એસિડ એટેકનો ભોગ બનેલી લક્ષ્મી કહે છેઃ ‘હજુ પણ મને ગાવું ગમે છે, સંગીત ગમે છે‘
મારી કહાણી વાંચો, પ્લીઝ! હું પણ તમારા જેવી જ છું. તમારા પૈકીની એક છું. હું પણ યુવાન હતી અને રૂપાળી પણ હતી. મને પણ કેટલાંક સ્વપ્નો હતાં. હું જ્યારે દિલ્હીની સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતી હતી ત્યારે કલાકોના કલાકો સુધી ગીતો ગાતી હતી. મારા ગીતો રેકોર્ડ કરી કૌશલ્ય સ્પર્ધામાં ભાગ લેવા મોકલી આપતી હતી.’ઈન્ડિયન આઈડોલ’ તરફથી મને નિમંત્રણ આવે તેની રાહ જોતી હતી.
હું એક ગરીબ પરિવારમાંથી આવું છું. મારા પિતા દક્ષિણ દિલ્હીના એક ઘરમાં રસોઈયા તરીકે કામ કરતા હતા. હું પડોશમાં રહેતી એક છોકરીની સખી બની ગઈ. એ છોકરીનો ભાઈ મને એકાએક- પ્રપોઝ કરવા લાગ્યો હતો. એ વખતે હું માત્ર ૧૫ વર્ષની હતી અને તે ૩૨ વર્ષનો હતો. તા. ૧૮મી એપ્રિલે એણે મને મારા મોબાઈલ પર સંદેશો મોકલ્યોઃ ”મારી સાથે લગ્ન કરી લે. હું તને ચાહું છું.”
મેં એ સંદેશા તરફ ધ્યાન ના આપ્યું. મેં એ સંદેશાની ઉપેક્ષા કરી. બીજા દિવસે એણે મને ફરી સંદેશો મોકલ્યોઃ ”મારે તાત્કાલિક જવાબ જોઈએ છે.”
ફરી એકવાર મેં એ સંદેશા તરફ ધ્યાન ના આપ્યું. એના ત્રણ દિવસ બાદ હું દિવસના સમયે ભરચક વસતીવાળા સેન્ટ્રલ દિલ્હીના એક બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતી ઊભી હતી. એ વખતે મારી સખીનો ભાઈ અચાનક મારી તરફ ધસી આવ્યો. તેની સાથે તેના ભાઈની ગર્લફ્રેન્ડ હતી. હું કાંઈ સમજી શકું તે પહેલાં એણે મને પકડી લીધી. મને ધક્કો મારી નીચે પાડી દીધી. એક બોટલમાં રાખેલો એસિડ મારા ચહેરા પર ફેંક્યો. હું ચીસો પાડવા લાગી પણ કોઈ મારી મદદે ના આવ્યું. એથી ઊલટું મને ચીસો પાડતી જોઈ લોકો બીજી દિશામાં ભાગવા લાગ્યા. મને ચહેરા પર સખત બળતરા થવા લાગી હતી. મેં મારા હાથથી બંને આંખો ઢાંકી દીધી. એ કારણે મારી દૃષ્ટિ બચી ગઈ.
એસિડ જલદ હતો. એણે મારી ત્વચાને ઓગાળવા માંડી. મેં મારો ચહેરો ગૂમાવી દીધો. મારા કાન ઓગળવા લાગ્યા. મારા બંને હાથ પણ બળીને કાળા થઈ ગયા.
એ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક રાજકારણીનો ડ્રાઈવર મારી મદદે આવ્યો. એ મને હોસ્પિટલમાં લઈ ગયો. મને ૧૦ દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવી.
દસ દિવસ પછી હું ઘેર આવી. મેં દર્પણમાં મારો ચહેરો જોયો. હું પણ મારી જાતને ઓળખી શકી નહીં. એસિડે મારા ચહેરાને કદરૂપો કરી નાંખ્યો હતો. ડોક્ટરે મારા ચહેરા પરથી બળી ગયેલી ત્વચાને કાઢી નાંખી હતી. તેની ઉપર પટ્ટીઓ મારી દીધી હતી. અત્યાર સુધીમાં મારા ચહેરા પર ચાર વખત સર્જરી થઈ ચુકી છે. હવે હું પ્લાસ્ટિક સર્જરી માટે જઈ શકું છું. પણ મારી પાસે એ સર્જરી કરવાના પૈસા હશે તો!
હવે મેં શારીરિક પીડા સાથે જીવતાં શીખી લીધું છે. પણ સામાજિક પીડા હું સહન કરી શકતી નથી. લોકો મને જોઈને જે પ્રતિક્રિયા આપે છે તે મારા માટે અસહ્ય અને વધુ પીડાકારક છે. મારાં પોતાનાં સગાઓ અને મારા મિત્રોએ મારી સામે જોવાનું બંધ કરી દીધું છે. સમાજના આ વિચિત્ર વલણના કારણે પૂરા આઠ વર્ષ હું ઘરમાં જ પૂરાઈ રહી. ક્યારેક બહાર જવાનું મન થાય ત્યારે ચહેરા પર ઘુંઘટ ઢાંકીને જ બહાર જતી, અને તે પણ જ્વલ્લે જ.
મારી પર એસિડ છાંટનારને એક મહિનામાં જ જામીન મળી ગયા. એ પછી તેનાં લગ્ન પણ થઈ ગયાં. માત્ર એક જ મહિનામાં તે સામાન્ય જીવન જીવવા લાગ્યો? પણ મારી જિંદગીનું શું ? આજે તો કોઈ મને મિત્ર બનાવવાનું પણ પસંદ કરતું નથી. ‘મારે પણ એક પ્રેમી હોય અને મારે પણ એક વર હોય’- એવી હું કલ્પના પણ કેવી રીતે કરું ?
મેં નોકરી શોધવા પ્રયત્ન કર્યો પરંતુ મને કોઈ નોકરી રાખવા તૈયાર નથી. એક વ્યક્તિએ તો મને કહ્યું: ”અમારી ઓફિસમાં તને નોકરી આપીશું તો લોકો તને જોઈને જ ગભરાઈ જશે.” બીજા કેટલાકે કહ્યું: ”અમે તમને જાણ કરીશું” પરંતુ આજ સુધી મારી પર કોઈનો ફોન આવ્યો નથી. મેં બ્યૂટીપાર્લરથી માંડીને બેંકોમાં પણ પ્રયાસ કરી જોયો પણ મને કામ આપવા કોઈ તૈયાર નથી. એસિડનો ભોગ બનેલી વ્યક્તિઓને નોકરી આપવા કોઈ તૈયાર નથી. હું એ બધાને પૂછું છું કે ‘સમાજ જન્મથી જ અંધ બનેલી વ્યક્તિને કે અપંગ વ્યક્તિને સ્વીકારી લે છે તો એસિડનો ભોગ બનેલી વ્યક્તિઓને કેમ નહીં? સાચું કહું? અમને બળાત્કારનો ભોગ બનેલી પીડિતાઓથી પણ વધુ બદતર ગણવામાં આવે છે કારણ કે, અમારા ચહેરા બળી ગયેલા છે. અમને લાગે છે કે અમે અમારી ઓળખ ગુમાવી દીધી છે.
હા, હજુ હું ગાઉં છું. મને સંગીત ગમે છે. મને પાર્ટીમાં જવું ગમે છે. હું મારા નખને પોલીશ કરું છું. હું મારા વસ્ત્રોની ડિઝાઈન પણ તૈયાર કરું છું અને તે ડિઝાઈન પ્રમાણે સીવું પણ છું. મને પણ તમારા બધાની જેવી જ ઈચ્છાઓ- ઝંખનાઓ છે, પણ લોકો મને જોઈને ડરી જાય છે.
મને જે કાંઈ સહારો મળ્યો છે તે મારા માતા-પિતા, મારા ડોક્ટર, મારા ધારાશાસ્ત્રી અપર્ણા ભટ્ટ અને મારા પિતા સાથે કામ કરતા તેમના સહકાર્યકર્તાઓ તરફથી જ મળ્યો. એ બધાંએજ મારી સર્જરીના પૈસા ભેગા કરી આપ્યા છે. હજુ પણ મને મદદ કરે છે. મારા માટે દુઃખની વાત એ હતી કે મારા પર એસિડ એટેક થયા બાદ મારા પિતા મને બધી જ મદદ કરી રહ્યા હતા. ત્યારે જ મારા ભાઈને ટી.બી. થઈ ગયો. એના થોડા સમય બાદ મારા પિતાનું પણ મૃત્યુ થઈ ગયું. એ વખતે હું ફરી વિચલિત થઈ ગઈ. મારા પિતાના અવસાન બાદ ઘર ચલાવવાની જવાબદારી મારી ઉપર આવી પડી. મારો ભાઈ બીમાર હોવાથી મારી મા એની સતત કાળજી લેવામાં વ્યસ્ત રહેતી.
ખૂબ તાકાત એકઠી કરીને હું કોર્ટમાં ગઈ. મારા વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી એસિડના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માગણી કરી. એ પછી હું એસિડનો ભોગ બનેલી બીજી યુવતીઓના પણ સંપર્કમાં આવી. એમાંથી મોટા ભાગની પીડિતાઓ અંધ બની ચૂકી હતી. કેટલીક સ્ત્રીઓ બહેરી થઈ ચૂકી હતી. અમે બધાં જ ગરીબ પરિવારના ફરજંદ હતાં. મલ્ટિપલ સર્જરી અમને પોસાય તેમ નહોતી. અમને ખબર છે કે તમે અમારા કદરૂપા થઈ ગયેલા ચહેરા જોવા માંગતા નથી પરંતુ સાચી વાત એ છે કે,અમારી પાસે નવો ચહેરો લાવવા પૈસા નથી. મિત્રો! હવે મેં નવા ફ્રેન્ડસ બનાવી દીધાં છે અને તે બધાં જ એસિડ એટેકનો ભોગ બનેલાં છે. મોટાભાગના અંધ છે. તમે અમને ટગર ટગર જોઈ રહો છો અને તમારાં બાળકો અમને જોઈને ભયભીત થઈ ના જાય એટલે તેમને પકડીને અમારાથી દૂર કરી દો છો તે અમે જાણીએ છીએ. એમ કરવાને બદલે તમે તમારી આંખો પર પટ્ટી બાંધીને કેમ જોતા નથી કે, એ પછી બધું કેટલું અંધારું છે ?
તમે એ પણ કેમ જોતા નથી કે આ દુનિયા અંદરથી કેટલી કાળી છે? કારણ કે તમે અમારી પરિસ્થિતિમાંથી કદી પસાર થયા જ નથી. તમે અમને શક્તિ આપી શક્તા ના હોવ તો ના આપો પરંતુ મારો આત્મવિશ્વાસ તોડવાનું કામ તો ના કરો. મેં તો હમણાં જ મારી તાકાત ભેગી કરી હું માંડ માંડ જીવતાં શીખવાનો પ્રયાસ કરી રહી છું.
મેં એક ઓનલાઈન અરજી તૈયાર કરી છે અને મને ખુશી છે કે તેની પર ૨૭૦૦૦ નાગરિકોએ સહી કરી છે.
દરમિયાન નહીમખાન કે જેણે મારી પર એસિડથી હુમલો કર્યો હતો તેણે હવે ફરી એકવાર જેલમાં જવું પડયું છે. નામદાર કોર્ટે તેને સાત વર્ષની જેલની સજા કરી હતી. હવે બીજા બે વર્ષ પછી તે જેલમાંથી બહાર આવી જશે અને ફરી એકવાર સામાન્ય જીવન જીવવા માંડશે, પણ મારા જીવન પર પડેલા ઘા કદી રૂઝાશે નહીં. મારી કાનૂની લડત ચાલુ જ રહેશે. સુપ્રીમ કોર્ટે એસિડનો ભોગ બનેલી વ્યક્તિઓને રૂ. ત્રણ લાખનું વળતર આપવા સરકારને આદેશ આપ્યો છે પણ તબીબી ખર્ચનું શું ? અમારામાંથી કેટલાંકની સર્જરીનું ખર્ચ રૂ.૩૦થી ૪૦ લાખ જેટલું આવે તેમ છે. એ જ રીતે અમારી રોજીરોટીનું શું ? અમને નોકરી કોણ આપશે ? પોલીસ ક્યારે અમારા માટે સંવેદનશીલ બનશે ? એસિડ પીડિતો માટે ફાસ્ટટ્રેક કોર્ટસ ક્યારે ?
બંગલાદેશે પણ એસિડ ફેંકનારાઓ સામે કાનૂનનો ગાળીયો મજબૂત બનાવ્યો છે, તો ભારત સરકાર એવું ક્યારે કરશે ? સખત કાનૂન હોત તો અમારામાંથી ઘણાંને બચાવી શકાયાં હોત. મને મદદ જોઈએ છે સરકાર અમને પૂરતું વળતર આપે તેવી અમારી લાગણી છે. અમારામાંથી ઘણીયે વ્યક્તિઓ હજુ અસહ્ય વેદનામાંથી પસાર થઈ રહી છે.
(As told to Harinder Baveja : Source and courtesy : Hindustan times)
www.devendrapatel.in
Leave a Reply