લાલુ કહેતા હતા કે, “જબ તક રહેગા સમોસે મેં આલુ, તબ તક રહેગા બિહાર મેં લાલુ.” લાલુ બિહારમાં નહીં, પણ રાંચીની જેલમાં છે.
લાલુએ એક પત્રકારને કહ્યું : તો ક્યા મૈં તુમ્હારી બીબી કો ચીફ મિનિસ્ટર બના દું ?”
લાલુ પ્રસાદ યાદવ તેમની રમૂજથી માંડીને ગ્રામ્ય શૈલી માટે જાણીતા રહ્યા છે. મુખ્યમંત્રી બન્યા પછી તેઓ મુખ્યમંત્રીના અધિકૃત નિવાસસ્થાને ગાયો રાખતા હતા અને જાતે જ દોહવા બેસતા હતા. ટેલિવિઝન ન્યૂઝ ચેનલોના પત્રકારો મળવા જાય તો બાંય વગરની બંડી પહેરીને જ કેમેરા સામે આવતા હતા. તે જો ઝભ્ભો પહેરે તો હાથ કરતાં ઝભ્ભાની બાંય લાંબી રાખતા આવ્યા છે. પહેલાં નોનવેજ ખાતા હતા, પછી બંધ કર્યું અને ફરી નોનવેજ ચાલુ કર્યું. કેટલીક વખત જાતે જ રસોડામાં જઈ રસોઈ બનાવતા હતા. એક વખત દેશની અનેક નદીઓના જળ મંગાવી તે જળ એક સ્વિમિંગ પુલમાં નાખી તેમાં સ્નાન કર્યું હતું. રાબડીદેવીને પણ સ્નાન કરાવ્યું હતું. જેલમાં ના જવું પડે તે માટે એક તાંત્રિક બાવા પાસે વિધિ પણ કરાવી હતી, પરંતુ એ કાંઈ જ કામ ના આવ્યું.
લાલુ પ્રસાદ યાદવ તેમની રમૂજો માટે પણ જાણીતા હતા. તેઓ મુખ્યમંત્રી બન્યા પછી વારંવાર હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હતા ત્યારે કોઈ પત્રકારે તેમને પૂછયું : “લાલુજી ! આપ તો ટેક્સી કી તરહ હેલિકોપ્ટર કા ઇસ્તેમાલ કરતે હો.”
ત્યારે લાલુએ જવાબ આપ્યો હતો : “અરે ભાઈ !વહ મશીન હૈં. ઇસકા ઇસ્તેમાલ નહીં કરેંગે તો વહ બીગડ જાયગા.”
ઘાસચારા કાંડમાં તેમની સામે ફરિયાદ થઈ અને પહેલીવાર જેલમાં જવાનું થયું ત્યારે તેમણે તેમનાં પત્ની રાબડીદેવીને મુખ્યમંત્રી બનાવી દીધાં હતાં, કોઈ પત્રકારે તેમને પૂછયું : “લાલુજી ! આપને તો અપની બીબી કો સી.એમ. બના દિયા.”
એકવાર લોકસભામાં ચર્ચા દરમિયાન તેઓ બોલ્યા હતા કે : “મૈં ભી પ્રધાનમંત્રી બનના ચાહતા હું.” તે પછી કોઈ પત્રકારે તેમને પૂછયું : “લાલુજી ! ક્યા આપ ભી પ્રધાનમંત્રી બનના ચાહતે હૈ ?”
તો લાલુએ પત્રકારને સામો પ્રશ્ન પૂછયો હતો : “ક્યા તુમ એડીટર બનના નહીં ચાહતે હો ?”
લોકનાયક જયપ્રકાશ નારાયણના બે ચેલા પૈકી એક નીતીશકુમાર અને બીજા લાલુ પ્રસાદ યાદવ. બેઉ આજે એકબીજાની સામે છે. નીતીશકુમારની છબી એકંદરે સ્વચ્છ રહી છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવની છબી ભ્રષ્ટાચારથી ખરડાયેલી છે. તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે ૧૯૯૬માં બિહારમાં રૂ. ૯૫૦ કરોડનું ઘાસચારા કૌભાંડ જાહેરમાં આવ્યું હતું. જેમાં ઘાસચારો, દવાઓ અને પશુઓ માટેના આહારની ખરીદીનાં બોગસ બિલોથી રાજ્યની તિજોરી ખાલી કરી દેવામાં આવી હોવાનું ‘કેગ’ના રિપોર્ટમાં બહાર આવ્યું હતું. ‘કેગ’ના એ રિપોર્ટને લાલુ પ્રસાદ યાદવે વિધાનસભાના મેજ પર રજૂ કર્યો નહોતો. ૧૯૯૬માં બિહાર ભાજપાના પ્રમુખ સુશીલકુમાર મોદીએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો હુકમ કર્યો અને સુપ્રીમ કોર્ટે પણ તેની પર મંજૂરીની મહોર મારતાં તા. ૨૪ જાન્યુઆરી, ૧૯૯૬ના રોજ પોલીસે એફ.આઈ.આર. દાખલ કરી હતી. પરિણામ સ્વરૂપ લાલુ પ્રસાદ આજે જેલમાં છે.
આ કાનૂની પ્રક્રિયાને સંપૂર્ણ થતાં ૧૯ વર્ષ લાગ્યા છે. આટલાં વર્ષો દરમિયાન બિહારમાં લાલુ પ્રસાદે જાતિવાદના સહારે પોતાની રાજનીતિ ચલાવી હતી. તેઓ યાદવ અને મુસ્લિમોની ધરી બનાવી સત્તા પર આવ્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે બિહારને જાપાન બનાવી દેવાની અને બિહારની સડકોને હેમા માલિનીના ગાલ જેવી સુંવાળી અને ચમકીલી બનાવી દેવાની વાતો કહી હતી. આમ તો તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત માત્ર ૨૯ વર્ષની વયે જ શરૂ થઈ હતી. ૨૯ વર્ષની વયે તેઓ ચૂંટાઈને લોકસભામાં ગયા હતા. તેના ૧૩ વર્ષ પછી તેઓ બિહારના મુખ્યમંત્રી બન્યા હતા અને પાછળથી કેન્દ્રમાં રેલવેમંત્રી બન્યા હતા. ૧૯૯૦માં એલ. કે. અડવાણીએ તેમની રથયાત્રા કાઢી ત્યારે બિહારમાં અડવાણીની ધરપકડ કરીને તેઓ જાણીતા બની ગયા હતા. કેન્દ્રમાં રેલવેમંત્રી બન્યા બાદ તેમણે રેલવેને નફો કરતી કરી દીધી હતી, પણ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, લાલુએ રેલવેની સંપત્તિ વેચી વેચીને ચોર દરવાજેથી તેનું ખાનગીકરણ શરૂ કર્યું હતું. રેલવેભાડાં નહીં વધારવા પાછળ સસ્તી લોકપ્રિયતા જ હાંસલ કરવાનો તેમનો દાવ હતો. તેમની વાતોથી પ્રભાવિત થઈને આઈઆઈએમ જેવી સંસ્થાઓએ પણ તેમને પ્રવચનો આપવા બોલાવ્યા હતા, પરંતુ લાલુનો અસલી ખેલ તેઓ જાણતા નહોતા એ વખતે આવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓને ખબર નહોતી કે જે વ્યક્તિ વિદ્યાર્થીઓને મેનેજમેન્ટના પાઠ ભણાવી રહ્યા છે તે એક અપરાધી છે.
દિલ્હીની પ્રેસ ક્લબમાં જઈને કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ જે વટહુકમ ફાડીને ફેંકી દેવાની વાત કરી તે વટહુકમ પર જો રાષ્ટ્રપતિની સહી થઈ ગઈ હોત તો ભારતની રાજનીતિમાં લાલુ જેવા મુજરીમોની લાઈન લાગી જાત. રાહુલ ગાંધીના આક્રોશ બાદ ગુનેગારોની રાજકીય કારકિર્દી બચાવે તેવા વટહુકમ પર હવે ફરી વિચારણા કરવી પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ અને વટહુકમ પાછો ખેંચવો પડયો. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે, રાહુલ ગાંધીના એક ગુસ્સાએ અનેક અપરાધીઓની રાજકીય કારકિર્દી પર બ્રેક મારી દીધી. લાલુને હવે સજા થતાં બિહારના મુસ્લિમો નીતીશકુમાર તરફ ઢળે તેવી શક્યતા છે. લાલુ હવે ચૂંટણી નહીં લડી શકે તેથી તેનો સીધો ફાયદો જનતાદળ-યુને થશે. રાહુલ ગાંધીના આ વટહુકમ પર આક્રોશ બાદ નીતીશકુમાર અને કોંગ્રેસ એકબીજાની વધુ નજીક આવશે. તેની સામે નારાજ થયેલા યાદવોને ભાજપા પોતાની તરફ ખેંચવા પ્રયાસ કરશે. હવે લાલુની પાર્ટી નબળી પડશે જેથી બિહારમાં હવે ભાજપા અને જનતાદળ (યુ) વચ્ચે સીધો મુકાબલો થશે. બિહારમાં રામવિલાસ પાસવાન પણ એલજેપી નામની નાનકડી પાર્ટી ચલાવે છે. તેઓ હવે લાલુની પાર્ટી સાથેનું જોડાણ છોડી દેશે જે લાલુની આરજેડીનું વધુ ધોવાણ કરશે. અલબત્ત, લાલુ જેલમાં રહીને પણ રાજનીતિ ચલાવવાની આવડત ધરાવે છે. આ વખતે તેમાં તેઓ કેટલા કામિયાબ નીવડે છે તે જોવું રહ્યું. લાલુ જેલમાં જતાં પક્ષનું નેતૃત્વ લેવા બીજા ઘણા તૈયાર થઈ ગયા હતા, પરંતુ હવે સ્વસ્થતા ધારણ કર્યા બાદ તેમના પુત્ર તેજસ્વીએ જાહેર કર્યું છે કે, “આજ ભી લાલુ, કલ ભી લાલુ. હમ ભી લાલુ, તુમ ભી લાલુ.”

Comments are closed.