સત્તાના પાયા પર રચાયેલા બંગલાઓની ઊંચી દીવાલોની બહાર નીકળવા કોઈ તૈયાર નથી

ફિલ્મનું એ ટાઈટલ જાણીતું છે- ‘દિલ હૈ કિ માનતા નહીં હૈં.’ બસ,આવું જ કાંઈ ભારતીય જનતા પાર્ટીના વયોવૃદ્ધ નેતા એલ. કે. અડવાણીનું છે. અડવાણી દાદા ૯૦ની નજીક સરકી રહ્યા છે, પરંતુ પોતાની ઉંમરનો રોલ ભજવવા તૈયાર નથી. આમ તો એમણે રાજનીતિમાંથી નિવૃત્ત થઈ, પક્ષના મોભી અને માર્ગદર્શક બની રહેવું જોઈએ, પરંતુ ભાજપાને સ્પષ્ટ બહુમતી ના મળે અને નરેન્દ્ર મોદીના નામને બીજા ઘટક પક્ષોનું સમર્થન ના મળે તો પોતે જ વડા પ્રધાનપદે આરુઢ થવાના અભરખાંમાંથી તેઓ હજુ બહાર આવ્યા નથી. તેમની વય અને બીજી મર્યાદાઓને કારણે અડવાણીને માનભેર રાજ્યસભામાં મોકલવા વિચારવામાં આવ્યું હતું, પરંતુ તેમણે એ પ્રસ્તાવ ઠુકરાવી દીધો, અને જાહેરાત કરી દીધી કે, “હું તો ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી જ લડીશ. મારે રાજ્યસભામાં જવું હોત તો ઘણાં પહેલાં જ જતો રહ્યો હોત.”

એલ. કે. અડવાણી હંમેશાં ‘P.M. ઈન વેઈટિંગ' રહેશે

અડવાણીનું ગણિત

એ વાત સાચી છે કે, જેઓ જાહેર જીવનમાં રહેવા માગે છે તેઓ હંમેશાં જનતાથી સીધા જોડાયેલા રહેવાનું પસંદ કરે છે, પરંતુ અહીં અડવાણીજીનું ગણિત જનતા સાથે જોડાયેલા રહેવાનું ઓછું અને વડા પ્રધાનપદ પ્રાપ્ત કરવાનું વધુ લાગે છે. લોકસભાની ચૂંટણીઓ પછી મોદીને સમર્થન આપવામાં કોઈ ડખો પડે તો તેઓ પોતે લોકો દ્વારા ચૂંટાયેલા સ્વીકાર્ય નેતા છે, તેમ કહી વડા પ્રધાનપદ માટે પોતાનો દાવો રજૂ કરવા માગે છે. એમાં કોઈ સંદેહ નથી કે, ભારતીય જનતા પાર્ટીને દેશની એક મહત્ત્વપૂર્ણ પાર્ટી બનાવવામાં તેમનું યોગદાન સર્વોપરી છે. ભાજપામાં અટલબિહારી વાજપેયીની સાથે જે જે વ્યક્તિઓનાં નામો પાર્ટીને રાષ્ટ્રીય સ્તર પર લાવવાનું શ્રેય જાય છે, તેમાં સૌથી આગળની પંક્તિનું નામ લાલકૃષ્ણ અડવાણીનું પણ છે. તેઓ વડાપ્રધાનપદના પ્રાકૃતિક દાવેદાર રહ્યા છે. એ તેમનો અધિકાર છે, પરંતુ કરાચીમાં મોહંમદ અલી ઝીણાની કબર પર મસ્તક નમાવ્યા બાદ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગુડ બુકમાં રહ્યા નથી. લાખોની ભીડ એકત્ર કરી શકે તેવો કોઈ કરિશ્મા તેમની પાસે નથી. ઉંમરનો તેમને સાથ નથી. કોર્પોરેટ વર્લ્ડનો તેમને સાથ નથી. હા, થોડાક ઘટક પક્ષોનો તેમને ટેકો મળી શકે તેમ છે,પરંતુ મોદીની લોકપ્રિયતા વગર ભાજપાની નૈયા પાર પડે તેમ નથી, અને આ વાસ્તવિકતા સ્વીકારવા અડવાણી તૈયાર નથી.

સત્તા અને સેવા

‘રાજનીતિ’ શબ્દ જ એવો છે કે, તેમાં તેની સાથે જ ‘મહત્ત્વાકાંક્ષા’ અભિપ્રેત છે. સત્તા અને પદની લાલચ નથી- એવું સાચા દિલથી એક પણ નેતા કહેવા તૈયાર નથી. કોઈ નેતા એમ કહે કે, “મને સત્તાની પરવા નથી, હું તો લોકોની સેવા જ કરવા માટે રાજનીતિમાં છું.” આવા નિવેદન જેવું કોઈ ગપ્પું નથી. દેશના સર્વોચ્ચ એવા વડાપ્રધાનપદને હાંસલ કરવાની મહત્ત્વાકાંક્ષા રાખવાનો કોઈને પણ અધિકાર છે. એ વાત પણ સાચી છે કે, અડવાણી રાજનીતિ અને પ્રગતિના સ્થાન પર ધર્મચિહ્નોનો પ્રયોગ કરી શિખર સુધી પહોંચવામાં કામિયાબ નીવડયા હતા. તેથી તેમને સ્વપ્નમાં પણ સત્તા સુખ દેખાય તે સ્વાભાવિક છે. મોરારજી દેસાઈને પણ આવો જ અભરખો હતો. ૮૨ વર્ષની વયે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે જ તેમને શાંતિ થઈ હતી. અલબત્ત, તેઓ અલ્પ સમય માટે જ વડા પ્રધાનપદે રહ્યા હતા અને જેટલો પણ સમય રહ્યા તેટલો સમય દેશનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. એ રીતે આ દેશમાં વૃદ્ધોની સત્તાલક્ષી મહત્ત્વાકાંક્ષાઓ એ કોઈ નવી વાત નથી. હા, સેવા કરવા કોઈ વડાપ્રધાનપદે બેસવા માગતું હોય તો તે વાતમાં કોઈ માલ નથી. સેવા કરવી જ હોય તો રક્તપિત્તિયાની હોસ્પિટલોમાં જઈ સેવા કરી શકાય છે. ગરીબ પરિવારના બાળકોને ભણવા પુસ્તકો અને ફી આપી સેવા કરી શકાય છે. ભૂખ્યા લોકોને અન્ન આપી સેવા કરી શકાય છે. કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સૂતેલા દરિદ્રનારાયણોના દેહ પર ધાબળો ઓઢાડી સેવા કરી શકાય છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે, આવી સેવા કરવા માટે આજે કોઈપણ વ્યક્તિ ‘રાજનીતિ’માં નથી. દરેકને સત્તા જોઈએ અને તે પણ અસાધારણ સત્તા. આ તેમની માનસિક ભૂખ છે અને એ સત્તાભૂખ્યાઓની ટોળીમાં અડવાણીજી પણ આવી જાય છે.

ર્ધાિમક ભાવનાનું શોષણ

અસાધારણ સત્તા હાંસલ કરવા અડવાણી તમામ પ્રયોગ કરી ચૂક્યા છે. તેઓ યાત્રાઓ કાઢી ચૂક્યા છે. રામ રથયાત્રા પણ કાઢી ચૂક્યા છે. એકતા અને ચેતના યાત્રા પણ કાઢી ચૂક્યા છે. રામમંદિરના નિર્માણના નામ પર તેમણે દેશની જનતાની ર્ધાિમક ભાવનાઓનું શોષણ કરવામાં કાંઈ જ બાકી રાખ્યું નથી. હા, રામમંદિરના નિર્માણના નામે અડવાણીજી સફળ નીવડયા હોત તો તે સફળતા ભગવાન શ્રીરામની હોત, અડવાણીની નહીં. રામના નામે તેમને સત્તા તો મળી હતી, પરંતુ સત્તા પર આવતાં જ તેઓ રામને ભૂલી ગયા, ધારા ૩૭૦ ભૂલી ગયા, કોમન સિવિલ કોડનું વચન ભૂલી ગયા. એ તો ઠીક, પણ ભારતના બે ટુકડા કરાવનાર મોહંમદ અલી ઝીણાને તેમણે ‘ધર્મનિરપેક્ષ’ કહ્યા. હકીકતમાં મોહંમદ અલી ઝીણા જ એવા વ્યક્તિ હતા જેમણે નિર્દોષ નાગરિકોની ર્ધાિમક લાગણીઓ ભડકાવીને પાકિસ્તાનનું સર્જન કર્યું હતું. અટલબિહારી વાજપેયી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે પણ અડવાણીજીની વડા પ્રધાન બનવાની છૂપી કહાણી છૂપી નથી. એ વખતે નાયબ વડા પ્રધાન બનીને જ એમણે સંતોષ માનવો પડયો હતો. તેમના માટે વડા પ્રધાન બનવાનો વારો આવ્યો ત્યારે દેશની જનતાએ ‘ઇન્ડિયા શાઈનિંગ’ના નારાઓને ફગાવી દીધા અને અડવાણીજી ‘પ્રાઈમ મિનિસ્ટર ઇન વેઈટિંગ’ જ રહી ગયા. એ ચૂંટણીઓમાં પરાજય બાદ પણ અડવાણીજી પોતાના અયથાર્થતા સ્વીકારવા તૈયાર નથી. સમય હંમેશાં એક સરખો રહેતો નથી. પ્રકૃતિ પણ સમય સમય પર પોતાનાં અલગ અલગ સ્વરૂપ દેખાડે છે. સચિન તેંડુલકર ‘મહાન ક્રિકેટર’ છે, પરંતુ ઘણાંને એમ લાગે છે કે, છેલ્લે છેલ્લે જરૂર કરતાં વધુ મેચ રમી ગયા. તે પછી એક સમય એવો આવ્યો કે, તેમને ક્રિકેટમાંથી સંન્યાસ લેવો પડયો. હા, ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કેટલાક સમય પહેલાં લીધો હોત તો ક્રિકેટપ્રેમીઓના દિલોમાં તેમના માટેનું સન્માન વધી જાત.

બંગલા બહારનો ખૌફ

બસ, અડવાણીજીનું પણ કાંઈક આવું જ છે. સત્તાની મહત્ત્વાકાંક્ષા અને રાજનીતિ એક એવું વિષચક્ર છે, જેમાંથી બહાર આવવું મુશ્કેલ છે. સત્તા ના મળે ત્યાં સુધી લાલસાનો અંત આવતો નથી. ભારતીય રાજનીતિમાં અનેક ઊંચા સ્થાન પ્રાપ્ત કરવાવાળા અડવાણીજી સત્તાના પાયા પર રચાયેલી ઊંચી દીવાલોવાળા બંગલાની બહાર આવવા તૈયાર નથી. દિલ્હીની એ કોઠીઓ છોડવી કોઈને ગમતી નથી. દિલ્હીના એ વિશાળ બંગલાઓની બહાર રહેલી લોકોની અસ્વીકાર્યતાનો ખૌફ સૌને ડરાવે છે, અડવાણીજીને પણ.

પ્રકૃતિનો નિયમ છે, Every good thing has to come to end one day.

લાગે છે કે, અડવાણીજીનું વડા પ્રધાન બનવાનું સપનું સપનું જ રહેશે, અને તેઓ કાયમ માટે ‘પી.એમ. ઈન વેઈટિંગ’ જ રહેશે.