આમિર ખાન સ્ક્રીન પર બોલે છે તે એક્ટિંગ છે પણ એવોર્ડ ફંક્શનમાં બોલ્યા તે અસલિયત છે
જેએક્ટરને આ દેશે સુપરસ્ટાર બનાવ્યો તે તેની પત્નીનો હવાલો આપીને કહે છે કે, આ દેશ રહેવાને લાયક નથી.
આમિર ખાનની આ વાત માત્ર બેબુનિયાદ જ નહીં, પરંતુ નોનસેન્સ છે. તેમાં કોઈ જ સેન્સ સમાયેલી નથી. તાજેતરમાં બોલિવૂડ એક્ટર આમિર ખાને ‘એવોર્ડ વાપસી’ને આડકતરી રીતે અનુમોદન આપતાં કહ્યું કે, “એક દિવસ મારી પત્ની કિરણે એક જબરદસ્ત સ્ટેટમેન્ટ કર્યું કે, આ દેશમાં મને હવે ડર લાગે છે. આ દેશમાં મને આપણાં બાળકોની સલામતીની ચિંતા થાય છે.”
બોમ્બ ધડાકા વખતે ?
બહેન કિરણ, તમને પૂછવાનું મન થાય છે કે, પાકિસ્તાનમાં વસતા ડોન દાઉદ ઇબ્રાહિમના ઇશારે મુંબઈમાં બોમ્બ ધડાકા થયા ત્યારે તમને અસલામતી લાગી નહોતી ? કરાંચી બંદરથી બોટમાં આવેલા કસાબે મુંબઈમાં અનેક લોકોની હત્યા કરી નાખી ત્યારે તમને અસલામતી લાગી નહોતી ? અમદાવાદમાં બોમ્બ ધડાકા થયા ત્યારે તમને અસલામતી લાગી નહોતી ? ગાંધીનગરના અક્ષરધામમાં આતંકવાદીઓએ લોહીના ફુવારા ઉડાડયા ત્યારે તમને અસલામતી લાગી નહોતી ? કાશ્મીરમાં રહેતા ૨૦,૦૦૦ કાશ્મીરી પંડિતોના ઘર સળગાવી દેવામાં આવ્યા ત્યારે તમને આ દેશથી કોઈ ડર લાગ્યો ન હતો ? તમે હિંદુ હોવા છતાં એક મુસલમાનને પરણ્યાં છો અને આખો દેશ તમને સન્માન આપે છે તે શું સહિષ્ણુતા નથી ? શાહરુખ પણ એક હિંદુ યુવતી-ગૌરીને પરણ્યા છે અને છતાં મુંબઈના લેન્ડ એન્ડસ ખાતે આવેલા શાહરુખ ખાનના’મન્નત’ બંગલોની બહાર તમામ ધર્મનાં યુવક-યુવતીઓ બંગલા પાસે ઊભા રહી તસવીરો પડાવે છે તે શું અસહિષ્ણુતા છે ? એક્ટર સલમાન ખાના પિતા સલિમ ખાન એક હિંદુ સ્ત્રીને પરણ્યા છે છતાં આખો દેશ એક હિંદુ સ્ત્રી અને મુસલમાન પિતાથી પેશ થયેલા સલમાન ખાનનો ફેન છે તે શું અસહિષ્ણુતા છે ? હિંદુ બહુમતીવાળા દેશમાં ત્રણ ખાન આજે સુપરસ્ટાર છે તે શું અસહિષ્ણુતા છે ?
અબજો ક્યાંથી કમાયા ?
કિરણ અને તેમના પત્ની આમિર ખાન એ વાત ભૂલી જાય છે કે, શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન આજે અબજોની સંપત્તિમાં આળોટે છે તો તે સંપત્તિ તમે ભારતમાં જ કમાયા છો. આમિર ખાન એ વાત ભૂલી જાય છે કે, તેમની પાસે જે કિંમતની મોટરકારો છે અને જેટલા સુરક્ષા કમાન્ડો છે એટલી સુખ-સુવિધા અને સુરક્ષા આ દેશના એક ટકા લોકો પાસે પણ નથી. મુંબઈના ડોંગરી કે ધારાવીમાં જઈ જોઈ આવો કે એક ગરીબ હિંદુ અને એક ગરીબ મુસલમાન કેવા ભાઈચારાથી જીવે છે. આમિર ખાન એક ઉત્કૃષ્ટ એક્ટર છે. તેમની કેટલીક ફિલ્મો સુંદર સંદેશો લઈને આવે છે. ‘તારે જમીન પર’ કે ‘લગાન’થી તેઓ નામ કમાયા છે, પરંતુ એક એવોર્ડ ફંક્શનમાં તેઓ જે બોલ્યા તે પરથી તો એમ જ લાગે છે તેઓ એક સ્ક્રીન પર જ એક સારા એક્ટર છે, અંદરના વ્યક્તિત્વનું પોત તેમણે અનાયાસે જ પ્રગટ કરી દીધું. ‘રાજા હિંદુસ્તાની’ માત્ર સ્ક્રીન પર જ છે. ભીતરથી તેઓ ભારતને રહેવા લાયક દેશ નથી એમ કહીને તેઓ બીજાઓને ડરાવે પણ છે. તેમનું’સત્યમેવ જયતે’ માત્ર સ્ક્રીન પર સમાજસેવક તરીકે પોતાનું માર્કેટિંગ કરવા માટે જ છે. ભીતરનું સત્ય કાંઈક બીજું જ છે. અમેરિકાના રાજદૂતે જે દિવસે એમ કહ્યું કે, ભારત સૌને સમાવિષ્ટ કરનારો દેશ છે તે જ દિવસે આમિર ખાન બોલ્યા કે ભારત રહેવા લાયક દેશ નથી. આમ કહીને તેમણે દેશની સેવા કરી કે દેશની કુસેવા કરી? આમિર ખાનનો આ સંદેશ પછી ભારતને બહારના પ્રવાસીઓ મળશે કે ભારત પ્રવાસીઓ ગુમાવશે ? આમિર ખાનના આ વિધાનથી ભારતમાં બહારનું મૂડીરોકાણ વધશે કે ભારત એ તક ગુમાવશે ?
તમે ક્યાં જશો ?
આમિર ખાન કહે છે કે, મારી પત્ની કિરણ કહે છે કે, આપણાં બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે આપણે બીજા કોઈ દેશમાં ચાલ્યા જઈએ.
બહેન કિરણ, જઈ જઈને ક્યાં જશો ? પાકિસ્તાન જશો કે જ્યાં બાળકીઓને ભણાવવાની તરફેણ કરતી મલાલા નામની મુસ્લિમ બાળાના ચહેરા પર ગોળી મારી દેવામાં આવે છે ? પાકિસ્તાનની જ એક મિશનરી સ્કૂલમાં બાળકો પર ગોળીબાર કરી દેવામાં આવે છે. લોકોના મતથી ચૂંટાયેલા જે દેશમાં ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને એક સરમુખત્યાર ફાંસીએ ચડાવી દે છે તે પાકિસ્તાનમાં એક વાર પનાહ લો તો તમને ખબર પડે કે, સલામતી ક્યાં છે ? તમારા માટે બીજો દેશ છે અફઘાનિસ્તાન, જ્યાં તાલિબાનોએ ગીત-સંગીત રેડિયો અને ટેલિવિઝન પર પ્રતિબંધ મૂક્યો છે. એ દેશમાં જઈ આમિર ખાન તેમની એક્ટિંગ અને નાચગાનના કરતબ બતાવે તો ખરા ? હિંદુસ્તાન તમને ભયજનક લાગતું હોય તો તમે સિરિયા અને ઇરાક જાવ, જ્યાં બુરખો ના પહેરનારની કતલ કરી દેવાય છે. એટલું જ નહીં, પરંતુ ત્યાં એક જ ધર્મના લોકો પોતાના જ ધર્મની અન્ય સ્ત્રીઓ પરના બળાત્કારને અધિકાર સમજે છે. ત્યાં ના જવું હોય તો ચીન, રશિયા, જાપાન, યુરોપ કે અમેરિકા જાવ એટલે તમેન ખબર પડે કે, ત્યાં તમારી કેટલી કદર થાય છે !
નીંદનીય ઘટનાઓ
અલબત્ત, અત્રે એક વાત નોંધવી જોઈએ કે છેલ્લા કેટલાક સમય દરમિયાન દેશમાં જે ઘટનાઓ ઘટી છે તે નીંદનીય છે. દાદરીમાં એક ગરીબ મુસલમાને બીફ ખાધું છે તેવી અફવાના કારણે એ મુસલમાનને મારી નાખવામાં આવ્યો તે ઘટના અત્યંત ઘૃણાસ્પદ હતી. એક કન્નડ લેખકની અને મંત્રતંત્રનો વિરોધ કરનાર એક રેશનાલિસ્ટની પૂનામાં હત્યા કરી દેવામાં આવી તે ઘટના તિરસ્કારને પાત્ર હતી. પાકિસ્તાનના ગઝલ ગાયક ગુલામ અલીને મુંબઈમાં કાર્યક્રમ યોજવા દેવામાં ના આવ્યા તે ઘટના અયોગ્ય હતી. પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રીના પુસ્તકના લોકાર્પણનો કાર્યક્રમ યોજનાર સુધીન્દ્ર કુલકર્ણીના ચહેરા પર કાળી શાહી લગાડવામાં આવી તે ઘટના પણ નીંદનીય હતી. આ ઘટનાઓ અંગે બેજવાબદારીપૂર્વક નિવેદનો કરનાર સાધ્વી પ્રાચી, યોગી આદિત્યનાથ કે શિવસેનાના પ્રવક્તા એ આ દેશની આમ પ્રજાના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ કરતાં નથી. એવી જ રીતે સમય આવે એવોર્ડ પાછો આપી દઈશ એવું કહેનાર શાહરુખ ખાન અને મારાં બાળકો સલામત નથી એવું કહેનાર કિરણ આમિર ખાન પણ આ દેશની ૧૨૫ કરોડની જનતાનું પ્રતિનિધિત્વ કરતાં નથી. જેવી રીતે આમિર ખાને કે શાહરુખ ખાને પોતાની જીભ પર કાબૂ રાખવાની જરૂર છે તે રીતે ભાજપના કટ્ટરવાદી નેતાઓએ પણ પોતાની જીભ પર લગામ રાખવાની જરૂર છે. કેટલાક નેતાઓ અને કેટલાક એક્ટર્સ આ દેશની છબીને ખરાબ કરી રહ્યા છે.
ભારત સહિષ્ણુ છે
યાદ રહે કે ભારત એક ભૂમિ છે કે જેણે પહેલાં આર્યોને સ્વીકાર્યા, ત્યાર પછી હૂણ, તાતાર અને મોગલોને પણ સ્વીકાર્યા. એ પછી ખ્રિસ્તીઓ,પારસીઓ અને ફિરંગીઓને પણ સ્વીકાર્યા. મોહંમદ ગઝનીએ તો અનેકવાર હિંદુ મંદિરો લૂંટયા છતાં આ દેશની ધરતી મુસલમાનોની પણ માતૃભૂમિ બની રહી છે. એ વાત યાદ રહે કે, આ દેશના લોકો શહેનશાહ અકબરના શાસનને યાદ કરે છે. શાહજહાંએ બનાવેલા તાજમહાલને જોતી વખતે એક હિંદુ એમ નથી વિચારતો કે આ કોઈ મુસલમાન બેગમની કબર છે. અજમેરની દરગાહ પર હિંદુઓ પણ મસ્તક ઝૂકાવે છે. મોહંમદ રફી, દિલીપ કુમાર, નરગીસ, મુબારક બેગમ, તલત મહેમૂદ,શમશાદ બેગમ અને એ.આર. રહેમાન આજે પણ કરોડો હિંદુઓના હૃદયમાં આદરપૂર્વકનું સ્થાન ધરાવે છે. ડો. એ.પી.જે. કલામ અને મૌલાના અબ્બુલ કલામ આઝાદ આજે પણ દેશના કરોડો લોકોના સન્માનનાં પ્રતીક છે ત્યારે મિ. આમિર ખાન તમે ‘ગજની’ બનવાનો પ્રયાસ ના કરો.
અમે તમારું એક સારા એક્ટર તરીકે સન્માન કરીએ છીએ પણ હવે એક સારા ભારતીય તરીકે પણ તમારું સન્માન કરીએ તેવું બોલો અને કરો.
Comments are closed.