દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ પર સમગ્ર દેશની નજર છે. દિલ્હી દેશની રાજધાની છે. દેશમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર છે, પરંતુ પાટનગરમાં ગઈ ચૂંટણી વખતે કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળવાને કારણે છેલ્લા કેટલાયે મહિનાઓથી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સરકાર નથી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી. તે પછી હરિયાણા, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીઓ થઈ. હરિયાણામાં ભાજપાનું પ્રદર્શન સારું રહ્યું. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપાને સ્પષ્ટ બહુમતી ના મળી. છેવટે ત્યાં તેની જૂની સહયોગી પાર્ટી શિવસેના સાથે ગઠબંધન કરી સરકાર રચવી પડી. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ૮૭ બેઠકો પૈકી ભાજપાને ૨૫ બેઠકો પર જીત મળી. આ ત્રણેય રાજ્યોનાં પરિણામોના કારણે દિલ્હી વિધાનસભાની ચૂંટણી રસપ્રદ થઈ ગઈ છે તેનું એક કારણ એ છે કે,દેશની કેન્દ્ર સરકાર ભાજપાના હાથમાં છે તેથી ભાજપા ઇચ્છે છે કે, દેશના પાટનગરમાં પણ ભાજપાનું જ શાસન હોય. બીજું કારણ એ છે કે, ભાજપા દેશમાં એવો સંદેશ મોકલવા માગે છે કે, કેન્દ્રમાં સત્તા હાંસલ કર્યા બાદ આમ જનતાના ભાજપા પ્રત્યેના લગાવમાં કોઈ જ કમી આવી નથી.
ભારતીય જનતા પાર્ટીએ પક્ષના સ્થાનિક નેતાઓની પરવા કર્યા વિના પૂર્વ આઈ.પી.એસ. ઓફિસર કિરણ બેદીને દિલ્હીનાં મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરી જ દીધાં છે. કિરણ બેદીની પ્રતિભા એક સખ્ત ટાસ્કમાસ્ટરની છે. ૪૦ વર્ષનો વહીવટી અનુભવ છે. ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે તેઓ કોઈની શેહશરમ ભરતાં નહોતાં. દિલ્હીની જેલમાં પણ તેઓ કેટલાક સુધારા લાવ્યાં હતાં. તેમની દીકરીના મેડિકલમાં એડમિશન અંગે અને વિમાનની ટિકિટ અંગે ભૂતકાળમાં વિવાદ થયેલા છે. નિવૃત્ત થયા બાદ તેઓ અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં મહત્ત્વનાં સભ્ય હતાં. તે પછી અરવિંદ કેજરીવાલ સાથે વૈચારિક મતભેદ થતાં તેમનાથી અલગ થઈ ગયાં હતાં. અલબત્ત, ઇતિહાસ એવો છે કે, કોઈ એક તબક્કે તેમણે ૨૦૦૨નાં તોફાનો અંગે એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસે એ દંગાઓ અંગે જવાબ માગ્યો હતો. હવે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિભા-વ્યક્તિત્વ- પ્રશાસન- નેતૃત્વથી પ્રભાવિત છે. જીવનમાં પરિવર્તન લાવવું જોઈએ તેમ કહી ભાજપામાં જોડાયાં છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે, દિલ્હીના એક અખબારમાં આવેલી નોંધ અનુસાર ભાજપામાંથી ટિકિટ લેવાના ત્રીજા પ્રયાસમાં કિરણ બેદીને સફળતા મળી છે. સૌથી પહેલાં તેમણે ૨૦૧૩માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવા ભાજપામાં લોબિંગ કર્યું હતું. તે પછી ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી લડવા માટે પણ ટિકિટ લેવા પ્રયાસ કર્યો હતો. તેઓ એલ. કે. અડવાણી સાથે નિકટનો ઘરોબો ધરાવતાં હતાં, પરંતુ આ વખતે તેમને ધારી સફળતા મળી છે.
કિરણ બેદીને ટિકિટ આપવાની તથા દિલ્હીનાં મુખ્યમંત્રી તરીકે તેમને પેશ કરવાની વ્યૂહરચના પાર્ટી પ્રમુખ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છે. આંતરિક સરવેમાં માલૂમ પડયું હતું કે, દિલ્હીમાં કોંગ્રેસનો કોઈ ગજ વાગે તેમ નથી, પરંતુ આમઆદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ ભાજપા માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે. ગરીબ લોકોમાં અરવિંદ કેજરીવાલ હજુ લોકપ્રિય છે. બુદ્ધિજીવીઓમાં ધરણાં બાદ કેજરીવાલની લોકપ્રિયતા ઘટી છે, પરંતુ ફરીથી ત્રિશંકુ વિધાનસભા આવે અને પાટનગરમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી ના મળે તો દેશમાં એક ખરાબ મેસેજ જઈ શકે છે. આ પરિપ્રેક્ષ્યમાં પક્ષના પ્રમુખ કોઈ જોખમ લેવા માગતા નથી. તેમણે કેજરીવાલના ચહેરા સામે એવો જ લોકપ્રિય ચહેરો- કિરણ બેદીને મેદાનમાં ઉતારી દઈ માસ્ટર સ્ટ્રોક માર્યો. દિલ્હીના મુખ્યમંત્રી બનવા માગતા જગદીશ મુખીથી માંડીને બીજા નેતાઓની પરવા અમિત શાહે કરી નથી. પાર્ટી પ્રમુખ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ જ કાર્યપદ્ધતિ છે. કોઈનીયે પરવા ના કરવી તેમની સફળ રાજકીય શૈલી છે.
આ બધું ચાલતું હતું ત્યારે કોંગ્રેસને ફટકો વાગે તેમ યુ.પી.એ. સરકારના ભૂતપૂર્વ મંત્રી ક્રિશ્ના તિરથ રાતોરાત ભાજપામાં જોડાઈ ગયાં. ક્રિશ્ના તિરથ એ કોંગ્રેસ માટે દલિત ચહેરો હતો. કોંગ્રેસે તેમને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો. ભાજપાએ ક્રિશ્ના તિરથને માત્ર પ્રવેશ જ નથી આપ્યો, પરંતુ ટિકિટ પણ આપી દીધી છે. ક્રિશ્ના તિરથને કારણે ભાજપાને દલિત મતોમાં ફાયદો થઈ શકે છે,પરંતુ સાથેસાથે એ પણ નોંધવું જોઈએ કે સુશ્રી માયાવતીએ બહુજન સમાજ પાર્ટી તરફથી દિલ્હીની તમામ બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા છે. માયાવતીની પાર્ટીના ઉમેદવારો કોને નુકસાન પહોંચાડે છે તે જોવું રહ્યું.
અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના ઘણા સભ્યો ભાજપામાં જોડાઈને પદ પામી ચૂક્યા છે. અણ્ણા બાજુમાં નજર આવતા વી. કે. સિંહ હવે કેન્દ્રમાં મંત્રી છે. કિરણ બેદી દિલ્હીનાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. પહેલાં અણ્ણા તે પછી કેજરીવાલ સાથે નજરમાં આવતાં એક્ટિવિસ્ટ શાઝિયા ઈલ્મી પણ આમઆદમી પાર્ટી છોડીને ભાજપામાં જોડાઈ ગયાં છે. અલબત્ત, ભાજપામાં જે રીતે કિરણ બેદીનું સ્વાગત થયું તેવું શાઝિયા ઈલ્મીનું થયું નથી. તેમણે ટિકિટ માગી નથી અથવા મળી નથી. પરંતુ આમઆદમી પાર્ટીનાં કાંગરા તોડવામાં પાર્ટી પ્રમુખ અમિત શાહને સફળતા જરૂર મળી છે. શાઝિયા ઈલ્મી કે જેઓ ખુદ ગઈ ચૂંટણી હારી ગયાં હતાં તેમના ભાજપામાં આવવાથી પક્ષને ફાયદો કેટલો થશે એ તો ખબર નથી, પરંતુ અરવિંદ કેજરીવાલનો જુસ્સો તોડવા માટે આમઆદમી પાર્ટીના આ ચહેરાનો ઉપયોગ કરવામાં પક્ષપ્રમુખને જરૂર સફળતા મળી છે.
હાલ તો એમ લાગે છે કે, ભાજપાએ અણ્ણા હઝારેનાં જ બે પૂર્વ અનુયાયીઓને સામસામે ભીડાવી દીધાં છે. ચૂંટણી મુદ્દા આધારિત ઓછી અને આક્ષેપાત્મક વધુ છે. કોંગ્રેસના અજય માકનની ગાંધીટોપી વિરુદ્ધ કેજરીવાલની વાંકી ટોપી વિરુદ્ધ કિરણ બેદીની ખાખી ટોપી વચ્ચેનું યુદ્ધ રસપ્રદ બન્યું છે. કિરણ બેદી જે રીતે જાહેરમાં અને મીડિયા સમક્ષ બોલે છે તેથી ભાજપાને ફાયદો થશે કે નુકસાન તે હવે માલૂમ પડશે. દિલ્હીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે તો તેમાં કિરણ બેદીનો ઓછો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રોલ વધુ હશે. કિરણ બેદી ભાજપ માટે ફાયદાકારક કે નુકસાનકારક નીવડે છે કે કેમ તે પર પણ સૌની નજર છે.
કોણ મુખ્યમંત્રી : દિલ્હી વિધાનસભાની ચૂંટણી પર હવે સમગ્ર દેશની નજર છે !
Comments are closed.