મહાભારતના કાળમાં દિલ્હીનું નામ ઈન્દ્રપ્રસ્થ હતું. ચન્દબરદાઈની રચના પૃથ્વીરાજ રાસોમાં તોમર રાજા અનંગપાલને દિલ્હીના સંસ્થાપક કહેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં દિલ્હી ૭ વાર ઇતિહાસમાં ધ્વસ્ત થયું અને ફરી વસ્યું. એના કેટલાંક અવશેષો પણ દિલ્હીમાં જોવા મળે છે. ઈ.સ.પૂર્વે ૫૦૦ની સાલમાં દિલ્હી એક સમૃદ્ધ નગર હતું.
તા.૧ મે, ૧૨૦૬માં દિલ્હી સલ્તનતના ઉત્થાન સાથે દિલ્હી એક મુખ્ય રાજનૈતિક, વાણિજ્ય અને સાંસ્કૃતિક નગર તરીકે ઉપસ્યું. ઈ.સ. ૧૬૩૯માં મોગલ બાદશાહ શાહજહાંએ દિલ્હીને ૭મી વાર વસાવ્યું. શાહજહાંએ દિલ્હીમાં ૭ દરવાજા બનાવડાવ્યા. તે એક જ ચાર દીવાલોથી ઘેરાયેલું હતું. જેને આજકાલ પુરાણી દિલ્હી- જૂની દિલ્હી કહેવામાં આવે છે. ૧૮૫૭ સુધી દિલ્હી મોગલ સામ્રાજ્યની રાજધાની રહ્યું. તા.૧૨ ડિસેમ્બર, ૧૯૧૧ના રોજ બ્રિટિશ સામ્રાજ્યે ફરી એક વાર કોલકાતાથી હટાવીને દિલ્હીને રાજધાની બનાવી. ઈ.સ.૧૯૧૨માં બ્રિટિશ આર્કિટેક એડવિન લુટિયન્સને નવી દિલ્હીની ડિઝાઈન તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું. ૧૯૩૧માં લોર્ડ ઈરવિને નવી દિલ્હી તરીકે ઓળખાતા શહેરનું ઉદ્ઘાટન કર્યું. આજે દિલ્હી ૪૮૩ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું શહેર છે. દિલ્હીની વસ્તી આજકાલ ૧ કરોડ ૭૦ લાખ લોકોની છે.
કેજરીવાલની દિલ્હી
આવી દિલ્હી પર હવે આમ આદમી તરીકે ઓળખાતા અરવિંદ કેજરીવાલનું શાસન છે. દિલ્હીની પ્રજાએ ૭૦માંથી ૬૭ બેઠકો કેજરીવાલને આપી એક વિક્રમ સર્જ્યો છે. આટલી પ્રચંડ બહુમતીથી પોતે ડરી ગયા હોવાનું કેજરીવાલે કહ્યું છે. તેમની વાત સાચી પણ છે. દિલ્હી શહેરમાં શાસન કરવું અત્યંત કઠિન છે. કહેવાય છે કે દિલ્હીની ભીતર એક બીજું દિલ્હી વસે છે, જેને માત્ર કેજરીવાલ નિહાળી શક્યા છે. તેને ‘અન્ડરક્લાસ સિટી’ કહે છે. તેમાં તમામ જાતિ અને ધર્મના લોકો છે. એ બધા લોકો જીવનની પાયાની સુવિધાઓથી વંચિત છે. દિલ્હીમાં વર્લ્ડક્લાસ એરપોર્ટ, મેટ્રો ટ્રેન્સ, ફ્લાયઓવર્સ, સ્ટેડિયમ્સ તથા પાંચ સિતારા હોટલોની શૃંખલા છે, પરંતુ આ ઝાકઝમાળની પાછળ નર્કાગાર જેવું જીવન જીવતી ગરીબ પ્રજાનું પણ એક દિલ્હી છે. જ્યાં પીવાનું પાણી નથી. શૌચાલયો નથી, વીજળી નથી, સડકો નથી, સ્કૂલો નથી, બસ, કેજરીવાલ આ લોકોને સ્પર્શ્યા છે.
અંડરક્લાસ સિટી
અંડરક્લાસ સિટી તરીકે ઓળખાતા દિલ્હીમાં ઔદ્યોગિક કામદારો, અસંગઠિત ક્ષેત્રના મજદૂરો, નાના-મોટા દુકાનદારો, દુકાનોમાં કામ કરતા નોકરો વગેરે છે. દિલ્હીમાં ૨૧ ટકા લોકો મહિને ૭૦૦૦ રૂપિયા કરતાં ઓછી આવક ધરાવે છે. દિલ્હીના ૬૦ ટકા લોકો મહિને રૂ.૧૩,૫૦૦ કરતાં ઓછી આવક ધરાવે છે. ૯૩ ટકા લોકો મહિને રૂ.૩૧,૦૦૦થી ઓછું કમાય છે. માત્ર ૭ ટકા દિલ્હીવાસીઓની આવક મહિને રૂ.૩૧,૦૦૦ કરતાં વધુ છે. સરકારે નિમ્નતમ વેતન મહિને રૂ.૮૫૫૦ નક્કી કર્યું છે, પરંતુ ઉદ્યોગો અને ખાનગી ઓફિસોમાં તેનું કોઈ પાલન થતું નથી. આજ સુધી આવેલી એક પણ સરકારે આ વિષય પર ધ્યાન આપ્યું નથી. અરવિંદ કેજરીવાલ આ લોકો માટે શું કરી શકશે તે કહેવું મુશ્કેલ છે.
ચૂંટણી જીતવી સરળ છે, પરંતુ અરવિંદ કેજરીવાલ માટે તેમની સામે જે સમસ્યાઓ છે તે એટલી જ મુશ્કેલ છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં વીજળીના દર ઘટાડવા માંગે છે, પરંતુ દિલ્હી સરકાર પોતે કોઈ વીજળી પેદા કરતી નથી. તેઓ વીજ સબસિડી આપી શકે છે પણ તે નાણાં શિક્ષણમાંથી કે બીજા કોઈ વિભાગમાંથી લાવીને જ આપવાં પડશે. એકના ભોગે બીજામાં પૈસા વાપરવા પડશે. કેજરીવાલ સ્કૂલો બાંધવા માગે છે, પરંતુ દિલ્હી સરકાર પાસે એક ઈંચ જમીન પોતાની માલિકીની નથી. જમીન એમણે કેન્દ્ર સરકાર પાસેથી જ લેવી પડશે. દિલ્હી પાણી માટે સંપૂર્ણપણે હરિયાણા પર નિર્ભર છે. કેન્દ્રમાં અને હરિયાણામાં ભાજપની સરકાર છે. કેજરીવાલ તેમને કેટલું મનાવી શકશે તે કહેવું મુશ્કેલ છે. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ છે પણ દિલ્હીની પોલીસ કેજરીવાલના હસ્તક નથી, પણ કેન્દ્ર સરકારના તાબા હેઠળ છે. કેજરીવાલ દિલ્હી માટે પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગે છે,પરંતુ એ દરજ્જો આપવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. દિલ્હીમાં મોંઘવારીનો પ્રશ્ન છે, પરંતુ ભાવોને નિયંત્રણમાં રાખવાની નીતિ તે પણ કેન્દ્ર સરકારનો વિષય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે લોકોની અપેક્ષાઓ અગણિત છે. તેની સામે કેજરીવાલની તાકાત, મર્યાદાઓ, સ્ત્રોત, સત્તા એ બધું જ મર્યાદિત છે. કેજરીવાલ આ કપરી સમસ્યાઓનો હલ કેવી રીતે કરે છે તે જોવું રહ્યું.
જ્ઞાાતિવાર ટકાવારી
એક સરવે અનુસાર દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કઈ જ્ઞાાતિએ, કઈ પાર્ટીને કેટલા ટકા મત આપ્યા, તે પણ જાણવા જેવું છે. ઓબીસીમાં આવતા ગુજ્જર અને યાદવ જ્ઞાાતિઓમાંથી ૫૩ ટકા મત આમ આદમી પાર્ટીને, ૩૫ ટકા મત ભાજપને અને ૭ ટકા મત કોંગ્રેસને મળ્યા. આ જ્ઞાાતિઓની દિલ્હીમાં ૬ ટકા વસ્તી છે. હવે અન્ય પછાત જ્ઞાાતિઓમાં જેની વસ્તી ૧૨ ટકા છે તેમાંથી ૬૦ ટકા મત આમ આદમી પાર્ટીને, ૨૯ ટકા મત ભાજપને તથા ૯ ટકા મત કોંગ્રેસને મળ્યા છે. દિલ્હીમાં દલિતો કે જેમની વસ્તી ૧૭ ટકા છે તેમાંથી ૬૮ ટકા મત આમ આદમી પાર્ટીને, ૨૦ ટકા મત ભાજપને અને માત્ર ૬ ટકા મત જ કોંગ્રેસને મળ્યા છે.
શીખ અને મુસ્લિમ મતો
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ઘણાંને આશ્ચર્યજનક લાગે છે, પરંતુ ચૂંટણી પછી જે વૈજ્ઞાાનિક સર્વેક્ષણ થયું તેમાં કેટલીક નોંધપાત્ર બાબતો જોવા મળે છે. ૨૦૧૩માં મુસ્લિમો અને શીખ એ બન્ને કોમ આમ આદમી પાર્ટીથી દૂર રહ્યા હતા, પરંતુ આ વખતે ૭૭ ટકા મુસલમાન મતદારોએ અને ૫૭ ટકા શીખ મતદારોએ આમ આદમી પાર્ટીને મત આપ્યા છે. કોંગ્રેસને મળતા પરંપરાગત મુસ્લિમ મતો આમ આદમી તરફ ઢળ્યા છે.
એ જ રીતે ચૂંટણી પછીની મોજણીના આંકડા દર્શાવે છે કે, દિલ્હીની ગરીબ વસ્તીના ૬૬ ટકા લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યા છે, જ્યારે ગરીબ વસ્તીના માત્ર ૨૨ ટકા વોટ જ ભાજપને મળ્યા છે. જ્યારે મધ્યમવર્ગના મતો આમ આદમી પાર્ટી અને ભાજપની વચ્ચે વહેંચાયા છે. ભાજપને મધ્યમ વર્ગના ૪૧ ટકા મત તો આમ આદમી પાર્ટીને ૪૫ ટકા મત મળ્યા છે. દિલ્હીના ગ્રામ્ય વિસ્તારોમાંથી ૩૫ ટકા મત ભાજપને અને ૫૧ ટકા મત આમ આદમી પાર્ટીને મળ્યા છે.
ચૂંટણી પછીનાં સર્વેક્ષણોમાં કયા મુદ્દાના આધારે લોકોએ મતદાન કર્યું તેની વિગતો પણ રસપ્રદ છે. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની, સ્માર્ટ સિટીઝ બનાવવાની, શહેરને અદ્યતન બનાવવાની વાત પર વધુ વજન આપ્યું હતું. જ્યારે આમ આદમી પાર્ટીએ દિલ્હીના લોકોની વીજળી-પાણી જેવી મૂળભૂત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આમ આદમી પાર્ટીએ નીચલા લેવલે ચાલતા ભ્રષ્ટાચાર પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મોંઘવારી પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હવે જે મતદાન થયું તેને ટકાવારીમાં જોઈએ. પોસ્ટ પોલ સર્વેક્ષણો અનુસાર દિલ્હીના જે નાગરિકોએ મતદાન કર્યું તે પૈકી ૧૭ ટકા લોકોએ મોંઘવારીને, ૧૭ ટકા લોકોએ ભ્રષ્ટાચારના મુદ્દાને ૧૫ ટકા લોકોએ વીજળી અને પાણીના મુદ્દાને, ૧૧ ટકા લોકોએ વિકાસના મુદ્દાને, ૮ ટકા મતદારોએ સ્ત્રીઓની સલામતીના મુદ્દાને, ૪ ટકા લોકોએ નોકરીના મુદ્દા પર મતદાન કર્યું હતું. ૧૭ ટકા લોકોએ બીજા જવાબો આપ્યા હતા. જ્યારે ૧૧ ટકા લોકો “અમે જાણતા નથી” એવા જવાબો આપ્યા હતા. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટયા પણ તેની કોઈ અસર મતદારો પર નહોતી. છેલ્લા કેટલાક મહિનાઓમાં શાકભાજી અને અનાજના વધેલા ભાવોથી લોકો ત્રસ્ત અને નારાજ હતા.
Comments are closed.