ભૌતિક લક્ષ્મી ચંચળ છેઃ ભગવાન વિષ્ણુની જેમ શાંતચિત્ત રહો

દીપાવલીના પર્વનો આરંભ થઈ ચૂક્યો છે. ભારત વર્ષમાં દીપાવલી એ મોટામાં મોટો તહેવાર છે. ઉલ્લાસ અને ઉત્સાહથી ભરેલું આ મહાન પર્વ દીપાવલી અને લક્ષ્મીપૂજન એ અનેક ઘટનાઓથી ભરેલું છે. કાર્તિક અમાવસ્યાના દિવસે ભગવાન શ્રીરામ લંકા વિજય બાદ સીતા, લક્ષ્મણ, હનુમાન તથા અન્ય સાથીઓ સાથે અયોધ્યા પધાર્યા હતા. મહિના સુધી લોકોએ રાત્રે દીવડા પ્રગટાવીને અયોધ્યામાં અંધારું થવા જ દીધું નહોતું. એ દિવસની યાદમાં આજે પણ હિન્દુઓ દીપાવલીના દિવસોમાં રાત્રે દીવડા પ્રગટાવે છેજૈનોના ચોવીસમા તીર્થંકર અને અહિંસાની પ્રતિમુર્તિ એવા ભગવાન મહાવીર સ્વામી પણ આ જ દિવસોમાં નિર્વાણ પામ્યા હતા. મહાન સુધારક અને આર્ય સમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદ પણ આ જ દિવસે નિર્વાણ પામ્યા હતા. રામને સ્વરૂપ માનવાવાળા સ્વામી રામતીર્થ પરમહંસનો તો જન્મ અને સમાધિ એ બંને દિવાળીના દિવસે જ પ્રાપ્ત થયા હતા. શીખોના છઠ્ઠા ધર્મગુરુ હરગોવિંદજી તથા પરાક્રમી રાજા વિક્રમાદિત્યે પણ આજે જ વિજય પર્વ મનાવ્યું હતું.

દીપાવલીમાં મહાલક્ષ્મીનું પૂજન સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. સાત્ત્વિક લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે વાસ્તુશાસ્ત્રીઓ કહે છે કે દીપાવલીના દિવસોમાં આસોપાલવનાં પત્તાંનું તોરણ બનાવી ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવાથી ધનધાન્ય વૃદ્ધિ, વંશવૃદ્ધિ તથા મનની શાંતિ પ્રાપ્ત થાય છે. પૂજન સમયે નવા ચોપડા, નવા કાગળ, નવી કલમ તથા નવી સ્યાહીનો ઉપયોગ કરવો જોઈએ. બધી જ વ્યાપારિક વસ્તુઓને પુષ્પોથી સજાવી તેમનું પૂજન કરવું જોઈએ. લક્ષ્મી શુક્ર ગ્રહનાં કિરણો પ્રત્યે આકર્ષિત થાય છે. ચાદર વગેરે શ્વેત હોવી જોઈએ. શુભ્રતાનું વિશેષ મહત્ત્વ છે. ઘણા લોકો ભૂલથી ખોટી મુદ્રાવાળાં ચિત્રો સ્થાપિત કરી દે છે.

લક્ષ્મીજીનો જમણો હાથ અભય મુદ્રાવાળો હોવો જોઈએ, જેમાંથી લક્ષ્મીજી સિક્કાઓની વર્ષા કરતા દેખાવાં જોઈએ. લક્ષ્મીજીના સ્થાયીકરણ માટે તેઆની કમળના પુષ્પ પર બિરાજમાન મુદ્રા અતિ આવશ્યક છે. પૂજન સ્થાનના પાટલા પર ઘઉં, ચોખા હોવા જોઈએ. તેની પર અખંડ દીવાની સ્થાપના કરવી જોઈએ. જો તમારા પૂજન માટે ચાંદીના લક્ષ્મીજી કે ગણેશજી છે તો સૌથી પહેલાં પંચામૃતથી તેમને સ્નાન કરાવવું જોઈએ. તે પછી ગંગાજળથી તે મુર્તિઓને સ્નાન કરાવવું જોઈએ. પૂજન સમયે પતિ-પત્નીએ નવાં વસ્ત્રો ધારણ કરવાં જોઈએ. શક્ય હોય તો પતિએ શ્વેત અને પીળાં વસ્ત્રો અને પત્નીએ લાલ, ગુલાબી અને પીળાં વસ્ત્રો ધારણ કરવાં જોઈએ. સુવર્ણ અને રજતનાં આભૂષણો ધારણ કરીને પ્રસન્નચિત્તે પોતાના પરિવાર, મિત્રો, ભાઈ-બહેનો તથા ગુરુજનો, વિશિષ્ઠજનો તથા વિદ્વાન બ્રાહ્મણના સાંનિધ્યમાં શુભ મુહૂર્તમાં નવું આસન લગાવીને પોતાનાં મન, વાણી એવં શુદ્ધ ચિત્તથી સંકલ્પપૂર્વક ઇષ્ટદેવતા, ગ્રામ્યદેવતા, કુળદેવતા વગેરેનું આહ્વાન કરી મહાલક્ષ્મીની પૂજાનો પ્રારંભ કરવો જોઈએ. એ જ રીતે આઠ ભુજાઓવાળા સ્વસ્તિકના ચિત્રને અંકિત કરવું જોઈએ. આ સ્વસ્તિકનું ચિહ્ન સમગ્ર દોષોને દૂર કરી રિદ્ધિસિદ્ધિ પ્રદાન કરે છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ભવન અથવા વેપાર-ધંધાના સ્થળે પૂર્વ ઇશાન ખૂણામાં પશ્ચિમ તરફ મોં રહે તે રીતે ગણેશજી અને લક્ષ્મીજીનાં પૂજનની વ્યવસ્થા કરવી જોઈએ. પૂજન વખતે લક્ષ્મીજી અને ગણેશજીને વસ્ત્ર અર્પણ કરવું જોઈએ. તે પછી શક્તિ પ્રમાણે તેમનો શૃંગાર કરવો જોઈએ. ધનપ્રાપ્તિ માટે જમણા હાથની મધ્યમા આંગળીથી, માનસિક શાંતિ માટે અનામિકા આંગળીથી તિલક કરવું જોઈએ. અત્તર, ફૂલ કમળનું અને ગુલાબનું અર્પણ કરવું જોઈએ. પૂજન ભક્તિભાવથી કરવું જોઈએ. થાળીમાં સૌથી વધુ દીપ જલાવવા જોઈએ. સાકર, પતાસાં, ફળ, મેવો તથા મિષ્ઠાનનો ભોગ ધરાવવો જોઈએ. નદી, સરોવર તથા નિર્જન સ્થળો પર દીપદાન કરવું જોઈએ. દીપદાન તે પૂર્વજોનો માર્ગ સુલભ કરવા માટે તેમને રોશની પ્રદાન કરે છે. ઘર અને વેપાર ધંધાના સ્થળે તાંબાનું પ્રાણપ્રતિષ્ઠિત શ્રીયંત્ર પશ્ચિમ તરફ મોં રહે તે રીતે બિરાજમાન કરવું જોઈએ. પૂજન પછી શ્રી સુક્ત પાઠ કરવો જોઈએ. શક્ય હોય તો દક્ષિણાવર્તી શંખ, ગોમતીચક્ર, મોરપંખ પણ પૂજનમાં મૂકવાં જોઈએ. દીપાવલીના દિવસોમાં બિલાડી, ઘરોળી કે ઘુવડનું દર્શન શુભ મનાય છે. જેમની પાસે આ બધું કરવાનું સામર્થ્ય નથી તેઓ મહાલક્ષ્મીને મનમાં સ્થાપીને એક દીપ પ્રગટ કરી, અંતઃકરણપૂર્વક, ભાવપૂર્વક તેમની આરાધના કરે તોપણ લક્ષ્મીજી પ્રસન્ન રહેતાં હોય છે.

યાદ રહે કે આ વિધિ સાત્ત્વિક લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે છે. ચોરી, છેતરપિંડી કે ભ્રષ્ટાચાર જેવાં કૃત્યોથી પ્રાપ્ત કરવા માટે નથી.

બીજી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે લક્ષ્મીજી વગર ભગવાન નારાયણ રહી શકે છે, પણ નારાયણ વગર લક્ષ્મીજી રહી શકતાં નથી,તેથી ભગવાન નારાયણનું પૂજન મહત્ત્વનું છે. સમુદ્રમંથન વખતે પ્રાપ્ત થયેલ ૧૯ રત્નોમાંથી સૌથી વિશિષ્ટ રત્ન લક્ષ્મીજી છે. તેઓ અનુપમ એવાં સુંદર, સુવર્ણમયી, તિમિરહરિણી, વરદાયી, પ્રસન્નવદના, શુભ અને ક્ષમાદાયી ગણાયાં છે.

ભગવાન વિષ્ણુએ તેમને પત્નીના સ્વરૂપમાં સ્વીકારેલાં છે. આ પ્રકાશમયી દેવીએ અમાસની રાત્રે ઘટાટોપ અંધારાને પોતાના પ્રકાશપુંજથી ચીરીને સમુદ્રમાંથી પ્રગટ થયાં હતાં અને સમગ્ર વાતાવરણને જ્યોતિર્મય બનાવી દીધું હતું. એ જ કાળી અમાવસ્યાની રાત્રિને આપણે દીવડાઓથી પ્રકાશિત કરીને લક્ષ્મીજીનું સ્વાગત અને પૂજન કરીએ છીએ.

અથર્વવેદ પ્રમાણે દરેક વ્યક્તિના જન્મ સાથે ૧૦૧ લક્ષ્મીઓ જન્મ લે છે. જેમાંથી મોટાભાગની કલ્યાણકારી હોય છે. લક્ષ્મીનો સહજ અર્થ છે, સુલક્ષણવાળી. લક્ષ્મીની સૌપ્રથમ વંદના ઋગ્વેદના શ્રી સુક્તમાં જોવા મળે છે. એ દેવીઓ શ્રી અને લક્ષ્મીનાં નામથી ઓળખાય છે. લક્ષ્મીજીનું પૂજન અમાવસ્યાની રાત્રે કરવામાં આવે છે. દિવાળીની રાત્રિને યક્ષરાત્રિ પણ કહેવામાં આવે છે, તેથી યક્ષપતિ કુબેરની પૂજાનું પણ મહત્ત્વ છે.

અલબત્ત, લક્ષ્મીજીને માત્ર ભૌતિક સ્વરૂપમાં સમજવા તે ભૂલ હશે. તેનો આધ્યાત્મિક અર્થ પણ સમજવો જોઈએ. માત્ર પૈસો,બંગલા કે મોટરકારો એ સુખ નથી. ક્ષીર સાગરમાં શાંતચિત્તે સૂતેલા ભગવાન વિષ્ણુ સમૃદ્ધિના અસલી પ્રતીક છે. સમૃદ્ધિ જોઈતી હોય તો ભૌતિક લક્ષ્મીની જેમ ચંચળ નહીં, પરંતુ વિષ્ણુની જેમ શાંતચિત્ત હોવું જોઈએ. માનવી પાસે ગમે તેટલું ધનધાન્ય કે બંગલા હોય, પણ માનવીની અપેક્ષાઓ કદી પૂરી થતી નથી. અભાવ હોવો અને અશાંત રહેવું તે માનવીને વાસ્તવિક સમૃદ્ધિથી બહુ જ દૂર લઈ જાય છે. વિશ્વવિખ્યાત દાર્શનિક ટોમસ હોબ્સ કહે છે, સમૃદ્ધિને શોધવાથી મળતી નથી, તે આપોઆપ જ આવે છે. શરત એ છે કે તમે હુન્નર દાખવો, પુરુષાર્થ કરો અને બે હાથ ફેલાવીને ઇન્તજાર કરો.

સમૃદ્ધિ અને અભાવ એ બંને અંદરની સ્થિતિઓ છે. લક્ષ્મીજી આપણી ભીતર જ મોજૂદ છે. આપણે વિશ્વના પાલનહાર એવા ભગવાન વિષ્ણુના અંશની ભીતરથી અનુભૂતિ કરીશું તો એવું કોઈ કારણ નથી કે લક્ષ્મીજીની આપણી પર કોઈ કૃપા ન થાય. યાદ રહે કે સાત્ત્વિક રીતે કમાયેલું ધન જ લાંબો સમય ટકે છે. ચોરી કરીને, લૂંટ ચલાવીને, ભ્રષ્ટાચાર કરીને કે કોઈને છેતરીને કમાયેલું ધન અલ્પજીવી હોય છે અને એવા અવળા માર્ગેથી ધન આવ્યું હોય તો એ માર્ગે જ જતું રહે છે અથવા તો એ ભોગવવા મળતું જ નથી.