ગુજરાતની ચૂંટણીઓમાં ભાજપાનાં મહિલા પ્રવક્તાઓ વધુ કામયાબ
રાજકીય પક્ષો માટે પ્રવક્તા હવે એક મહત્ત્વપૂર્ણ કામગીરીનું પદ બની રહ્યું છે. કોંગ્રેસ અને ભાજપા એ બેઉ પક્ષો વિવિધ મુદ્દાઓ પર તેમના પક્ષની નીતિ અને પ્રતિક્રિયા અભિવ્યક્ત કરવા માટે ખૂબ જ ચીવટપૂર્વક પ્રવક્તાની પસંદગી કરે છે. ઉત્કૃષ્ઠ પ્રવક્તા બનવા માટે દેખાવ, ડ્રેસિંગ, ભાષા, તર્ક અને સમજદારી ઉપરાંત હાજરજવાબી પણાની છૂટ રહે છે. કોંગ્રેસ પાસે હાલ રાષ્ટ્રીય કક્ષાએ મનિષ તિવારી અને રેણુકા ચૌધરી છે તો ભાજપા પાસે નિર્મલા સીતા રમન છે. કોંગ્રેસ પાસે રશીદ અલવી અને જર્નાર્દન ત્રિવેદી છે તો ભાજપા પાસે શાહનવાઝ હુસેન, મુક્તાર નકવી અને પ્રકાશ જાવડેકર છે. કોંગ્રેસની સરખામણીમાં ભાજપામાં નવાં મહિલા પ્રવક્તાઓનો વુમન પાવર્સ સૌથી વધુ નોંધપાત્ર છે. ભાજપામાં વધી રહેલી આ મહિલા પ્રવક્તાઓની લોકપ્રિયતાના કારણે શાહનવાઝ હુસેન રાજીવ પ્રતાપ રૂડી અને મુક્તાર નકવી અંદરથી ગભરાયા છે. તેમને તેમની નોકરી ગુમાવવાનો ડર પેદા થયો છે. ભાજપાના મહિલા પ્રવક્તાઓને તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં જે શાબ્દિક તાકાત દર્શાવી તે પ્રશંસનીય રહી. નિર્મલા સીતારમન પાસે સખત અવાજમાં અત્યંત આર્િટક્યૂલેટ અંગ્રેજી બોલવાનું કૌશલ્ય છે. સ્મૃતિ ઈરાની પાસે નાટકીય સંવાદોની જેમ અભિવ્યક્ત કરવાનો અભિનય છે. ટીવી ન્યૂઝ ચેનલ પર કેટલાક દોઢ ડાહ્યા એન્કર્સ પ્રશ્નો પૂછવાની બાબતમાં કોઈ મર્યાદા ઓળંગે તો ”મેડમ વોચ યોર વર્ડસ” કહેવાની તાકાત પ્રવક્તા મીનાક્ષી લેખીમાં છે. તિશ્તા સેતલવાડ અને શબનમ હાસમી જેવી વ્યક્તિઓને વર્ડ ટુ વર્ડ જવાબ આપવા ભાજપાએ મહિલા પ્રવક્તાઓની એક સશક્ત પેનલ તૈયાર કરી છે.
અલબત્ત, નોંધનીય વાત એ છે કે, ભાજપામાં મહિલા પ્રવક્તાઓનો આ ઉદય એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જરીપુરાણી વિચારધારાથી વિપરીત છે. આર.એસ.એસ.ના પહેલા વડા કે.બી. હેડગેવાર સંઘની કામગીરીમાં મહિલાઓને મહત્ત્વ આપવાની બાબતમાં બહુ ઉત્સાહિત નહોતા. ૧૯૩૬માં લક્ષ્મી કેલકર કે જેઓ એક સુધારાવાદી હતા તેમણે આરએસએસમાં મહિલા વીંગ શરૂ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. પણ સંઘના વડાએ તે વાતને બહુ પ્રોત્સાહન ના આપતાં એટલું જ કહ્યું હતું કે, ”તમે ઈચ્છો તો એક મહિલા સેલ શરૂ કરી શકો છો.” તેના ઘણા દાયકા બાદ રાષ્ટ્રીય સેવિકા સમિતિની શરૂઆત થઈ હતી, પણ તેણે પરિવારની શરતો નીચે જ કામ કરવાનું રહ્યું હતું. સંઘ મહિલાઓને ‘માતૃત્વ’ની જવાબદારીમાં જ વ્યસ્ત રાખવાની વિચારધારા ધરાવે છે. પરંતુ બદલાતા સમયની સાથે ભાજપામાં કુદરતી જ રીતે મહિલા શક્તિનો ઉદય થયો છે. કપાળમાં મોટી બીંદી કરતા સુષ્મા સ્વરાજ તેનું એક કલાસિક ઉદાહરણ છે. સ્ત્રી હવે ઘરની ચાર દીવાલો વચ્ચે રહેનારી, કામ કરનારી, બાળકોનો ઉછેર કરવામાં અને પતિની સેવા કરવામાં વ્યસ્ત રહેનારી સ્ત્રી નથી એ વાત ભાજપા સમજવા લાગ્યું છે તેની સામે કોંગ્રેસે તો ઈન્દિરા ગાંધી જેવાં શક્તિશાળી વડાંપ્રધાન, પ્રતિભા પાટિલ જેવાં પૂર્વ રાષ્ટ્રપતિ, સોનિયા ગાંધી જેવાં પક્ષનાં રાષ્ટ્રીય અધ્યક્ષ, મીરાંકુમાર જેવાં સ્પીકર અને શીલા દીક્ષિત જેવા મુખ્યમંત્રી આપ્યા છે. ભાજપા હવે સંઘની પકડમાંથી આ બાબતમાં માંડ માંડ બહાર આવ્યું છે.
અલબત્ત, આ શરૂઆત ગ્વાલિયરના રાજમાતા વિજયા રાજે સિંધિયાના સમયથી થઈ હતી. તે પછી તેમનાં પુત્રી વસુંધરા રાજે રાજસ્થાનનાં મુખ્યમંત્રી બન્યા હતા.
ભાજપામાં જે મહિલા પ્રવક્તાઓનો ઉદય થઈ રહ્યો છે તેમાં નંબર- વન નિર્મલા સીતારમન છે. હૈદરાબાદ સ્થિત પરકલા પ્રભાકર નામના રાજકીય વિશ્લેષક સાથે તેઓ પરણેલાં છે. તેમના પતિ એક સમયે ચિરંજીવીની પ્રજા રાજ્યમ્ પાર્ટીમાં પ્રવક્તા હતા. એ પાર્ટી તે પછી કોંગ્રેસમાં ભળી ગઈ હતી. તેઓ એક દીકરીનાં માતા છે. નિર્મલા તિરુચિનાપલ્લીની સીથાલક્ષ્મી કોલેજ દ્વારા ગ્રેજ્યુએટ થયેલાં છે. તે પછી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દ્વારા તેમણે ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં એમ.ફીલ કરેલું છે. ત્યાર બાદ તેમણે લંડનની એક કંપનીના રિસર્ચ વિભાગમાં કામ કર્યું હતું. તેઓ ૫૩ વર્ષની વયના છે.
મીનાક્ષી લેખી દિલ્હીના જાણીતા ધારાશાસ્ત્રી અને રાજકારણી પ્રાણનાથ લેખી સાથે પરણેલા છે. પ્રાણનાથ લેખી ભાજપાના સ્થાપકો પૈકીના એક હતા. તેઓ દિલ્હીની હિન્દુ કોલેજ દ્વારા ગ્રેજ્યુએટ થયેલાં છે. દિલ્હી યુનિવર્સિટી દ્વારા કાયદાની ડિગ્રી પણ ધરાવે છે. ૧૯૯૦માં તેમણે દિલ્હીની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેકિટસ શરૂ કરી હતી. તેઓ નેશનલ કમિશન ફોર વિમેન અને કેટલીક એનજીઓ સાથે સંકળાયેલા છે. તેઓ સખ્ત ચહેરો અને તીખી દૃષ્ટિ માટે જાણીતાં છે.
સ્મૃતિ ઈરાની પંજાબી પિતા અને બંગાળી માતાનું સંતાન છે. તેમના પિતાનું નામ અજયકુમાર મલ્હોત્રા અને માતાનું નામ શિબાની બાગચી છે. તેમના પિતા દિલ્હીની એક કુરીયર કંપની ચલાવતા હતા. તેઓ મુંબઈનાં ઝુબીન ઈરાની નામના એક બિઝનેસમેન સાથે પરણેલાં છે. ૨૦૦૩માં ”ક્યોં કી સાસ ભી કભી બહુથી” ટીવી સિરિયલમાં તુલસી વિરાનીનાં રોલથી જાણીતા બન્યા હતાં. ૨૦૦૪માં દિલ્હીની બેઠક પરથી કપિલ સિબ્બલની સામે લોકસભાની ચૂંટણી લડયાં હતાં અને હારી ગયાં હતાં. ૨૦૦૨નાં ગુજરાતના કોમી તોફાનો દરમિયાન તેમણે નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી પછી પાછળથી મોદી પાવર જોયા બાદ તેઓ નરેન્દ્ર મોદીનાં પ્રશંસક બની ગયાં હતાં. તેઓ બે સંતાનોના માતા છે તેમની વય ૩૭ વર્ષની છે.
વાણી ત્રિપાઠી આમ તો ઉત્તરાખંડથી આવે છે પણ તેમનો ઉછેર દિલ્હીમાં થયેલો છે. તેમનાં માતાપિતા દિલ્હી યુનિવર્સિટીમાં ભણાવતાં હતાં. તેઓ દિલ્હીની હિન્દુ કોલેજ દ્વારા ગ્રેજ્યુએટ થયેલાં છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા તેમમે ડ્રામાનો પણ અભ્યાસ કરેલો છે. તેમણે આ ક્ષેત્રમાં શિક્ષણકાર્ય પણ કરેલું છે. તે પછી નાટકો અને ફિલ્મમાં કામ કરવા તેઓ મુંબઈ સ્થાયી થયાં. તેમની વય ૩૩ વર્ષની છે.
નિર્મલા સીતારમન આ સહુમાં શ્રેષ્ઠ છે. સ્મૃતિ ઈરાની કોઈની સાથે સાસુ- વહુની જેમ ઝઘડો કરતાં હોય તેવાં લાગે છે. ઉત્કૃષ્ઠ પ્રવક્તા બનવા માટે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અને રાજ્યોના પ્રશ્નોનો અભ્યાસ હોવો જરૂરી છે. પ્રવક્તા આક્રમક હોવા જોઈએ પણ યુદ્ધમાં ઊતર્યાં હોય તેવું ના લાગવું જોઈએ. કેમેરાનો ભય ના હોવો જોઈએ. એક માહિતી પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની પંચાયતોમાંથી તેજસ્વી મહિલાઓને પસંદ કરી ૨૫૦ જેટલી મહિલાઓને પબ્લિક સ્પીકિંગ, ટેકનોલોજી યુઝર્સ અને આરટીઆઈના ક્ષેત્રમાં તાલીમ આપી તૈયાર કરવા માંગે છે. ભાજપાની આ મહિલા શક્તિ સામે પ્રવક્તાઓની બાબતમાં કોંગ્રેસ પાસે જયંતી નટ રોજન અને રેણુકા ચૌધરી છે. ઘણાં તો રેણુકા ચૌધરીને મહિલા જ સમજતા નથી. ઘણા કોંગ્રેસીઓ ભાજપાનાં પ્રભાવશાળી મહિલા પ્રવક્તાઓની તાકાતનો ખાનગીમાં સ્વીકાર કરે છે. કોંગ્રેસે તેની ઈમેજ સુધારવા પ્રવક્તાઓની પેનલમાં નવા ગ્લેમરસ પણ જિનિયસ ચહેરા લાવવાની જરૂર છે.

Leave a Reply