રાજનીતિના બે ખેલાડીઓનો શો અદ્ભૂત રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીની ટર્ફ પર મેદાન મારી ગયા તો બીજી બાજુ પ્રેસિડેન્ટ બરાક ઓબામા તેમના વકતૃત્વથી લાખો ભારતીયોના દિલ જીતી અનેક મધુર યાદો લઈને વિદાય થયા.

અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ એક વાર કહ્યું હતું:”રાજનીતિએ પૂર્ણ સમયની રમત છે. એને અધવચ્ચે છોડી શકાય નહીં. તેમાં રહેલી મજા જોતા રહેવાથી પણ ચાલતું નથી. થોડી તડજોડ કરવી જ પડે છે, પણ આખરે તો મેદાન પર પરફોર્મ કરવંુ પડે છે. એ માટે ખેલાડીવૃત્તિ જોઈએ અને જીતવા માટે સબળ વ્યૂહરચના જોઈએ. જીતવા માટે વધુ કાંઈ કરવું પડતું નથી.”

બેઉ નેતાઓએ એમ જ કર્યું

ભારતની તાકાત નિહાળી

પ્રેસિડેન્ટ બરાક ઓબામા ભારતના ગણતંત્રના સમારોહમાં હાજરી આપવા આવ્યા. બે દિવસ રોકાયા. હૈદરાબાદ હાઉસમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચા પીધી. નવી દિલ્હી રાજપથ પર ભારતના રિપબ્લિક પરેડની શાન નિહાળી. ભારતીય જવાનો અને નારી શક્તિનો જોમ અને જુસ્સો નિહાળ્યો. ભારતની વૈવિધ્યભરી સંસ્કૃતિનું પ્રદર્શન કરતાં વિવિધ રાજ્યોના ટેબ્લો નિહાળ્યાં. ભારતની પ્રજાનો પ્રેમ પણ નિહાળ્યો અને ભારતના આતિથ્યભાવથી અભિભૂત થઈ બરાક- મિશેલે વિદાય લીધી. ભારતીય ગણતંત્ર પરેડ દરમિયાન આજ સુધી અનેક દેશના નેતાઓ આવ્યા છે પરંતુ આજ સુધીના એ મહેમાનોેની હાજરી એક ઔપચારિકતા જ બની રહી. પહેલી જ વાર પ્રેસિડેન્ટ બરાક ઓબામાની હાજરી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેનું સાનિધ્ય માત્ર ઔપચારિકતા જ ના રહેતા ભાવનાત્મક બની રહ્યું.

નેતાઓની બોડી લેંગ્વેજ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેસિડેન્ટ બરાક ઓબામાને ‘બરાક’ કહીને સંબોધ્યા. પ્રેસિડેન્ટ ઓબામા માટે જાતે જ ચા બનાવી આપી. પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વસ્ત્રોની તારીફ કરી, તેમના જેવો જ કુર્તા- પાયજામો પહેરવા ઈચ્છા વ્યક્ત કરી. બે તાકાતવર દેશોના વડાઓ વચ્ચેની કેમિસ્ટ્રી અને બોડી લેંગ્વેજ અદ્ભુત હતી.એમાંથી દોસ્તીની મધુર મહેંક પ્રગટતી હતી. ભારત અને અમેરિકા બેઉ લોકતાંત્રિક દેશો હોવા છતાં બંને દેશો વચ્ચેના સંબધોમાં ભૂતકાળમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા છે. ખાસ કરીને પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ પહેલી જ વાર અણુપ્રયોગ કર્યો ત્યારે અમેરિકા સખ્ત નારાજ થયું હતું. તે પછી બેઉ દેશો વચ્ચે સંબંધો સુધરતા વર્ષો લાગ્યા. પરંતુ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને એક નવી જ ક્ષિતિજ પર લઈ ગયા છે. કયા કયા કરારો થયા અને વિવરણ કરતા સૌથી મોટી વાત એ છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની તાકાતનું પ્રદર્શન પણ કરાવ્યું છે અને પ્રેસિડેન્ટ બરાક ઓબામાને એવો અહેસાસ પણ કરાવ્યો છે કે ભારત એક મજબૂત અને વિશ્વાસપાત્ર મિત્ર બની શકે છે.

હવે રાજનીતિની વાત. પ્રેસિડેન્ટ બરાક ઓબામા કહે છે કે, છેવટે તો તમારે મેદાન પર જ પરફોર્મ કરવંુ પડે છે. પ્રેસિડેન્ટ ઓબામા માટે પ્રેસિડેન્ટ તરીકે આ છેલ્લી ટર્મ છે. અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ બે ટર્મથી વધુ પ્રમુખ તરીકે રહી શકે નહીં. નરેન્દ્ર મોદી માટે વડા પ્રધાન તરીકે આ પહેલી ટર્મ છે.

કોણ મેદાન મારી ગયું ?

આંતરરાષ્ટ્રીય ફલક પર ખેલાયેલી આ કૂટનીતિમાં કોણ મેદાન મારી ગયું તે સ્પષ્ટ છે. અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાનું જે પ્રશાસન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદીને વિઝિટર વિઝા પણ આપવા ઈનકાર કરતું હતું તે જ અમેરિકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વ્હાઈટ હાઉસમાં લાલ જાજમ પાથરી સત્કારે છે અને એમ અમેરિકાના પ્રેસિડેન્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને સ્વીકારીને ભારતીય ગણતંત્રદિન પરેડમાં હાજરી આપે છે. એ કોનો ડિપ્લોમેટિક વિજય છે એ કહેવાની જરૂર નથી. જે વિપક્ષ નરેન્દ્ર મોદીને ‘ચા વાળો’ કહી મજાક કરતા હતા એ જ ‘ચાય પે ચર્ચા’ કરી નરેન્દ્ર મોદી બરાક ઓબામા પર છવાઈ ગયા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએે હૈદરાબાદ હાઉસની લોનમાં જે રીતે પ્રેસિડેન્ટ બરાક ઓબામાને પ્રેમથી ચા પીવરાવી તે દૃશ્ય જોઈને ચીન અને પાકિસ્તાનની સવારની ચા બગડી હશે. એ બંને દેશના પેટમાં તેલ રેડાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ કૂટનીતિથી દેશના લોકો તો ખુશ પર ગયા પરંતુ મોદીએ અમેરિકા, પાકિસ્તાન અને ચીનને પણ જે જે સંદેશા મોકલવા હતા તે મોકલી દીધા છે.

આંતરરાષ્ટ્રીય રાજનીતિ

વડા પ્રધાન તરીકે સત્તા સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીએ માત્ર દેશની જ રાજનીતિ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કૂટનીતિની પરિભાષા જ બદલી નાંખી છે. વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ તેમના શપથ ગ્રહણ સમારોહ વખતે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને પણ ભારત બોલાવ્યા. ચીનના પ્રેસિડેન્ટને પણ બોલાવ્યા અને હવે અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાને પણ બોલાવ્યા. આ બધાં દેશો સાથે સોહાર્દપૂર્ણ સંબંધો રાખવાનો ઈશારો વડા પ્રધાને કરી દીધો છે અને હવે એ દેશો એ જ નક્કી કરવાનું છે તેઓ ભારત સાથે કેવા સંબંધો રાખવા ઈચ્છે છે. ભારતને પડોશીઓ સાથે સુમધુર સંબંધોમાં અને વિકાસમાં રસ છે એ ઈશારો પણ તેમણે કરી દીધો છે. પાકિસ્તાન જેવા દેશમાં આજે વીજળી નથી, અંધારપટ છે, પેટ્રોલ-ડિઝલ નથી, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાએ ન્યૂક્લિઅર ડીલની આડેનાં રોડાં ખતમ કરી એ ડીલને ઓપરેશનલ બનાવ્યું છે. જોકે ન્યુક્લિયર ઊર્જાના જોખમો અને ખર્ચ અંગે વિશ્વમાં બે મત છે પણ તે અલગ વિષય છે. અમેરિકા હવે ભારતને ન્યુક્લિઅર રિએકટર્સ આપશે. દેશમાં વધુ વીજળી પેદા થશે. સંરક્ષણ ક્ષેત્રે સંબંધો મજબૂત બનશે. આર્િથક સહકાર વધશે. આ બધું આજ સુધી અટકી પડયું હતું. ભારત- અમેરિકાના સંબંધો ખરાબ નહોતા પણ એક્ટિવ પણ નહોતા. વડા પ્રધાનના પ્રયાસોથી તે સંબંધો સક્રિય થયા છે. ઓબામા- મોદીની આ નવી મૈત્રીથી દક્ષિણ એશિયામાં સત્તાનું સંતુલન હવે બદલાશે.

આ છે આંતરરાષ્ટ્રીય કૂટનીતિની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નવી પરિભાષા.