એના હાથમાં ફૂલોનો ગજરો છે. બધાં જ ફૂલો મોગરાનાં છે. દિલ્હીના બદનામ જી.બી. રોડ પરની એક ગંદી બદનામ ગલીના ખૂણે ઊભેલી સંજના ફૂલોના ગજરા વેચવા ઊભી છે. રાતનો સમય છે. ચારે તરફ લોકોએ કચરો ફેંકલો છે. સારા લોકો પરિવાર સાથે અહીં આવાનું ટાળે છે. સંજનાની હવે ૫૪ વર્ષની વય છે. કોઈ જમાનામાં તે અત્યંત ખૂબસૂરત રહી હશે. એક સમયે તે આ ગલીની મશહૂર રૂપજીવીની હતી. હવે તેની પાસે યુવાની રહી નથી. ગ્રાહકો પણ આવતા નથી તેથી ફૂલોના ગજરા વેચીને તે જીવન નિર્વાહ કરે છે.
આ વાત દિલ્હીના જી.બી. રોડની છે. દિલ્હીના મેટ્રો સ્ટેશનથી ઊતરીને અજમેરી ગેટના ઉત્તરે થઈ અહીં પહોંચી શકાય છે. અહીં એક જુદી જ પ્રકારનું દિલ્હી છે, કહે છે કે અહીં ‘ગોડ’ નહીં ‘ગોડેસીસ’ વસે છે, અલબત્ત, તે બધાના ચહેરા પર દુઃખનો વાદળોની છાયા છવાયેલી છે. ચુસાઈ ગયેલા દેહના કારણે કેટલીક તો ભરજુવાનીમાં મોટી વયની લાગે છે. કોઈ વટેમાગું ત્યાંથી પસાર થતો હોય તો બસ આટલું જ સાંભળવા મળે છેઃ ”રુકના… કહાં જાતા હૈ?… દેખ તો સહી.” ગ્રાહકોને લલચાવવા તે આમંત્રણ આપતી હોય તેમ બોલે છે.
દિલ્હીના લાહોરી ગેટથી ઉત્તરે અને અજમેરા ગેટથી દક્ષિણ સુધીનો આ વિસ્તાર નોટોરિયસ છે. આ રસ્તા પર રાત્રીના સમયે આવી હજારો સ્ત્રીઓ તેમનો દેહ વેચી ગુજરાન ચલાવે છે. આમ તો આ રોડનું નામ સ્વામી શ્રદ્ધાનંદ માર્ગ છે. સ્વામી શ્રદ્ધાનંદ આર્ય સમાજી નેતા હતા. તેમનું ૧૯૨૬માં એક કટ્ટરવાદીએ ખૂન કરી નાખ્યું હતું. પણ આ રસ્તો અંગ્રેજોના સમયથી જી.બી. રોડ તરીકે જ ઓળખાય છે. જેના નામથી આ રસ્તો ઓળખાય છે તે અંગ્રેજનું નામ ‘ગાર્સ્ટીન બાસ્ટીઓન’ હતું. એ માણસ કોણ હતો તે કોઈ જાણતું નથી. કોઈને એ જાણવાની ઈચ્છા પણ નથી. કહેવાય છે કે ૧૮૫૭ના ગાળામાં તે બ્રિટીશ જનરલ હતો.
કોઈ કહે છે કે તે એક અંગ્રેજ અધિકારી હતો અને તેણે વર્ષોથી ચાલી આવતા દેહવેપારના ધંધાથી આ રોડને મુક્ત કરાવવા પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ ગયો હતો.
આવા જી.બી. રોડના એક ખૂણામાં ઊભેલી સંજના કહે છેઃ ”હવે મારી ઉંમરના કારણે આ ધંધાથી બહાર થઈ ગઈ છું. દિવસે આ વિસ્તારના કોઠાઓમાં ઘરકામ કરું છું અને રાત્રે ગજરા વેચું છું. કોઠાઓનાં હું વાસણો ધોઉં છું. કપડાં ધોઉં છું. કોઠાઓમાં રહેતી યુવાન છોકરીઓ માટે શાકભાજી ખરીદી લાઉં છું. તેમના માટે રસોઈ બનાવું છું, હવે મારો બીજો કોઈ ઉપયોગ રહ્યો નથી.”
સંજના કહે છે : ”હું જ્યારે ૨૦ વર્ષની હતી ત્યારે મારી મોટી ડિમાન્ડ હતી. હવે મારા માટે કોઈ ગ્રાહક આવતો નથી. હા, કોઈ વાર મારા જૂના એક બે આશિક આવી ચડે છે, પણ કોઈક જ વાર.”
તે કહે છેઃ ”હું ૧૪ વર્ષની હતી ત્યારે એટલે કે ૧૯૭૦માં હું દિલ્હી આવી હતી. તે વખતે મારું લગ્ન થઈ ગયું હતું. હું ઉત્તરપ્રદેશના ગામડામાંથી આવું છું. મને મારો પતિ કોઈ કામના બહાને દિલ્હી લઈ આવ્યો હતો. જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર તે કોઈ નાસ્તો લેવાના બહાને મને પ્લેટફોર્મ પર એકલી મૂકીને ઈરાદાપૂર્વક જતો રહ્યો હતો. તે પછી એક માણસ મારી પાસે આવ્યો હતો. એણે મને ખાવાનું આપવાનું કહી આ વિસ્તારમાં લઈ આવ્યો હતો. બસ તે દિવસથી મારા પેટની ભૂખ મીટાવવા મેં શરણાગતિ સ્વીકારી લીધી હતી. હકીકતમાં મારા પતિએ મને એક કોઠાવાળાને વેચી દીધી હતી. એ દિવસથી હું જી.બી. રોડના એક કોઠાનો હિસ્સો બની ગઈ. કોઠાનો માલિક એ વખતે ૪૦ વર્ષની વયનો હતો.”
સંજના કહે છેઃ ”અહીં આવ્યા પછી મેં ઘણું બધું જાણ્યું. મારા કોઠાના માલિકે મને જી.બી. રોડનો ઈતિહાસ કહ્યો. દેશના ભાગલા થયા તે પહેલાં આ રોડ પર લોકો માત્ર દેહ ભોગવવા જ આવતા નહોતા. ભાગલા પહેલા દિલ્હી એક અનોખું શહેર હતું. ગરીબી હતી પણ દિલ્હીની એક આગવી ઓળખ હતી. દિલ્હીનું એક આગવું કલ્ચર હતું. આ વિસ્તારમાં રહેતી રૂપજીવીનીઓ મીર અને હાફિઝની શાયરી ગાતી. પ્રોસ્ટીટયૂટસ ર્પિશયન ગીતો ગાતી. મોગલોના જમાના કોઠાઓનું એક આગવું કલ્ચર હતું. મોગલ બાદશાહો આ વિસ્તારની રૂપજીવીનીઓને કે નર્તકીઓને તેમના દરબારમાં બોલાવતા. કેટલીક રૂપજીવીનીઓ તો કથક અને હિન્દુસ્તાની ગાયકીની શ્રેષ્ઠ નિષ્ણાત હતી.”
તે કહે છે : ” બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે ભાગલા પહેલા જી.બી. રોડ પર રહેતી સ્ત્રીઓ નવાબી સંસ્કૃતિની રખેવાળ ગણાતી. એ વખતે અહીં રહેતી વેશ્યાઓ માત્ર વાસનાનું સાધન નહોતી. નવાબોના પુત્રોને વાણી, વર્તન અને વિવેક શીખવવા રૂપજીવીનીઓ પાસે મોકલવામાં આવતા. મોગલોના જમાનામાં રૂપજીવીનીઓને સમાજની ગંદકી ગણવામાં આવતી નહોતી. પણ સંસ્કૃતિનો એક ભાગ ગણવામાં આવતી હતી.”
પણ હવે એ બધું બદલાઈ ગયું છે. અહીં ગંદકી બંને પ્રકારની વધી છે, ગરીબી પણ વધી છે, ગ્રાહકો અને રૂપજીવીનીઓએ બેઉ માટે એચઆઈવીના જોખમો પણ વધ્યાં છે.
સંજના કહે છે : ભાગલા પહેલા તો આ વિસ્તારની રોનક રાત્રે જ જામતી. ગીત સંગીતના મધુર સ્વર સંભળાતા. ૭૦નાં દાયકાના અંતિમ વર્ષો સુધી અહીં બધું બરાબર હતું. ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી એ પહેલાં અહીં પોલીસ ભાગ્યે જ આવતી,કોઠામાં તો પ્રવેશતી જ નહીં. કટોકટીના ગાળામાં પોલીસ આવવા લાગી અને બધું જ બદલાઈ ગયું. શહેરનાં રઈસ લોકોએ અહીં આવવાનું બંધ કરી દીધું. તેમના બદલે ફાલતું લોકો આવવા લાગ્યા.ઈમરજન્સી પછી આવતા ગ્રાહકોને તત્કાળ સેક્સ જોઈતું હતું. કોઠાઓની અંદર જે નૃત્ય ખંડો હતા તેમાં નાચગાન બંધ થઈ ગયાં. કેટલાંક ડાન્સિંગ હોલ તો નાની નાની રૂમોમાં ફેરવાઈ ગયા.
મયંક ઓસ્ટિન સૂફી નામના લેખકે દિલ્હીના ‘રેડ લાઈટ’ એરિયા વિષે ”નો બડી કેન લવ યુ એની મોર’ પુસ્તક લખ્યું છે. તેમાં તે લખે છેઃ ”પહેલા એક માત્ર જી.બી. રોડ જ દિલ્હીનો રેડલાઈટ એરિયા હતો. હવે રેડલાઈટ એરિયા દિલ્હીની બહાર ચાલ્યો ગયો છે. સેક્સનું બજાર જ બદલાઈ ગયું છે. જી.બી. રોડના રેડલાઈટ એરિયાને મસાજ પાર્લરો, બ્યુટી સલૂનો તથા ફ્રેન્ડશિપ કલબોએ ઉજ્જડ અને વેરાન કરી દીધો છે. હવે ઈન્ટરનેટ પર જઈ કોલગર્લ શોધી શકાય છે, ફાઈવસ્ટાર હોટલોમાં ઊતરતા ધનવાનોને તથા કોર્પોરેટ કંપનીઓના બડા બડા એક્ઝિક્યુટીવ્સને કેટલીક એજન્સીઓ ”એસ્કોટર્સ” પૂરાં પાડે છે. આ એસ્કોટર્સ અત્યંત પ્રભાવશાળી, રૂપાળી અને ખૂબ સુંદર ઈંગ્લિશ જાણતી કોર્પોરેટ કલ્ચરની યુવતીઓ હોય છે. દિલ્હીમાં તો છેક ૧૯૮૦થી એક કંપની આવી એસ્કોટર્સ ર્સિવસ પૂરી પાડે છે. દિલ્હીમાં રહેતા કંવલજીત નામના એક શખસે આવી એસ્કોટર્સ ર્સિવસનો ધંધો શરૂ કર્યો હતો,તે આજે મહિને રૂ. ૧૦ લાખ કમાય છે. ૧૦૦ જેટલી પ્રોસ્ટીટયૂટસ તેની કંપની માટે કામ કરે છે. ૨૦૦૫માં કંવલજીતની ધરપકડ થઈ હતી. દિલ્હી પોલીસના આંકડા અનુસાર તેના સેક્સ ટ્રેડનો આંકડો ૫૦૦ કરોડનો હતો. કંવલજીત પકડાઈ ગયા બાદ એ ધંધો સોનું પંજાબણના હાથમાં ચાલ્યો ગયો હતો. સોનું પંજાબણના ગ્રાહકો મધ્યમવર્ગના હતા. દિલ્હી પોલીસે ૨૦૧૧માં તેને પણ પકડીને જેલમાં પૂરી દીધી હતી. દિલ્હીનું સેક્સ ટ્રેડ રેકેટસ હવે અનજાન હાથોમાં ચાલ્યું ગયું છે.
બદલાતા સમયમાં દિલ્હીના જી.બી.રોડે તેની આગવી સંસ્કૃતિ અને આગવી ઓળખ ગુમાવી છે. જી.બી. રોડ પર આજે પણ સંજના જેવી અનેક પૂર્વ અને વર્તમાન રૂપજીવીનીઓને રોજી આપતા ૮૦ જેટલા કોઠા આજે પણ હયાત છે. પણ જી.બી. રોડે તેની રોનક અને અસલિયત ગુમાવી દીધી છે. પહેલાં અહીં ગીત-સંગીતના શોખીન કળા પ્રેમીઓ આવતા હતા. હવે તો આ રસ્તા પર ધોળે દહાડે લૂંટી લે તેવા ગુંડાઓ ફરતા દેખાય છે.
(સંજના એ પરિવર્તીત નામ છે)
Leave a Reply