સુમિત્રા ચરતરામ.
પર્ફોમિંગ આર્ટની દુનિયાના લોકો માટે આ નામ જાણીતું અને આમ જનતા માટે અજાણ્યું છે. વીતેલા જમાનાનાં એ સન્નારી હતાં. સુમિત્રા ચરતરામનો જન્મ ઉત્તર પ્રદેશના એક જાણીતા પરિવારમાં ૧૯૧૪ના વર્ષે દિવાળીના દિવસે થયો હતો. તેમના પિતા રાજા જ્વાલાપ્રસાદ બિજનૌરના ભારતના પ્રથમ ચીફ એન્જિનિયર હતા. તેમના મોટા ભાઈ ધરમવીર ભારત આઝાદ થયા પછી ભારત સરકારના પ્રથમ કેબિનેટ સેક્રેટરી હતા. તેમના પિતા બનારસ હિંદુ યુનિર્વિસટીના સ્થાપકો પૈકીના એક હતા. તેમણે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાક્રિશ્નના અંગત સચિવ તરીકે પણ સેવાઓ આપી હતી.
સુમિત્રા આઝાદી પહેલાં જન્મ્યાં હતાં અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરનાં તેઓ શિષ્યા પણ હતાં. તેમનો ઉછેર સર્વપલ્લી રાધાક્રિશ્નન, મદન મોહન માલવિયા, મહાદેવી વર્મા, હરિશંકર ઔધ જેવાઓના સાંનિધ્યમાં થયો હતો. બનારસ હિંદુ યુનિર્વિસટીમાં અભ્યાસકાર્ય દરમિયાન સુમિત્રા રોજ વહેલી સવારે ઊઠી જતાં અને વિખ્યાત શહેનાઈવાદક ઉસ્તાદ બિસમિલ્લાહ ખાનનું શહેનાઈવાદન સાંભળતાં.
૧૯૪૧ની સાલમાં તેઓ દિલ્હી ક્લોથ મિલના માલિક શ્રીરામના પુત્ર ચરતરામ સાથે પરણ્યાં હતાં. તે પછી તેઓ દીપક, શોભા,સિદ્ધાર્થ અને ગૌરી એમ ચાર બાળકોનાં માતા બન્યાં હતાં. તે તમામ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવ્યું હતું.
તા. ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ એટલે કે ભારતના સ્વાતંત્ર્ય દિને સુમિત્રાએ શ્રેષ્ઠ સંગીતના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે તેમણે શ્રેષ્ઠ હિંદુસ્તાની સંગીતનો કાર્યક્રમ તૈયાર કર્યો હતો. નવી દિલ્હીમાં ૨૦, કર્ઝન રોડ ખાતે આવેલા ‘શ્રીરામ હાઉસ’ ખાતે યોજાયેલી આ સંગીત સંધ્યામાં ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન, ઉસ્તાદ વિલાયત ખાન, પંડિત રવિશંકર,ઉસ્તાદ હાફિઝ અલી ખાન વગેરેએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમની સફળતા બાદ સુમિત્રાએ ગીત-સંગીતની દુનિયાના કલાકારોને એકત્ર કરી ઝંકાર મ્યુઝિક સર્કલ ઊભું કર્યું હતું. ધીમેધીમે તે શ્રીરામ શંકરલાલ મ્યુઝિક ફેસ્ટિવલનું ર્વાિષક આયોજન કરનારું વૃંદ બની ગયું હતું. ૧૯૫૨માં ઝંકાર મ્યુઝિકલ સર્કલનું ભારતીય કલા કેન્દ્ર તરીકે પહેલી જ વાર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ કલા કેન્દ્રનું ધ્યેય એ હતું કે, ભારતીય ગીત-સંગીત, નૃત્ય અને સંસ્કૃતિના ભવ્ય વારસાનું જતન કરવું અને તેને પ્રોત્સાહન આપવું.
ભારતીય કલાકેન્દ્રનો જન્મ અને સ્થાપના તે એકમાત્ર સુમિત્રા ચરતરામનું જ સ્વપ્ન હતું. આજે આખા દેશમાં ‘કથક’ નૃત્ય જાણીતું છે, પરંતુ તેને ભારતીય કલાના જગતમાં સન્માન અપાવનાર સુમિત્રા ચરતરામ હતાં. ધીમેધીમે સુમિત્રા આખા દેશમાં જાણીતાં બની ગયાં. તેમના એ પ્રયાસોને સફળતા મળતાં સંસ્થાએ જે નવા કલાકારોને જન્મ આપ્યો હતો તે શંભુ મહારાજ, બિરજુ મહારાજ અને સુંદર પ્રસાદ હતા. તેમણે ગુજરાતનાં સુપ્રસિદ્ધ કથક કલાકાર કુમુદિની લાખિયા સહિત ઉષા શર્મા, કેશવ કોઠારી, રશ્મિ જૈન જેવાઓને પણ કથકની તાલીમ આપી.
એ સિવાય દિલ્હીના ભારતીય કલાકેન્દ્રએ દેશનાં બીજાં જે શ્રેષ્ઠ કલાકારો તયાર કર્યાં તેમાં વિદુષી સિદ્ધેશ્વરી દેવી, ડાગર બંધુઓ, પ્રો. દિલીપચંદ્ર વેદી, ઉસ્તાદ અમજદ અલી ખાન, પંડિત દુર્ગાલાલ, લીલા સેમસન, ગુરુ કૃષ્ણચંદ્ર અને બીજાઓનો સમાવેશ થાય છે.
ભારતના સુપ્રસિદ્ધ મહાકાવ્ય ‘રામાયણ’ને પણ સ્ટેજ પર લાવવાનું કામ સુમિત્રા ચરતરામે કર્યું. સુમિત્રા જ્યારે સ્કૂલમાં ભણતાં હતાં ત્યારે બનારસના મહારાજાના મહેલમાં રામાયણને ભજવવાનું નિહાળતાં હતાં. બસ, એ જ સમયથી જ તેમણે એક સ્વપ્ન નિહાળ્યું હતું કે, તેઓ પણ એક દિવસ ‘રામાયણ’ને પોતાની રીતે સ્ટેજ પર લાવશે. પોતાના નિર્ણયમાં હંમેશાં મક્કમ રહેનારા સુમિત્રા ચરતરામે ૧૯૫૭માં રામાયણને સ્ટેજ પર લાવવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું.
નોંધપાત્ર વાત એ છે કે, સુમિત્રા ચરતરામ સંચાલિત શ્રીરામ ભારતીય કલાકેન્દ્રના આ પ્રથમ શોને નિહાળવા જે મહાનુભાવો હાજર હતા તેમાં તે વખતના વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ પણ એક હતા. એ શો ભજવાયા પછીના ૫૮ વર્ષ સુધી ‘રામાયણ’ એ ભારતીય કલાકેન્દ્રની એક ઓળખ બની રહી.
સુમિત્રા ચરતરામ ભારતની લોકસંસ્કૃતિ, લોકનૃત્ય અને પ્રણાલિકાગત શાસ્ત્રીય સંગીતનો જ ઉપયોગ કરતાં હતાં. તેમણે ભારતીય કલાકેન્દ્રમાં ભારતીય સંસ્કૃતિના પરંપરાગત કળા એવી કઠપૂતળીની કળા માટે એક આગવું ડિપાર્ટમેન્ટ ઊભું કર્યું હતું. આ ડિપાર્ટમેન્ટે તૈયાર કરેલા ઝાંસીની રાણી અને ઢોલા મારુનો શો અત્યંત જાણીતા શો બની રહ્યા. એ માટે પંડિત બિરજ મહારાજે સંવાદો લખ્યા હતા જ્યારે ઉસ્તાદ અમજદ અલી ખાને ડિપાર્ટમેન્ટના શો માટે સરોદ વગાડયું હતું.
તે પછી સુમિત્રા અમેરિકા ગયાં. અમેરિકાના પ્રવાસ દરમિયાન તેઓ ન્યૂયોર્કના લિંકન સેન્ટર અને કાર્નેજી હોલથી કાફી પ્રભાવિત થયાં. તેમાંથી પ્રેરણા લઈને પાછાં આવ્યાં અને તેના ફળ સ્વરૂપે તેમણે ૧૯૭૧માં તેમણે દિલ્હીમાં કામાણી ઓડિટોરિયમ ઊભું કર્યું,જેનું ઉદ્ઘાટન તે વખતના રાષ્ટ્રપતિ વી. વી. ગીરીએ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન એમ. એસ. શુભલક્ષ્મીએ પર્ફોર્મન્સ આપ્યું હતું. એ રીતે ભારતમાં પહેલી જ વાર પ્રોફેશનલ થિયેટરનો આરંભ થયો. આજે પણ એ થિયેટર ‘ધ્વનિ’ એકોસ્ટિક્સ, લાઈટ્સ,કર્ટેન્સ અને વિંગ્સની બાબતમાં એક શ્રેષ્ઠ થિયેટર ગણાય છે.
હિંદુસ્તાની ગીત, સંગીત અને કળાના ક્ષેત્રમાં સુમિત્રાના શ્રેષ્ઠ યોગદાનનાં ઉપલક્ષ્યમાં ૧૯૬૩માં ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ દ્વારા તેમને ‘પદ્મશ્રી’નો એવોર્ડ એનાયત થયો હતો. ભારતીય કળાઓ વર્ષોથી જાણીતી હતી, પરંતુ તેમાં નવો ઉજાસ પાથરવાની બાબતમાં સુમિત્રા ચરતરામ ‘રેનેસાં વુમન’ તરીકે ઓળખાયાં. ભારતીય કળાનો ખરો ઉદય તેમની સંસ્થાની સ્થાપના પછી જ થયો. નવી દિલ્હી માટે તેઓ અત્યંત જાણીતા સેલિબ્રિટી બની ગયાં. આઝાદી બાદ પર્ફોમિંગ આર્ટની દુનિયામાં સુમિત્રા ચરતરામથી ઊંચું નામ બીજું કોઈ નથી.
છેલ્લાં ૬૫ વર્ષ દરમિયાન સુમિત્રા ચરતરામ દ્વારા સ્થાપિત ભારતીય કલાકેન્દ્રએ જે વિદ્યાર્થીઓ અને કલાકારો દેશને બક્ષ્યા છે તે બધા તેમના ક્ષેત્રમાં ગ્લોબલ લેજન્ડ્સ બની ચૂક્યા છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે, તે બધા જ કલાકારો-વિદ્યાર્થીઓ ભારતીય કલાકેન્દ્રના એમ્બેસેડર્સ છે.
સુમિત્રા ચરતરામે તેમની સફળતાનો વારસો તેમની મોટી દીકરી શોભાને બક્ષ્યો છે. ભારતીય કલાકેન્દ્રનું સંચાલન હવે શોભા દીપક સિંઘ કરે છે.
૨૦૦૭માં તેમના પતિ ડો. ચરતરામનું અવસાન થતાં સુમિત્રા ચરતરામની જીવવાની ઇચ્છા પણ જાણે કે સમાપ્ત થઈ ગઈ. ૨૦૧૧માં સુમિત્રા ચરતરામનું પણ અવસાન થયું.
Comments are closed.