મોદીએ આસારામથી ડરવાની જરૂર નથી આસારામ કરતાં મોદી વધુ શક્તિશાળી છે
આસુમલ ઉર્ફે આસારામ ઉર્ફે ગોડમેન ઉર્ફે તાંત્રિક, ઉર્ફે બાપુ, ઉર્ફે બળાત્કારના આરોપી ઉર્ફે લેન્ડ માફિયા, ઉર્ફે મર્દ બનવાની યુક્તિ શીખવતા સેક્સોલોજિસ્ટ, ઉર્ફે રાજકીય નેતાઓના ગુરૂ એવા આસારામને સુરતની બે બહેનો ઉપર યૌન પીડનના આરોપ સર અમદાવાદ લાવવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ થાય છે કે આટઆટલા ગંભીર આરોપો ધરાવતા આસારામ ગુજરાતની પોલીસ માટે આરોપી છે કે અતિથિ ?
એ વાત સુનિશ્ચિત છે કે, આસારામ અને અડવાણી વચ્ચે સિંધી ભાષાનો નાતો છે. એ વાત સુવિદિત છે કે, આસારામ અડવાણી સહિત ભાજપાના અનેક નેતાઓના ગુરૂ છે. એ વાદ સુવિદિત છે કે, આસારામ ગુજરાતના કેટલાક પોલીસ અધિકારીઓના પણ ગુરૂ છે. એ વાત સુવિદિત છે કે આસારામ પાસે એક વોટબેંક પણ છે. શું એ જ કારણસર તેમના ચેલાઓ તેમના ગુરૂને જેલની યાતનાઓથી બચાવવા ગુજરાતમાં આસારામને કેટલીક સુખ સગવડો આપી રહ્યા છે ? જોધપુરની જેલમાં હતા ત્યારે મહિલા સાધ્વીની માગણી કરતા હતા પરંતુ રાજસ્થાનની પોલીસે કે કોર્ટે તેવી કોઈ જ સુવિધા આપવાનો ઈનકાર કર્યો હતો, પણ હવે ગુજરાતમાં તો વૈકુંઠ મળી ગયું છે. ગુજરાતમાં ત્રણ જિલ્લાઓની પોલીસની સુરક્ષા આસારામને મળી છે. પોલીસની હાજરીમાં જ સેવિકાઓ આસારામ સુધી પહોંચી જાય છે. આસારામને કોઈક પડીકું આપ્યાની વાત પણ ચર્ચાઈ રહી છે. રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલો પર આસારામ અફીણ કે એવા કોઈ નશીલા દ્રવ્યના બંધાણી હોવાની ચર્ચાઓ સાંભળવા મળે છે. ગુજરાતની પોલીસ એરપોર્ટ પર પણ આસારામને વીઆઈપી- ગેટ દ્વારા બહાર લઈ જાય છે. ગુજરાતની પોલીસ આસારામને પગે લાગે છે. ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોડની કચેરીમાં ત્રીજા માળે એરકન્ડિશન્ડ ઓફિસમાં તેમને સૂઈ જવાની વ્યવસ્થા કરાઈ હોવાની વાતો અખબારોમાં ચર્ચાઈ રહી છે. શું ગુજરાતની પોલીસ આસારામને તેમના ગૃહમંત્રી કે મુખ્યમંત્રી સમજે છે ? ગુજરાત પોલીસનો બહુ વર્ગ પણ આસારામની વિરૂદ્ધ છે. તો પછી આ સુવિધા કોના ઈશારે અપાઈ રહી છે તે એક રહસ્ય છે. દિલ્હીના કોઈ વૃદ્ધ નેતા તો આસારામને બચાવવા મેદાનમાં આવ્યા નથી ને ?
એ વાત સુવિદિત છે કે આસારામના એક સમારંભમાં ગુજરાત સરકારના એક મંત્રી રમણલાલ વોરા એવું બોલ્યા હતા કે, ”આસારામ બાપુ કહેશે તે પ્રમાણે ગુજરાત સરકાર ચાલશે.” રમણલાલ વોરાના આ વક્તવ્યને ગુજરાતની ટેલિવિઝન ન્યૂઝ ચેનલોએ પણ દર્શાવ્યું છે. એ જ રીતે સરસ્વતી નદીમાં નર્મદાનાં નીર ઠાલવવામાં આવ્યાં તે પ્રસંગે આસારામ બાપુએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બાથમાં લઈ કહ્યું હતું કે સ્વામી રામદાસને તેમનો શિવા (ચેલો) મળી ગયો. શું ભારતીય જનતા પાર્ટી- એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ આસારામના શિષ્ય છે ? શું આ જ કારણસર ગુજરાતની કરોડો રૂપિયાની જમીનો પચાવી પાડનાર લેન્ડ માફિયા એવા આસારામ સાથે ગુજરાત સરકારનું કૂણું વલણ રહ્યું છે ? શું આ જ કારણે દિપેશ- અભિષેક જેવા નાનાં બાળકોના રહસ્યમય મૃત્યુ માટે આસારામ સામે આરોપ હોવા છતાં ગુજરાતની પોલીસ હજુ આસારામને સ્પર્શતી નથી ? શું આ જ કારણસર ગાંધીનગરના સાનિધ્યમાં આવેલો આસારામનો મોટેરા આશ્રમ અનેક ગુનાઓના આરોપ ધરાવતો અડ્ડો બની ગયો છે ? શું આ જ કારણસર ગુજરાતના બે અખબારોના માલિકોને હત્યાની સોપારી આપવાનો આસારામ સામે એક તાંત્રિકે આરોપ મૂક્યો હોવા છતાં ગુજરાતની પોલીસ આસારામ સામે એફ.આઈ.આર. નોંધવા પણ તૈયાર નથી ?
નરેન્દ્ર મોદી દેશના એક શક્તિશાળી અને રાષ્ટ્રીય નેતા છે. ભાવિ વડાપ્રધાનપદના ઉમેદવાર છે. માત્ર
ગુજરાતમાં નહીં પરંતુ ગુજરાતની બહાર અને વિદેશોમાં પણ લોકપ્રિય છે. હવે તો મુસ્લિમો પણ તેમના ચાહકો હોવાનું કહેવાય છે. ત્યારે દેશના આટલા તાકાતવર રાષ્ટ્રીય નેતાએ વ્યભિચાર, બળાત્કાર, મર્ડર તથા જમીનો પચાવી પાડનાર લેન્ડ માફિયા જેવા અનેક આરોપો ધરાવતા એક ખતરનાક આરોપી સામે લાચાર થઈ જવાની શું જરૂર છે ? શા માટે આખા પ્રશાસનને આસારામની સેવામાં તૈનાત કરી દેવામાં આવ્યું છે ? શું આસારામ જેવો દાવો કરે છે તેમ તેઓ મોદીના ગુરૂ છે ? કે પછી અડવાણીને રાજી કરવા તેઓ આસારામ પર કૃપા વરસાવી રહ્યા છે ? સાચી વાત એ છે કે મોદીની તાકાત આગળ આસારામની કોઈ જ વિસાત નથી. મોદી સ્વચ્છ પ્રતિભા ધરાવે છે જ્યારે આસારામની પ્રતિભા કલંક્તિ છે. આસારામને પોતાનો પરિવાર છે, ૪૦૦ જેટલા આશ્રમો છે, અબજોની સંપત્તિ છે. જ્યારે મોદીને પોતાનો કોઈ પરિવાર નથી, કોઈ અંગત માલમિલકત કે આશ્રમો નથી. આસારામ સામે અનેક કેસો છે, મોદી સામે કોઈ જ કેસ નથી. તો પછી મોદીની સરકારે આસારામથી ડરવાની શું જરૂર છે ? શું નરેન્દ્ર મોદીને ગુજરાતની કન્યાઓના યૌનપીડન અને મૃત્યુ પામેલા નાનકડા બાળકોની માતા- પિતાની વેદના સ્પર્શતી નથી ?
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાત સરકારની આસારામ ભક્તિ કદાચ થોડા વોટસ અપાવશે પરંતુ આસારામના કરતૂતો હવે દેશ સમક્ષ ખુલ્લા પડી ગયાં હોઈ દેશની આમ જનતાનો એક અતિવિશાળ અને જાગૃત વર્ગ આસારામને સારા માણસ ગણતો નથી. ભણેલા ગણેલા, મધ્યમ વર્ગના પરિવારો તેમની બહેન-દીકરીઓને આસારામના આશ્રમમાં મોકલવા હવે તૈયાર નથી. લાંબુ જીવવા માટે કુંવારિકાઓ સાથે સેક્સ કરવાના આરોપો ધરાવતા આસારામ સામે દેશની કરોડોની પ્રજા ગુસ્સામાં છે. આસારામની વિરૂદ્ધ દેશમાં પ્રચંડ જનમત ઊભો થયો છે. આસારામની તરફેણ કરનારાઓ આ બહુમતી વોટસ ગુમાવી શકે છે. આ વાતને ધ્યાનમાં લઈ નરેન્દ્ર મોદી જેવા સ્વપ્રતિભાવાન રાષ્ટ્રીય નેતાએ તમામ કાયદાકીય પગલાં લઈને દેશની કરોડો પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ જીતી લેવા જોઈએ. મોદી હવે રાષ્ટ્રીય નેતા બની ચુક્યા છે ત્યારે તેમણે આસારામથી અંતર રાખવું પણ જરૂરી છે. નરેન્દ્ર મોદીએ એ વાત સમજી લેવી જોઈએ કે તેઓ સ્વયં એક લોકપ્રિય નેતા છે જ્યારે આસારામ બદનામ વ્યક્તિ છે. મોદીએ તેમની કારકિર્દીની શરૂઆત ચણા,મમરા ખાઈને અને સંઘની ઓફિસમાં રહીને એક સાદગી ભર્યા પ્રચારક તરીકે કરી હતી જ્યારે આસારામે તેની કારકિર્દીની શરૂઆત દારૂ વેચવાના ધંધાથી શરૂ કરી હતી. આસારામને દારૂ સપ્લાય કરનાર કાળુજી આજે પણ ગાંધીનગરમાં હયાત છે. નરેન્દ્ર મોદીની તાકાત સામે આસારામ એક તણખલું છે. આસારામ સામે કડકમાં કડક પગલાં લઈ મોદીએ એક શક્તિશાળી નેતા તરીકે હવે આખા દેશ સમક્ષ દાખલો બેસાડવાની જરૂર છે. ગુજરાતની અને દેશની પ્રજાને નરેન્દ્ર મોદીની તાકાત અને નિયતમાં શ્રદ્ધા છે. મોદી લોકોનો એ વિશ્વાસ ડગવા નહીં દે તે તેમના ઉજળા ભવિષ્ય માટે અને રાજનૈતિક વ્યૂહની દૃષ્ટિએ પણ જરૂરી છે. ગુજરાતની કન્યાઓની લાજ લૂંટનારને સખ્ત સજા કરાવવા મોદી સમર્થ છે.
Comments are closed.