Devendra Patel

Journalist and Author

૨૦૧૪ ફેસબુક ઇલેક્શન?

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ.
નવી પેઢીને જ્ઞાતિધર્મમાં નહીં પણ જોબકારકિર્દી ને સલામતીમાં રસ છે

દિલ્હીમાં મળેલી ભારતીય જનતા પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ની ચૂંટણી જીતવા પક્ષના કાર્યકરોને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવા સલાહ આપી. ઇન્ટરનેટ ટેક્નોલોજી અસ્તિત્વમાં આવી તે પછી’સોશિયલ મીડિયા’ શબ્દ પ્રચલિત થયો છે. ફેસબુક, માય સ્પેસ, ઇ-મેલ અને ટ્વિટર એ સોશિયલ મીડિયાનાં માધ્યમો છે.કોઈ પણ વ્યક્તિ ઇન્ટરનેટ પર આ માધ્યમોનો ઉપયોગ કરી હજારો – લાખો લોકો સુધી પોતાના વિચારો, પ્રતિભાવો અને પ્રચાર કરી શકે છે. ૨૦૧૪ની ચૂંટણીઓ દરમિયાન આ માધ્યમોનો ભરપૂર ઉપયોગ થવાનો છે.

૨૦૧૪ ફેસબુક ઇલેક્શન?

ફેસબુક ઇલેક્શન

૨૦૦૮ની અમેરિકાની સામાન્ય ચૂંટણીઓને લોકો ફેસબુક ઇલેક્શન તરીકે ઓળખાવે છે. ૨૦૦૮ની અમેરિકાની ચૂંટણી અગાઉની તમામ ચૂંટણીઓ કરતાં અલગ હતી. એ સમયે અમેરિકામાં પણ ફેસબુક, માય સ્પેસ, ઇ-મેલ કે ટ્વિટર શબ્દો બહુ જાણીતા નહોતા. એ વખતે બરાક ઓબામા બહુ જાણીતા નહોતા. શિકાગોમાંથી માત્ર માઇનોર રિપ્રેઝેન્ટેન્ટિવ તરીકે બહુ ઓછા જાણીતા બરાક ઓબામાને સોશિયલ મીડિયાની ટેક્નોલોજીમાં એક જબરદસ્ત તાકાતનાં દર્શન થયાં. તેમણે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી ટેક્નોસેવી યુવાનો અને અખબારો નહીં વાંચતા કે ટીવી ન્યૂઝ નહી જોતાં લોકો સુધી પોતાના સંદેશ, વિચારો અને પોતાના ખ્યાલો પહોંચાડયા. ચૂંટણી જીતવાની ઝુંબેશથી માંડીને ચૂંટણી ફંડ એકત્ર કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. એ વાત નોંધપાત્ર છે કે ફેસબુક, માય સ્પેસ, ઇ-મેલ કે ટ્વિટરનો ઉપયોગ કરનારો વર્ગ જૂની પેઢીના નેતાઓની ટીવી ડિબેટ જોતો,સાંભળતો નથી. અમેરિકાનો સોશિયલ મીડિયાનો બંધાણી વર્ગ – વોટર્સ ૨૫ વર્ષ કરતાં ઓછી ઉંમરનો છે. એ બધાં જ સોશિયલ મીડિયા દ્વારા બરાક ઓબામાના સંપર્કમાં આવ્યા અને બરાક ઓબામાએ અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી જીતી લીધી. અમેરિકા ઇતિહાસમાં પહેલી જ વાર એક અશ્વેત નાગરિક પ્રેસિડેન્ટ બન્યો. તેમની જીત એ સોશિયલ મીડિયાનો પ્રભાવ હતો.

અલગ ઓડિયન્સ

૨૦૧૪ની ભારતની લોકસભાની ચૂંટણીને લાગેવળગે છે ત્યાં સુધી ભારતીય જનતાપાર્ટી અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની બાબતમાં કોંગ્રેસ કરતાં આગળ છે. સોશિયલ મીડિયાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં કોંગ્રેસ હમણાં હમણાં જાગી છે. એ જાણી લેવાની જરૂર છે કે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલો વર્ગ સાવ અલગ છે અને અલગ ભાષા જ બોલે છે. તેઓ ચૂંટણીની પરંપરાગત ઝુંબેશનો ભાગ નથી. આ વર્ગ ચૂંટણી સભાઓમાં જતો નથી. આ વર્ગને કલાકો સુધી તેમના નેતાને જોવા-સાંભળવા માટે તાપમાં બેસી રહેવાનું ગમતું નથી. જાહેરસભાઓમાં લોકોને પરાણે બોલાવવા પડતા હોઈ જાહેરસભાઓમાં લોકોની હાજરી મેનેજ કરેલી હોય છે. જાહેરસભામાં હાજર રહેલા લોકોને મતદાર બનાવી શકાતા નથી, કારણ કે તેઓ ખરીદેલું ઓડિયન્સ છે. જ્યારે સોશિયલ મીડિયા દ્વારા તમે યુવાનોનાં દિલ અને દિમાગને સીધાં સ્પર્શી શકો છો. સોશિયલ મીડિયા દ્વારા વોટર્સ સાથે ઇન્ટરેક્ટ પણ કરી શકાય છે.

ટેક્નોસેવી યુવાનો ફેસબુક કે ઇ-મેલ દ્વારા નેતાને પ્રશ્નો પૂછી શકે છે અને પ્રતિભાવ પણ આપી શકે છે. જે જાહેરસભાઓમાં શક્ય નથી.

૧૪૦ મિલિયન નેટ યુઝર્સ

ભારતને લાગેવળગે છે ત્યાં સુધી ભારતમાં ૧૪૦ મિલિયન લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ લોકો ભારતની વસતીના કુલ ૧૧ ટકા થાય છે. ભારતમાં ફેસબુક ઝડપથી લોકપ્રિય થતી જાય છે. હવે ઓફિસબોયથી માંડીને કરિયાણાની દુકાન ધરાવનાર વ્યક્તિને પણ પોતાની ફેસબુક હોય છે. સોશિયલ મીડિયાનો સહુથી મોટો વર્ગ વસતીના પ્રમાણમાં સહુથી વધુ અમેરિકા છે. બ્રાઝિલ બીજા નંબરે છે. ભારત પણ હવે ફેસબુકની બાબતમાં આગળ વધી રહ્યું છે. આ વર્ષના ગયા માર્ચ સુધીમાં ભારતમાં ૬૧.૫ મિલિયન ફેસબુક એકાઉન્ટ્સ હતાં. એપ્રિલમાં તે આંકડો ૬૪ મિલિયન થઈ ગયો. તેમાંથી ૭૬ ટકા લોકો ૧૮થી ૩૪ વર્ષની વચ્ચેના હતા. તેમાં ૭૫ ટકા વ્યક્તિઓ પુરુષ હતી. ભારતની કુલ વસતીના ૫.૪૪ ટકા આ લોકો છે. ભારતની લોકસભાની ગઈ સામાન્ય ચૂંટણીઓમાં ૭૧૬ મિલિયન મતદારો હતા તેમાંથી ૪૧૭ મિલિયન લોકો (૫૮ ટકા) મતદાન કર્યું હતું. તેમાંથી ૨૦૦ મિલિયન મતદારો એટલે કે ૨૮ ટકા મતદારો ૨૫ વર્ષથી નીચેની વયના હતા. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે ૮૦૦ મિલિયન રજિસ્ટર્ડ મતદારો હશે તેમાંથી ૧૧૦ મિલિયન જેટલા મતદારો તેમના જીવનમાં પહેલી જ વાર મતદાન કરશે. નોંધપાત્ર વાત એ છે કે ૨૫ વર્ષ કે તેથી ઓછી ઉંમરનો આ યુવાવર્ગ જ્ઞાતિ, ધર્મ, જાતિવાદ કે ઉચ્ચ નીચ એવા વર્ગમાં માનતો નથી. આ વર્ગને ચિંતા માત્ર નોકરી, ધંધો અને કાયદો ને વ્યવસ્થાની જ છે. તેથી ૨૦૧૪ની ચૂંટણી વખતે ઉદારમતવાદી આ મતદાર કોને મત આપશે તે કળવું મુશ્કેલ છે.

૬૭ મતવિસ્તારો

દેશભરના રાજકીય વિશ્લેષકોની નજર હવે આ નવા અને યુવા મતદારો પર છે. નિષ્ણાતો માને છે કે ભારતમાં હાલ જે ૬૪ મિલિયન ફેસબુક યુઝર્સ છે તે ૨૦૧૪માં ૮૦ મિલિયન થઈ જશે. તેઓ કેટલાક ચાવીરૂપ મતવિસ્તારોમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ અનુસાર દેશના ૬૭ મતવિસ્તારો એવા છે કે જ્યાં ફેસબુક વપરાશકારો હાર જીતમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે. બાકીના મતવિસ્તારોમાં સોશિયલ મીડિયાની અસર ઓછી અથવા બિલકુલ નહીં હોય. અલબત્ત, ૬૭ મતવિસ્તારો પર ફેસબુક વોટર્સનો પ્રભાવ ઓછો ના ગણાય.

જનરેશન નેક્સ્ટ

આ નવા પ્રવાહની સાથે સાથે ફેસબુક કે સોશિયલ મીડિયાની કેટલીક મર્યાદાઓ પણ છે. એક તો દરેક મતદાર પાસે ફેસબુક એકાઉન્ટ નથી અને ભારતમાં જેમની પાસે ફેસબુક છે તે બધા જ મતદાન કરવા જશે તેની કોઈ ગેરંટી નથી. આ કારણથી ૨૦૧૪ની ચૂંટણીમાં સોશિયલ મીડિયા કેટલો પ્રભાવ પાડે છે. તેમાં પણ ચૂંટણીનાં પરિણામો પછી જ સાચો ખ્યાલ આવશે. એવું પણ બની શકે કે જેમની પાસે ફેસબુક છે તે વ્યક્તિએ મતદાર બનવા માટે નામ જ નોંધાવ્યું ના હોય. કેટલીક વાર એવું પણ બને છે કે ફેસબુક ધરાવનાર વ્યક્તિ તેના મતક્ષેત્રની બહાર વસતી હોય. ભારત એક વિશાળ અને જટિલ દેશ છે. સોશિયલ મીડિયા એક નવી ટેક્નોલોજી અને નવું માધ્યમ છે. ફેસબુક વપરાશકર્તાઓને હવે મંદિર – મસ્જિદ કરતાં જોબ, સલામતી અને કારકિર્દીમાં વધુ રસ છે એ વાત બધા જ રાજકીય પક્ષોએ નોંધવા જેવી છે. તેથી જે રાજકીય પક્ષ સોશિયલ મીડિયાના પ્રભાવનો ઉપયોગ કરવા માંગતો હોય તેણે જનરેશન નેક્સ્ટ અર્થાત્ નવી પેઢીને પોતાનું નામ મતદાર તરીકે નોંધાવે તેની ઝુંબેશ ચલાવવી જોઈએ. અને એક વાર તેઓ મતદાર બની જાય તે પછી ચૂંટણીના દિવસે મત આપવા પણ જાય તે માટે તેમને પ્રેરવા જોઈએ. તેથી નવી પેઢી મતદાર બને અને મત આપે તો જ સોશિયલ મીડિયા અસરકારક બની શકશે. સોશિયલ મીડિયા પર માત્ર ચૂંટણીપ્રચાર કે વિચારોની રજૂઆત કે માત્ર પ્રોપેગેન્ડા કરવાથી પરિણામ હાંસલ નહીં થાય. દેશમાં પરિવર્તન લાવવું હોય તો જનરેશન નેક્સ્ટને મતદાનમથક સુધી લઈ જવી પડશે.

૨૦૧૪ની ચૂંટણી એ સોશિયલ મીડિયાના પ્રભાવનો પણ ટેસ્ટ હશે.     
www.devendrapatel.in

Previous

અડવાણીનો માસ્ટર સ્ટ્રોક કે મોદીના હવનમાં હાડકાં

Next

ઘાસના ભારા ઊંચકી ભણી પીએચ.ડી. થઈ પણ આજે-

1 Comment

  1. kalpana mehta

    Namaskar dr.kapilaben ne jam me khub mahenat the abhyash karyo che ne atyre nokre mate fafa marva pade che

Leave a Reply

Powered by WordPress & Theme by Anders Norén