રામગોપાલ એક ટ્રક ડ્રાઈવર છે. એ ઉત્તર પ્રદેશના દૂરદૂરના નાનાકડા ગામનો રહેવાસી છે. મુંબઈથી દિલ્હી સુધીના લાંબા અંતરની ટ્રક ચલાવે છે. પંદરથી વીસ દિવસે અથવા તો ક્યારેક એક મહિને તે તેના પરિવારને મળે છે. બે રાત ગુજારી ના ગુજારી અને ફરીથી ટ્રક લઈને લાંબી દડમજલ માટે નીકળી પડે છે. દિવસો સુધી બહાર રહે છે. મોડી રાત્રે કોઈ ઢાબા પાસે ગાડી ઊભી રાખી ટ્રકમાં ડ્રાઈવરની સીટ પર જ નીંદર ખેંચી નાખે છે. ફરી હાથપગ મોં ધોઈ ઢાબાની હોટેલ પર ચા પી ટ્રક લઈ નીકળી પડે છે. જેવો તે દિલ્હીથી ઉત્તર પ્રદેશની, હરિયાણાની કે ગુજરાતની સરહદમાં પ્રવેશે છે તેણે આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસે ટ્રક થોભાવી દેવી પડે છે. કાગળિયાં તપાસવામાં આવે છે. દરેક બોર્ડર પર તેણે ટ્રકદીઠ ૧૦૦ રૂપિયાની નોટ આરટીઓના ડમી માણસને આપી દેવી પડે છે.
હરિયાણાની બોર્ડરમાં પ્રવેશતી વખતે હરિયાણાની ટ્રક હોય તો તેને જવા દેવામાં આવે છે. રાજસ્થાનમાં રાજસ્થાનની ટ્રક હોય તો તેને જવા દેવામાં આવે છે. ગુજરાતની બોર્ડરમાં પ્રવેશતી ગુજરાતના નંબરવાળી ટ્રક હોય તો તેને જવા દેવામાં આવે છે. બાકીનાં તમામ રાજ્યોની ટ્રકોએ આર.ટી.ઓ. ચેકપોસ્ટ પર ૧૦૦ની લાંચ આપવી પડે છે. વાપી-વલસાડથી માંડીને રતનપુર-શામળાજીની ચેકપોસ્ટ પરના આ વરવાં દૃશ્યો અને થાકેલા ડ્રાઈવરની લાચારીભરી સ્થિતિ જોઈને લોહી ઊકળી આવે છે. આવી પ્રત્યેક ચેકપોસ્ટ સાંજ પડે એક લાખથી પાંચ લાખ સુધીનું ઉઘરાણું કરી લે છે. એ રકમ મહિને દહાડે કરોડોમાં થાય છે. ભારત એક સમવાયી તંત્ર ધરાવતો દેશ છે, પરંતુ એક રાજ્યનો આર.ટી.ઓ. અધિકારી બીજા રાજ્યમાંથી આવતી ટ્રકના ડ્રાઈવર પાસેથી લાંચ પડાવે છે તે માત્ર કાનૂનભંગ જ નથી, પરંતુ દેશના સમવાયી તંત્રને નુકસાન કરનારી બાબત છે.
બંધ કન્ટેનર્સ ક્યારે ?
દુનિયાના કોઈ દેશમાં આર.ટી.ઓ.ના નામનો ભ્રષ્ટાચાર નથી. અમેરિકા તો ભૌગોલિક રીતે ઘણો વિશાળ દેશ છે. લોસ એન્જલિસથી ઊપડેલી ટ્રકને ન્યૂયોર્ક પહોંચવામાં દિવસોના દિવસો લાગે છે, પરંતુ રસ્તામાં ક્યાંયે આર.ટી.ઓ. નામની ચેકપોસ્ટ જ નથી. હા, ટ્રાફિકરૂલનો કે સ્પીડ મર્યાદાનો ભંગ કરો તો તરત જ પકડાઈ જવાય તેવી રડાર સિસ્ટમ છે. એ જ રીતે ભારે માલ વહન કરતાં ટ્રક્સ માટે કડક નિયમો છે. કોઈપણ ટ્રક તેનો સામાન ખુલ્લો લઈ જઈ શકતો નથી. અહીં તો શાકભાજીથી માંડી ગ્રીટ મેટલ કપચી અને લોકોની આંખમાં ઘૂસી જાય તેવા ખુલ્લા સળિયા સાથે ટ્રકો દોડતી દેખાય છે. ખુલ્લા સળિયા સાથે દોડતી ટ્રકો દેખાય પણ નહીં એવું લાલ કપડું માત્ર ભરાવવા ખાતર ભરાવે છે. આ અંગ્રેજોના જમાનાની આઉટ ઓફ ડેટ સિસ્ટમ છે. થોડાક પછાત દેશોને બાદ કરતાં દુનિયાના તમામ દેશોમાં કોઈપણ સામાન બંધ કન્ટેનર્સમાં લઈ જવામાં આવે છે. ટ્રકો માટે નિર્ધારિત કરેલા નિયમોનું ક્યાંય પણ ઉલ્લંઘન જોવા મળતું નથી. ટ્રકચાલકોને સરકારી અમલદારો તરફથી કોઈ પરેશાની પણ નથી.
ભ્રષ્ટાચારનાં કેન્દ્રો
ભારત સરકારના પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આર.ટી.ઓ.ને ખતમ કરી દેવાની વાત કરી છે તે આવકારદાયક છે. ભારતમાં આર.ટી.ઓ. કચેરીઓ અને તેનું તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયા છે. અહીં કેવળ નિયમોની ધજ્જીયાં જ ઉડાવવામાં આવતી નથી, પરંતુ ડ્રાઇવિંગ લાઈસન્સ બનાવવાથી માંડીને વાહનોનું રજિસ્ટ્રેશન કરાવવામાં અને ફિટનેસ ર્સિટફિકેટ લેવાનું કામ લાંચ આપ્યા વગર થતું નથી. દેશમાં આર.ટી.ઓ.ના દરેક કાર્યાલયની બહાર અનેક દલાલો સક્રિય હોય છે. આ દલાલો આર.ટી.ઓ. અધિકારીઓ વતી જ કામ કરે છે. કેટલાયે રાજ્યોનાં આર.ટી.ઓ. કાર્યાલયોમાં કરોડોના રોડ ટેક્સ ગોટાળા બહાર આવ્યા છે. કેટલાક કેસોમાં તો અધિકારીઓ ખુદ પૈસા ખાઈ જાય છે અને નકલી ડીડીનો ઉપયોગ કરી ટેક્સ પૂરેપૂરો જમા થઈ ગયો હોવાનું દર્શાવાય છે.
ભારતમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ વાહન ચલાવવાનું લાઈસન્સ આપવાની પદ્ધતિમાં છે. વિદેશોમાં લાઈસન્સ આપવાની પદ્ધતિ સરળ છે, પરંતુ પરીક્ષા કઠિન છે. કાર ચલાવવાનું લાઈસન્સ આપવાની બાબતમાં પાશ્ચાત્ દેશોમાં કોઈ લાંચ લેવાતી નથી. કેટલીકવાર તો પાંચ પાંચ વાર ટેસ્ટ આપ્યા બાદ જ ડ્રાઇવિંગ લાઈસન્સ મળે છે. અમેરિકામાં કોઈ નાગરિકને ડ્રાઈવિંગ લાઈસન્સ મળે તો તેની ખુશીમાં તે મિત્રોને પાર્ટી આપે છે. એથી ઊલટું ભારતમાં માત્ર એક કલાકમાં લાઈસન્સ મળી જાય છે. બસ નોટ આપવાની જ જરૂર રહે છે. ટ્રકો, મિનિ ટ્રકો ચલાવનારા હાઈવે પર બેફામ વાહનો દોડાવે છે. તેની પર કોઈ ધ્યાન અપાતું નથી. ટ્રક ચલાવવી તે અભણ માણસોનો ધંધો થઈ પડયો છે. પૈસાદારોના પુત્રો તો તેમને મળતું લાઈસન્સ તે ‘લાઈસન્સ ટુ કીલ ‘ છે તેમ સમજે છે ભારતના તમામ રાજ્યોના આર.ટી.ઓ. કાર્યાલયમાં માત્ર અને માત્ર પૈસાનો જ ખેલ દેખાય છે. કેટલાક આર.ટી.ઓ. અધિકારીઓના કબાટમાં પૈસા મૂકવા જગા નાની પડે છે. આડેધડ અપાતા ડ્રાઈવિંગ લાઈસન્સના કારણે ભારતમાં અકસ્માતો અને મોતની ઘટનાઓ પણ અધિકતમ છે.
વિદેશોમાં પોલીસ ક્યાં ?
અમેરિકા, ઇટાલી, ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, બ્રિટન, નોર્વે, સ્વીડન, નેધરલેન્ડ, સ્વિત્ઝરલેન્ડથી માંડીને સિંગાપોરથી માંડીને હોંગકોંગમાં સડકો પર ક્યાંય પણ ટ્રાફિક પોલીસ જોવા મળતી નથી. છતાં લોકો ટ્રાફિકના નિયમોનું બરાબર પાલન કરે છે. દરેક જગાએ સાઈન બોર્ડ લાગેલાં હોય છે. લોકો લેન બદલતાં પણ સિગ્નલ આપે છે. ધીમે ચાલતા વાહનો સ્લો લેઈનમાં દોડે છે. ઝડપથી દોડતાં વાહનો ફાસ્ટ લેનમાં જ દોડે છે. ભારતમાં જરૂર કરતાં વધુ વજન ભરેલી ટ્રકો ધીમી ચાલતી હોય તો પણ ફાસ્ટ લેન છોડતી નથી અને ઝડપથી દોડતી ગાડીઓ સ્લો લેનમાં દોડતી જણાય છે. દુનિયાભરના દેશોમાં બધા જ રસ્તાઓ રડાર,સીસીટીવી કેમેરાઝ અને સેટેલાઈટથી મોનિટર થાય છે. અહીં તો ટ્રાફિક પોલીસ રસ્તા પર ટ્રાફિક નિયંત્રણ કરવાનું છોડી એકાદ ટ્રકવાળાને કે મિનિ ટ્રકને રોકી રોકડી કરવા માટે તોડ કરવામાં સમય બરબાદ કરતો જણાય છે. પાશ્ચાત્ દેશોમાં કોઈ કાર કે ટ્રક ટ્રાફિકના નિયમનો ભંગ કરે તો ઇ-મેલ દ્વારા જ દંડ ભરવાની સૂચના તેના ઘરે પહોંચી જાય છે. નાનામાં નાના ટ્રાફિક નિયમ ભંગ માટે મોટી રકમનો દંડ ભરવો પડે છે. અહીં દંડની જે રકમ સરકારની તિજોરીમાં જવી જોઈએ તે રકમ ટ્રાફિક પોલીસ દ્વારા ઉપરી અધિકારીઓના ખિસ્સામાં જાય છે.
ભારતને બદલવાની જરૂર છે. સૌથી પહેલાં તો તંત્રને બદલવું પડશે. તે પછી લોકોએ બદલાવું પડશે. ભારતને વર્લ્ડ ક્લાસ દેશ બનાવવો હોય તો માત્ર આજની આર.ટી.ઓ. પ્રથા આજની ટ્રાફિક પોલીસ અને આજની સિસ્ટમ નહીં ચાલે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારનાં વાહનો જપ્ત કરી લો, રૂ. ૧૦થી ૧૫ હજારનો દંડ ભરાય પછી જ વાહન મુક્ત કરો અને વાહનચાલક પાસેથી લાંચની રકમ લેનારાઓને દસ-પંદર વર્ષની સજા કરો. એમ નહીં થાય તો મધ્યપ્રદેશમાં જે રીતે ગેરકાનૂની આર.ટી.ઓ.ના સંચાલન માટે મોટો ગોટાળો બહાર આવ્યો તેથી અનેક કૌભાંડો બહાર આવતાં રહેશે. ટ્રાફિક સિગ્નલ તોડનારનો પાંચ હજારનો દંડ થશે અને તેમાં કોઈ લાગવગ નહીં ચાલે એવી પ્રતીતિ તંત્રને અને પ્રજાને કરાવવી જરૂરી છે.
વિદેશોમાં ડ્રાઈવિંગ લાઈસન્સની પ્રક્રિયા સરળ છે, પરંતુ તેની પરીક્ષા અઘરી છે

Comments are closed.