રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી સિવાય શરદ પવાર, મમતા બેનરજી, જયલલિતા, રાજનાથસિંહ, નીતિન ગડકરી અને એલ. કે. અડવાણી પણ મેદાનમાં
૨૦૧૪ની લોકસભાની આવી રહેલી ચૂંટણીઓમાં કયો પક્ષ વિજયી બનશે એ કરતાં વડાપ્રધાન કોણ બનશે, તે જાણવામાં દેશની આમ જનતાથી માંડીને સટોડિયાઓને અને કોર્પોરેટ વર્લ્ડથી માંડીને ભારતના પાડોશી દેશોને પણ રસ છે. કોંગ્રેસ અને ભાજપ આમ તો આમનેસામને છે, પરંતુ ભીતરથી બેઉ પક્ષો મૂડીવાદના સમર્થક છે. બેઉ પક્ષો અમેરિકાતરફી છે. એકમાત્ર ડાબેરીઓ અને મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી જ મૂડીવાદ અને જમણેરીઓ તરફી નથી. વ્યક્તિગત રીતે જોઈએ તો દિલ્હીનાં પરિણામો બાદ અરવિંદ કેજરીવાલ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન પદની રેસમાં હતા, પરંતુ દિલ્હીમાં તેમણે જે રીતે અરાજકતા સર્જી તે પછી તેઓ એ રેસમાંથી પહેલા દાવમાં જ આઉટ થઈ ગયા છે, પરંતુ બે મોટા ખેલાડીઓ પછી જે આઉટ નથી થયાં તેમાં મમતા બેનરજી, જયલલિતા, માયાવતી, શરદ પવાર, નીતીશકુમાર અને મુલાયમસિંહ પણ મેદાનમાં છે. જેમાં નીતીશકુમાર અને મુલાયમસિંહ તો ઘરઆંગણે જ પ્રજાના વિરોધનો સામનો કરી રહ્યાં હોઈ વડાપ્રધાન બનવાની તેમની મહેચ્છા ફળે તેમ લાગતું નથી.
શરદ પવારને લાગેવળગે છે ત્યાં સુધી તેમણે થોડા દિવસથી નરેન્દ્ર મોદી માટે કૂણું વલણ અપનાવ્યું છે. પહેલા પ્રફુલ્લ પટેલ અને તેમના પછી શરદ પવાર બોલ્યા કે ૨૦૦૨ની ઘટનાઓ અંગે કોર્ટ નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપી દીધી હોઈ એ વિવાદને હવે સમાપ્ત કરી દેવો જોઈએ. કોંગ્રેસ માટે આ આંચકારૂપ નિવેદન છે, પરંતુ આવા વિધાન પાછળ શરદ પવારની ઊંડી સમજ છે. વડાપ્રધાન બનવાનું તેમનું સ્વપ્ન હજુ અધૂરું છે. અત્યારે તો તેઓ કોંગ્રેસ સાથે બેઠકો અંગેની સમજૂતી કરી લેશે, પરંતુ ચૂંટણી પછી એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે તો તેઓ ગમે ત્યાં જઈ શકે છે અથવા તો ગમે તેનો ટેકો લઈ ખુદ વડાપ્રધાન બની જવાની ઇચ્છા રાખે છે. શરદ પવાર સત્તા વગર રહી શકતા નથી. સોનિયા ગાંધીના વિદેશી કુળના મુદ્દે કોંગ્રેસ છોડી ગયા બાદ છેલ્લાં ૧૦ વર્ષથી તેઓ કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારના ભાગીદાર છે. હવે તેઓ નરેન્દ્ર મોદીની સરકાર બને તો તેમાં પણ ભાગીદાર બનવા માગે છે અથવા તો નરેન્દ્ર મોદી માટે સાર્વત્રિક સમર્થન ન મળે તો મોદીનો ટેકો લઈ ખુદ વડાપ્રધાન બની જવાની ફિરાકમાં છે.
એવી જ રીતે નરેન્દ્ર મોદીનાં કરીબી ગણાતાં તામિલનાડુનાં જયલલિતા ભલે મોદીનાં રાજકીય મિત્ર ગણાતાં હોય પરંતુ તેમની રમત પણ શરદ પવાર જેવી જ છે. ચૂંટણી પરિણામો બાદ એક પણ પક્ષને બહુમતી ન મળે તો તેઓ નરેન્દ્ર મોદીને સમર્થન આપી પણ શકે છે અને મોદીના નામ માટે સહમતી ન સધાય તો તેમના ટેકાથી ખુદ વડાપ્રધાન બની જવાની ખેવના ધરાવે છે. તેમની આ ઇચ્છા હવે અપ્રગટ નથી. છેલ્લા પ્રવચન દરમિયાન તેમણે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ઇચ્છા સ્પષ્ટરૂપે જાહેર કરી જ દીધી છે. અલબત્ત, તેમની મુશ્કેલી એ છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ ચેન્નાઈની મેટ્રોપોલિટન કોર્ટને આદેશ આપ્યો છે કે મુખ્યમંત્રી જયલલિતા સામે ચાલતા કેસો ચાર મહિનામાં પૂરા કરી દેવા. મુખ્યમંત્રી જયલલિતા પર ૧૯૯૧-૯૨, ૧૯૯૨-૯૩ અને ૧૯૯૩-૯૪માં આવકવેરાના રિટર્ન નહીં ભરવાનો આરોપ છે. તેમની પર ૧૯૯૧થી ૧૯૯૬ વચ્ચે મુખ્યમંત્રી પદ દરમિયાન રૂપિયા ૬૬.૬૬ કરોડની આવક કરતાં વધુ સંપત્તિ રાખવાનો પણ કેસ છે. જેની સુનાવણી બેંગલુરુની કોર્ટમાં ચાલે છે. ૧૯૯૭માં તેમના ઘરે દરોડા પડયા ત્યારે ૨૮ કિલો સોનું, ૩૦૦ કિલો ચાંદી, ૧૦૫૦૦ સાડીઓ અને ૭૫૦ જોડ સેન્ડલ્સ મળી આવ્યાં હતાં. તેમની સામે વિદેશમાં રૂપિયા ૨૮૦ કરોડની બે આલીશાન હોટેલો હોવાનો પણ આરોપ છે. જયલલિતાનાં નિકટનાં સ્ત્રીમિત્ર શશીકલાએ શશી એન્ટરપ્રાઈઝ નામની એક કંપની ઊભી કરી હતી, પરંતુ ન તો શશીકલાએ કે ન તો જયલલિતાએ ૧૯૯૧-૯૨,૧૯૯૨-૯૩ કે ૧૯૯૩-૯૪માં તેના આવકવેરા રિટર્ન ભર્યાં.
વાત આટલેથી અટકતી નથી. ૨૦૧૧ની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન જયલલિતાએ તેમના સોગંદનામામાં પોતાની કુલ સંપત્તિ રૂપિયા ૫૧ કરોડ અને ૪૦ લાખ હોવાનું જાહેર કર્યું હતું. સોગંદનામામાં દર્શાવ્યા પ્રમાણે તેમની સામે નવ અપરાધિક કેસ ચાલી રહ્યા છે. એ જ રીતે તા. ૨૩ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ તેમની પર ન્યૂયોર્કની એક પેઢી દ્વારા ત્રણ લાખ ડોલરનો ડિમાન્ડ ડ્રાફ્ટ સ્વીકારવાનો પણ આરોપ છે.
બીજો એક આરોપ એવો છે કે ૧૯૯૨માં તેઓ મુખ્યમંત્રી હતાં ત્યારે તેમના જન્મદિને બે કરોડ રૂપિયા કરતાં વધુ રકમના ૮૯ ડિમાન્ડ ડ્રાફ્ટ અને રૂપિયા ૧૫ લાખની રોકડ રકમ તેમણે સ્વીકારી હતી. જોકે, આ કેસોમાં સીબીઆઈને કોઈ પુરાવા મળ્યા નથી. આ સિવાય જયલલિતા પર એસપીઆઈ વિનિવેશ મામલો, કોલસા આયાત ડીલ, કલર ટીવી કેસ અને એક ઓડિટરને સેન્ડલો મારવાનો કેસ પણ ચાલ્યો હતો. તા. ૭ ડિસેમ્બર, ૧૯૯૬ના રોજ કલર ટીવી કેસમાં તેમની ધરપકડ પણ થઈ હતી. આ બધું હોવા છતાં તેઓ વડાપ્રધાન બનવા માગે છે.
ચાલો, હવે પશ્ચિમ બંગાળનાં દીદી મમતા બેનરજીની વાત. તાજેતરમાં જ કોલકાત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક જંગી રેલીને સંબોધન કર્યું. આ રેલીને સંબોધતાં તેમણે કોંગ્રેસ અને ભાજપ એમ બેઉ પર ભારે પ્રહારો કર્યા. દેખીતી રીતે જ એમના એ પ્રહારોનો અર્થ એ હતો કે તેઓ પણ હવે વડાપ્રધાન બનવાના કોરસમાં સામેલ થઈ ગયા છે. તેમણે સ્પષ્ટપણે જાહેર કરી દીધું કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે અને દિલ્હીની ગાદી સર કરવા માટે દેશમાં ફેડરલ ફ્રંટની રચના માટે નેતૃત્વ લેશે.
પશ્ચિમ બંગાળનાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર મહાશ્વેતા દેવીએ પણ પ્રવચન દરમિયાન કહ્યું કે દેશના વડાપ્રધાન થવા માટે એકમાત્ર મમતા બેનરજી જ યોગ્ય ઉમેદવાર છે. કોલકાત્તાની ટીપુ સુલતાન મસ્જિદના શાહી ઈમામે પણ કહ્યું કે દેશને તેમની જરૂર છે. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળનું નેતૃત્વ કર્યું છે અને હવે દેશનું પણ નેતૃત્વ કરશે. કોલકાત્તાની એ મહા રેલીમાં મમતા બેનરજીએ ૪૫ મિનિટ સુધી લાગણીશીલ પ્રવચન કર્યું અને પશ્ચિમ બંગાળની પ્રજાને દિલ્હીમાં સત્તાપરિવર્તન લાવવામાં મદદ કરવા હાકલ કરી. તેમણે ‘ચલો દિલ્હી’નું સૂત્ર પણ આપ્યું. તેઓ બંગાળીમાં બોલ્યાં : “દિલ્હી ચલો, ભારત ગોરો” અર્થાત્ આપણે દિલ્હી જઈએ અને નયા ભારતનું નિર્માણ કરીએ. તેમણે રેલીમાં ઉપરોક્ત લાખોની જનમેદનીને સંબોધતાં પૂછયું : શું તમે દિલ્હીમાં પરિવર્તન ઇચ્છો છો? તો લાખ્ખો લોકોએ ગર્જના કરી, “હા”.
આ રેલીમાં કોંગ્રેસની અને નરેન્દ્ર મોદીની ટીકા કરતાં તેઓ બોલ્યાં : આપણને એવી સરકાર નથી જોઈતી જે બળતણમાં ભાવવધારો કર્યા કરે અને જે કોમી તોફાનો જ કરાવે. તેથી દેશમાં હવે તૃણમૂલ કોંગ્રેસ જ એકમાત્ર વિકલ્પ છે.
ટૂંકમાં, મમતા બેનરજી પણ પીએમ પદની રેસમાં ખુલ્લા મેદાનમાં આવી ગયાં છે, પરંતુ એ સિવાય ખુદ ભારતીય જનતા પાર્ટીમાં પણ કેટલાંક ડાર્ક હોર્સ છે. કોઈ જાણીતાં નામની સંમતિ ન થાય તો બહુ લો પ્રોફાઈલ પર રહેનારી વ્યક્તિને પદ સોંપી દેવાનો વચલો રસ્તો કાઢવામાં આવે છે અને સમાધાનથી અનાયાસે જ જેનું નામ આવે તેને રાજનીતિશાસ્ત્રોમાં ‘ડાર્ક હોર્સ’ કહે છે. ભાજપમાં નરેન્દ્ર મોદીના ટેકામાં બીજા ઘટક પક્ષો સંમત ન થાય તો ખુદ ભાજપમાં જ રાજનાથસિંહ, નીતિન ગડકરી, સુષમા સ્વરાજ અને એલ કે. અડવાણી પણ વડાપ્રધાન પદની મહેચ્છા રાખી રહ્યાં છે.
Comments are closed.