નારદજી અને શુકદેવજીની પરીક્ષા કરવા રાણી સુનયનાએ પ્રસ્તાવ મૂક્યો

શ્રાવણ મહિનાનો આરંભ થઈ ચૂક્યો છે. શ્રાવણ તે તપ,વ્રત, ઉપવાસ અને કથા શ્રવણનો મહિનો છે. મહર્ષિ વેદવ્યાસે વેદો,મહાભારત, શ્રીમદ્ ભગવદ ગીતા અને શ્રીમદ્ ભાગવતની રચના કરી પરંતુ ભારતની ભૂમિ પર શ્રેષ્ઠ કથાકાર તો શુકદેવજી જ થયા. શુકદેવજીના જન્મથી કથા પણ રોચક છે. શ્રીમદ ભાગવતશાસ્ત્રની રચના પછી વેદવ્યાસને ચિંતા થઈઃ ”આ શાસ્ત્ર હું કોને આપું ?સમાજના કલ્યાણ માટે આ રચ્યું છે. કોઈ લાયક પુત્ર હોય તો તેને આ જ્ઞાન આપી દઉં જેથી તે જગતનું કલ્યાણ કરે.”

રાણીએ કહ્યું: બંને સંતોને રાત્રે મારા મહેલમાં રાખો!

આવો વિચાર આવતા વ્યાસ મહર્ષિને વૃદ્ધાવસ્થામાં પુત્રેષણા જાગી. ભગવાન શંકર વૈરાગ્યનું સ્વરૃપ છે. ભગવાન શંકર નિરપેક્ષ છે. જગતને જેની અપેક્ષા છે તેનો શિવજીએ ત્યાગ કર્યો છે. લોકોને ગુલાબનાં ફુલ ગમે છે, પણ ભગવાન શંકરને તો ધંતૂરાના ફૂલથી સંતોષ છે. મહર્ષિ વ્યાસે ભગવાન શંકરની આરાધના કરી. ભગવાન શિવપ્રગટ થયા, પ્રસન્ન થયા. વેદવ્યાસે માંગ્યું: ”સમાધિમાં જે આનંદ આપ ભોગવો છો તે આનંદ જગતને આપવા મારા ઘેર પુત્ર રૃપે પધારો.”

શિવજીએ વ્યાસ મહર્ષિની વિનંતી સ્વીકારી. શિવકૃપાથી વ્યાસ મહર્ષિના પત્ની વાટિકાજીને ગર્ભ રહ્યો. શુકદેવજીનો જન્મ થયો. શુકદેવજી શિવજીનો અવતાર હોવાથી નિર્વિકાર હતા. શુકદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય પરિપૂર્ણ હતાં. માત્ર સોળ વર્ષની વયે શુકદેવજીએ ઘરનો ત્યાગ કર્યો. જગતના અનેક જીવોના કલ્યાણ માટે શુકદેવજીએ ગૃહત્યાગ કર્યો હતો પરંતુ પુત્રવિયોગ સહન ના થતાં વ્યાસ મહર્ષિ ”હે પુત્ર! હે પુત્ર!” એમ બોલતા શુકદેવજીની પાછળ દોડવા લાગ્યા.

વૃક્ષો દ્વારા શુકદેવજીએ વ્યાસજીને જવાબ આપ્યોઃ ”હે મહર્ષિ! આપ તો જ્ઞાની છો અને પુત્રની પાછળ પડયા છો? જ્ઞાની તેને કહેવાય જે પરમાત્માની પાછળ પડે. આ જીવ અનેકવાર પિતા થયો. પુત્ર થયો. એ સંબંધો ક્યાં ગયા? આ બધો વાસનાનો ખેલ છે.”

શુકદેવજીએ વૃક્ષો દ્વારા પિતાને જ્ઞાન બોધ આપ્યોઃ ”કોણ પિતા અને કોણ પુત્ર? વાસના જ કોઈને પિતા બનાવે છે અને વાસના જ કોઈને પુત્ર. જીવનો ઈશ્વર સાથેનો જ સંબંધ સાચો છે. બીજા સંબંધો ખોટા છે.”

નારદજીને કલહ પ્રિય છે. એક વાર નારદજીએ પાર્વતીને કહ્યું: ”તમારા પતિ શિવ તપ કરે તે બહુ સારું પણ ઘણી વાતો તમારાથી છુપાવે છે. શિવજીને પૂછજો કે તમે તમારા ગળામાં મુંડમાળા પહેરો છો તે કોની છે?”

શિવજી જેવા સમાધિમાંથી જાગ્યા એટલે પાર્વતીજીએ પૂછયું: ”તમારા ગળામાં જે મુંડમાળા છે તે કોના મસ્તકની છે?”

શિવજીએ એ ના પૂછવા ખૂબ કહ્યું પણ પાર્વતીજીએ હઠ પકડતા છેવટે કહ્યું: મારા ગળામાં જે મુંડમાળા છે તે તમારા મસ્તકની છે. તમારો વિયોગ સહન ના થતાં મેં તમારા મસ્તકની મુંડમાળા ધારણ કરી છે.”

શિવ અજન્મા છે જ્યારે પાર્વતીજીના જન્મ થયા છે. પાર્વતીજીએ પૂછયું: ”મારા અનેક જન્મો થયા તેનું કારણ શું?”

શિવજીએ કહ્યું: ”હું અમર છું કારણ કે હું અમર કથા જાણું છું. મારો પ્રેમ રામ સાથે છે. એથી હું અમર છું.”

પાર્વતીજીએ કહ્યું: ”તો મને પણ અમરકથા સંભળાવો ને?”

શિવજી સંમત થયા અને બોલ્યાઃ ”આ અમર કથા મેં કોઈને કહી નથી પણ હૃદયમાં રાખી છે. આજે એ હું તમને આંખો બંધ કરીને કહીશ, એમ કરતાં કરતાં બની શકે કે અંદરથી મને ભગવાનના દર્શન થાય અને મને સમાધિ લાગી જાય. એમ થાય તો કથા અટકી જાય તેથી હું તમને રામકથા કહીશ અને તમારે હુંકારો ધરવાનો.”

પાર્વતીજીએ હા પાડી.

હિમાલયનાં શાંત શિતળ પ્રદેશમાં કૈલાસધામ ખાતે એકાંતમાં ભગવાન શિવે અમરકથા કહેવાનો આરંભ કર્યો. એ દિવ્યકથા દરમિયાન બંનેને વારાફરતી સમાધિ લાગવા માંડી. શિવજીની કથાનું પાર્વતીજી શ્રવણ કરતાં હતા તે દરમિયાન પાર્વતીજીને પણ સમાધિ લાગી ગઈ. નજીકમાં એક વટવૃક્ષ હતું. તેની ઉપર એક પોપટ બેઠો હતો. આ કથા પોપટ પણ સાંભળતો હતો. પાર્વતીજીને સમાધિ લાગી ગઈ હોઈ પોપટે તેમના બદલે હુંકારો કરવા માંડયો. શિવજીને હતું કે પાર્વતીજી કથા સાંભળે છે પણ એકક્ષણે શિવજીએ કથા અટકાવી અને તેમણે આંખ ખોલીને જોયું તો પાર્વતીજી સમાધિમાં હતા અને તેમના બદલે પોપટ હુંકારો ધરતો હતો. આ રીતે પ્રથમવાર પાર્વતીજીને સંબોધીને કહેવાયેલી કથા પોપટે સાંભળી લીધી. શિવજી પોપટ પર ક્રોધે ભરાયા. તેઓ પોપટને મારવા દોડયા. પોપટ ઉડીને સીધો મહર્ષિ વેદવ્યાસ પાસે પહોંચી ગયો.

આ તરફ વેદવ્યાસે અગાઉ શ્રીમદ્ ભાગવતની ભક્તિપ્રધાન કથાની રચના કરી દીધી હતી પરંતુ તે લોકો સુધી પહોંચાડવા આપવી કોને ? તેઓ આ બાબત પર ચિંતિત હતા. એ જ સમયે શિવજીથી ગભરાયેલો પોપટ મહર્ષિ વેદવ્યાસના ચરણમાં આવી પહોંચ્યો. તેની પાછળ શિવજી દોડતા હતા. એ વખતે વેદવ્યાસ પણ શિવજીનું સ્મરણ કરતા હતા. શિવજીના દર્શનથી વ્યાસજીને આનંદ થયો. વેદવ્યાસે પૂછયુઃ પ્રભુ! આમ દોડતા દોડતા કેમ પધાર્યા?”

ભગવાન શિવે કહ્યું: મહર્ષિ! મારા ઘરમાંથી ચોરી કરી એક ચોર તમારા આશ્રમમાં આવ્યો છે. મેં કોઈને ય ના સંભળાવી હોય તેવી અમરકથા દેવી પાર્વતીને પ્રથમવાર સંભળાવી એ કથા માત્ર પાર્વતીજી માટે હતી પણ આ કથા એ પોપટ સાંભળી ગયો છે.”

વેદવ્યાસે સ્મિત કરતાં કહ્યું: ”હે મહાદેવ! આપની કહેલી અમરકથા જે સાંભળે તે અમર થઈ જાય. હવે તો પોપટ પણ અમર થઈ ગયો. તેને કેમ મરાય?” અને ભોળા શિવ માની ગયા. એ પોપટ જ શુકદેવજી થયા. શુકદેવજી રાજા પરિક્ષીતને અમરકથા સંભળાવી અને પરિક્ષીતની મુક્તિ થઈ. કહે છે કે જે અમરકથા કહે છે અને સાંભળે છે તે મૃત્યુના ત્રાસમાંથી મુક્તિ પામે છે.

ગંગાકિનારે શુકેદવજીએ કથા કરી ત્યારે પિતા વ્યાસ મહર્ષિ પણ પોતાની લખેલી કથા પુત્રના મુખે સાંભળવા આવ્યા. શુકદેવજી ગુજરાતના નર્મદા કિનારે પણ રહ્યા છે. નર્મદા કિનારે બિરાજેલા શુકદેવજીએ મહર્ષિ વ્યાસને કહ્યું હતું: ”હું આ કિનારે બેસું છું પણ પિતાજી તમે સામે કિનારે બેસો. મને દૂરથી જુઓ, પણ ધ્યાન નારાયણનું કરો.”

શુકદેવજી પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં જ પરમાત્મામાં મળી ગયા છે પણ મહર્ષિ વ્યાસ લોકોના કલ્યાણ માટે આજે પણ બિરાજે છે. પૃથ્વી પરનાં સાત અમર વ્યક્તિઓમાં મહર્ષિ વ્યાસની ગણતરી થાય છે. અશ્વત્થામાં, કૃપાચાર્ય અને વ્યાસજી નર્મદાના કિનારે જ બિરાજે છે. પૂજ્ય ડોંગરેજી મહારાજે પ્રબોધેલી આ કથામાં તેઓ કહે છેઃ ”નર્મદામાં શિવકન્યા છે. ભગવાન શંકર એમના પિતા છે. નર્મદાનું જળ એ પાણી નથી પણ સાક્ષાત બ્રહ્મવિદ્યા છે.એવા કોઈ દેવ કે ઋષિ નથી જેમણે નર્મદાના કિનારે બેસી તપ કર્યું ના હોય. નર્મદા મોક્ષ પણ આપે છે.”

શુકદેવજીની દૃષ્ટિ દેવદૃષ્ટિ હતી, દેહદૃષ્ટિ નહીં. શુકદેવજી સ્નાન કરતી અપ્સરાઓ પાસેથી પણ પસાર થાય તો પણ તેમના મનમાં કોઈ વિકાર પેદા થતો નહીં. એક વાર સરોવરમાં અપ્સરાઓ સ્નાન કરતી હતી ત્યારે નગ્નાવસ્થામાં શુકદેવજી પસાર થયા છતાં અપ્સરાઓએ સ્નાન કરવાનું ચાલુ રાખ્યું અને કોઈ લજ્જા અનુભવી નહીં. તે વખતે શુકદેવજીને સમજાવીને ઘેર પાછા લઈ આવવા માટે તેમના પિતા વ્યાસજી દોડયા. મહર્ષિ વેદવ્યાસ વસ્ત્રો પહેરેલાં હોવા તાં તેમને જોતાં અપ્સરાઓએ તરત જ વસ્ત્રો પહેરી લીધા. આ જોઈ વ્યાસજીને આશ્ચર્ય થયું. તેમણે કારણ પૂછયું તો અપ્સરાઓએ કહ્યું: ”આપ વૃદ્ધ છો. આપ પિતા સમાન છો. આપ પૂજ્ય છો, પરંતુ આપના મનમાં સ્ત્રી-પુરુષનો ભેદ છે. જ્યારે શુકદેવજીના મનમાં એવો કોઈ ભેદ નથી. શુકદેવજીને તો ખબર જ નથી કે આ સ્ત્રી છે અને આ પુરુષ છે.”

એકવાર જનક મહારાજના દરબારમાં શુકદેવજી અને નારદજી વારાફરતી પધાર્યા. બંનેને સુંદર આસન આપવામાં આવ્યું. જનકરાજાએ બંનેની પૂજા કરી. તે પછી દરબારીઓએ પૂછયું: ”આ બંને સાધુઓમાંથી પ્રથમ ક્રમાંક કોને આપવો? શુકદેવજી બ્રહ્મજ્ઞાની છે અને નારદજી ભક્તિ સંપ્રદાયના આચાર્ય છે.”

જનકરાજાએ કહ્યું: ”બંને શ્રેષ્ઠ છે.”

જનકરાજાની મૂંઝવણ એ હતી કે પહેલો ક્રમાંક કોને આપવો? તેથી તેમનાં પત્ની સુનયના મહારાણીએ કહ્યું: ”મહારાજ! આ બંને સંતોને એક રાત મારા મહેલમાં રાખો. કાલે હું તમને કહી દઈશ કે પહેલો કોણ અને બીજો કોણ?”

બંને સંતોને ઉતારો મહારાણી સુનયનાના મહેલમાં આપવામાં આવ્યો. રાત્રીના સમયે બંને સંતો મહારાણીના મહેલમાં બેઠા હતા. બંને સંતો ધ્યાન કરતા હતા. મહારાણી સુનયના સુંદર શૃંગાર કરીને બંને સંતોની પાસે આવ્યાં. તેમની પાસે બેઠાં. નારદજીને ખબર પડી કે બાજુમાં જ મહારાણી સુનયના બેઠાં છે એટલે તેઓ સ્વયં મર્યાદા પાળવા દૂર ખસી ગયા. પરંતુ શુકદેવજીની બ્રહ્માકારવૃત્તિ સ્થિર રહી. તેઓ જેમ અને જ્યાં હતા તેમ જ રહ્યાં. બીજા દિવસે મહારાણી સુનયનાએ પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું: ”શુકદેવજી અને નારદજી એ બંને સંતો શ્રેષ્ઠ છે પણ પહેલો ક્રમાંક શુકદેવજીનો આવે છે. શુકદેવજી મહારાજને ખબર જ નથી કે તેમની બાજુમાં બેઠેલી વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ. એમને એ વાતનું ભાન જ નથી.નારદજી શ્રેષ્ઠ સંત છે પણ તેમને ખબર છે કે આ સ્ત્રી છે અને હું પુરુષ. તેમના મનમાં સ્ત્રી- પુરુષનો ભેદભાવ છે. શુકદેવજીની આંખમાં કે મનમાં આવો કોઈ ભેદભાવ નથી.

પૂજ્ય ડોંગરેજી મહારાજ કહે છેઃ ”આ સ્ત્રી છે અને આ પુરુષ છે, આ કાળો છે ને આ ગોરો છે- એ ભેદભાવ માનવીની આંખમાં છે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે, જ્યાં ભેદ નથી ત્યાં ભય નથી. જેનામાં ભેદ છે તે ઈશ્વરથી દૂર છે. શુકદેવજી મહારાજની દૃષ્ટિમાં સ્ત્રી-પુરુષનો ભેદ રહ્યો નહોતો. તેમને તો આખું જગત બ્રહ્મરૃપ ભાસતું હતું.

આવા હતા શુકદેવજી મહારાજ.
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in