અસલી માસ્ટરમાઇન્ડ દાઉદ ઇબ્રાહીમને સજા નહીં થાય ત્યાં સુધી ન્યાય અધૂરો છે
૧૨માર્ચ, ૧૯૯૩ના રોજ મુંબઇમાં થયેલા બોમ્બ ધડાકાઓના કેસ અંગે સુપ્રીમ કોર્ટે ગુનેગારોને સજા સંભળાવીને આખરી ફેંસલો આપી દીધો છે. એની સાથે જ ઘરમાં એ.કે.૫૬ જેવાં ગેરકાનૂની શસ્ત્રો રાખવા બદલ ટાડા કોર્ટે અભિનેતા સંજય દત્તને સંભળાયેલી છ વર્ષની સજા ઘટાડીને પાંચ વર્ષની કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે દસ અપરાધીઓને અભણ અને ગુમરાહ થયેલા લોકો સમજીને ફાંસીની સજાને આજીવન કેદની સજામાં તબદીલ કરી છે. આ ચુકાદાથી એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે, કાનૂન બધા માટે એક સમાન છે, પછી તેનો ભંગ કરનાર વ્યક્તિ ભલે ગમે તેટલી લોકપ્રિય હોય.
શ્રેષ્ઠ માતા-પિતા
જ્યાં સુધી સંજયદત્તને સજા થઇ છે ત્યાં સુધી આખુ બોલિવૂડ સ્તબ્ધ છે. નિર્માતાઓએ સંજયદત્તના નામ પર કરોડો લગાવેલા છે. વ્યક્તિગત રીતે સંજયદત્તના અને ફિલ્મોના ચાહકોની સહાનુભૂતિ સંજયદત્ત સાથે છે. કોંગ્રેસની યુપીએ સરકારની અને મુલાયમસિંહની સમાજવાદી પાર્ટીથી માંડીને પ્રેસ કાઉન્સિલના અધ્યક્ષ માર્કન્ડેય કાત્ઝુની પણ લાગણી સંજયદત્ત સાથે છે. એ વાત સાચી છે કે સંજયદત્ત ખુદ કોઇ આતંકવાદી નથી. તેમના પિતા સુનીલદત્ત એક ઉમદા એક્ટર અને અચ્છા ઇન્સાન હતા. તેમના માતા નરગિસ ‘મધર ઇન્ડિયા’ ના રોલથી દેશ અને દુનિયામાં મશહૂર હતાં. આ શ્રેષ્ઠ માતા-પિતાનું ફરજંદ આતંકવાદી ના હોય પરંતુ આતંકવાદીઓના માસ્ટરમાઇન્ડ સાથે મૈત્રી રાખે અને તેમણે મોકલાવેલાં ખતરનાક શસ્ત્રો ઘરમાં રાખે તેવી ઉમ્મીદ કોઇને નહોતી. સંજય દત્ત અનીસ ઇબ્રાહીમથી માંડીને દાઉદ ઇબ્રાહીમના જમણા હાથ જેવા છોટા શકીલના સંપર્કમાં હતા. તેમની વચ્ચે થયેલી વાતો ટેપ થયેલી છે. ‘મધર ઇન્ડિયા’ નો પુત્ર મધર ઇન્ડિયાના દુશ્મનો સાથે મૈત્રી રાખે અને શસ્ત્રો પણ મંગાવે તે કોઇપણ રાષ્ટ્રવાદી વ્યક્તિ સહન કરી શકે નહીં.
સુપર સિટીઝન નથી
એ વાત સાચી છે કે સંજયદત્તે બચપણથી જ અનેક આઘાત અને મુશ્કેલીઓ વેઠી છે. ૧૯૮૧માં તેમની માતા નરગીસનું કેન્સરથી મૃત્યુ થઇ ગયું તે આઘાતથી બહાર આવતાં તેમને વર્ષો લાગ્યા હતા. કિશોરાવસ્થામાં જ સંજયદત્ત નશીલા દ્રવ્યોના બંધાણી બની ગયા અને તેમાંથી બહાર લાવતા પિતા સુનીલ દત્તને ભારે પરિશ્રમ કરવો પડયો. એ પછી પ્રથમ પત્નીનો વિયોગ આવ્યો. એ બધામાંથી બહાર આવવા ફિલ્મો શરૂ કરી. મહિલાઓ સાથે છેડછાડથી માંડીને બંદૂકબાજીની ફિલ્મો કરી. ખલનાયકી પણ કરી. પરંતુ વાસ્તવિકતા સામે આવતાં જ અને માતા-પિતાના સંસ્કારનું જીન પ્રબળ બનતાં સંજયદત્તે મુન્નાભાઇ બની ગાંધી વિચારધારાને ફરી સજીવન કરી ખલનાયક બન્યા બાદ જાદુકી ઝપ્પી દેવાવાળા એકટર બની ગયા. આવા એક લોકપ્રિય કલાકારને જેલની સજા થતાં ઘણા બધા લોકો લાગણીમાં આવી ગયા. સંજયદત્તને જેલમાં જવું પડશે તો કોઇને પણ દુઃખ થશે તે સાચું છે. પરંતુ કાનૂન એ કાનૂન છે. ન્યાયની દેવીની આંખે પાટા છે. એ લાગણીથી નહીં પરંતુ વાસ્તવિક હકીકતો અને નક્કર પુરાવાને જ અંતરથી નિહાળે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માણસો પણ કાયદાનું માન જાળવતા શીખે એ જરૂરી છે. એકટર્સ આ દેશના સુપર સિટિઝન્સ નથી. સુપર હ્યુમન પણ નથી. બેફામ ગાડી ચલાવીને ફૂટપાથ પર સૂતેલા ગરીબોને કચડી નાખવાનો તેમને પરવાનો નથી. નિર્દોષ કાળીયાર ચિંકારા જેવા પ્રાણીઓનો શિકાર કરવાનો તેમને કોઇ અધિકાર નથી. ફિલ્મના કલાકારોને મળતી લોકપ્રિયતાના કારણે તેઓ કાયદાથી બદ્ધ નાગરિકો છે. તેનો તેમને અહેસાસ થવો જરૂરી છે. આ દેશમાં કાયદો શું છે અને સુપ્રીમ કોર્ટ શું છે તેનું ભાન તેમને થવું જોઇએ. આ દેશમાં કાયદાથી કોઇ પર નથી. સંજયદત્તને માફી અપાવવા કેટલાક મેદાનમાં આવી ગયા છે પરંતુ મુંબઇમાં ધડાકાઓ કરનાર આતંકવાદીઓના મિત્રને માફીની માંગણી કરતા પહેલાં એ લોકોએ મુંબઇ ધડાકામાં સ્વજનો ગુમાવી બેઠેલા પરિવારોને પણ મળવું જોઇએ અને તેમની લાગણી પણ સમજવી જોઇએ.
અસલી માસ્ટર માઇન્ડ-દાઉદ
૧૯૯૩માં મુંબઇમાં ભયંકર બોમ્બ ધડાકાઓ કરી લોહીની હોળી ખેલાવનાર અસલી માસ્ટર માઇન્ડ તો દાઉદ ઇબ્રાહીમ છે. દાઉદ ઇબ્રાહીમને જ્યાં સુધી પકડી લાવીને તેને સજા નહીં થાય ત્યાં સુધી પીડિત પરિવારોને ન્યાય મળ્યો છે તેમ કહેવાશે નહીં. ભારતમાં લોહીની નદીઓ વહેરાવનાર દાઉદ ઇબ્રાહીમ ભારતને નહીં સોંપતા પાકિસ્તાનના વડાપ્રધાનને ભારત સરકાર ભાવતા ભોજન પીરસે છે અને દાઉદ પાકિસ્તાનમાં છે જ નહી એવું ખોટું બોલે છે. મુંબઇ બોમ્બ ધડાકાનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહીમના આ ચાર એડ્રેસ છે. (૧) ૧૭, સીપી બજાર સોસાયટી, બ્લોક ૭-૮, આમીરખાન રોડ, કરાંચી, પાકિસ્તાન (૨) મોઇન પેલેસ, અબ્દુલ્લા શાહ ગાઝી દરગાહ પાસે, કિલફંટન, કરાંચી અને (૩) ૬/એ ખ્યાબાન તાન્ઝીમ ફેઝ-૫, ડિફેન્સ હાઉસીંગ કરાંચી (૪) માર્ગલા રોડ, પી-૬/૨, સ્ટ્રીટ નં. ૨૨, ઘર નંબર ૨૯, ઇસ્લામાબાદ આ ચાર સરનામા દાઉદ ઇબ્રાહીમના છે. ભારતના નહીં પણ અમેરિકાના ડરના કારણે આઇએસઆઇ તેને ઇસ્લામાબાદથી ૨૦ કિલોમીટર દૂર એક છૂપા પણ સલામત સ્થળે રાખે છે. કહેવાય છે કે આજે પણ દાઉદ અફઘાનિસ્તાનના માર્ગે થઇ ઉઝબેકિસ્તાન અને કઝાખસ્થાન સુધી ટ્રાઇલ કરે છે. એ આ જરૂર દ્વારા ડ્રગ્સ અને આર્મ્સનો ગેરકાનૂની ધંધો કરે છે. તેનો એક પાસપોર્ટનો નંબર : જી ૮૬૬૫૩૭ તા.૧૨ ઓગસ્ટ ૧૯૯૧ -શેખ દાઉદ ઇબ્રાહીમના નામે છે. બીજો પાસપોર્ટ કરાંચીથી અપાયેલો છે. જેનો નંબર : સી-૨૬૭૧૮૫ છે. ત્રીજો પાસપોર્ટ પણ કરાંચીથી અપાયેલો છે. પણ મુંબઇનુ સરનામું ધરાવે છે. જેનો નંબર કેસી ૨૮૫૯૦૧ છે. ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ છતાં મુંબઇ ધડાકાના સૂત્રધાર દાઉદ ઇબ્રાહીમ અને ટાઇગર મેમણ પાકિસ્તાનમાં સેફ હેવન ભોગવી રહ્યા છે.
નરગીસ અને સુનીલદત્તનો પુત્ર ગમે તેટલો લોકપ્રિય હોય પણ ભારતના દુશ્મન નંબર ૧ સાથે દોસ્તી રાખતો હોય અને શસ્ત્રો પણ મંગાવતો હોય તો તેને માફ કરી શકાય નહીં.
Leave a Reply