એ નું નામ શ્રદ્ધા છે.

તે શાયદ પન્નાલાલ પટેલના વતન માંડલી જેવા એક સાવ નાનકડાં ગામમાં જ જન્મેલી છે. ભણવાની ખૂબ તમન્ના હતી પરંતુ સંજોગોના કારણે તે માત્ર ૧૦માં ધોરણ સુધી જ ભણેલી છે. એણે યુવાની હજુ હમણાં જ વટાવી છે. હવે તે પરિણીત છે. તે પહેલાં એટલે કે કૌમાર્યાવસ્થામાં કોઈ આધેડની બૂરી નજરથી દાઝેલી છે. એના એ અનુભવે જ તેને કવયત્રી બનાવી દીધી છે. તેનાં કાવ્યો હજુ સુધી કોઈ મેગેઝિન કે પુસ્તકમાં છપાયાં નથી. એ જરૂરી નથી કે જેમની કૃતિઓ છપાય છે તે જ સાહિત્યકારો છે. આ ગ્રામ્ય કવયત્રીને પાંખો આવતાં જ ઊડવું હતું આકાશમાં પણ સમાજના થપાટાએ એની પાંખો કાપી નાંખી.

કેમ?
કેવી રીતે?
વાંચો એના જ શબ્દોમાં:

મારો જન્મ ગુજરાત નજીક રાજસ્થાનના એક નાનકડા ગામમાં થયો હતો. મારા પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અમારો ઉછેર પણ સારી રીતે કરી શકતા ન હતા. મજૂરી કરીને અમને ભણાવવા તત્પર હતા. ધંધાર્થે વારંવાર બદલીથી મારા અભ્યાસ ઉપર અસર પડતી હતી. છતાં હું ભણવામાં ખૂબ હોશિયાર હતી. તેથી શિક્ષક મિત્રોના મારા ઉપર ચાર હાથ હતા. દર વખતે પહેલા નંબરે આવી. દસમાં ધોરણ સુધી ભણી. પપ્પાને ધંધાર્થે દક્ષિણ ગુજરાતમાં આવવાનું થયું. સુરતમાં નવી સ્કૂલ તથા નવો માહોલ છતાં ફરી અભ્યાસ શરૂ કર્યો.

હવે પપ્પાની આર્થિક સ્થિતિ સારી હતી. હું ૧૯૮૫માં સ્કૂટર લઈને સ્કૂલે જતી હતી. પપ્પા મુક્ત વિચારના હોવા છતાં અકસ્માતની બીકે સ્કૂટર લઈ જવા સામે તેમનો વિરોધ હતો. એક દિવસ એવું જ બન્યું મને નાનો એવો અકસ્માત નડયો. પગમાં વાગ્યું અને સ્કૂટરને નુકસાન થયું. પપ્પા ખૂબ ગુસ્સાવાળા હોવાથી હું સ્કૂટર રિપેર કરાવી અને પગમાં પાટા-પીંડી કરાવી ઘરે પહોંચી. ‘પથ્થર વાગ્યો છે’ એવું કહી અકસ્માતની વાત મેં છુપાવી.

મારા પપ્પાના એક પરિચિત ડોક્ટરની હોસ્પિટલમાં હું પાટો બંધાવા જતી હતી. એણે સતત પંદર દિવસ ડ્રેસિંગ માટે આવવા કહ્યું. આ દરમિયાન હું સ્કૂલ જતી વખતે હંંમેશા પાટો બંધાવી આવતી. તે દરમિયાન મેં ડોક્ટરની નજર પારખી લીધી. હું સાવચેત રહેવા લાગી. મને નવાઈ લાગી કે શહેરનો હોશિયાર ડોકટર એમ.એસ.ની ડિગ્રી ધરાવતો અને બે બાળકોના પિતા આવો હોઈ શકે? મને જોયા પછી તેણે અમારા ફેમિલી રિલેશન વધારી દીધા. જ્યારે પણ મોકો મળે. મારા ખૂબ વખાણ કરી નજીક આવવાના પ્રયત્ન શરૂ કર્યા.

થોડા દિવસ પછી અમારા પરિવાર ઉપર આફત આવી. મારા મમ્મીને પેટમાં દુખાવો ઉપડયો અને એ જ લંપટ ડોક્ટરની હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશન કરાવું પડયું. મમ્મીની સાથે રહેનાર કોઈ ન હોવાથી, ભાભી ઘરે કામ કરે, તેથી હું મમ્મી સાથે રહેવા લાગી. ફરી ડોક્ટર મોકાની રાહ જોવા લાગ્યો. ઓપરેશન પછી પણ મમ્મી જલ્દી સાજી થતી ન હતી તેથી પપ્પા ટેન્શનમાં હતા. મમ્મી- પપ્પાને કહેવાનું મને ઠીક ન લાગ્યું. ડરી ડરીને મેં દવાખાનામાં અને સ્કૂલે આવવાજવામાં દશ દિવસ કાઢયા. મમ્મીને ઘરે લાવવાનો સમય આવ્યો.ડોક્ટરે દવા લખવાના બ્હાને મને અંદર બોલાવી. મેં કમ્પાઉન્ડરને ઈશારો કર્યો. એ મારી સાથે અંદર આવ્યો પરંતુ તેને અંદર ન આવવા દેવાનું પણ ડોક્ટરના હાથમાં હતું. મને ખૂબ પ્રેમથી ડોક્ટર સમજાવવા લાગ્યો. ન શોભે એવા અડપલા શરૂ કર્યા. હું ગુસ્સે થઈ ગઈ. મારો હાથ પકડી કહેવા લાગ્યોઃ ”હું તને આજથી દવાખાનામાં સારા પગારથી નોકરી આપીશ.” મેં હાથ છોડાવી એક લાફો ઝીંકી દીધો. મેં બુમાબુમ કરતાં એ ગભરાઈ ગયો. તમાશો થશે એ બીકે માત્ર એટલું બોલ્યો, ” આનું પરિણામ સારું નહીં આવે.” મેં કહ્યું ”હું તને ખુલ્લો પાડી દઈશ. બજારમાં તારા આવા કરતૂતના પોસ્ટર લગાવી દઈશ. તારી પ્રેક્ટિસ ધૂળમાં મળી જશે.” તેણે મને લાલ આંખ કરી કહ્યું: ”એ પહેલાં હું તને પીંખી નાંખીશ તને ક્યાંયની નહીં રહેવા દઉં.” હું સાંભળ્યું ન સાંભળ્યું કરી સડસડાટ ચાલી ગઈ.

મમ્મીને લઈ અમે ઘરે આવી ગયા. મમ્મી બીમાર હોવાથી તેને આ વાતની જાણ કરવાનું ઠીક ન લાગ્યું. એકલી પહોંચી વળીશ એવી મનમાં ગાંઠ વાળી. છતાં ખૂબ ડરી ગઈ હતી. રાત્રે ઊંઘ આવતી ન હતી. અભ્યાસમાં મન લાગતું ન હતું. એ નાલાયકને ખુલ્લો પાડી દેવા મન કહી રહ્યું હતું. જો એમ કરીશ તો ઘણી બધી બેન-દીકરીની આબરૂ બચશે. પોલીસ ફરિયાદ કરવામાં સંકોચ થતો હતો. વિચારમાંને વિચારમાં આઠ દિવસ નીકળી ગયા. નવમા દિવસે સમાચાર મળ્યા કે એ જ ડોક્ટર પોતાની પત્ની અને બાળકોને રઝળતા મૂકીને પોતાની હોસ્પિટલમાં કામ કરતી તેની જ નર્સ સાથે ભાગી ગયો. અને બે મહિના પછી જાણવા મળ્યું કે બંને અમેરિકા ચાલ્યા ગયાં છે.

મારે એની સાથે બદલો લેવો હતો. એણે મારી લાગણીઓ પર ઘા કર્યો હતો. બે મહિના સુધી હું અંદરથી બળતી રહી. સમસમીને બેસી રહી. એણે મને પીંખી નાંખવાની વાત કરી હતી. એ એમ કરે તે પહેલાં હું તેને સમાજમાં ઉઘાડો પાડી દેવા માગતી હતી. મારા મનમાં પ્રજ્વેલીએ આગના કારણે ભણવામાં મારું ચિત્ત ચોંટયું નહીં. એ તો મને વિચલીત કરીને જતો રહ્યો. મારા દિલોદિમાગમાં એક ઝંઝાવાત પેદા કરીને જતો રહ્યો અને હું અત્યંત સંવેદનશીલ હોવાના કારણે આઘાતમાં સરી પડી અને આગળ ભણી ના શકી. એ બે મહિના મારામાં વેરની આગનો ભડકો બળતો રહ્યો. અભ્યાસમાં મન ન લાગ્યું. હવે મને ન ભણવાનો ખૂબ પસ્તાવો થાય છે. હું એનું કશું જ બગાડી ન શકી અને કારકિર્દી વેર-વિખેર થઈ ગઈ. હવે કારકિર્દી બનાવવાના દિવસો હાથમાંથી જતા રહ્યા છે. મનમાં ગુસ્સો હોવા છતાં મન વાળી લઉં છું કે સમાજમાંથી એક કાળમીંઢ પથ્થર હટી ગયો.

આ એક ઉદાહરણથી બધા ડોક્ટરોને દોષ દેવો યોગ્ય નથી. દરેક પુરુષમાં શંકા કરવી એ પણ બરાબર નથી. વાત નાની છે પરંતુ મેં ઘણું બધું ખોઈ નાખ્યું છે. ભણવા સિવાય મારામાં ખૂબ ટેલેન્ટ છે. હું હાલ સુરતમાં જ રહું છું. છતાં ઘણી પ્રવૃત્તિઓમાં રસ લઉં છું. કવિતાઓ પણ લખું છું. જાતે નાટકોે બનાવી અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો કરું છું.   હું આવા જ એક વિશાળ કુટુંબનો હિસ્સો છું. ઘરકામ સિવાય અન્ય પ્રવૃત્તિઓેમાં ભાગ લેવા સામે પરિવારનો સખત વિરોધ છે. એક માત્ર મારા પતિનો સપોર્ટ છે. એ પણ સંયુક્ત કુટુંબમાં રહીને મજબુર છે. મા-બાપની મર્યાદા તોડી અલગ થવું ઠીક નથી લાગતું. આર્થિક રીતે સદ્ધર છીએ. પરંતુ માનસિક અને શારીરિક રીતે દુઃખી છીએ. હું હીઝરાયેલી છું. કૌમાર્યવસ્થામાં છેડછાડનો ભોગ બનેલી છું.   એક આધેડ દ્વારા અપમાનિત થયેલી છું. આ સંજોગોની વચ્ચે હું મારા લેખન અને વાંચનના શોખને આગળ લઈ જઈ શક્તી નથી. આટલા વર્ષો મેં બાળકોના ઉછેર અને અભ્યાસ પાછળ ખર્ચી નાખ્યા. મારા બાળકો ખૂબ હોશિયાર છે. બાળકો અને મારા પતિ   તેમજ તેમના મિત્રો મને નવું લખવા માટે પ્રેરે છે. પરંતુ સમયના અભાવે કંઈ જ થતું નથી. કામના બોજના કારણે શરીર પણ સાથ નહીં આપતું. મારી ઉંમર ૪૫ વર્ષ છે. દશમાં સુધી ભણી છું. આ લખવા પાછળનો ખાસ હેતુ માત્ર મારા મનને સંતોષ થાય કે એક અખબારને મારી મનોવ્યથા જણાવું છું.

”પાંખો આવી, ફફડાવી

ઊડવું હતું ગગનમાં
ત્યાં જ પાંખો વીંધાઈ

ઘવાઈ, મૂરઝાઈ,

પડી રહી હું જળની પ્યાસી
કોઈ સવારે ઘાવ આવી
ત્યાં તો વાગી
અંત સમયની શહનાઈ.”

– અને શ્રદ્ધા તેણે જ લખેલી કાવ્યપંક્તિઓ દ્વારા તેની વાત પુરી કરે છે.

– દેવેન્દ્ર પટેલ