‘ગોડફાધર-૨’ બનવા માટે સ્મશાનયાત્રામાં રાજનીતિ
બાળાસાહેબ ઠાકરેના નિધન બાદ મુંબઈની રાજનીતિમાં શૂન્યાવકાશ સર્જાયો છે. દરેક વ્યક્તિની અને દરેક વિચારધારાની એક આવરદા હોય છે. બાળાસાહેબના ગયા બાદ શિવસેનાને અકબંધ રાખવાનો કરિશ્મા ઉદ્ધવ ઠાકરે પાસે નથી. બાળાસાહેબના ભત્રીજા રાજ ઠાકરે પાસે કાકાના વ્યક્તિત્વની થોડી અસર છે, પરંતુ બે પિત્રાઈ ભાઈઓ વચ્ચેનું અંતર સ્મશાનયાત્રામાં પણ દેખાયું. બાળાસાહેબનો મૃતદેહ જે ટ્રક પર લઈ જવામાં આવી રહ્યો હતો તેની ઉપર રાજ ઠાકરેને સ્થાન ન અપાયું.
કહેવાય છે કે એક ‘ગોડફાધર’ મૃત્યુ પામે છે ત્યારે તેની અંતિમક્રિયા વખતે જ તેનું સ્થાન કોણ લેશે, તેની યોજના ઘડાઈ જતી હોય છે. ‘ગોડફાધર’ નવલકથાનો હીરો-વિટ્ટો કોર્લિયોન મૃત્યુ પામ્યો અને તેના મૃતદેહની દફનક્રિયા ચાલી રહી હતી ત્યારે ન્યૂ યોર્કના ચારેય વિસ્તારોના ડોન કબ્રસ્તાનમાં હાજર હતા. એ વખતે વિટ્ટો કોર્લિયોનનો પુત્ર માઇકલ કોર્લિયોન પણ બધાની ગતિવિધિ નિહાળી રહ્યો હતો. બાકીના ડોન જૂના, અનુભવી અને ખડ્ડુસ હતા. કોઈ કોઈની ઉપર ભરોસો રાખતું નહોતું. એ તમામને’ગોડફાધર’નું સ્થાન લેવું હતું. બધા માઇકલને બિનઅનુભવી યુવાન સમજતા હતા. બાકીના ડોન માઇકલ કોર્લિયોનને પતાવી દે તે પહેલાં જ માઇકલ કોર્લિયોને બાકીના ડોનને પતાવી દેવાના હુકમો પિતાની દફનક્રિયા વખતે જ આપ્યા હતા. રાજનીતિમાં પણ કંઈક આવું જ બને છે. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ પણ કેટલાક કોંગ્રેસીઓ કોંગ્રેસનો કબજો લઈ લેવા માગતા હતા પણ વફાદાર જૂથે છેવટે રાજનીતિના બિનઅનુભવી એવા અને સરળ વ્યક્તિત્વ ધરાવતા રાજીવ ગાંધીના હાથમાં જ સુકાન સોંપી દીધું હતું.
ભારતની રાજનીતિમાં આ નવું નથી. આંધ્રના લોકપ્રિય મુખ્યમંત્રી અને એક્ટર રામારાવના અવસાન પછી તેમના જમાઈ ચંદ્રાબાબુ નાયડુ અને રામારાવનાં બીજી વારનાં પત્ની વચ્ચે આવો જ ગજગ્રાહ થયો હતો. તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને એક્ટર એમ.જી. રામચંદ્રનના મૃત્યુ બાદ પક્ષનો કબજો લેવા એમજીઆરનાં પ્રિયપાત્ર જયલલિતા અને ડીએમકેના બીજા નેતાઓ વચ્ચે પણ આવો જ ગજગ્રાહ થયો હતો. હાલ ડીએમકેમાં કરુણાનિધિના પરિવારમાં પણ તેમના વારસદાર બનવા માટે જબરદસ્ત કૌટુંબિક સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટોના મૃત્યુ પહેલાં જ બેનઝીર અને તેમના ભાઈ વચ્ચે આવો જ લોહિયાળ સંઘર્ષ થયો હતો. શિવસેનામાં પણ હવે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છગન ભુજબળ, નારાયણ રાણે અને સંજય નિરૂપમ જેવી વ્યક્તિઓ પહેલાંથી જ શિવસેના છોડી ચૂકી છે. તેમના પછી રાજ ઠાકરે શિવસેના છોડે એ તો બાળાસાહેબ માટે વજ્રાઘાત હતો.
બાળાસાહેબની વિદાય બાદ ‘હિન્દુ હૃદય સમ્રાટ’ બનવા હવે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે સંઘર્ષ શરૂ થશે. શિવસેનાની અસલી તાકાત ‘ભીડ’ અથવા મોભ છે. લોકોને એકત્ર કરવાની જે તાકાત રાજ ઠાકરે પાસે છે, તે ઉદ્ધવ ઠાકરે પાસે નથી. ઉદ્ધવ ઠાકરે પાસે શિવસેનાનું બ્રાન્ડનેમ છે. રાજ ઠાકરે એમએનએસના બોસ છે. ઉદ્ધવ કરતાં રાજ ઠાકરે બોલવામાં વધુ ઉદ્ધત છે. રાજ પાસે બાળ ઠાકરે જેવી નફરતની ભાષા છે, પરંતુ સમય હવે બદલાયો છે. મુંબઈ એ પહેલાંનું મુંબઈ નથી. મુંબઈમાં માત્ર મરાઠીઓ જ વસતા નથી. ત્યાં લાખો બિહારીઓ, મધ્યપ્રદેશના લોકો, યુપીના લોકો, લાખો ગુજરાતીઓ અને લાખો મુસલમાનો વસે છે તેથી કોઈ અન્ય કોમ કે બિનમહારાષ્ટ્રની વ્યક્તિ પ્રત્યે ફેલાવાતી ધિક્કારની ભાષા હવે કાયમ માટે કામ આવે તે શક્ય નથી. પાછલાં છથી સાત વર્ષથી રાજ ઠાકરેએ શિવસેનાની તાકાત ઉદ્ધવ ઠાકરે પાસેથી છીનવી લેવા કોશિશ કરી છે, પરંતુ તેઓ પોતાનું કદ શિવસેનાથી મોટું કરી શક્યા નથી. બીજી હકીકત એ પણ છે કે શિવસેનાના ૩૦ વર્ષ જૂના કાર્યકરો બાળાસાહેબની શિવસેના સાથે રહ્યા છે, પરંતુ નવી પેઢી રાજ ઠાકરે સાથે છે.
રાજ ઠાકરેની આ તાકાતનું તુષ્ટીકરણ કરવા માટે જ ઉદ્વવ ઠાકરેના પુત્ર આદિત્યને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે અને તેથી જ બાળાસાહેબની અંતિમક્રિયા વખતે રાજ ઠાકરેને ટ્રોલી પર સ્થાન આપવાના બદલે પગે ચાલીને જ તેમાં જોડાવાની ફરજ પાડવામાં આવી હતી જ્યારે ઉદ્ધવ ઠાકરે, તેમનાં પત્ની અને પુત્ર આદિત્ય બાળાસાહેબના મૃતદેહની બાજુમાં હતાં. ટ્રોલી પર રાજ ઠાકરેને નહીં બેસાડીને ઉદ્ધવે એવો મેસેજ આપ્યો કે બાળાસાહેબનો ખરો વારસદાર ‘હું’ જ છું. ઉદ્ધવ ઠાકરેએ સ્મશાનયાત્રામાં રાજ ઠાકરેની કરેલી આ ઉપેક્ષાથી રાજ ઠાકરે નારાજ થઈને ઘરે જતા રહ્યા હતા અને એક રૂમમાં ભરાઈ ગયા હતા. તેમના બંગલાની બહાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો પણ તેમના નેતાની ઉપેક્ષાના કારણે તણાવમાં હતા. સ્મશાનયાત્રા જ્યારે શિવાજી પાર્ક પહોંચી ત્યારે જ તેમની કારમાં બેસી રાજ ઠાકરે તેમની અંતિમક્રિયામાં હાજરી આપવા પહોંચ્યા હતા.
આ સંજોગોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ શું કરે છે, તે મહત્ત્વનું છે. બાળાસાહેબ જીવિત હતા ત્યાં સુધી સંઘ શિવસેનાની સાથે હતો, કારણ કે બાળાસાહેબના હિન્દુત્વની પ્રખરતા અને તીક્ષ્ણતા સંઘને અનુકૂળ હતી પણ હવે બાળાસાહેબના અવસાન બાદ સંઘ અને ભાજપ, બેઉને નુકસાન થયું છે. ઉદ્ધવ અને રાજ એ બંનેમાંથી કોઈની પસંદગી કરવાની આવશે તો સ્વાભાવિક રીતે જ સંઘ રાજ ઠાકરેની પસંદગી કરશે. ભાજપ પણ ઉદ્ધવના મુકાબલે રાજને વધુ પસંદ કરે છે, પરંતુ હવે બાળાસાહેબ રહ્યા નથી તેથી કોંગ્રેસ અને એનસીપીને તેમની ગેરહાજરી ફાયદાકારક થઈ શકે છે.
એ યાદ રહે કે એનસીપીના બોસ શરદ પવાર અને બાળ ઠાકરે વચ્ચે લવ એન્ડ હેટના સંબંધો રહ્યા છે. શરદ પવારની વિરુદ્ધ બોલવામાં બાળાસાહેબ આખાબોલા હ
તા. ૧૯૮૯-૯૦માં બાળાસાહેબે કોંકણમાં એ વખતના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શરદ પવારની વિરુદ્ધ ભાષણ કરતાં કહ્યું હતું :”પવાર બુઝર (શરાબી) છે. રોજ સાંજે તેઓ તેમના માનીતા મૂડીપતિઓ સાથે બેસીને ઈમ્પોર્ટેડ સ્કોચ પીએ છે. જ્યારે હું રાષ્ટ્રવાદી છું. હું માત્ર ભારતીય બિયર જ પીવું છું. રોજ બે બોટલ વોર્મ (ઠંડો કર્યા વગરનો) બિયર પીવું છું. જે મારા પેટના દુખાવાની તકલીફ ઓછી કરે છે. પણ પવારને તો છેવટે લિવરનો જ પ્રશ્ન ઊભો થવાનો છે.
બાળાસાહેબનું આ પ્રવચન સાંભળ્યા બાદ એક રિપોર્ટર ‘માતોશ્રી’ ગયા ત્યારે બાળાસાહેબ ફ્રેન્ચ રેડ વાઇન પીતાં હતા. પત્રકારે પૂછયું: “તમે તો વોર્મ બિયર પીતાં હતા અને હવે રેડ વાઇન કેમ?”
બાળાસાહેબે કહ્યું:”ફ્રાન્સનો રેડ વાઈન હાર્ટ માટે સારો છે. તમે લોકો મને હંમેશાં હાર્ટલેસ કહો છોને? તેથી હવે હું મારા હૃદયની કાળજી રાખું છું.”
– કોઈ રાજકીય નેતામાં આવી કબૂલાત કરવાની તાકાત છે ખરી?









What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "