રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
અખિલેશ સીએમ પણ સરકાર કોણ ચલાવે છે?

અખિલેશ યાદવ જ્યારે ઉત્તર પ્રદેશના અને દેશના સહુથી યુવાન મુખ્યમંત્રી બન્યા ત્યારે વૃદ્ધ રાજકારણીઓથી ત્રસ્ત દેશે એક તાજગી અનુભવી હતી, પરંતુ હવે એ તાજગી અફસોસમાં બદલાઈ ગઈ છે. તેઓ અત્યાર સુધીમાં આવેલા તેમના તમામ પૂર્વ મુખ્યમંત્રીઓની સરખામણીમાં સહુથી નિમ્ન સ્તરના રાજકારણી પુરવાર થઈ રહ્યા છે. લોકો તેમના બદલે તેમના પિતા મુલાયમસિંહને પાછા લાવવાની માંગણી કરી રહ્યા છે કે જેમણે પણ છેવટે ગુંડારાજનું સરકારીકરણ જ કરી નાંખ્યું હતું. ઘણાં તો અખિલેશ યાદવ કરતાં માયાવતીને વધુ સારાં મુખ્યમંત્રી કહી રહ્યા છે કે જેમણે ભ્રષ્ટાચારનું સરકારીકરણ કરી નાંખ્યું હતું.

એક નિષ્ફળ યુવા-મુખ્યમંત્રી

અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના એક નિષ્ફળ અને વોટબેંક રાજકારણી તરીકે જ છાપ ઊભી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશની ધુરા સંભાળ્યા પછી તેમણે પ્રદેશના વિકાસ માટે યોગ્ય અધિકારીઓની યોગ્ય જગ્યાએ નિમણૂક કરવાના બદલે માત્ર જાતભાત અને કોમવાદના ધોરણે જ નિમણૂકો કરી દીધી છે. પોલીસ અધિકારીઓ અને ઉચ્ચ અમલદારોની નિમણૂકો સ્થાનિક ગુંડાઓના રક્ષણ માટે તેમની માંગણી મુજબ જ કરવામાં આવી હતી. આ વાતનો છેલ્લો દાખલો દુર્ગાશક્તિ નાગપાલનો છે જે એક પ્રામાણિક આઈએએસ અધિકારી હોઈ રેત માફિયાઓએ ૪૧ મિનિટમાં તેમને સસ્પેન્ડ કરાવી દીધા. દુર્ગાશક્તિ નાગપાલને સસ્પેન્ડ કરવાના આવા ઉગ્ર પ્રત્યાઘાત આખા દેશમાં પડશે તેની કલ્પના પણ અખિલેશ યાદવે કરી નહીં હોય.

અખિલેશ યાદવની મોટામાં મોટી ચિંતા તેમની મુસ્લિમ વોટબેંક છે. તેમને ડર છે કે ૨૦૧૪ની ચૂંટણીઓમાં તેમની લઘુમતી વોટબેંક સુશ્રી માયાવતી છીનવી જશે. એ કાલ્પનિક કે વાસ્તવિક ભયના કારણે તેઓ મસ્જિદની દીવાલનો મુદ્દો ઊભો કરી દુર્ગાશક્તિ નાગપાલનું સસ્પેન્શન વાજબી ઠેરવી રહ્યા છે. બીજી બાજુ મુસ્લિમ વકફ બોર્ડ પોતે જ કહે છે કે જે દીવાલ તોડવામાં આવી છે તેમાં દુર્ગાશક્તિ નાગપાલનો કોઈ જ રોલ નથી. વાસ્તવિકતા એ છે કે અખિલેશ યાદવના મુખ્યમંત્રી બન્યા બાદ ઉત્તરપ્રદેશમાં એક ડઝન જેટલા કોમી તોફાનોના બનાવો બન્યા છે, પરંતુ અખિલેશ યાદવે કોઈ જ કડક વહીવટી પગલાં ભર્યાં નથી. તોફાનો માટે જવાબદાર એક પણ નેતાને સજા થઈ નથી. એમ કરવાના બદલે અખિલેશ યાદવ એક પ્રામાણિક અધિકારીને સજા કરી રહ્યા છે.

એ વાત સાચી કે અખિલેશ યાદવ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી છે પણ યુ.પી. સરકારના અસલી રાજાઓ બીજા જ છે. અખિલેશ તો તેમના દબાણ હેઠળ જ સરકાર ચલાવે છે. આ અસલી મુખ્યમંત્રીઓને જાણી લેવાની જરૂર છે.

(૧) તેમાં એક છે તેમના પિતા મુલાયમસિંહ યાદવ. રાજ્યના તમામ મહત્ત્વના રાજકીય અને વહીવટી નિર્ણયો મુલાયમસિંહ યાદવ જ લે છે. મુલાયમસિંહ જ રાજ્યના અધિકારીઓ અને મંત્રીઓને ઘેર બોલાવે છે અને જરૂરી હુકમો આપે છે. (૨) બીજા છે મુખ્યમંત્રી અખિલેશ યાદવના કાકા અને કેબિનેટ મિનિસ્ટર શિવપાલસિંહ યાદવ. તેમની પાસે રાજ્યનાં મલાઈદાર ખાતાં છે અને અખિલેશની ગેરહાજરીમાં જનતા દરબાર ભરે છે. (૩) ત્રીજા છે રાજ્યસભાના સભ્ય પ્રો. રામગોપાલ યાદવ. અખિલેશને જ મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવામાં તેમનો મુખ્ય ફાળો હતો. મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે તેમને પૂછવામાં આવે છે. (૪) તે પછી આવે છે આઝમ ખાન. આઝમ ખાન મુસ્લિમોનાં પ્રતીક અને કેબિનેટના વરિષ્ઠ મંત્રી છે. તેઓ તીખી જબાન માટે જાણીતા છે અને ઉત્તરપ્રદેશની વિધાનસભામાં અખિલેશ યાદવના વાલી તરીકેનો રોલ અદા કરે છે. (૫) તે પછી આવે છે નરેશ અગ્રવાલ. તેઓ સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટાયેલા લોકસભાના સભ્ય છે. તેમના પુત્ર નીતિન અગ્રવાલ ઉત્તરપ્રદેશના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી છે.

શિક્ષણથી એન્જિનિયર એવા ૩૮ વર્ષના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ ઉપરોક્ત નેતાઓની કઠપૂતળી જ છે. તેઓ ખુદ યુવાન છે અને એક પ્રામાણિક યુવાન મહિલા અધિકારીને જે રીતે અને ઝડપથી સસ્પેન્ડ કરી દીધા તે કારણે તેમની પ્રતિભા ધ્વસ્ત થઈ ગઈ છે. અખિલેશ યાદવે તેમના પિતાથી પોતાની પ્રતિભાને અલગ રીતે ઉપસાવવાની જરૂર હતી. તેમણે જે રીતે દુર્ગા નાગપાલનું સસ્પેન્શન કરી દીધું તે જોતાં તો લાગે છે કે તેઓ તેમના પિતાના પડછાયા હેઠળ જ કામ કરે છે. તેમની જ પાર્ટીના વિનોદ દુબે નામના એક નેતા કહે છે કે ઉત્તરપ્રદેશ સરકાર એક એવો રથ છે તે અનેક ઘોડાઓથી દોડી રહ્યો છે. ઉત્તરપ્રદેશના વરિષ્ઠ મંત્રીઓનાં ખાતાંઓના અખિલેશ યાદવ ખુદ મુખ્યમંત્રી હોવા છતાં દરમિયાનગીરી કરી શકતા નથી. આઝમખાન અને શિવપાલસિંહ યાદવ તો ખુદ મુખ્યમંત્રી હોય તે રીતે વર્તી રહ્યા છે. તેમાં હવે એક નરેન્દ્ર ભાટીનો ઉમેરો થયો છે. જેમણે એક સભાને સંબોધતા ભાંગરો વાટી નાંખ્યો કે ” મેં ૪૧ મિનિટમાં એસડીએમ દુર્ગા નાગપાલને સસ્પેન્ડ કરાવી દીધી. ઉત્તરપ્રદેશમાં મલ્ટિપલ પાવર સેન્ટર હોઈ બ્યુરોક્રસી પણ મૂંઝાયેલી છે. ઉત્તર પ્રદેશના સિનિયર અધિકારી કહે છે : માયાવતીના શાસન વખતે અમને એટલી તો ખબર હતી કે આદેશ એક જ અને ઉચ્ચ સ્થળેથી આવશે પણ હવે તો અનેક વ્યક્તિઓ તરફથી આવે છે અને એક જ મુદ્દા પર એક બીજાના વિરોધાભાસી ઓર્ડર્સ આવે છે. આ પરિસ્થિતિમાં કામ કરવું કેવી રીતે?

આ બધાનું મૂળ અખિલેશ યાદવની નબળી નેતાગીરી છે. સમાજવાદી પાર્ટીના બાકીના નેતાઓ ખનીજ માફિયાઓ સાથે સંકળાયેલા છે. ઉત્તરપ્રદેશનો કેટલોક ભાગ દિલ્હીને અડીને આવેલો છે. દિલ્હીની આસપાસ અને નોઈડા તથા ગ્રેટર નોઈડા વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં બાંધકામ પ્રવૃત્તિ ચાલે છે. આ વિસ્તારમાં રેતીનું માઈનિંગ પણ વ્યાપક પ્રમાણમાં છે. કહેવાય છે કે આ વિસ્તારમાં રેતીનું ખોદકામ કરતી ત્રણ ડઝન જેટલી ગેંગ્સ છે અને એ આખીયે સિન્ડિકેટ પર શક્તિશાળી રાજકારણીનો અંકુશ છે. અહીં આ વિસ્તારમાં ૨૦૦૭માં રેતીના એક ડંપરનો ભાવ રૂપિયા ૯૦૦થી ૧૦૦૦ હતો જે અત્યારે રૂપિયા ૧૬,૦૦૦ થી ૨૦,૦૦૦ થઈ ગયો છે. રેતીનો આ ધંંધો છેલ્લાં ૨૦ વર્ષથી ચાલે છે. યમુના અને હિન્ડોન વિસ્તારમાં ૪૦૦ ટ્રેક્ટરો ૧૦૦ જેટલાં અર્થમૂવિંગ મશીનો તથા ૬૦૦ માણસો રેત ખોદકામની પ્રવૃત્તિ કરી રહ્યા છે. છેલ્લાં બે વર્ષમાં સિંચાઈ અને ખનીજ વિભાગે ૬૦ જેટલા રેત માફિયાઓ સામે પોલીસ ફરિયાદ કરેલી છે. ગૌતમ બુદ્ધનગર જિલ્લામાં યમુનાનો ૬૦ કિલોમીટર જેટલો કિનારો રેત માફિયાઓ માટે સોનાની ખાણ જેવો છે. તેમાં રાયપુર, કંબકશપુર, ગુલવાલી અને સેક્ટર ૧૫૦ એ રેત ખોદકામનાં મહત્ત્વનાં કેન્દ્રો છે. અહીંથી ગેરકાયદે લેવાતી રેતી નોઈડા અને ગ્રેટર નોઈડા વિસ્તારમાં ચાલતાં ૧૬૦ જેટલાં નવાં બાંધકામોને સપ્લાય કરવામાં આવી રહી છે. અહીં માત્ર ૧૫ જ લાઇસન્સવાળા કોન્ટ્રાક્ટરો છે. એ સિવાય બીજા લોકો ક્રિમિનલ સિન્ડિકેટ ચલાવે છે અને એ રેત માફિયાઓને ઉત્તરપ્રદેશની સરકારના કેટલાક તાકાતવર નેતાઓનું સંરક્ષણ છે. આ ક્રિમિનલ સિન્ડિકેટના માફિયાઓ બીજા કોન્ટ્રાક્ટરો પાસેથી ગેરકાયદે ટેક્સ અને લેવી પણ ઉઘરાવે છે. યમુના અને હિન્ડોન ખાતેથી લેવાતી રેતી ઇકો સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી રહી છે. રેતી જળને શુદ્ધ બનાવે છે અને શુદ્ધ રાખે છે પણ રેતી હટી જતાં યમુનાનાં જળ ગંદાં અને પ્રદૂષિત થઈ રહ્યાં છે પણ કોઈ એ માફિયાઓને રોકવા તૈયાર નથી. એ ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા એક યુવાન મહિલા અધિકારીએ પ્રયાસ કર્યો તો એ અધિકારીને જ સસ્પેન્ડ કરી દેવાયાં.

આવું છે ઉત્તરપ્રદેશના યુવાન મુખ્યમંત્રી અખિલેશ યાદવનું શાસન.
www.devendrapatel.in