ભારતીય જનતા પાર્ટીની કારોબારીની બેઠકે એલ. કે. અડવાણી એન્ડ કાં.ની પરવા કર્યા વિના નરેન્દ્ર મોદીને ભાજપાની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે જાહેર કરી દઈ ભાજપા અડધો જંગ જીતી ગયું હોય તેવો માહોલ પેદા થયો હતો, પરંતુ ગોવાની એ ત્રણ દિવસની બેઠકના મોદી-વિજયોત્સવ જેવા માહોલને એલ. કે. અડવાણીએ હુકમનું પત્તું ઉતારી દઈ એ ઉત્સાહને બ્રેક મારી દીધી છે. ત્રણ દિવસથી મીડિયાનું ફોકસ નરેન્દ્ર મોદી પર હતું તે આજે પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેનાર એલ. કે. અડવાણી પર કેન્દ્રિત થઈ ગયું. હવે અડવાણીને સમજાવવા માટે પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ અડવાણી રાજીનામું પાછું ખેંચે કે ના ખેંચે તેથી કોઇ ફરક પડતો નથી. કારણકે તેમણે પક્ષને, સંઘને અને નરેન્દ્ર મોદીને જે નુકસાન પહોંચાડવાનું હતું તે પહોંચાડી દીધું છે.

અડવાણીનો માસ્ટર સ્ટ્રોક કે મોદીના હવનમાં હાડકાં

અડવાણીની છેલ્લી બાજી

લાગે છે કે, અડવાણી તેમની જિંદગીની છેલ્લી બાજી ખેલી રહ્યા છે. સામાન્ય રીતે તેઓ આવું અંતિમવાદી પગલું લેનાર કે સખત ભાષાનો ઉપયોગ કરનાર રાજકારણી નથી. પહેલાં જનસંઘ અને તે પછી ભાજપાની સ્થાપના કરનાર અને પક્ષને મજબૂત કરનાર સ્થાપક નેતાઓ પૈકીના તેઓ એક ગણાય છે. આઝાદીના જંગ વખતે દેશમાં કોંગ્રેસની બોલબાલા હતી ત્યારે કોંગ્રેસ વિરોધી વિચારધારા ધરાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાવાની તેમણે હિંમત કરી હતી. જિંદગીનાં ૬૦ વર્ષ તેમણે જાહેર જીવનમાં આપી દીધાં છે. વડા પ્રધાન બનવાના તેમના સ્વપ્નને બાદ કરતાં તેઓ સ્વચ્છ, મિતભાષી અને પ્રામાણિક રાજકારણી રહ્યા છે. હા, અટલબિહારી વાજપેયી સાથેના તેમના મતભેદો ઘણા બધા લોકો જાણે છે. જિંદગીની મોટામાં મોટી ભૂલ તેમણે પાકિસ્તાનની મુલાકાત વખતે મોહંમદ અલી ઝીણાની પ્રશંસા કરી તે હતી, જે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેમને આજ સુધી માફ કર્યા નથી. અડવાણીની ઉપેક્ષા ગઈકાલે જ શરૂ થઈ હતી એવું નથી. તેમની ઉપેક્ષા પાકિસ્તાનની મુલાકાત બાદ જ સંઘ તરફથી શરૂ થઈ હતી. દેશમાં ચેતના રથયાત્રા કાઢવા માટે પણ તેમને સંઘના નાગપુર હેડ ક્વાર્ટર પર જઈ મંજૂરી લેવી પડી હતી અને તે પણ એ શરતે કે, “તમે તમારી જાતને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર નહીં કરો.” અડવાણીએ સમસમી જઈને એ શરતે જ યાત્રા શરૂ કરી હતી. એ યાત્રા પહેલાં ગુજરાતથી શરૂ થવાની હતી, પરંતુ નરેન્દ્ર મોદી સાથેની ખટાશના કારણે એ યાત્રા તેમણે બિહારથી શરૂ કરવી પડી હતી. ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગીમાં પણ તેમની ઉપેક્ષા થઈ હતી. છેવટે ગોવાની કારોબારીમાં પણ નરેન્દ્ર મોદી સામે તેમનો વિરોધ હોવા છતાં તેમને બાજુમાં રાખીને નરેન્દ્ર મોદીને પ્રચાર અભિયાનના સુકાની બનાવી દેવાયા તે સમયે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે, અડવાણીના યુગનો હવે અસ્ત થઈ રહ્યો છે. બીમારીનું બહાનું કાઢી અડવાણી ગોવા ના ગયા, પરંતુ જ્યારે તેમના ઘર આગળ મોદીની તરફેણમાં દેખાવો થયાં તે પછી તેઓ અંદરથી અપમાનિત અને દુઃખી થઈ ગયા હતા. પક્ષમાંથી ગૌરવપૂર્ણ વિદાય આપવાના બદલે ફેંકી દેવાયેલા નેતા જેવી પરિસ્થિતિ પેદા થઈ હતી. એ પરિસ્થિતિમાંથી બચવા તથા પોતાનું ગૌરવ પુનઃ પ્રસ્થાપિત કરવા અડવાણીએ દુઃખી થઈને છેલ્લો પાસો પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામાં ધરી દઈને ફેંક્યો. અડવાણીનું પક્ષના હોદ્દાઓ પરથી અપાયેલું રાજીનામું ભાજપા અને સંઘને ભારે નુકસાન પહોંચાડી શકે તેમ છે. ગોવામાં ભાજપાએ જે ઉચ્ચ ઉન્માદ ઊભો કર્યો હતો તેની પર અડવાણીએ રાજીનામાં આપી દઈને પાણી ફેરવી દીધું છે. તેમના આ પગલાંથી તેમણે સંઘ અને ભાજપા- એ બેઉને એવો સખત સંદેશો આપ્યો છે કે, “નરેન્દ્ર મોદીની પસંદગી સામેનો મારો જંગ જારી છે.”

ટૂંકમાં અડવાણીનું ભીતરનું દર્દ બહાર આવી ગયું છે. ભાજપા એક કેડર બેઝ પાર્ટી છે. શિસ્તબદ્ધ પાર્ટી છે અને પાર્ટી વિથ ડિફરન્સ છે. એ બધી જ ઉક્તિઓ નરેન્દ્ર મોદી વિરુદ્ધ અડવાણીના આ યુદ્ધે ખોટી પાડી છે. અલબત્ત અડવાણીએ પક્ષને, સંઘને અને નરેન્દ્ર મોદીને કેટલું નુકસાન કર્યું છે તે તો આવનારો સમય જ કહેશે. હા, ગઈકાલ સુધી એનડીએના સાથી પક્ષો જનતાદળ (યુ) અને શિવસેના જે મોદી તરફી ભાષા બોલતા હતા તેમના સૂર આજે બદલાયેલા લાગ્યા. ખુદ નરેન્દ્ર મોદીએ પણ સૂચક મૌન ધારણ કરવું પડયું છે.

એ જે હોય તે, પણ ૨૦૧૪માં ભારત વર્ષના રાજકીય ફલક પર ફેલાનારા ‘મહાભારત’ના ચક્રવ્યૂહનો પહેલો કોઠો નરેન્દ્ર મોદી જીતી ગયા છે. નરેન્દ્ર મોદીને ભાજપાના ભાવિ વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે ભલે જાહેર કરાયા ના હોય, પરંતુ હવે ભાજપાના નેતૃત્વ હેઠળ એનડીએની બહુમતી આવે તો મોદી જ વડા પ્રધાનપદના ઉમેદવાર છે તે નક્કી જ છે. નરેન્દ્ર મોદી જો વડા પ્રધાન બનશે તો મોરારજી દેસાઈ પછી કોઈ બીજા ગુજરાતીને આવું સન્માન પ્રાપ્ત કરવામાં તેઓ બીજા હશે.

સંઘ જ સર્વોપરી

ખેર ! ગોવામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જે રાજકારણ ખેલાયું તે જોતાં લાગે છે કે, ભારતીય જનતા પાર્ટીના પ્રવર્તમાન તમામ સિનિયર નેતાઓને ફરી એકવાર વામણા સાબિત કરી દીધાં છે. મોદીને કદાપી મહત્ત્વનું સ્થાન ના મળે તે માટે અંદરથી આટાપાટા ખેલતા એલ. કે. અડવાણીનું અસલી પોત બહાર આવી ગયું. ૮૮ વર્ષની વયે પણ વડા પ્રધાન બનવા માટેની તેમની ખેવના ઉઘાડી પડી ગઈ. તેમણે યશવંત સિંહા, જશવંત સિંહા, ઉમા ભારતી, શત્રુઘ્ન સિંહા અને રવિશંકર પ્રસાદને ગોવા રોક્યા. સુષ્મા ગયાં, પણ ભીતરથી નારાજગી સાથે. એ બધાંએ ઘણાં રિસામણાં કર્યાં, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવકનો એક જ આદેશ આવ્યો : “અડવાણી સંમત હોય કે ના હોય નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ તરીકે જાહેર કરી દો.”

એ પછી બધા જ લાઈનમાં આવી ગયા. યશવંત સિંહાએ ખુલાસો કર્યો. ઉમા ભારતીએ પણ પક્ષના પ્રમુખ પ્રત્યે વફાદારી વ્યક્ત કરતો પત્ર લખ્યો. સુષ્મા સ્વરાજે પણ મોદીની તાજપોશી વખતે લાઈનમાં ઊભા રહી સ્મિત આપવા પ્રયાસ કર્યો. શિવસેનાએ પણ ટોપી બદલી નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદ માટે સક્ષમ નેતા જાહેર કર્યા. રાજનાથ સિંહ તો પક્ષના પ્રમુખ હોવા છતાં મોદીના સેક્રેટરી જેવા લાગ્યા. રાષ્ટ્રીય પ્રમુખ હોવાના નાતે તેમણે છેલ્લે બોલવાનું હોય, પરંતુ પોતાને સાંભળવા કોઈ ઊભું જ નહીં રહે તેવા ડરથી તેમણે પહેલા બોલી નાખ્યું અને છેવટે તો મોદી જ છવાયેલા રહ્યા. અડવાણી કેમ્પના શિવરાજ સિંહથી માંડીને બીજા બધા જ નેતાઓ સહિત આખું ભાજપા નરેન્દ્ર મોદીના શરણે ગયું.

જો જીતા વહ સિકંદર

હા, અડવાણીને એ વાતનું દુઃખ હોઈ શકે કે, તેઓ નરેન્દ્ર મોદીના ગુરુ હતા. ૨૦૦૨નાં ગોધરાકાંડ પછી તે વખતના વડા પ્રધાન અટલબિહારી વાજપેયી મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવા માગતા હતા ત્યારે તેમને બચાવનાર એકમાત્ર એલ. કે. અડવાણી જ હતા. એ જ ગુરુને તેમના શિષ્યે ધ્વસ્ત કરી દીધા. અંગ્રેજીમાં ઉક્તિ છે કે : “ઈદૃીિઅંરૈહખ્ત ૈજ કટ્વૈિ ૈહ ર્ઙ્મદૃી ટ્વહઙ્ઘ ટ્વિ.” રાજનીતિ પણ એક જાતનું યુદ્ધ જ છે. તેમાં તમે કઈ રીતે જીતો છો તે અગત્યનું નથી, જીતવું અગત્યનું છે. જો જીતા વહ સિકંદર. લોકો પણ આ જ માનસિકતા ધરાવે છે. આ દેશની રાજનીતિ જ એવી છે કે કોઇપણ પક્ષના ઉમેદવાર બન્યા પછી ચૂંટણીમાં તમે લોકોને દારૂ પીવડાવીને જીત્યા, પૈસા વહેંચીને જીત્યા કે બોગસ વોટિંગ કરાવીને જીત્યા તેમાં રસ નથી. લોકો જીતનારને જ ફૂલોના હાર પહેરાવે છે અને નરેન્દ્ર મોદી પોતાના બુઝર્ગ નેતાઓને પરાસ્ત કરી વિજયી બન્યા છે.

બીજો કોઠો

નરેન્દ્ર મોદી અડવાણીના વિરોધ છતાં ભાજપાની ભીતરનું પહેલું યુદ્ધ જીતી ગયા છે, પરંતુ બીજા પણ કેટલાક કોઠાઓમાંથી પસાર થવાનું બાકી છે. બીજો કોઠો છે એલ. કે. અડવાણી અને તેમના સાથીઓનો કે જેઓ નરેન્દ્ર મોદી કોઈપણ સંજોગોમાં વડા પ્રધાન ના બને તેમ ઇચ્છે છે અને તેમના વિરોધીઓ ભાજપામાં જ છે. ત્રીજો કોઠો છે એન.ડી.એ.નો ૨૦૧૪ની ચૂંટણી પહેલાં ચૂંટણી પૂર્વેની કેટલીક ગોઠવણો. તેમાં શિવસેના તો લાઈન પર આવી ગઈ હતી, પણ આજે તેમણે ફરી અડવાણીનાં વખાણ કર્યાં છે. શિરોમણિ અકાલીદળ મોદીની સાથે જ રહેશે, પરંતુ મોદીના રાજ ઠાકરે સાથેના સુમેળભર્યા સંબંધોના કારણે શિવસેના ભવિષ્યમાં કેવું વલણ અપનાવે છે કે તે જોવાનું રહેશે. ગોવામાં મોદીની વિજય પતાકા અને મોદીની લોકપ્રિયતા જોયા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ઢીલા પડયા હતા, પણ અડવાણીના એપિસોડ પછી તેઓ પલટી મારે તેમ લાગે છે. ચૂંટણી પછી તમિળનાડુનાં જયલલિતા તેમની સાથે રહી શકે છે, પરંતુ પશ્ચિમ બંગાળના મુસ્લિમ મતોના ભોગે મમતા બેનરજી ચૂંટણી પૂર્વે એન.ડી.એ.નો હિસ્સો બનવાનું પસંદ નહીં કરે. ચૂંટણી પછી મમતા મુદ્દાઓ આધારિત રાજનીતિના નામે એન.ડી.એ.માં. જોડાઈ શકે છે. એ જ રીતે ઉત્તરપ્રદેશમાં મુલાયમ-અખિલેશ અને બિહારમાં લાલુ પ્રસાદ પણ એન.ડી.એ.નો હિસ્સો બનવાનું પસંદ નહીં કરે. ચૂંટણી પછી તેઓ રાજકીય ગુલાંટ મારે તેવા છે.

ચક્રવ્યૂહનો છેલ્લો કોઠો

ચોથો અને સૌથી મોટો કોઠો મોદીએ ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપાને વિજયી બનાવવાનો છે. મોદીએ વડા પ્રધાન બનવું હોય તો ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપને ૧૮૦થી ૨૦૦ બેઠકો પર વિજય અપાવવો પડે. કોંગ્રેસને સત્તા પર આવવું હોય તો તેને ૧૦૦ બેઠકો જ જોઈએ, કારણ કે ધર્મનિરપેક્ષતાના નામે તે નાનાં નાનાં પ્રાદેશિક પક્ષોનો ટેકો લઈ શકશે, પરંતુ હવે મોદીની કટ્ટર હિન્દુવાદીની છબી હોઈ નાનાં પણ સેક્યુલર પક્ષોનો ટેકો લેવામાં મુશ્કેલી રહેશે. તેથી મોદીએ કોઈપણ હિસાબે ભાજપાને ૨૦૦ની નજીકની બેઠકો પર જીત અપાવવી જરૂરી છે.

એ સિવાય એ વાત પણ સમજી લેવી પડશે કે, ગુજરાતમાં ભાજપાની જીત એ આખા દેશની ચૂંટણીનો લિટમસ ટેસ્ટ છે તેમ સમજવું ભુલભરેલું હશે. ગુજરાત એ આખું હિન્દુસ્તાન નથી. વળી ગુજરાતના લોકોની જે માનસિકતા છે તે કરતાં કર્ણાટકના લોકોની, ઉત્તરપ્રદેશના લોકોની, બિહારની, તમિળનાડુની, આસામ-મેઘાલય અને ત્રિપુરાના લોકોની, આંધ્રની, મહારાષ્ટ્રની અને જમ્મુ-કાશ્મીરના લોકોની માનસિકતા અલગ છે. દરેક પ્રદેશોના પ્રશ્નો અલગ છે, દરેક પ્રદેશોમાં મતોનું ધ્રુવીકરણ થયું નથી. દરેક પ્રદેશોમાં ગોધરાકાંડ થયો નથી. આસામમાં બોડો ઉગ્રવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખતો એક વર્ગ છે. તમિળનાડુમાં તમિળ ઉગ્રવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ છે. ઉત્તરાખંડ કે ઝારખંડમાં લાખો આદિવાસીઓ પર નક્સલવાદનો પ્રભાવ છે. તેથી આસામ,ઉત્તરાખંડ કે ઝારખંડનો મતદાર એ ગુજરાતના મતદાર જેવો નથી. દેશમાં અનેક ભાષી, અનેક ધર્મો અને અનેક સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. આ કારણે દેશની રાજનીતિ એક જટિલ બાબત છે. નોર્થ-ઇસ્ટનાં રાજ્યોની કે આદિવાસી ઇલાકાઓની પ્રજાને હિન્દુવાદ સાથે કોઈ લેવાદેવા નથી. દક્ષિણનાં રાજ્યોમાં ખ્રિસ્તીઓનો બહુ મોટો વર્ગ છે. કેટલાંક સ્થળોએ તો ભાજપાએ ખાતું જ ખોલાવ્યું નથી. એ બધી જ પરિસ્થિતિનો કયાસ કાઢીને મોદીએ અર્બન અને શહેરી ઉચ્ચ મધ્યમ વર્ગ સિવાયના અંતરિયાળ વિસ્તારો સુધી પોતાની લોકપ્રિયતા અને વિશ્વસનીયતા લઈ જવાં પડશે. ૨૦૧૪ની ચૂંટણીમાં ચક્રવ્યૂહનો સૌથી અઘરો કોઠો આ હશે. મોદી કોઈપણ ચક્રવ્યૂહને ભેદવા સક્ષમ છે, પરંત આ સફળતા મળે છે કે કેમ તે જોવા ૨૦૧૪ સુધી રાહ જોવી પડશે. હવે એલ. કે. અડવાણીએ જ પોતાના શિષ્યે શરૂ કરેલા હવનમાં હાડકાં નાખવા માટે જે રીતે તલવારો ખેંચી છે તે જોતાં નરેન્દ્ર મોદીએ વધુ સાવચેત થઈ જવાની જરૂર છે. અડવાણીનું આ પગલું માસ્ટરસ્ટ્રોક છે કે નરેન્દ્ર મોદીની દિલ્હીયાત્રા રોકવા માટેનો અવરોધ છે તે આવનારો સમય કહેશે.

ગુજરાતીનો વિરોધ કેમ?

એલ.કે.અડવાણી જેવી જનાધાર વગરની વ્યક્તિને નરેન્દ્ર મોદીએ અનેકવાર ગુજરાતમાંથી ચૂંટણી જીતાડીને લોકસભામાં મોકલી આપ્યા છે. તે પછી અડવાણીએ ભાગ્યે જ ગુજરાતના પ્રશ્નોની ચિંતા કરી છે. નરેન્દ્ર મોદીના ઉપકારો પણ અડવાણી આજે ભૂલી ગયા છે. લાગે છે કે નરેન્દ્ર મોદી જેવા એક ગુજરાતી રાજનેતા દેશના વડાપ્રધાન બને તે અડવાણીને પસંદ નથી.