દયા રાની. એ હતી કિન્નર.

એક ભવ્ય આવાસમાં રહેતી હતી. કિન્નર હોવા છતાં તેની પાસે પુષ્કળ પ્રોપર્ટી હતી. ઘરમાં અને બેંકમાં લાખો રૂપિયા પડયા રહેતા. એના ઘરમાં તેની સાથે બીજાં ત્રણ જણ રહેતાં હતાં. તેની ભત્રીજી સ્મિતા, તેની શિષ્યા કાવેરી અને તેની ભત્રીજીનો પુત્ર સુનિલ.

દયારાની શહેરનું જાણીતું નામ હતું. તે અત્યંત રૂપાળી હતી. તે સામાજિક કાર્યકર્તા પણ હતી. તે લોકસભાની અને વિધાનસભાની તથા શહેરના મેયરપદની ચૂંટણી લડી પણ હતી. ૨૦૦૯માં તે ગાઝિયાબાદની બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. અલબત્ત, તે એ ચૂંટણી હારી ગઈ હતી. લોકોને તેનો સ્વભાવ ગમતો હતો. તે ગરીબોને મદદ કરતી હતી. સ્થાનિક લોકો માટે તે વીજળી-પાણીના મુદ્દે લડત ચલાવતી હતી. ૨૦૧૧માં ૭ મિનિટ અને ૨૭ સેકન્ડની બનેલી ફિલ્મ ‘મૈં હીજડા હું’ નામની ફિલ્મમાં તેનાં સારાં કામોને દર્શાવવામાં આવ્યાં હતાં. એ ફિલ્મને શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મ તરીકેનો એવોર્ડ પણ મળ્યો હતો.

દયા રાની આમ તો કિન્નર સમાજની સભ્ય હતી, પરંતુ પોતાના સગાં-સંબંધીઓ સાથે પણ સંબંધ રાખતી હતી. એક દિવસ તેની ભત્રીજી સ્મિતા તેના નાનકડા બાળકને લઈ તેના ઘરે આવી પહોંચી. સ્મિતા રડતી હતી. દયારાનીએ પૂછયું, “બેટા! કેમ રડે છે ?”

સ્મિતાએ કહ્યું, “મારો પતિ મારી સાથે મારઝૂડ કરે છે. મારી પર વહેમાય છે. આજે પણ તેણે મને મારી છે.”

દયારાનીએ એની ભત્રીજીને કહ્યું, “બેટા! કોઈ ચિંતા ના કર. તું મારી દીકરી જેવી છે. તું અને તારો પુત્ર કાયમ માટે મારા ઘરમાં રહી શકો છો.”

એ દિવસથી દયારાનીની ભત્રીજી સ્મિતા અને તેનો પુત્ર તેના ઘરમાં રહેવા આવી ગયા. દયારાની પાસે એક મોટરકાર પણ હતી. તે ડ્રાઈવર પણ રાખતી હતી. ડ્રાઈવરનું નામ સમીર જે દયારાનીનો વિશ્વાસુ ડ્રાઈવર હતો. કેટલાક સમય બાદ દયારાનીએ તેની ભત્રીજી સ્મિતા અને તેના પતિ વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસ કર્યો, પણ તેમાં સફળતા મળી નહીં. છેવટે તેણે એ બેઉ વચ્ચે છૂટાછેડા કરાવી આપ્યા. હવે તેની ભત્રીજી અને તેનો પુત્ર કાયમ માટે દયારાનીના પરિવારનો હિસ્સો બની ગયાં.

આ વાતને કેટલાક મહિના વીત્યા.

એ દિવસે સવારે સ્મિતાની આંખ ખૂલી તો ઘરમાં સન્નાટો હતો. રોજ તો દયારાની વહેલી ઊઠી જતી હતી, પરંતુ આજે તો દયારાનીના બેડરૂમનું બારણું ખૂલ્યું જ નહોતું. સ્મિતા દયારાનીના બેડરૂમમાં ગઈ. બારણું ખોલ્યું અને તે ચીસ પાડી ઊઠી. દયારાનીનું શરીર લોહીથી લથપથ હતું. તેની હત્યા થઈ ચૂકી હતી. આસપાસના લોકો ભેગા થઈ ગયા. સ્મિતા રડવા લાગી. “ભગવાન જાણે કોઈએ મારી ફોઈને મારી નાખી.”

પોલીસ આવી ગઈ.

પોલીસે જોયું તો દયારાની પર કોઈએ ગોળી છોડી એની હત્યા કરી નાખી હતી. દયારાનીના બેડરૂમની એક બારી રોજની જેમ ખુલ્લી હતી. પૂછપરછમાં સ્મિતાએ કહ્યું, “રાત્રે આઠ વાગે જમીને તેઓ તેમના બેડરૂમમાં જતાં રહ્યાં હતાં. બેડરૂમની બારી તેઓ હંમેશાં ખુલ્લી રાખતાં.”

પોલીસને ખ્યાલ આવી ગયો કે કોઈકે બારીમાંથી ગોળી મારી દયારાનીનું ખૂન કરી દીધું છે, પણ આશ્ચર્ય એ વાતનું હતું કે કોઈએ ગોળીનો અવાજ સાંભળ્યો નહોતો. દયારાનીના ઘરની બાજુમાંથી એક રેલવે લાઈન પસાર થતી હતી. બહારથી કોઈ ગોળી મારીને ભાગી ગયું હોય તેમ જણાયું.

દયારાની આર્થિક રીતે સંપન્ન હતી. તેની પાસે કરોડોની સંપત્તિ હતી. ઘરમાંથી તો કોઈ લૂંટ થઈ જ નહોતી તો પછી દયારાનીની હત્યા કોણે કરી ? કેમ કરી ? પોલીસ માટે આ એક મૂંઝવતો કોયડો હતો. દયારાનીએ તેના ઘરની બહાર એક સીસીટીવી કેમેરા લગાવેલો હતો. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ જોયા તો કરીબ રાતના અગિયાર વાગે ત્રણ માણસોની છાયા દયારાનીના ઘરની બહાર નજર આવી. કેમેરાથી બચવા એ ત્રણેય જણે દીવાલનો સહારો લીધો હતો. કેટલીક ક્ષણો બાદ એક મોટર સાઈકલ પણ ત્યાંથી જતી દેખાઈ. સંદિગ્ધોના ચહેરા સ્પષ્ટ નહોતા. મોટર બાઈકનો નંબર પણ દેખાતો નહોતો.

પોલીસે દયારાનીની હત્યાનું રહસ્ય ઉકેલવા હવે બાતમીદારોનો સહારો લીધો. એક બાતમીદારે પોલીસને જણાવ્યું કે, દયારનીને પડોશમાં કોઈનીયે સાથે ઝઘડો નહોતો, પરંતુ દયારાનીની ભત્રીજી સ્મિતા કે જે તેના ઘરમાં જ રહે છે તેને કોઈની સાથે પ્રેમ પ્રકરણ હતું. એક બે વાર દયારાનીએ સ્મિતાને સખત ઠપકો આપ્યો હતો. પોલીસે આ માહિતીના આધારે હવે સ્મિતાની પશ્ચાદ્ભૂમિકા પર તપાસ શરૂ કરી. પૂછપરછ કરતાં ખબર પડી કે, સ્મિતાનો વિવાહ તેમના જ સમાજના એક યુવાન સાથે થયો હતો, પરંતુ સ્મિતા ચંચળ સ્વભાવની હોઈ તેના પતિને તેની પર શંકા હતી. વિખવાદ વધતાં સ્મિતા દયારાની પાસે તેના પુત્ર સાથે આવી ગઈ હતી. પાછળથી સ્મિતાના તેના પતિથી છૂટાછેડા પણ દયારાનીએ જ કરાવી આપ્યા હતા.

પોલીસે હવે દયારાનીના અને સ્મિતાના ફોનની કોલ ડિટેઈલ્સ કઢાવી. દયારાનીના ફોનની કોલ ડિટેઈલ્સમાંથી તો કાંઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ નહીં, પરંતુ સ્મિતાના ફોનની કોલ ડિટેઈલ્સમાંથી માલૂમ પડયું કે, સ્મિતા એક ચોક્કસ નંબર પર રોજ રાત્રે કલાકો સુધી વાત કરતી હતી. જે રાત્રે દયારાનીની હત્યા થઈ ગઈ તે રાત્રે પણ રાતના ૧૧ પહેલાં અને રાતના ૧૨ વાગ્યા બાદ સ્મિતાએ એક ચોક્કસ નંબર પર ખૂબ લાંબી વાત કરી હતી. પોલીસે તપાસ કરી તો સ્મિતા જે નંબર પર હત્યાની રાતે વાત કરતી હતી તે નંબર વારિસ નામના એક યુવકનો હતો.

પોલીસે શંકાના આધારે સ્મિતાને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને પૂછયું કે, “આ વારિસ કોણ છે ?”

સ્મિતા સ્તબ્ધ થઈ ગઈ. તેણે કહ્યું કે, “વારિસ મારો પ્રેમી છે.”

“હત્યાની રાતે તેં વારિસ સાથે શું વાત કરી ?” પોલીસે સખ્તાઈથી પૂછયું.

અને સ્મિતા ભાંગી પડી. તે રડવા લાગી. પોલીસે પૂછયું, “તું વારિસને કેવી રીતે ઓળખે છે ?”

સ્મિતાએ કહ્યું, “દયારાનીનો એક ડ્રાઈવર છે સમીર. વારિસ સમીરનો દોસ્ત છે. તે સમીરને મળવા આવતો હતો. એ મને ગમી ગયો હતો. દયારાની ઘરમાં ના હોય ત્યારે પણ તે મને મળવા આવતો હતો. અમે બહાર મળવા લાગ્યા હતા. અમે રોજ એકબીજા સાથે વાતો કરતાં હતાં.”

“પછી ?” પોલીસે કહ્યું, “જો સ્મિતા, તું સાચું કહી દે. તું સાચું બોલીશ તો અમે તને બચાવી લઈશું.”

સ્મિતા પોલીસની વાતમાં આવી ગઈ. એણે કહ્યું, “સાહેબ, સાચું કહું ? હું સમીર વગર રહી શકતી નહોતી. એક વાર દયારાનીની ગેરહાજરીમાં સમીર આવ્યો હતો. અમે બે એકલા જ ઘરમાં હતાં. દયારાની અચાનક આવી ગયાં. અમને જોઈ ગયાં. અમને ખૂબ ખખડાવ્યાં. સમીરને લાફો મારીને કાઢી મૂક્યો. ફરી હું સમીર સાથે ભાગી ગઈ. સમીર મારી સાથે લગ્ન કરવા માગતો હતો, પણ એણે બહાના બતાવ્યા. સમીરે મને કહ્યું હતું કે, “વગર પૈસે લગન કરીને શું કરીશું ? શું ખાઈશું ? એમ કહી સમીરે મને કહ્યું કે તારા ફોઈ દયારાની પાસે ઘણા રૂપિયા છે. તેની પાસે તું પાછી જા. તે તને બહુ ચાહે છે. તેની તું વારીસ બની જા. તે પછી હું તેની હત્યા કરી નાખીશ અને આપણે બેઉ કરોડોની સંપત્તિના માલિક બની જઈશું. સમીરના કહેવાથી તેની યોજના પ્રમાણે હું પાછી દયારાની પાસે આવી ગઈ. તેમના પગે પડી. મેં તેમની માફી માગી લીધી. દયારાની ખરેખર દયાળુ હતાં. તેમણે મને માફ કરી દીધી અને ફરી મને તેમની પાસે રાખી લીધી. કેટલાક દિવસો બાદ મેં તેમને કહ્યું : “મને તમારી વારસદાર બનાવી દો.” તો એમણે કહ્યું, “બેટા, તું મારી વારસદાર જ છે. આ બધું તારું જ છે ને.”

પોલીસ એક ચિત્તે સ્મિતાની કેફિયત સાંભળતી રહી. પોલીસે પૂછયું : “તે પછી શું થયું ?”

સ્મિતા બોલી : “મને લાગ્યું કે દયારાનીએ મને વારસદાર બનાવી જ દીધી છે. એક દિવસ તેમણે જ મને ૨૫ લાખ રૂપિયા કબાટમાં મૂકવા આપ્યા. પૈસા.. ક્યાં હતા તેની મને હવે ખબર હતી. મેં સમીરને વાત કરી કે દયારાનીની મિલકત ક્યાં છે તે હું જાણું છું. તું તારું કામ પતાવી દે તે પછી તું જ આ ઘરમાં રહેવા આવી જા. મેં સમીરને કહ્યું : “દયારાની તેમના બેડરૂમની બારી ખુલ્લી રાખે છે. તારે જે કરવું હોય તે કરી નાખ.”

“પછી ?”

સ્મિતા બોલી : “તે પછી એ રાત્રે સમીર એના બે મિત્રો સાથે લઈને દયારાનીના ઘરે રાત્રે આવ્યો. તેની પાસે ૩૧૫ બોરનો એક તમંચો હતો. તમંચાનો અવાજ ના થાય તે માટે મેં તેને કહ્યું હતું કે, રાત્રે ખૂબ ટ્રેનો પસાર થાય છે. ટ્રેનના હોર્નના અવાજ વખતે જ તમંચો ચલાવજે.” એણે એમ જ કર્યું.

પોલીસે તપાસમાં શોધી કાઢયું હતું કે, હત્યાની રાત્રે ૧૧ વાગ્યાના એક કલાકમાં એ રેલવે લાઈન પરથી પંદર ટ્રેનો પસાર થઈ હતી. સમીરે ટ્રેનના હોર્નના અવાજ વખતે જ બેડરૂમની બારીમાંથી પલંગમાં સૂતેલી દયારાની પર ગોળી ચલાવી હતી. તે પછી તે તેના મિત્રો સાથે મોટર બાઈક પર ભાગી ગયો હતો.

પોલીસે સ્મિતાના બયાનના આધારે સમીરને પકડયો. સ્મિતાની પણ ધરપકડ કરી. બીજા બે સાગરીતોની પણ ધરપકડ કરી. સમીરે દયારાનીની હત્યા કરી હોવાનું કબૂલ કરી લીધું.

દયારાની દયાળુ હતી, પરંતુ આજના સમયમાં કોઈની પર દયા કરવા જેવું છે ખરું ?

– દેવેન્દ્ર પટેલ