- અમેરિકા અને રશિયા પછી પાક પાસે સહુથી વધુ પરમાણુ બોમ્બ?
ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે શપથ લીધા ત્યારે લોકમાનસની ગણતરીથી વિરુદ્ધ તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને શપથવિધિમાં હાજરી આપવા નિમંત્રણ આપ્યું હતું. નવાઝ શરીફ આવ્યા પણ ખરા. હસ્તધૂનન કર્યું. પાકિસ્તાન પાછા જઈ શરીફે વડાપ્રધાનનાં માતૃશ્રી માટે સાડીઓ પણ મોકલી આપી. એ વખતે લાગતું હતું કે ચાલો, ભારત-પાક વચ્ચે દોસ્તીનો નવો અધ્યાય શરૂ થયો, પરંતુ કૂતરાની પૂંછડી વાંકી જ રહી. શરીફ જેવા પાછા ફર્યા એટલે પાકિસ્તાન આર્મીએ તેમનો હાથ મરડયોઃ “કેમ આટલા બધા હરખપદૂડા થાવ છો?”અને શરીફ બિચારા ઠંડા પડી ગયા.
પાકિસ્તાનના જ એક નેતાએ તાજેતરમાં એવું ઉચ્ચારણ કર્યું કે, “ભારત સાથે હવે યુદ્ધ થશે તો ભારતે સદીઓ સુધી તેનાં પરિણામો ભોગવવાં પડશે.” પાકિસ્તાનના એ નેતાની આ ધમકી દેખીતી રીતે જ તેનાં અણુશસ્ત્રોની તાકાત પર હતી.
અમેરિકાના એક અહેવાલમાં તાજેતરમાં જ એમ જાહેર કરવામાં આવ્યું છે કે, આવતાં પાંચથી દસ વર્ષમાં પાકિસ્તાન પાસે ૩૫૦ જેટલાં અણુશસ્ત્રો હશે અને એ રીતે પાકિસ્તાન વિશ્વનો સહુથી વધુ અણુ આયુધો ધરાવતો ત્રીજા નંબરનો દેશ બની જશે.
કાર્નેગી ઇન્ડાઉમન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ અને સ્ટીમ્સન સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલા આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનને ભારતનો એટલો બધો ડર છે કે, એ કારણે તે તેની પરમાણુ ક્ષમતા ઝડપથી વિકસાવી રહ્યો છે. પાકિસ્તાન એક વર્ષમાં ૨૦ ન્યુક્લિયર શસ્ત્રો તૈયાર કરી શકે છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાન પાસે ઉચ્ચ સંર્વિધત યુરેનિયમનો જે મોટો જથ્થો છે તેની મદદથી તે ખૂબ ઝડપથી ઓછા ક્ષમતાવાળા પરમાણુ બોમ્બ બનાવી રહ્યો છે.
બીજી બાજુ પાકિસ્તાનની સરખામણીમાં ભારત પાસે પ્લૂટોનિયમનો મોટો ભંડાર છે, પરંતુ ભારત પ્લૂટોનિયમના આ ભંડારનો ઉપયોગ વીજળી પેદા કરવા માટે કરી રહ્યો છે. આ અહેવાલ મુજબ આવનારાં વર્ષોમાં પાકિસ્તાન જે ઝડપથી ન્યુક્લિઅર શસ્ત્રો બનાવી રહ્યું છે તે જોતાં તેની પાસે અમેરિકા અને રશિયા પછી અણુશસ્ત્રોનો સહુથી મોટો ત્રીજા નંબરનો જથ્થો હશે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે પરમાણુ શસ્ત્રોની સંખ્યાની બાબતમાં તે ભારત કરતાં આગળ નીકળી જશે અને તેની આ તાકાત પર જ મુસ્તાક થઈને ભારતને તે પોતાનો ખોફ બતાવી રહ્યો છે.
ભારતીય ઉપખંડમાં વિભાજનના સાત દાયકા બાદ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મૈત્રીની વાત તો બાજુમાં રહી, પરંતુ એકબીજા પર લગારે વિશ્વાસ નથી. હજુ હમણાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે બંને દેશોના રાષ્ટ્રીય સલાહકારોની જે બેઠક મળવાની હતી તે પાકિસ્તાન આર્મીના કાવતરાની ભોગ બની ગઈ. આ બેઠક મળી હોત તો તે એક મહત્ત્વપૂર્ણ મૈત્રી વાટાઘાટો સાબિત થઈ હોત, પરંતુ તેમ ના થઈ શક્યું.
પાકિસ્તાનમાં કાશ્મીરી અલગતાવાદીઓને થર્ડ પ્લેયરનું મહત્ત્વ આપવાના કારણે આ બેઠક યોજી જ ના શકાઈ.
એ વાત સુવિદિત છે કે ભારતની ઇચ્છા વિરુદ્ધ પાકિસ્તાન પહેલેથી જ અલગતાવાદીઓને અને આતંકવાદીઓને મહત્ત્વ આપતું આવ્યું છે. હદ તો ત્યારે થઈ ગઈ કે, પાકિસ્તાનના સરતાજ અઝીઝે ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી. તેમની આ ધમકીથી એ વાતની પ્રતીતિ થાય છે કે, પાકિસ્તાનના સરતાજ અઝીઝ જેવા નેતાઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. સરતાજ અઝીઝ માટે તો સાઠે બુદ્ધિ નાઠી જેવી પરિસ્થિતિ છે. પાકિસ્તાનનો કોઈ બેવકૂફ નેતા ભારત પર એક અણુ હુમલો કરવાની ગુસ્તાખી કરશે તો તેની સામે પાકિસ્તાનનું તો અસ્તિત્વ જ નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ભારત પાસે છે તે વાત પાકિસ્તાનના મૂર્ખ નેતાઓ સમજતા નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે અણુયુદ્ધ થાય તો પાકિસ્તાન વિશ્વના નકશામાંથી અદૃશ્ય થઈ શકે છે. પાકિસ્તાનનું આ ઘમંડ પાકિસ્તાનને ભારે પડી શકે છે.
પાકિસ્તાનની મુશ્કેલી એ છે કે પાકિસ્તાનમાં જે કોઈ વડાપ્રધાન બને છે તેણે પાકિસ્તાન આર્મીની સહાનુભૂતિ હેઠળ જ રાજ કરવું પડે છે. પાકિસ્તાન પાસે વડાપ્રધાન હોય છે જે દુનિયાને દેખાડવા માટે છે, પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન આર્મીની કઠપૂતળીની જેમ જ કામ કરે છે. પાકિસ્તાન આર્મી પાસે લશ્કર તો છે જ, પણ સાથે સાથે તેની પાસે તેની નોટોરિયસ ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પણ છે અને આઈએસઆઈના મદદગાર તરીકે હાફિઝ સઈદથી માંડીને બીજા ૪ ત્રાસવાદીઓ પણ છે.
ભારતનો એ અનુભવ છે કે, ભારતે જ્યારે જ્યારે પાકિસ્તાન સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો ત્યારે પાકિસ્તાને ભારતની પીઠમાં ખંજર જ ભોંક્યું છે. તેનું સહુથી મોટું ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે અટલ બિહારી વાજપેયી બસમાં બેસી લાહોર ગયા અને નવાજ શરીફ સાથે ગળે મળી રહ્યા હતા ત્યારે જનરલ પરવેઝ મુશર્રફ ભારતના કારગીલમાં આક્રમણ કરી રહ્યા હતા. આ જ પાકિસ્તાન સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી દોસ્તીનો હાથ લંબાવ્યો ત્યારે તેનો જવાબ દોસ્તીથી આપવાના બદલે સરહદ પર ગોળીઓથી આપવામાં આવી રહ્યો છે. હકીકત એ છે કે પાકિસ્તાનનું આ જ ચારિત્ર્ય રહ્યું છે.
પાકિસ્તાનને ભારત પ્રત્યે કેટલું ઝેર છે તેનું બીજું ઉદાહરણ પાકિસ્તાનના પૂર્વ આઈએસઆઈ ડાયરેક્ટર અને સેનાના વડા અશફાક કયાનીનું બયાન છે. અશફાક કયાનીએ તાજેતરમાં જ એમ કહ્યું હતું કે, પાકિસ્તાન ભારતને ચેનથી રહેવા નહીં દે, કારણ કે એણે અમારી પાસેથી પૂર્વીય પાકિસ્તાન છીનવી લીધું છે! અશફાક કયાનીનું આ બયાન ભારતે વર્ષો પહેલાં પૂર્વ પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરી બાંગ્લાદેશને આઝાદ કરાવ્યો તે સંદર્ભમાં હતું. પૂર્વ પાકિસ્તાનને ખતમ કરી દેવાની તાકાત એ વખતના ભારતનાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દર્શાવી હતી. પાકિસ્તાનની એ હાર નાલેશીભરી હતી અને પાકિસ્તાનના લશ્કરે ભારતીય સૈન્યના શરણે આવવું પડયું હતું. પાકિસ્તાન આજે પણ આઘાત અને શરમમાંથી બહાર આવ્યું નથી.
અલબત્ત, એ વખતે પાકિસ્તાન પાસે અણુબોમ્બ નહોતો. આજે છે અને તેની ન્યુક્લિઅર તાકાત પર જ તે બેવકૂફીભર્યાં નિવેદનો કરે છે. પાકિસ્તાનના નેતાઓ અને આર્મીના વડાઓને એ વાતની ખબર નથી કે અણુશસ્ત્રો વાપરવા માટે નહીં, પરંતુ બીજો દેશ હુમલો ના કરે તે માટે એક પ્રકારના પ્રતિરોધ માટે હોય છે.

Comments are closed.