રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ.
પણ એક અંગ્રેજે ‘સર્વે મેન્યુઅલ‘ પુસ્તકમાંથી રાધાનાથનું નામ ગાયબ કરી દીધું
માઉન્ટ એવરેસ્ટની ખોજ જ્યોર્જ એવરેસ્ટે નહીં પણ રાધાનાથ સિકદરે કરી હતી, પણ એ શ્રેય એ વખતની અંગ્રેજ સરકારે ભારતીય સર્વેયર રાધાનાથ સિકદરને કદી આપ્યું નહીં. આવું બીજા અનેક કિસ્સાઓમાં થયેલું છે. ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે સહુથી પહેલાં વાયરલેસ એટલે કે રેડિયો તરંગોની ખોજ કરી હતી, પરંતુ રેડિયોની શોધ કરવાનું શ્રેય માર્કોનીને આપી દેવામાં આવ્યું હતું. આવી જ જાલસાજી રાધાનાથ સિકદર સાથે થઈ હતી.
રાધાનાથ સિકદરે સર્વેના કામની સાથે સાથે ભારતના હવામાનના અભ્યાસની પણ જવાબદારી સંભાળી હતી. ઈ.સ.૧૮૫૨માં ભારતના મોસમ વિભાગના વડા વી.એલ. નિકસન નિવૃત્ત થતાં એ પદ પર બ્રિટિશ સરકારે રાધાનાથ સિકદરની નિમણૂક કરી. આ પદ સંભાળ્યા બાદ રાધાનાથે જોયું કે જે પદ્ધતિથી હવામાનની જાણકારી મેળવવામાં આવે છે તે પદ્ધતિ યોગ્ય નથી. એ વખતે તાપમાન સૂર્યોદય અને સૂર્યાસ્તના વખતે જ માપવામાં આવતું હતું, પરંતુ સૂરજ રોજ એક સમયે જ ઊગતો કે આથમતો નથી. તેથી તે હિસાબે તાપમાન માપવું ઠીક નથી એમ રાધાનાથને લાગ્યું. એ વખતે ઇન્સ્ટ્રુમેન્ટલ કરેક્શન અથવા બાર કરેક્શન પદ્ધતિનો ઉપયોગ થતો નહોતો.
રાધાનાથે મોસમ વિભાગના વડા તરીકેનું પદ સંભળ્યા બાદ તાપમાન, હવાનું દબાણ, પવનની દિશા, પવનની ગતિ દર એક કલાકે માપવાનું અને તેનો રોજનો અને મહિનાનો રેકોર્ડ રાખવાનું શરૂ કર્યું. યુરોપમાં એ વખતે ૩૨ ડિગ્રી ફેરનહાઈટને આધાર માની તાપમાનનું નિર્ધારણ શરૂ થઈ ગયું હતું, પરંતુ ભારતમાં એ વિષે કોઈ જ જાણકારી નહોતી. રાધાનાથે પોતાના મૌલિક વિચારોથી આ પદ્ધતિનો આવિષ્કાર કર્યો.
ઈ.સ. ૧૮૫૩થી આ કામ નિયમિતરૂપે શરૂ થયું. તે પછી વૈજ્ઞાનિક લેખો અને પત્રિકાઓમાં પણ એમની વાત સ્વીકારવામાં આવી. ૧૮૫૨થી ૧૮૭૭ સુધી રાધાનાથની પદ્ધતિ જ મોસમની જાણકારી માટે અમલમાં રહી. ઈ. સ. ૧૮૬૪માં કલકત્તામાં ભયંકર વાવાઝોડું આવ્યું. એની ગતિ માપવા માટે પણ બલાન ફોર્ડ અને ગેસ સ્ટ્રાલે રાધાનાથની પદ્ધતિની જ મદદ લીધી.
૧૮૫૬માં ભારતના હવામાના ખાતાના વડા તરીકેનું પદ સંભાળ્યા બાદ બીજા વર્ષે બંદરગાહ તરફથી આવતાં જહાજોનાં ‘ટાઈમ સિગ્નલિંગ’નો તેમણે ઉપયોગ કર્યો. સમુદ્રમાં આવનજાવન કરતાં જહાજો માટે ચોક્કસ સમયનું જ્ઞાન બેહદ જરૂરી હતું. એક બંદરથી બીજા બંદર પહોંચતા જ સમય પણ બદલાઈ જતો હતો. એ કારણથી જહાજોમાં રાખવામાં આવતી સમયસૂચિ અને હવામાનની જાણકારી વચ્ચે કોઈ તાલમેલ નહોતો. આ મુશ્કેલી દૂર કરવા રાધાનાથે બંદરો માટે ટાઈમ બોલ ચાલુ કર્યો, જેથી બદલાતા સમયની સાથોસાથ સાચો સ્થાનિક સમય પણ દર્શાવવાનું શરૂ થયું. જહાજો માટે આ એક મોટી સુવિધા સાબિત થઈ.
કેટલાંક વર્ષો પહેલાં એટલે કે ૧૯૭૫માં ભારત સરકારે તેના હવામાન વિભાગની ૧૦૦મી જયંતી ઊજવી, પરંતુ મોસમ વિભાગે રાધાનાથની બાબતમાં બે શબ્દ પણ ઉચ્ચાર્યા નહીં.
એ જ રીતે ભારત સરકારના સર્વે ઓફ ઇન્ડિયાએ પણ રાધાનાથની ધરાર અવગણના કરી છે. ઈ.સ. ૧૮૫૧માં કેપ્ટન એચ.એસ થુઈલરે અને કેપ્ટન એફ. સ્મિથે ‘સર્વે મેન્યુઅલ’ નામનું પુસ્તક લખ્યું હતું. તેમાં જે પણ અધ્યાય ટેકનિકલ અને ગણિત સાથે સંકળાયેલા છે તે બાબુ રાધાનાથ સિકદરે લખેલા છે. એ સમયે ભારતની સર્વે પદ્ધતિ પર લખાયેલું આ એકમાત્ર પુસ્તક હતું. એ વિશાળ ગ્રંથનું ત્રીજું, પાંચમું, પંદરમું, વીસમું, એકવીસમું અને છવ્વીસમું પ્રકરણ રાધાનાથ સિકદરે લખેલું છે. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે તે પુસ્તકની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત થઈ ત્યારે તે વખતના સર્વે ઓફ ઇન્ડિયાના સર્વેસર્વા થુઈલ નામના અંગ્રેજે રાધાનાથનું નામ ગાયબ કરી દીધું, કારણ કે એ પુસ્તકનો બધો જ શ્રેય એચ.એસ. થુઈલર પોતે લઈ લેવા માંગતા હતા.
થુઈલરે આમ એટલા માટે કર્યું, કારણ કે ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ તેના થોડા સમય પહેલાં જ રાધાનાથ સિકદર આ ફાની દુનિયાને અલવિદા કરી ગયા હતા. થુઈલરની આ દગાખોરી સામે રાધાનાથના મૃત્યુનાં ૧૧ વર્ષ બાદ ઘણી મોટી હસ્તીઓએ અવાજ ઉઠાવ્યો, જેમાં કેટલાક અંગ્રેજો પણ સામેલ હતા.
આવા અંગ્રેજો પૈકી એક હતા લેફ્ટનન્ટ કર્નલ મેકડોનાલ્ડ. મેકડોનાલ્ડે એચ.એસ. થુઈલરના આ ષડ્યંત્રનો કરારો જવાબ આપતાં’ધી ફ્રેન્ડસ ઓફ ઇન્ડિયા’ નામના એ વખતના અખબારના તા. ૨૪ જૂન, ૧૮૭૬ના અંકમાં લખ્યું કે પુસ્તકની ત્રીજી આવૃત્તિમાં જે વ્યક્તિએ વાયુની ગતિ, દબાણ, તાપમાનને યોગ્ય રીતે માપવાની પદ્ધતિ શરૂ કરી અને જે વ્યક્તિએ વિશ્વનું ઊંચામાં ઊંચું શિખર કયું છે તે નક્કી કરી આપ્યું તેનું શ્રેય બેઈમાનીથી થુઇલરે ચોરી લીધું છે. આ ડાકુગીરી એક વાર નહીં પણ ચાર વાર કરવામાં આવી છે. આનો ન્યાય થવો જોઈએ.
એક અંગ્રેજે બીજા અંગ્રેજ વિરુદ્ધ આવું સાફ લખતાં થુઈલર મેકડોનાલ્ડથી નારાજ થઈ ગયા અને બ્રિટિશ સરકાર સમક્ષ પોતાની બુરાઈ કરવા માટે મેકડોનાલ્ડ નામના અધિકારી પર કામ ચલાવવવા અરજી કરી. મેકડોનાલ્ડ સાચા હોવા છતાં થુઈલર તેમના ઉપરી હોવાના કારણે બ્રિટિશ સરકારે થુઈલરની ફરિયાદના આધારે મેકડોનાલ્ડને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા અને તેમને એક પદ ઉતારી પાડયા. બ્રિટિશ સરકારની આ કાર્યવાહીથી ત્યારે હોબાળો મચી ગયો. એ વખતનાં જાણીતાં અખબારો (૧) ધ ઇંગ્લિશમેન (૨) ધી ફ્રેન્ડસ ઓફ ઇન્ડિયા, (૩) ધી હિન્દુ વગેરેએ મેકડોનાલ્ડની હિંમત અને ઇમાનદારીની સરાહના કરી અને અંગ્રેજ સરકારની કડક આલોચના કરી. સાથે સાથે થુઈલરની પણ આલોચના કરી. મીડિયાના દબાણ સમક્ષ થુઈલરે નમવું પડયું અને ત્રીજી આવૃત્તિને ફરી સુધારીને બહાર પાડી અને એ પુસ્તકમાં રાધાનાથ સિકદરને ફરી એમનું સ્થાન મળ્યું.આ વાત ઈ.સ. ૧૮૮૭ની છે.
આમ તો ઈ.સ. ૧૮૬૨માં જ રાધાનાથ સિકદરે માત્ર ૪૯ વર્ષની વયે જ નોકરી છોડી દીધી હતી. નોકરી છોડયા બાદ તેઓ સરળ ભાષામાં વિજ્ઞાન સંબંધી લેખો લખતા રહ્યા હતા. જેથી સામાન્ય લોકોને પણ વિજ્ઞાન પ્રત્યે રુચિ અને જાગરૂકતા પેદા થાય.
રાધાનાથ સિકદર સ્ત્રીઓ શિક્ષિત બને તે માટે પણ પ્રયત્નશીલ હતા. આ હેતુથી તેમણે પૌરાણિક કથાઓનો સરળ ભાષામાં અનુવાદ કર્યો હતો. નારી શિક્ષાના પ્રસાર માટે બાલિકા વિદ્યાલય બેથુન સ્કૂલની સમિતિના સભ્ય પણ બન્યા હતા. તા. ૧૭મી મે, ૧૮૭૦ ના રોજ ૫૫ વર્ષની વયે તેઓ અચાનક મૃત્યુ પામ્યા.
હિમાલયનું સહુથી ઊંચું શિખર શોધી કાઢનાર રાધાનાથ સિકદરનું નામ ભારતના ઇતિહાસનાં પાનાંમાંથી ગાયબ છે. આજે લોકો માઉન્ટ એવરેસ્ટ, એવરેસ્ટ પર ચડનાર એડમંડ હિલેરી અને તેનસીંગને યાદ કરે છે પણ આ શિખરની ખોજ કરનારને કોઈ જાણતું નથી. માત્ર બ્રિટિશ સરકારે જ નહીં પણ આઝાદી પછીની ભારત સરકારે પણ રાધાનાથ સિકદર સાથે અન્યાય કર્યો છે. હવે તેમની ૨૦૦મી જયંતી આવી છે ત્યારે ભારત સરકારે એ ભૂલ સુધારી લઈને રાધાનાથ સિકદરને સાચી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ.

Leave a Reply