‘ગોલ્ડન વોઇસ’ના માલિક અમીન સયાની ગુજરાતી છે
રેડિયો સિલોનની લોકપ્રિય’બિનાકા ગીતમાલા’ના લેજન્ડરી ઉદ્ઘો
ષક અમીન સયાની ૮૦ના થયા
અમીન સયાની.
કેટલાક માણસો તેમના અવાજથી વધુ જાણીતા છે. એક જમાનામાં ઓલ ઇન્ડિયા રેડિયો પર સમાચાર વાંચતા મેલવિલ ડી’મેલોનો અવાજ આખા દેશમાં જાણીતો હતો. આકાશવાણી અમદાવાદ વડોદરા સ્ટેશન પર સમાચાર વાંચતા લેમ્યુઅલ હેરી આખા ગુજરાતમાં તેમના અવાજથી જાણીતા હતા. સુપર સ્ટાર અમિતાભ બચ્ચનની એક મહત્ત્વપૂર્ણ ઓળખ તેમનો અવાજ પણ છે. એવોજ એક અવાજ રેડિયો સિલોનના લેજન્ડરી ઉદ્ઘોષક અમીન સયાનીનો રહ્યો છે. ટેલિવિઝન અને વિવિધ ભારતી આવ્યાં તે પહેલાં રેડિયો સિલોન પરથી પ્રસારીત થતી બિનાકા-ગીતમાલા (પાછળથી સિબાકા) ગીતમાલા અને તે પછી કોલગેટ-સિબાકાનું સંચાલન અમીન સયાની કરતા હતા અને દેશના લાખો શ્રોતાઓ ગીતો કરતાં અમીન સયાનીના સ્વર અને સ્ટાઇલને વધુ માણતા હતા. “ભાઇઓ ઔર બહેનો” ના સંબોધનથી તેઓ કાર્યક્રમની શરૃઆત કરતા. તેમના અવાજની નકલ કરનારાઓની લાઇન લાગી ગઇ હતી. અમીન સયાની દેશનું હાઉસહોલ્ડ નેમ બની ગયું હતું. અમીન સયાની હમણાં જ ૮૦ વર્ષના થયા પરંતુ તેમનો સ્વર આજે પણ એવો જ મધુર છે. તેમના સમયથી શરૃ થયેલી “ગીતમાલા” એ પણ બ્રોડકાસ્ટીંગના ૬૦ વર્ષ પૂરાં કર્યાં.
તેઓ ૮૦ના થયા પણ ૮૦ના લાગતા નથી. ચહેરા અને અવાજમાં ઉંમરની કોઇ અસર નથી. તેઓ મુંબઇમાં રહે છે. મુંબઇમાં રિગલ સિનેમાની પાસે તેમનો સ્ટુડિયો પણ છે. ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે અમીન સયાનીના દાદા મૂળ ગુજરાત-કચ્છમાં વસતા હતા. અમીન સયાનીની વય ૧૦ વર્ષની હતી ત્યારે જ તેમના પિતા કચ્છથી મુંબઇ ગયા હતા. તેમના પિતા ડોકટર અને અત્યંત ર્ધાિમક હતા. ગરીબ દર્દીઓ પાસેથી તેઓ કોઇ ફી લેતા નહોતા. એ કારણે તેઓ બહુ કમાતા પણ નહોતા. પરંતુ ઘર સારી રીતે ચાલતું હતું.
મુંબઇમાં અમીન સયાનીને ગુજરાતી માધ્યમની ન્યૂ ઇરા સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ ગુજરાતી અને અંગ્રેજી એમ બેઉ ભાષાઓ સરસ રીતે બોલી શકતા હતા. તાજેતરમાં જ અંગ્રેજી અખબાર “ધી ટેલિગ્રાફ” ને આપેલા ઇન્ટરવ્યૂ દરમ્યાન તેમણે કહ્યું હતું : “હું ગુજરાતીમાં જ ગણવાનું કામ કરતો હતો. આજે પણ ગુજરાતીમાં જ આંકડા ગણું છું, પરંતુ મારા પાસે બહુ ઘણી શકાય તેટલા પૈસા નથી.’
આવું કોણ કહે?
ખેર!
અમીન સયાની કહે છે : “મારા ખરા માર્ગદર્શક મારા મોટા ભાઇ હમીદ હતા. હમીદ સયાની. મખમલી અવાજના માલિક હતા અને ઓલ ઇન્ડિયા રેડિયો પરના બોર્નવીટા ક્વીઝ કોન્ટેસ્ટ’ સાંભળનારાઓને તેમનો અવાજ યાદ હશે. પરંતુ હમીદ સયાનીનું અકાળે અવસાન થયું અને એ વારસો અમીન સયાનીને મળ્યો. હમીદ સયાની એક એકટર, મેજિશીયન, ડાયરેકટર અને એક્સેલન્ટ બ્રોડકાસ્ટર પણ હતા. ભાઇ હમીદ સયાનીમાંથી પ્રેરણા લઇને એક દિવસ અમીન સયાની ઓલ ઇન્ડિયા રેડિયો પર ઓડિશન ટેસ્ટ માટે ગયા. એ વખતે રેડિયો માટે હિન્દી ઉદ્ઘોષક લેવાના હતા. મુંબઇ પહોંચ્યા બાદ અમીન સયાનીએ હિન્દી શીખી લીધું હતું. તેમના માતા કુલસુમ સયાની સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે પંડીત જવાહરલાલ નહેરુ અને ગાંધીજીની સૂચનાથી હિન્દી ભાષામાં ‘રાહબર’ નામનું એક સામયિક શરૃ કર્યું હતું. અમીન સયાની કહે છે : “મેં એ ઓફિસમાં સામાન્ય કામ સ્વીકારીને મારી કારકિર્દીની શરૃઆત કરી હતી. મારા માતાની ઓફિસમાં કામ કરતાં કરતાં જ હું હિન્દી શીખ્યો હતો. એ વખતે હું સરળ હિન્દી બોલતો હતો. તેમાં ગુજરાતી લહેકો આવતો હોઇ ઘણા લોકો મારુ હિન્દી સાંભળી હસતા હતા. ઓલ ઇન્ડિયા રેડિયોના સંચાલકોએ મારું હિન્દી સાંભળી મને ગુજરાતી અને અંગ્રેજીમાં જ વળગી રહેવા સલાહ આપી. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ઓલ ઇન્ડિયા રેડિયોએ મારુ ગુજરાતી શૈલીનું હિન્દી સાંભળી મને હિન્દી એનાઉન્સર તરીકે નાપાસ કર્યો હતો. હું ખૂબજ નિરાશ થઇ ગયો.’
એ વખતે રેડિયો એક સંક્રાંતિ કાળમાંથી પસાર થઇ રહ્યો હતો. એ વખતના કેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી બી.વી.કેસકરે રેડિયો પર શાસ્ત્રીય ગીતોને વધુ પ્રસારિત કરવા હિન્દી ફિલ્મોનાં ગીતો અને મ્યુઝિક વગાડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એમાંથી શ્રીલંકાના “રેડિયો સિલોન” નો જન્મ થયો. શ્રીલંકાએ એક શક્તિશાળી ટ્રાન્સમીટર લગાવી તેમના રેડિયો સિલોન સ્ટેશન પરથી હિન્દી ફિલ્મોમાંના ગીતો બ્રોડકાસ્ટ કરવા માંડયા હતા. એ વખતે અમીન સયાનીના મોટાભાઇ હમીદ સયાની રેડિયો સિલોનના પ્રોગ્રામ ડાયરેકટર હતા. એ વખતે અમીન સયાની મુંબઇની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ભણતા હતા અને મોટાભાઇની ઓફિસમાં આંટા માર્યા કરતા હતા. ‘રેડિયો સિલોન’ ના “ફુલવારી” કાર્યક્રમના એનાઉન્સર એક દિવસ આવ્યા જ નહીં અને નવરા રખડતા યુવાન અમીનને બોલાવી લેવાયા. કાર્યક્રમના પ્રોડયુસર ખુશ થઇ ગયા. એ પછી દર અઠવાડિયે અમીન સયાનીને જ બોલાવવામાં આવતા. રેડિયો સિલોનના કાર્યક્રમો મુંબઇમાં રેકોર્ડ થતા હતા. તે પછી બિનાકા ગીતમાલા શરૃ થઇ અને હિન્દી ફિલ્મોના એ કાર્યક્રમોની સ્ક્રીપ્ટથી તૈયાર કરવાથી માંડીને તેને રેકોર્ડ કરવાની કામગીરી પણ અમીન સયાનીને જ સોંપવામાં આવી. અમીન સયાની એ હલકા ફૂલ અંદાજમાં અને થોડા મસ્તીભર્યા અંદાજમાં કાર્યક્રમ પેશ કરવા માંડયા. ‘બિનાકા ગીતમાલા’ નો પહેલો પ્રોગ્રામ તા.૩ ડિસેમ્બર, ૧૯૫૨ના રોજ બ્રોડકાસ્ટ થયો અને છ કે સાત દિવસમાં સેંકડો પત્રો આવવા લાગ્યા. દરેક કાર્યક્રમ પછી ૯૦૦૦ જેટલા પત્રો આવતા અને વર્ષના અંતે તેની સંખ્યા ૬૫૦૦૦ જેટલી થઇ ગઇ.
એ પછી તો આખા દેશમાં અમીન સયાનીનો અવાજ ગુંજતો થઇ ગયો. હિન્દી ફિલ્મોની જાહેરાતો માટે પણ તેમનો અવાજ જ લેવાતો. હિન્દી ફિલ્મ જગતની ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલી પ્રતિભાઓ સાથેના તેમણે લીધેલાં ઇન્ટરવ્યૂઝના રેકોર્ડીંગ્સનો ભવ્ય ખજાનો તેઓ ધરાવે છે. અત્યાર સુધીમાં તેમણે ૬૦,૦૦૦ જેટલા પ્રોગ્રામ્સ કર્યા. ૧૯૫૦થી ૧૯૬૦ના વર્ષમાં તેમના કાર્યક્રમો સાંભળનાર શ્રોતાઓની સંખ્યા ૨૦ કરોડ સુધી પહોંચી ગઇ હતી.
અમીન સયાની તેમની જ ઓફિસમાં કામ કરતાં જુનિયર આસિસ્ટન્ટ અને કાશ્મીરી પંડિતના દીકરી રમા સાથે પ્રેમમાં પડયા હતા અને પરણી ગયા હતા. તેમના પત્નીનું ૧૦ વર્ષ પહેલાં જ અવસાન થયું. અલબત્ત, અમીન સયાનીને મળ્યાં તે પહેલાં રેડિયો પર અમીન સયાનીનો અવાજ સાંભળી એ અવાજ ન ગમતા રેડિયો બંધ કરી દેતાં હતાં અને પાછળથી તેઓ અમીન સયાનીના જ અર્ધાંગિની બની ગયા હતા. હિન્દી ફિલ્મ જગતની સેલિબ્રીટીઝ જેવાં કે કિશોરકુમાર, મીનાકુમારી, આશા ભોંસલે સાથે તેમને ઘરોબો રહ્યો. અમિતાભ બચ્ચન સાથેના તેના સંબંધો ડ્રામેટિક રહ્યા. ૧૯૬૦ પછીના ગાળામાં યુવા અમિતાભ અમીન સયાનીને મળવા અને તેમના અવાજનો ઓડિશન ટેસ્ટ આપવા સયાનીની ઓેફિસે આંટા મારતા હતા પરંતુ અમીન સયાની વ્યસ્ત હોઇ મળી શક્યા નહોતા. એકવાર તેમના સેક્રેટરીએ કહ્યું કે, “કોઇ અમિતા બચ્ચન નામનો યુવાન તમને મળવા રોજ આવે છે તો અમીન સયાનીએ કહ્યું કે આ કેવું વિચિત્ર નામ છે?” પરંતુ છેક ૧૯૭૧માં અમીન સયાની અને અમિતાભ બચ્ચનનો ભેટો “આનંદ” ફિલ્મના પ્રીમિયર વખતે થઇ ગયો. અમીન સયાનીએ જ ‘આનંદ’ ફિલ્મની રેડિયો પર પબ્લિસિટી કરી એના કેટલાક વર્ષો બાદ અમીન સયાનીએ અમિતાભ બચ્ચનને બ્રોડકસ્ટર્સ મીટને સંબોધવા આમંત્રણ આપ્યું. એ વખતે અમિતાભ બચ્ચને નમ્રતાથી કહ્યું: ‘હું પણ સયાની સાહેબની ઓફિસે ચક્કરો મારી મારીને થાકી ગયો હતો.’
આ વાત સાંભળી અમીન સયાનીએ તેમના પત્નીને પૂછયું : “આમ કેમ બન્યું? મેં તો આ એકટરને અગાઉ કદી જોયા જ નથી.”
તેમના પત્નીએ કહ્યું : “મૂર્ખ! અમિતાભ કેટલીયે વાર તને મળવા આવ્યો હતો પરંતુ તું કામમાં હોઇ મળી શક્યો નહીં . એ રોજ મારી ઓફિસે આવી તારી સેક્રેટરી સાથે મજાક મસ્તી કરી, તેની સાથે કોફી અને સેન્ડવીચ ખાઇ જતો રહેતો હતો.”
સયાની કહે છે : “ઓહ માય ગોડ! જસ્ટ સી. મેં કેટલુ બધુ ગુમાવ્યું? પણ મને લાગે છે કે મારો અને અમિતાભ બચ્ચનનો ભેટો ના થયો તે સારુ જ થયું. શરૃઆતમાં અમે મળ્યા હોત તો અમિતાભ બચ્ચનને મેં વધુને વધુ કામ આપ્યું હોત અને અમિતાભ બચ્ચન તેમના અવાજના કારણે એટલા બધા લોકપ્રિય થઇ જાત કે મારા માટે કોઇ કામ જ ના રહેત. અને હું રોડ પર આવી જાત. અમિતાભ બચ્ચન આ સદીના મહાનાયક જ છે.”
એક લેજન્ડરી કલાકારની બીજા લેજન્ડરી કલાકારને કેવી સુંદર અંજલિ?
અને છેલ્લે અમીન સયાની કહે છેઃ “મને બધું જ પ્રાપ્ત થયું પરંતુ મેં મારા પરિવાર માટે જે કરવું જોઇતુ હતું તે હું કરી શક્યો નથી.
એક ગુજરાતીની ગુજરાતે પણ ક્યાં કદર કરી છે?
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in
Aspi Rabadi.
I heard Amin sayani’s voice for the first time, on radio Ceylon, in 1949, when I was in Aden, when he said, “Koi Gane aaise Hote hay, ki wo Kabhi Purane nahi Hote.” and he played Song from Film Mahal,
“Aayega Aane wala”
How true, it was the best creation of Khemchand Prakash.???
aspi.