હોલિવૂડના લેજન્ડરી એક્ટર ઓમર શરીફ હવે એકલવાયું જીવન ગાળે છે

હોલિવૂડનાં અંગ્રેજી ચિત્રો જોનાર રસિયાઓ માટે આ નામ પરિચિત છે. એક જમાનામાં હોલિવૂડમાં જબરી ધાક જમાવી જનાર આ મૂળ તો ઈજિપ્શિયન એક્ટર છે. એમના ચહેરા અને દેખાવના કારણે હોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓ ઓમર શરીફના પ્રેમમાં પડી જતી. ઓમર શરીફ અનેક રીતે જાણીતા છે. જેમણે ”ડો. ઝિવાગો”ચિત્ર જોયું છે તેઓ ઓમર શરીફની અદાકારીને કદીયે ભૂલી શકશે નહીં. ”લોરેન્સ ઓફ અરેબિયા” અને ”મેકેન્નાઝ ગોલ્ડ”માં પણ એમણે યાદગાર ભૂમિકાઓ કરેલી છે. અમેરિકાના લાસ વેગાસ શહેરમાં જુગાર રમવાના અઠંગ શોખીન એવા ગ્લેમ્બર તરીકે પણ એ જાણીતા રહ્યા છે. એણે અભિનય ક્ષેત્રને સંપૂર્ણ પણે છોડી દીધું નથી. તેઓ એક અર્ધ નિવૃત્ત એક્ટર અને ગેમ્બલિંગનો શોખીન તો આજે પણ છે.

એક જમાનાની હોલિવૂડની મશહૂર અભિનેત્રીઓ જેવી કે બાર્બરા સ્ટ્રિસાન્ડ, ઈન્ગ્રીડ બર્ગમેન, સોફિયા લોરેન, આવા ગાર્ડનર અને ફાતેન હમામા સાથે એનું નામ જોડાયું હતું. હોલિવૂડના બીજા અભિનેતાઓ પણ બિન અમેરિકન દેખાતા આ એક્ટરની ઈર્ષ્યા કરતા હતા. પુષ્કળ પૈસો અને ઐશ્વર્ય પણ કમાયા પરંતુ તેઓ હવે સાવ એકાકી છે. આજે તેમને કોઈ યાદ પણ કરતું નથી.

લંડનની એવન્યુ રેસ્ટોરન્ટમાં ઓમર શરીફ બેઠેલા હતા. ધીમે ધીમે વ્હિસ્કીની ચુશ્કિઓ લેતા હતા. એની બાજુમાં લો કટ ડ્રેસ ધરાવતી ઉન્નત વૃક્ષઃસ્થળ પર લટકતી ગોલ્ડ જ્વેલરીથી શોભતી એક રૂપાળી યુવતી બેઠેલી હતી. એક કાર્યક્રમ માટે તે આવેલા હતા. જેવા એ ઊભા થયા એટલે આખીયે રસ્ટોરામાં બેઠેલા તમામે તાળીઓના ગડગડાટથી એનું અભિવાદન કર્યું. તેઓ બોલ્યોઃ ”હું પુરુષો સાથે આક્રમક છું પરંતું સ્ત્રીઓ સાથે લાગણીશીલ છું.” અને ક્રાઉડના ચહેરા પર ચમક આવી જાય છે.

ઓમર શરીફ પાસે ટિપિકલ અવાજ છે અને ટિપિકલ હાસ્ય છે. તે ઈજિપ્શિયન હોઈ એમનું અંગ્રેજી અમેરિકન ઉચ્ચારોવાળું નહીં પરંતુ ઐજિપ્તીક છે.શરીફ કહે છે : ”હું અધિકૃત રીતે રિટાયર્ડ છું. હવે હું બ્રીજ પણ રમતો નથી.” કોઈ એક જમાનામાં તે વિશ્વના શ્રેષ્ઠ બ્રીજ પ્લેયર હતા. આજે તે ૮૦ વર્ષના છે. નેવી ડ્રેસમાં તે અત્યંત સ્માર્ટ દેખાય છે. એમની બદામી આંખો ચમકી રહે છે. તેઓ આજે ય ચેરિશ્મેટિક લાગે છે. શરીફ વૃદ્ધ થયા છે તે વાતનો એને પૂરો અહેસાસ છે. તે કહે છે ” આજે અત્યંત સુંદર અને નાજુક યુવતીઓ મારી પાસે આવે છે. મારી પાસે વાત કરવા થનગની ઊઠે છે. પરંતુ ”આઈ લવ યુ” એમ કહેતી નથી. એ બધી યુવતીઓ મને કહે છે કે ”મારી મમ્મીને તમે બહુ ગમતા હતા.” અને આ વાત મારા હૃદયને સ્પર્શી જાય છે.

રોમેન્ટિક લવ તે ઓમર શરીફ માટે એ કન્ફયુઝિંગ ટોપિક છે. તેઓ માને છે કે વિશ્વમાં પ્રેમની સૌથી મજબૂત ગાંઠ મા અને તેના પુત્ર વચ્ચે જ હોય છે.”

ઓમર શરીફ અને તેની માતા કર્લર શાલહાઉબ વચ્ચે પ્રેમ અને વાત્સલ્યનું મજબૂત બંધન હતું. ઓમર શરીફ કહે છેઃ ” મારી મા મારા માટે વસ્ત્રો ખરીદી લાવતી હતી. હવે મારા જીવનમાં કોઈ સ્ત્રીની જરૂર નથી.” શરીફ હવે મોટે ભાગે પેરિસ હોટલમાં રહે છે એક રૂમ હોટલે તેમને કાયમ માટે મફત રહેવા આપી દીધો છે. એક હોટલે એક કલાકારનું આ પ્રકારે કરેલું સન્માન છે. તેઓ કહે છેઃ”મેં હવે ગેમ્બલિંગ છોડી દીધું છે. જે કરોડો ડોલર હું કમાયો હતો તે બધા હું ગુમાવી ચૂક્યો છું.”

તેમનો સૂરજ તપતો હતો ત્યારે હોલિવૂડની સુપ્રસિદ્ધ અભિનેત્રીઓ એમના પાશમાં સમાઈ જવા કેવી તલપાપડ હતી તે સુવર્ણ દિવસોને તેઓ યાદ કરી લે છે, એમના જીવનમાં જે પ્રથમ સ્ત્રી આવી તે ફાતેન હમામા હતી. એ તેમની પત્ની હતી અને ૧૫ વર્ષ સુધી એનું દામ્પત્યજીવન ચાલ્યું હતું. વિશ્વના શ્રેષ્ઠ ફિલ્મ ડિરેક્ટર ડેવીડ લીને તેમને ”લોરેન્સ ઓફ અરેબિયા” માટે ભૂમિકા આપી એ વખતે જ એમના લગ્નજીવનનો અંત આવી ગયો. આ ફિલ્મથી તેમને ઓસ્કાર નોમિનેશન પ્રાપ્ત થયું હતું. ૧૯૬૦ પછીના દાયકામાં તે કેરો છોડી હોલિવૂડમાં આવી ગયા. એ જમાનામાં ઈજિપ્તની સ્ત્રીઓને ઈજિપ્શિયન ડ્રેસ પહેરવો પડતો જ્યારે ઓમર શરીફ કડક ઈંગ્લિશ સ્ટાઈલની બોર્ડિગ સ્કૂલમાં ભણ્યા હતા. હોલિવૂડમાં આવ્યા પછી એ જમાનાની ટોચની અભિનેત્રી ઈન્ગ્રીડ બર્ગમેન સાથે ”ધી યલો રોલ્સ રોઈઝ” ફિલ્મમાં ચમક્યા. શરીફ કહે છે : ”ઈન્ગ્રીડ મારાથી મોટી હતી તે ૪૦ વર્ષની હતી પરંતુ હું તેના પ્રેમમાં પડી ગયો હતો એ વખતે હું ૩૦ વર્ષનો હતો. એ ૧૯૬૪ની સાલ હતી. એક કાર ઘરની બહાર રોજ આવીને ઊભી રહેતી. એમા બે જ બેઠેલા જણાતાં હતાં. એક ઓમર શરીફ અને બીજી ઈન્ગ્રીડ બર્ગમેન.

 ત્યાર પછી બોરિસ ડો. યુરીનું ”ડો ઝિવાગો” સેટ પર ગયું. રશિયાની ભૂમિકા પર બનેલી આ ફિલ્મમાં ઓમર શરીફ ડો.ઝિવાગોનો રોલ કરી રહ્યા હતા. તેમની સામે લારાની ભૂમિકા અભિનેત્રી જુલી ક્રિસ્ટી કરી રહી હતી. ઓમર શરીફ જુલિ ક્રિસ્ટી તરફ પણ આકર્ષાયા હતા. જુલિ ક્રિસ્ટી દેખાવમાં એક સામાન્ય છોકરી જેવી લાગતી હતી પરંતુ ડાયરેક્ટરે એની હેરસ્ટાઈલ બદલી નાંખતા તે જુદી જ તરી આવતી હતી. ડેવીડ લીન જ આ ફ્લ્મિનું નિર્દેશન કરી રહ્યા હતા. ઓમર શરીફ કહે છે : ”ગજબનું સ્ત્રૈણ ધરાવતી એ છોકરી હતી. તે આ ફિલ્મ પછી ફેન્ટાસ્ટિક કેરિયર બનાવી શકી હોત પરંતુ પ્રેમના કારણે તેની કારકિર્દી અટકી ગઈ. તમે જ્યારે કામ કરતા હોવ ત્યારે એક્ટ્રેસ માટે બે હસબન્ડસ છે એક તમે અને બીજી તેની કારકિર્દી.

ત્યાર પછી બાર્બરા સ્ટ્રિસાન્ડ આવી. ”ફની ગર્લ” તેની પહેલી ફિલ્મ હતી. ૧૯૬૭માં આ ફિલ્મ બની હતી. એક તરફ ઈજિપ્શિયન એક્ટર હતો તો બીજી તરફ યહૂદી છોકરી હતી. આખું યે વાતાવરણ એકદમ ગુપ્તતાભર્યું હતું. ઓમર શરીફ કહે છે : ”આવા વાતાવરણમાં એફેર કેમ ના સંભવી શકે? હું તેના ભરપુર પ્રેમમાં હતો પરંતુ કોઈ ફની બિઝનેશ નહીં.

”શું તમે તમારા પત્ની પછી ખરેખર કોઈ સ્ત્રીને પ્રેમ કર્યો છે?” : એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે : ”હું હંમેશાં પ્રેમમાં હતો,આઈ એમ ઈન લવ વીથ લવ. પરંતુ તે સાચો પ્રેમ નહોતો. હું રોમેન્ટિક અને સેન્ટિમેન્ટલ જ હતો. મેં આવા ગાર્ડનરને પણ પ્રેમ કર્યો છે. એક ફિલ્મમાં એણે મારી માતાનો રોલ કર્યો હતો. તે અત્યંત આક્રમક અને વાઈલ્ડ હતી. ખૂબ જ ડ્રિંક્સ લેતી. રોજ સાંજે હું તેને કંપની આપતો અને એ ખૂબ પી જતી ત્યારે હું સાચવીને એને ઘેર મૂકી આવતો. હું એને ઘેર મૂકવા જતો ત્યારે એને બહુ ગમતું નહી. તે પોતે કાર ચલાવીને ઘેર જવાનો આગ્રહ રાખતી. મારું અપમાન કરીને કહેતી : ”ગો અવે.”

ત્યાર પછી ઓમર શરીફનું નામ અર્નોક એમી અને સોફિયા લોરેન સાથે પણ ચર્ચામાં આવ્યું હતું. આજે ભૂલાઈ ગયેલી બીજી અનેક અભિનેત્રીઓ સાથે ઓમરના સંબંધોની અફવાઓ હતી. પરંતુ તે કહે છે : ”મારે મારા જીવનમાં કોઈ સ્થિર સ્ટેડી ગર્લફ્રેન્ડ કદીયે નહોતી.”

તેઓ કબૂલ કરે છે : ”હું ૨૧ વર્ષનો હતો ત્યારે ફાતેન હામામા સાથે મારા લગ્ન થયા હતા. એવું નથી કે અમે એકબીજાને પ્રેમ કરવાનું છોડી દીધું હતું. બસ અમે જુદાં થઈ ગયાં હતા એ સત્ય છે.” ફાતેન હામામા ઈજિપ્શિયન એક્ટ્રેસ હતી. હું પશ્ચિમમાં જાણીતો બની ગયો હતો. તે ઈજિપ્તમાં ફેમસ હતી જ્યારે મારે આખા વિશ્વમાં શૂટિંગ માટે ફરવું પડતું હતું. હોટલોમાં રહેવું પડતું હતું. મહિનાઓ સુધી હું મારી પત્નીને જોઈ શક્તો નહોતો. મને બીક હતી કે હું કોઈ પણ ગોરી યુવતીના પ્રેમમાં પડી જઈશ તેથી મેં જ એકવાર મારી પત્નીને કહ્યું કે, જો ફાતેન આપણે મહિનાઓ સુધી એકબીજાને મળી શક્તાં નથી.”

મારી પત્નીએ મને પૂછયું: ” તું શું કોઈને ચાહે છે ?” મેં કહ્યું: ”ના, પરંતુ મને લાગે છે કે ક્યારેક એવું થવાની શક્યતા છે. હું શ્રેષ્ઠ સૌદર્ય ધરાવતી સુંદર અભિનેત્રીઓને ગમું છું. મને ક્યારેક ખેંચાણ થાય છે. પરંતુ તેમના પ્રેમમાં તો કદિયે નહીં પડું. એ કદાચ રોમાન્સ હોઈ શકે. અમે સમજી વિચારીને છૂટાં પડયાં.”

તેઓ કહે છે : ”મારી પત્ની સિવાય હું કોઈને ય સાચુંકલો પ્રેમ કરી શક્યો નથી તે એક પ્રકારની મને થયેલી દૈવી શિક્ષા છે. હું કોઈની યે સાથે કાયમ રહી શક્યો નહીં.કોઈને હું કાયમ મળતો રહું અને એ મારી પર આધારિત રહે એ શક્ય જ થવા દીધું નહીં.”

એક મિનિટ માટે તો એમ જ લાગે કે અનેક સ્ત્રીઓ જીવનમાં આવી પરંતુ ઓમર શરીફ પ્રેમવિહોણા લવલેસ લોનર સજા પામેલા એકાકી આદમી છે. ઓમર શરીફનો ફાતેનથી થયેલો પુત્ર તારીક આજે ૫૦ વર્ષનો છે અને ઈજિપ્ત- કેરોમાં રહે છે. તેના પુત્રના ઘેર પણ પુત્ર છે અને તારિકનો દીકરો કેનેડામાં મોન્ટ્રિયલ ખાતે રહે છે. તે એના પૌત્રોને ખૂબ જ ચાહે છે. એક ઈટાલિયન મહિલા પત્રકારથી થયેલો તેને એક બીજો ગેરકાનૂની પુત્ર પણ છે પરંતુ તે પુત્ર એની માને પ્રેમ કરતો ના હોઈ ઓમર શરીફ પણ તેના માટે પ્રેમ રાખતો નથી.

ઓમર શરીફ હવે ૮૦ વર્ષ વટાવી ગયા છે. તેઓ કહે છે : હું કોઈને પણ મળું તો તેઓ ક્યા ધર્મના છે, કઈ રાષ્ટ્રીયતા ધરાવે છે,કઈ માન્યતાઓ ધરાવે છે તે હું કદી પૂછતો નથી. મેં મારા પુત્રને પણ એ જ સલાહ આપી છે કે કોઈ ગર્લ ફ્રેન્ડને કીસ કરતાં પહેલાં તે ક્યા ધર્મની છે અને કઈ રાષ્ટ્રીયતા ધરાવે છે તે કદી પૂછીશ નહીં. તને એ ગમતી હોય અને રૂપાળી હોય તો જરૂર તેને કીસ કર. આ જગત હિંસાથી ભરેલું છે. દરેક વ્યક્તિ બીજાને મારવા માંગે છે. મેં જ્યોર્જ ડબલ્યુ બુશને પણ કહ્યું હતું કે આરબ રાષ્ટ્રોમાં લોકશાહી સ્થાપવાનું સ્વપ્ન ના જોશો. આરબ રાષ્ટ્રો કદી ડેમોક્રેટિક થઈ શકશે નહીં. કારણ કે અમારી પાસે શિક્ષણ નથી, શાળાઓ નથી, વળી અમે ટ્રાઈબલ લોકો છીએ. ઈરાકમાં યુદ્ધ શરૂ કરતાં મેં બુશને કહ્યું હતું: ”ત્યાં જશો નહીં ડૂબવાનું જ થશે.”

ઓમર શરીફ કહે છેઃ હોલિવૂડમાં એક માત્ર આરબ તરીકે ટકવાનું મારા માટે અઘરું હતું.”

ઓમર શરીફ રોજની સાંજ શરાબની બોટલ સાથે પસાર કરે છે. તે સાવ એકલવાયા છે, પરંતુ એનું એમને કોઈ દુઃખ નથી. ગ્લેમરની દુનિયા જ એવી છે. સ્ટાર્સ ચમકે છે જ આથમવા માટે.