તબીબી અને શિક્ષણ એ પવિત્ર વ્યવસાય છે, પરંતુ પૈસા કમાવાની લાલચમાં આ બંને વ્યવસાય ધંધો બની ગયા છે. અંગ્રેજી મીડિયમના નામે ઠેરઠેર હાટડીઓ ખૂલી ગઈ છે. એ જ રીતે દેશની કેટલીક કોર્પોરેટ ખાનગી હોસ્પિટલો પૈસા કમાવાનાં કારખાનાં બની ગઈ છે. જેને જરૂર જ હોતી નથી એવી વ્યક્તિઓને ડરાવીને બાયપાસ સર્જરી કરી દેવામાં આવે છે. જેની જરૂર જ હોતી નથી એવા કેટલાયે ટેસ્ટ કરાવવા દરદીને ફરજ પાડવામાં આવે છે. સરકારી અને સાર્વજનિક હોસ્પિટલોનું તંત્ર ખાડે જતાં ખાનગી હોસ્પિટલો દરદીઓને બેફામ લૂંટી રહી છે.
આજે વાત છે ફર્ટિલિટી ક્લિનિક્સની. નિઃસંતાન દંપતી બિચારા ખોળાના ખૂંદનારની અપેક્ષાએ ફર્ટિલિટી ક્લિનિક્સમાં જાય છે. બાળક માટે લાખો રૂપિયા ખર્ચી નાંખે છે, પરંતુ એક અભ્યાસમાં જણાયું છે કે બિલાડીના ટોપની જેમ ઊગી નીકળેલી કેટલીયે ફર્ટિલિટી ક્લિનિક્સમાં જે સાધનો અને ઉપકરણો હોવાં જોઈએ તે હોતાં નથી. જે લાયકાતવાળો સ્ટાફ હોવો જોઈએ તે હોતો નથી. એ કારણે કેટલાંક દરદીઓનાં મોત પણ નીપજ્યાં છે. આ એક ગંભીર બાબત છે. કોલકાત્તાથી પ્રગટ થતા ‘ધ ટેલિગ્રાફ’ ના એક અહેવાલ અનુસાર એમ. હરિનાટ્ચીને બાળક જોઈતું હતું. તે ઇજનેરીના વિષયમાં ગ્રેજ્યુએટ થયેલી યુવતી હતી. લગ્નને દોઢ વર્ષ થયાં છતાં સંતાન ન થતાં તે ચેન્નાઈની એક ફર્ટિલિટી ક્લિનિકમાં ગઈ. ગત તા.૨૬મી ઓક્ટોબરના રોજ ફર્ટિલિટી ટેસ્ટ માટે તેને એનેસ્થેસિયા આપવામાં આવ્યો અને ૨૭ વર્ષની એ યુવતી તત્ક્ષણ મૃત્યુ પામી. એનાં માતા ભાગ્યમ મૃગેશ કહે છેઃ “હું તેને ફર્ટિલિટી ક્લિનિક પર લઈ જ ન ગઈ હોત તો સારું. બાળકની ઝંખનામાં મેં મારી દીકરી ગુમાવી દીધી.”
આ યુવતીનું મોત તે કોઈ એકલદોકલ કિસ્સો નથી. આખા દેશમાં આવાં ફર્ટિલિટી ક્લિનિક્સ અનિયંત્રિત સ્વરૂપે ઊગી નીકળ્યાં છે. તેમાંથી કેટલાંક સુયોગ્ય પણ છે, પરંતુ તબીબી નિષ્કાળજીના કારણે દરદીઓનાં મોત પણ નીપજી રહ્યાં હોવાની ફરિયાદો પણ ઊઠવા પામી છે. આવો જ બીજો એક કિસ્સો કોચીનો છે. ૪૪ વર્ષની શીની વિનર નામની એક મહિલાની ફર્ટિલિટી ક્લિનિકમાં સર્જરી કરવામાં આવી. તે પછી તેમાં કેટલીક ગરબડો ઊભી થતાં તે હોસ્પિટલમાં જ મૃત્યુ પામી. તા. ૬ ઓક્ટોબરે જલંધરમાં અંગ્રેજી ભણાવતી રાશિ શર્મા નામની એક મહિલા લેક્ચરર અહીંની સ્થાનિક ફર્ટિલિટી ક્લિનિકમાં સારવાર દરમિયાન મૃત્યુ પામી. ૩૬ વર્ષની રાશિ શર્માનાં લગ્ન સ્થાનિક એડવોકેટ સાથે થયાં હતાં. લગ્નજીવનનાં ૧૨ વર્ષ બાદ પણ તેને બાળક ન થતાં તેઓ જલંધરના એક ફર્ટિલિટી ક્લિનિક પર ગયાં હતાં. તેની પર કેટલીક શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. તેને બાળક તો ન મળ્યું પરંતુ હોસ્પિટલમાં જ તે મૃત્યુ પામી હતી. જે વ્યક્તિએ તેની સારવાર કરી હતી તે વ્યક્તિ ડોક્ટર જ નહોતો.
આખા દેશમાં ઠેરઠેર આવાં બોગસ ફર્ટિલિટી ક્લિનિક્સની હાટડીઓ શરૂ થઈ ગઈ છે. તેમાંથી ઘણાંની પાસે વ્યાવસાયિક લાયકાતો કે પૂરતાં ઉપકરણો જ નથી.
આ બધાંની ઉપર નજર રાખવાની તંત્ર પાસે કોઈ વ્યવસ્થા જ નથી. હવે સરકારમાં તો નહીં પરંતુ લોકોમાં જાગૃતિ આવી ગઈ છે અને ઇન્દૌર અને પૂણેમાં હેલ્થ એક્ટિવિસ્ટ ગ્રૂપ શરૂ થઈ ગયું છે. આવાં એક હેલ્થ એક્ટિવિસ્ટ અમૂલ્યા નિધિ કહે છે દેશમાં બેબી મેકિંગ ઇન્ડસ્ટ્રી વિકસી રહી છે ત્યારે તેની પર નજર રાખવાની જરૂર છે. આવા હેલ્થ એક્ટિવિસ્ટ ગ્રૂપે બોગસ ડોક્ટરો અને પૂરતી લાયકાત અને સુવિધા વિના ચલાવાતાં ફર્ટિલિટી ક્લિનિક્સની સામે પગલાં લેવા ‘સ્વાસ્થ્ય અધિકાર મંચ’ની રચના કરી છે. વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજનાં વડા ડો. આલેયમ્મા ટીકે કહે છે કે દેશમાં ઠેરઠેર શરૂ થયેલાં ફર્ટિલિટી ક્લિનિક્સની યોગ્યતા વિશે તપાસ કરવાની જરૂર છે.
આ સમસ્યાનું બીજું પણ એક પાસું છે. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં નિઃસંતાનત્વનું પ્રમાણ વધી રહ્યું છે. જે રીતે કેન્સરના દરદીઓનું પ્રમાણ વધી રહ્યું છે તે જ રીતે ઇર્ન્ફિટલિટીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એક ફાર્માસ્યુટિકલ કંપનીએ સપ્ટેમ્બર ૨૦૧૩માં દેશનાં નવ શહેરોમાં એક મોજણી કરાવી હતી. આ સર્વે કુલ ૨૫૬૨ લોકો પર કરવામાં આવ્યો હતો. કોલકાત્તા, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, કોચી, આગ્રા, હૈદરાબાદ અને અમદાવાદમાં કરાયેલા આ સર્વેક્ષણ દરમિયાન ૩૧થી ૪૦ વર્ષની વયનાં ૪૬ ટકા દંપતી નિઃસંતાનત્વની તકલીફ ભોગવી રહ્યાં હતાં.
નિઃસંતાનત્વ એ એકમાત્ર તબીબી સમસ્યા નથી, તે એક સામાજિક સમસ્યા પણ છે. લગ્નનાં અમુક વર્ષ બાદ કોઈ સ્ત્રી સગર્ભા ન બને તો તેણે અનેક મહેણાં ટોણાંનો ભોગ બનવું પડે છે. સાસરિયાં તરફથી તિરસ્કારનો ભોગ બનવું પડે છે. કોઈ સ્ત્રી સગર્ભા ન બને તો કેટલીક વાર સ્ત્રીને જ જવાબદાર ગણવામાં આવે છે, પરંતુ કોઈ સ્ત્રી પ્રસૂતા ન બને તો તેના માટે પુરુષ પણ જવાબદાર હોઈ શકે છે. સમાજનો ઘણો મોટો ભાગ આ વાત સમજવા કે સ્વીકારવા તૈયાર હોતો નથી. બાળક ન થાય તો ઘણી વાર છૂટાછેડા અથવા પતિ દ્વારા બીજાં લગ્ન કરવાની ઘટનાઓ પણ બને છે. આજે પણ પુરુષપ્રધાન સમાજ નિઃસંતાનત્વ માટે હંમેશાં સ્ત્રીને જ જવાબદાર ગણે છે અને સ્ત્રીઓને અન્યાય કરે છે. નિઃસંતાનત્વ કેટલાય પરિવારોના ઝઘડા અને કંકાસનું કારણ બની જાય છે.
આ કારણથી ખાસ કરીને સ્ત્રીઓ ફર્ટિલિટી ક્લિનિકનો સહારો લે છે. ચેન્નાઈનાં ગાયનેકોલોજિસ્ટ અને રિપ્રોડક્ટિવ મેડિસિન નિષ્ણાત ડો. ગીતા હરિપ્રિયા કહે છેઃ દર મહિને મારા ક્લિનિક પર ૪૦૦થી ૫૦૦ આવા નવા દરદીઓ આવે છે.
આવાં કેટલાંક ક્લિનિક્સ માટે ફર્ટિલિટી ક્લિનિક્સ ઝડપથી પૈસા બનાવવાનો વ્યવસાય બની જાય છે. નિઃસંતાનત્વ દૂર કરવાની સારવારની ફી રૂપિયા એક લાખથી રૂપિયા ચાર લાખ જેટલી હોય છે. અલબત્ત, એ વાત પણ અહીં નોંધવી જોઈએ કે ઘણાં સુયોગ્ય ક્લિનિક્સમાં સારવાર લઈને ઘણાં દંપતીને સંતાનસુખ પ્રાપ્ત પણ થયું છે અને આવાં ઘણાં દંપતીના જીવનબાગમાં નવાં પુષ્પો પણ ખીલ્યાં છે.
ધી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના કહેવા પ્રમાણે દેશમાં ૧૨૦૦ જેટલાં આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (એઆરટી) ક્લિનિક્સ છે, તે પૈકી માત્ર ૭૭૭ જેટલાં જ અમારી સાથે રજિસ્ટર્ડ થયાં છે. આ ક્લિનિક્સ બે પ્રકારનાં છે. કેટલાંકની પાસે ટોચની ગુણવત્તા ધરાવતી સુવિધાઓ છે જ્યારે બીજા કેટલાંક પાસે સાવ નક્કામી સુવિધાઓ છે અને ટેકનિકલ નિષ્ણાતોનો અભાવ છે.
ફર્ટિલિટી ક્લિનિક્સના ગોરખધંધાનો કે નિષ્કાળજીનો ભોગ બનેલા કેટલાંક દરદીઓએ પોલીસ અને અદાલતોનો પણ સહારો લીધેલો છે. ૨૦૦૪માં અનીતા જયદેવને કેરળની એક ફર્ટિલિટી ક્લિનિક્સ સામે કેસ કરીને એવી ફરિયાદ નોંધાવી છે કે તેનો પતિ નથી એવા એક બીજા પુરુષને ડોનર બનાવી તેને સગર્ભા બનાવવામાં આવી હતી. જોકે, ડોક્ટરે એવો બચાવ કર્યો છે કે ડોનરના સ્પર્મનો ઉપયોગ કરવા દંપતીએ મૌખિક સંમતિ આપી હતી. તે પછી અનીતા જયદેવને એક પુસ્તક લખ્યું છે – Malacious Medicine : My Experience with Fraud and Falsehood in Infertility Clinics.
Comments are closed.