાહ જોવી રહી. વર્ષો જૂની પાર્ટીઓએ કેજરીવાલની નકલ કરવી પડે તે પણ આશ્ચર્યની વાત છે.
Comments are closed.