રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

કે સર એક બહુમૂલ્ય પુષ્પ છે. એના ગુણો અદ્ભુત છે. એમાં અનોખાં રસાયણો છે. દૂધપાકથી માંડીને અનેક પ્રકારની મીઠાઈઓમાં તેનો ઉપયોગ થાય છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ અનેક પ્રકારનાં ઔષધો બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. આયુર્વેદ કંપનીઓ માનવ સ્વાસ્થ્યને શક્તિ બક્ષવા કેસરયુક્ત કેપ્સ્યૂલ્સ, અવલેહ અને બીજાં ઔષધો બનાવે છે. કેસરનો નિયત માત્રા કરતાં વધુ ઉપયોગ કિડની અને લિવરને નુકસાન પણ પહોંચાડી શકે છે. કેસરમાં ક્રોસિન,પ્રિક્રોસિન તથા સેફ્રાનલ નામનાં રસાયણો આવેલાં છે. ઔષધીય ઉપયોગ સિવાય કેસરનો ઉપયોગ પરફ્યૂમ્સ અને કોસ્મેસ્ટિક્સ બનાવવા માટે પણ થાય છે.

કેસર જમ્મુ અને કાશ્મીરની ખીણોમાં, ઈરાનમાં અને સ્પેનમાં ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે ઓક્ટોબર અને નવેમ્બરનાં ત્રણથી ચાર અઠવાડિયાં દરમિયાન કેસરની લણણી થાય છે. આ પશ્ચાદ્ભૂમિકા આપવી એટલા માટે પડી કે જમ્મુ અને કાશ્મીરની ખીણ કે જે ‘સેફ્રન વેલી’ તરીકે ઓળખાય છે તે ખીણમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા અનેક પ્રયાસો છતાં કેસરનું ઉત્પાદન ઘટી રહ્યું છે. કેટલાંક વર્ષો પહેલાં સરકારના ધ્યાન પર આ વાત આવતાં કેન્દ્ર અને રાજ્ય સરકારે નેશનલ સેફ્રન મિશનનો આરંભ કર્યો હતો, પરંતુ ઘટી રહેલા કેસરના ઉત્પાદનને અટકાવવામાં એ મિશન ધરાર નિષ્ફળ નીવડયું છે. એમાંયે ગયા ચોમાસા દરમિયાન કાશ્મીરમાં આવેલા મહાપૂરે પરિસ્થિતિ વધુ બગાડી નાખી છે. કેસર પકવતા ખેડૂતોનું ભાવિ અંધકારમય છે. ઔદ્યોગિકીકરણના આંધળા મોહમાં અત્યાર સુધી આવેલી તમામ સરકારો જગતના તાત ગણાતા ખેડૂતો અને ખેતીને જ ભૂલી ગઈ છે. ગુજરાત માટે કપાસ એ વ્હાઈટ ગોલ્ડ હતું તો જમ્મુ અને કાશ્મીરમાં કેસર પકવતા ખેડૂતો માટે કેસર એ ‘સેફ્રન ગોલ્ડ’ હતું. પણ હવે કપાસ કે કેસર ખેડૂતો માટે ‘ગોલ્ડ’ રહ્યાં નથી. બલકે ખેડૂતોને આપઘાત તરફ દોરી જનાર અને દેવાદાર બનાવી દેનાર ખેતઉત્પાદનો બની રહ્યાં છે.

ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોની જે હાલત છે તેવી જ હાલત કાશ્મીરમાં કેસર પકવતા ખેડૂતોની છે. શ્રીનગરના બહારના વિસ્તારમાં આસપાસનાં ખેતરોમાં પ્રતિવર્ષ ખીલી ઊઠતાં કેસરનાં ફૂલો આજકાલ દેખાતાં નથી. તેમાં એક કારણ મહાપૂર પણ છે. ખેડૂતો કેસરનાં પુષ્પ વીણવા ખેતરમાં જાય છે અને નિરાશ થઈ પાછા ફરે છે. હવે તેમણે તમામ આશા છોડી દીધી છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં ચોમાસામાં ૮૯ એમએમ વરસાદ પડતો હોય છે, પરંતુ આ વર્ષે ૨૮૩ એમએમ વરસાદ પડયો, એ કારણે જમીન ધોવાઈ ગઈ અને ૮૦ ટકા ઉત્પાદન ઓછું થયું છે. કેટલાંક ખેતરોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયાં તેથી ક્રોપ બાયોલોજીને નુકસાન થયું અને છોડવાઓમાં હોર્મોનનું સંતુલન બગડી ગયું.

૨૦૧૦ના વર્ષમાં કેન્દ્ર સરકારે કેસરનું ઉત્પાદન વધારવા તથા ઉત્પાદિત કેસરને ઔદ્યોગિક પ્રોડક્ટમાં બદલવા રૂ.૩૭૬ કરોડનો નેશનલ સેફ્રન મિશન પ્લાન શરૂ કર્યો હતો. પાછળથી આ રકમ વધારીને રૂ..૪૧૧ કરોડ કરવામાં આવી હતી, પરંતુ એ મિશન લગભગ નિષ્ફળ ગયું છે. કાશ્મીરની ખીણને કેસરના ઉત્પાદનમાં અનેકગણો વધારો કરીને વિશ્વના નકશા પર મૂકવાનું સ્વપ્ન,સ્વપ્ન જ રહી ગયું છે.

એક અંદાજ પ્રમાણે કાશ્મીરની ખીણ વર્ષેદહાડે ૧૨,૫૦૦ કિલોગ્રામ કેસરનું ઉત્પાદન કરે છે. આ કેસરનો ઉપયોગ સામાન્ય રીતે ઔષધો બનાવવામાં અને દક્ષિણ-એશિયન વાનગીઓ બનાવવામાં થાય છે. કાશ્મીરના પેમ્પોર બેલ્ટમાં આવેલી ૪૫૦૦ હેકટર જમીન પર કેસર વાવવામાં આવે છે. કાશ્મીરનાં લગભગ ૨૦૦ જેટલાં ગામડાંઓમાં કેસરની ખેતી થાય છે. ખેતરમાં ખીલી ઊઠતાં અબજો ફલાવર્સમાંથી લાલ રંગના સળી જેવા તાંતણાને અલગ કરવામાં આવે છે. કેસરની ખેતી સાથે ૧૭,૦૦૦ ખેડૂતો સંકળાયેલા છે. ધી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)એ કાશ્મીરના આ પેમ્પોર બેલ્ટને વૈશ્વિક મહત્ત્વપૂર્ણ એગ્રીકલ્ચર હેરિટેજ સિસ્ટમ તરીકે જાહેર કર્યો છે. જૂન,૨૦૧૧માં બિજીંગ ખાતે મળેલી એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ દરમિયાન પેમ્પોરને આ હેરિટેજ દરજ્જો આપવામાં આવ્યો હતો. કાશ્મીરની ખીણના આ ભાગ ઉપરાંત સેન્ટ્રલ કાશ્મીરના બેડગામ અને જમ્મુના કિશ્તવાર વિસ્તારમાં પણ કેસર પકવવામાં આવે છે.

આ બધું હોવા છતાં ખીણમાં કેસરની ખેતીનું ભાવિ ઉજળું જણાતું નથી. ઉત્પાદન ઝડપથી ઘટી રહ્યું છે અને ખેતી કરવાલાયક જમીન પણ સંકોચાઈને હવે માત્ર ૩૬૦૦ હેક્ટર થઈ ગઈ છે. એટલે કે ૧૦૦૦ હેક્ટર જમીન ઘટી ગઈ છે.

આ વર્ષે કેસરનો ભાવ પ્રતિ કિલો રૂ..૧,૪૪,૦૦૦ છે. માર્કેટ ધીમું છે. કાશ્મીરી કેસર બે ગ્રેડમાં વેચાય છે. એક લાચાં (સેફ્રન ઈન ફિલામેન્ટ) અને બીજો ગ્રેડ ‘મોંગ્રા’ (સેફ્રન ઈન કટ ફિલામેન્ટ) તરીકે ઓળખાય છે.મોંગ્રા એ પ્યોર કેસર છે.

નિષ્ણાતો માને છે કે કાશ્મીરની ખીણમાં કેસરનું ઉત્પાદન ઘટવાનાં બીજાં અનેક કારણો પણ છે. છેલ્લા બે દાયકાથી એકંદરે વરસાદ ઘટયો છે. દુકાળ પણ પડયો છે. કેસરની ખેતીમાં વૈજ્ઞાાનિક પદ્ધતિનો અભાવ છે. કેસરની ખેતી માટેની જે જમીન હતી તેની પર રહેણાકનાં મકાનો બની રહ્યાં છે. આ કોલોનીઓના કારણે ગયા ચોમાસામાં ભારે પૂરથી પાણી વહી જવાના બદલે ખેતરોમાં ભરાઈ ગયું અને ખેતરોની ફળદ્રુપતાને નષ્ટ કરી દીધી.

કાશ્મીરમાં કેસરની ખેતીને નુકસાન કરવાનું બીજું એક મહત્ત્વનું કારણ ખીણની અશાંતિ પણ છે. લશ્કરના જવાનો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં ચાર નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં. તે વખતે જબરદસ્ત વિરોધ થયો હતો. આ વિરોધનું એપીસેન્ટર કેસર બેલ્ટ-પેમ્પોર જ હતું. વિરોધ કરનાર ૧૦૦ જેટલાં વિરોધીઓનાં મોત નીપજ્યાં હતાં. એ વખતે દિવસો સુધી જમ્મુ-કાશ્મીર હાઈવે બંધ કરાવી દેવામાં આવ્યો હતો. આ બધાની પણ તેની પર અસર થઈ હતી. ડો.મનમોહનસિંહની સરકારનું આ સેફ્રન મિશન કેસરની ખેતી કરતાં ખેડૂતોને મદદ કરવા માટે હતું, પરંતુ અશાંત ખીણમાં એ મિશનને પણ અનેક વિઘ્નો નડયાં હતાં.

કાશ્મીરની ખીણમાં પાકતા કેસરમાં હવે ભેળસેળ પણ એક મોટો પ્રશ્ન છે. ૧,૬૦,૦૦૦ જેટલાં ફૂલોમાંથી માત્ર એક કિલોગ્રામ સૂકું કેસર પ્રાપ્ત કરી શકાય છે. કેસરનું ફૂલ એક ૨૫૦થી ૩૦૦ મિલીગ્રામ વજનનું હોય છે. ૩૦૦૦થી ૩૫૦૦ ફૂલોનું વજન એક કિલો સેફ્રન ફ્લાવર થાય છે. કેસર એ બહુ મુશ્કેલીથી હાંસલ થતી ચીજ છે તેથી ધુતારાઓ તેમાં ભેળસેળ કરવા લાગ્યા છે. થોડા સમય પહેલાં જ કાશ્મીરમાંથી બનાવટી કેસર તૈયાર કરતી આખી ફેક્ટરી પકડાઈ હતી. બનાવટખોરોને પોલીસે પકડી પણ લીધા હતા.

આ બધું હોવા છતાં કાશ્મીરની ખીણ કેસરનાં ખેતરોથી વર્ષોથી સુશોભિત રહી છે. કેસરની ખેતીના આ ભવ્ય વારસાને બચાવી લેવો જરૂરી છે.