ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવદા લગ્નનાં ૫૫ વર્ષ બાદ સાસરીમાં ગયા !
રાજસ્થાનમાં જમાઈ પહેલી જ વાર સાસરીમાં જાય ત્યારે જૂનાં જમાનામાં ગીત ગવાતું : ”જમાઈજી ! પધારો મ્હારે દેશ.” એ તે પછી જમાઈજીને પાટલેથી ખાટલે અને ખાટલેથી પાટલેની ઉત્કષ્ટ સરભરા થતી. જમાઈજીની ગમે તેટલી ઉંમર હોય પણ જમાઈજી જમાઈજી જ રહે છે.
પ્રણવદાની યાત્રા વાત છે, પ્રણવબાબુની.
ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુકરજી આજે ભલે ૭૫ વર્ષની વયે પહોંચી ગયા હોય પરંતુ લગ્ન થયા બાદ પહેલી જ વાર તેમની સાસરીમાં ગયા. અને તે પણ તેમના પત્ની શ્રીમતી સુવ્રા મુકરજીની સાથે. આટલા વર્ષો બાદ પહેલી જ વાર પ્રણવદા તેમની સાસરીમાં કેમ ગયા તે પણ જાણવા જેવું છે. તેમનાં પત્ની શ્રીમતી સુવ્રા મુકરજી મૂળ ભદ્રવિલા નામના ગામમાં જન્મેલાં છે અને એ ગામ હાલ બંગલા દેશમાં આવેલું છે. આઝાદી પહેલાં હાલનું પશ્ચિમબંગાળ અને હાલનું બંગલા દેશ એ બધાં ભારતનો હિસ્સો હતાં. શ્રીમતી સુવ્રા મુકરજીનું ગામ ભદ્રવિલા હાલ બંગલા દેશના નરેલ જિલ્લામાં આવેલું છે. લગ્નના ૫૫ વર્ષ બાદ તાજેતરમાં મહામહીમ રાષ્ટ્રપતિ પ્રણવ મુકરજી ત્રણ દિવસની બંગલા દેશની યાત્રાએ ગયા હતા. ત્યારે તેમના વ્યસ્ત કાર્યક્રમોમાંથી કેટલોક સમય કાઢીને પણ તેઓ તેમના સસુરાલ ભદ્રવિલા ગામ ગયા હતા. બંગલા દેશના આ નાનકડા ગામમાં શ્રીમતી સુવ્રા મુકરજીના કુટુંબીજનો, કુટુંબી ભાઈઓ, મામાઓ તથા બીજાં સગાંસંબંધીઓ રહે છે.
બંગલા દેશનું આ સામાન્ય કહી શકાય એવું ગામ જાણે કે વર્ષોથી જમાઈરાજની પ્રતીક્ષા કરી રહ્યું હોય એમ લાગતું હતું. ભારતના ભાગલા પૂર્વેની ઘણી યાદો આ ગામના લોકો પાસે છે. જમાઈરાજ આવી રહ્યા છે તે ખબર માત્રથી ગામને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. બંગાળી સંસ્કૃતિ પ્રમાણે પ્રણવદાનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. પ્રણવદાને બંગાળી મીઠાઈઓ અને ફળોની ભેટ આપવામાં આવી. તેમને બંગાળી રીત-રિવાજ અનુસાર વસ્ત્રોના ઉપહાર, નાળિયેર અને લીલાં પર્ણો પણ ઉપહાર તરીકે આપવામાં આવ્યાં. આ બધું વડીલોના આશીર્વાદના પ્રતીક તરીકે ગણાય છે કેટલાંક સગાંસંબંધીઓને તો પ્રણવદા પહેલી જ વાર મળ્યાં. તેમનો એ બધાંની સાથે પરિચય કરાવવામાં આવ્યો. ગામના જમાઈરાજને અને ભારતના રાષ્ટ્રપતિશ્રીને જોવા ગામના અન્ય જ્ઞાાતિના અને કોમના લોકો પણ ઊમટી પડયા હતા. પરંતુ સુરક્ષા વ્યવસ્થાના કારણે એ બધા પ્રણવદાને નજીકથી મળી શક્યા નહીં. પ્રણવદાની બંગલા દેશની મુલાકાત દરમિયાન જ તેઓ જ્યાં ઊતર્યા હતા તે સ્થળની નજીક જ બોમ્બ ધડાકો થયો હોઈ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી હતી. આમ છતાં મજાની વાત એ હતી કે, જમાઈરાજને પોતાની વચ્ચે આવેલા જોઈ તમામ સગાં સંબંધીઓ તેમનું મોં મીઠું કરાવી રહ્યા હતા.દરેક સગાંસંબંધીઓ પોતપોતાનાં ઘરેથી મીઠાઈનાં જુદાં જુદાં વ્યંજનો લાવ્યાં હતા અને દરેક વ્યક્તિ પ્રણવદાએ વ્યંજન ચાખે તેવો આગ્રહ કરી રહી હતી. પ્રણવદાને ડાયાબિટીસ છે કે કેમ એ તો ખબર નથી પરંતુ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનમાં રોજ સવારે સેર કરવા નીકળે છે.
સાસરિયાંઓએ પ્રણવદા આવે તે પહેલાં તેમનાં ગ્રામ્ય ઘરોની મરામત પણ કરાવી લીધી હતી જેથી જમાઈરાજને કોઈ અસુવિધા ના થાય. પ્રણવદા પરણ્યા તે પહેલાં આ ગામનાં મકાનો માટી અને લાકડાંના બનેલાં હતાં. હવે તે મકાનો ઈંટો અને સિમેન્ટનાં બની ગયાં છે. કેટલાંક જૂનાં મકાનો પણ હજુ એની એજ હાલતમાં ઊભાં છે. આજથી ૫૫ વર્ષ પહેલાં ૧૯૫૭માં પ્રણવ મુકરજીએ આંતરજાતીય લગ્ન કર્યાં હતા. એ જમાનામાં એ એક ક્રાંતિકારી પગલું હતું. સસુરાલની મુલાકાત દરમિયાન પ્રણવદાએ ગામ ભદ્રવિલા ખાતે આવેલા રામકૃષ્ણ આશ્રમની સ્કૂલમાં ગયા અને બાળકો માટે કોમ્પ્યુટર તથા વિદ્યાર્થિનીઓની હોસ્ટેલ માટે એક બ્લોક બનાવી આપવાનું વચન આપીને આવ્યા. નોંધપાત્ર વાત એ છે કે, પ્રણવદાની બંગલા દેશની મુલાકાતને બંગલા દેશની બધી જ રાષ્ટ્રીય ચેનલોએ પ્રણવદાને આખા બંગલા દેશના જમાઈરાજ તરીકે નવાજ્યા અને એ પ્રકારે જ એમનું સ્વાગત થયું. તેમની બંગલા દેશની મુલાકાત દરમિયાન બંગલા દેશની ન્યૂઝ ચેનલોએ પણ હિન્દી ફિલ્મ ગીત ‘મેરા યાર બના હૈ દુલ્હા, ફૂલ ખીલે હૈં દિલ કે”ની ધૂન વગાડી ગતી. બંગલા ન્યૂઝ ચેનલોએ પ્રણવબાબુનાં વિઝુઅલ્સને સાથે બંગાળી ભાષામાં ”જમાઈ બાબુ સ્વાગત કોરેન” નું ટાઈટલ બાંધ્યું હતું. બંગલા દેશની મુલાકાત દરમિયાન પ્રણવ બાબુ રવીન્દ્રનાથ ઠાકુરના પૂર્વજોના ઘર ”કુષ્ઠીબાડી” પણ ગયા. રવિન્દ્રનાથ ટાગોર એ ભારત અને બંગલા દેશની વચ્ચે સાંસ્કૃતિક સેતું હતા.
સસુરાલની મીઠી યાદો સાથે જમાઈરાજ પાછા આવી ગયા છે પરંતુ ભારત અને બંગલા દેશ વચ્ચેના સંબંધો નાજુક મોડ પર પણ છે. બંગલા દેશની આઝાદી માટે ઈન્દિરા ગાંધીએ મહત્ત્વપૂર્ણ રોલ ભજવ્યો હતો પરંતુ આજે બંગલા દેશમાં ભારત વિરોધી કેટલાંક જેહાદી પરિબળો પણ ઉભરી રહ્યાં છે. બંગલા દેશના કેટલાયે લોકો ભારતમાં ગેરકાયદે ઘુસી રહ્યા છે. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આવા ગેરકાયદે વસાહતીઓનો મોટો સમૂહ રહે છે. તેમાંથી ઘણા ગુનેગાર પણ છે. રાષ્ટ્રપતિશ્રીની બંગલા દેશની મુલાકાત દરમિયાન બંગલા દેશનાં વિરોધ પક્ષનાં નેતાએ પ્રણવ મુકરજી સાથેની મુલાકાત રદ કરી ભારત માટે ક્ષોભજનક પરિસ્થિતિ ઊભી કરી હતી તેવી એક કડવી યાદ સાથે રાષ્ટ્રપતિશ્રી ભારત પાછા ફર્યા છે.
Leave a Reply