આ જે એક શિક્ષકની વાત છે.

વિદ્યાર્થીના જીવનઘડતરમાં માતા-પિતા પછી શિક્ષકનું સ્થાન છે. એક શિક્ષકે આપેલું જ્ઞાાન અને સંસ્કાર કોઈ પણ વ્યક્તિના જીવનના અંત સુધી ચિરંજીવ પ્રભાવ જારી રાખે છે. એવા જ એક શિક્ષકનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ. તા. ૧૩-૧-૧૯૧૯ના રોજ નડિયાદ તાલુકાના પીજ ગામે જન્મેલા વિઠ્ઠલભાઈના પિતાનું નામ જેઠાભાઈ અને માતાનું નામ રૂપબા. જેઠાભાઈના ત્રણેય સંતાનો શિક્ષક બન્યા.

વિઠ્ઠલભાઈ સાત વર્ષની ઉંમરે પીજની કુમારશાળામાં દાખલ થયા હતા. માધ્યમિક શિક્ષણ વસોમાં લીધું અને ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું. આઝાદી પહેલા તેઓ ગ્રેજ્યુએટ થયા. એ વખતે દેશમાં સ્વાતંત્ર્યસંગ્રામ ચાલતો હતો. ૧૯૪૨માં ગાંધીજીની હિન્દ છોડો હાકલ વખતે અંગ્રેજો સામે તેઓ પણ સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા. એ વખતે દેશમાં અંગ્રેજોની સરકાર હતી. અંગ્રેજોનો વિરોધ કરવા સરકારી ટપાલ અને મનીઓર્ડરની લૂંટ કરવા માટે રચાયેલી ટપાલ જલાવ ટૂકડીની આગેવાની લીધી. બોરિયાવી ગામથી નરસંડા જતી ટપાલ લૂંટી. તે પછી મહેમદાવાદથી ખેડા જિલ્લાના ૮૨ ગામોમાં ટપાલ લૂંટી અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો.

૧૯૪૪માં તેઓ આણંદમાં આવેલી દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલ (ડી.એન.)માં માસિક રૂ.૨૦ના વેતનથી શિક્ષક તરીકે જોડાયા. નોકરી સાથે અધૂરો અભ્યાસ પૂરો કર્યો. જિંદગીભર તેમણે ઈસ્ત્રી વગરના ખાદીના વસ્ત્રો જ પહેર્યા. સફેદ ધોતિયું, સફેદ ઝભ્ભો અને માથે ગાંધી ટોપી. નોકરીના સમયગાળા દરમિયાન વર્ગશિક્ષક, વ્યાયામ શિક્ષક, ગૃહપતિ, આચાર્ય અને સંસ્થાના મંત્રીપદ સુધીની જવાબદારી સંભાળી. શાળાને જ તેઓ સ્વર્ગ માનતા. તેમના વિદ્યાર્થીઓ કહે છે કે, ‘અમારા સાહેબ શાળામાં સહુથી વહેલા આવે. વર્ગખંડની સ્વચ્છતાથી માંડીને મેદાનની સફાઈનું કામ જાતે ઊભા રહીને કરાવે. મેદાનમાં ક્યાંય કચરો દેખાય તો જાતે ઉપાડી લે. કોઈ વિદ્યાર્થી તોફાન કરે તો તેને શિક્ષા પણ કરે અને લાગણી પણ બક્ષે. દૂર દૂરના ગામથી ચાલીને આવતા વિદ્યાર્થીને તંદુરસ્તીનું મહત્ત્વ પણ સમજાવે. પોતે વ્યાયામ શિક્ષક હોવા છતાં ગુજરાતી ભાષા પર તેમની જબરદસ્ત પકડ હતી. ઘણીવાર ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ પણ કરાવે. તેમના અનેક વિદ્યાર્થીઓ ડોક્ટરો, વકીલો, ઈજનેરો, વૈજ્ઞાાનિકો અને શિક્ષકો બન્યા. જે સંસ્થામાં તેઓ શિક્ષક હતા તે જ ચારુતર વિદ્યામંડળના મંત્રી પણ બન્યા.

વિઠ્ઠલભાઈની એક શિક્ષક તરીકે ખૂબી એ હતી કે, સાદગી સંયમ અને ઉદાત્ત ચારિત્ર્યને તેઓ જીવનનાં મહત્ત્વપૂર્ણ અંગો માનતા. જિંદગીભર સરકાર તરફથી મળતું ઘરભાડું કે તબીબી ભથ્થું કદી યે ના લીધું. નિવૃત્ત થયા પછી પ્રતિમાસ મળતું પેન્શન પણ કદી ના લીધું. પોતે ગૃહપતિ હોવા છતાં હોસ્ટેલના રસોડામાં કદી ના જમ્યા. હોસ્ટેલનો વિદ્યાર્થી બીમાર પડે તો તેને પોતાના ઘેર રાખી તેની સારવાર કરાવતા.

શિક્ષક તરીકેની તેમની શ્રેષ્ઠ કામગીરીને લીધે તેમને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થયો. ૧૯૬૪-૬૫ દરમિયાન ભારત- અમેરિકા વચ્ચે ”ફુલબ્રાઈટ શિક્ષક વિનમય યોજના”ના અન્વયે તેઓ બ્રાઈટ સ્કૂલ, રોચેસ્ટર સિટી, અમેરિકામાં શિક્ષક તરીકે નીમાયા. અમેરિકામાં તેમણે અમેરિકન વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપ્યું. આ કામ તેમણે એક વર્ષ સુધી કર્યું. તેમની આ સુંદર કામગીરી જોઈને અમેરિકન સ્કૂલના સંચાલકોએ અને અમેરિકન વાલીઓએ તેમનું સન્માન કર્યું. આ સન્માનની સાથે તેમને ૫૦૦ ડોલરનો ચેક આપ્યો. પરંતુ વિઠ્ઠલભાઈ પટેલે માત્ર સન્માન જ સ્વીકાર્યું, ચેક નહીં.

રાજ્યમાં અને રાજ્ય બહાર આણંદની ડી.એન. હાઈસ્કૂલ એ આચાર્ય વિઠ્ઠલભાઈની સ્વપ્નભૂમી છે એમ કહેવાતું. વિઠ્ઠલભાઈ ડી.એન. હાઈસ્કૂલને ચરોતર એજ્યુકેશન સોસાયટીને સર્મિપત હતા. રિટાયર્ડ થયા ત્યારે નહોતું તેમનું પોતાનું ઘર કે નહોતું બેંક બેલેન્સ, પણ પોતાના કર્મથી સૌના મનમાં, હૃદયમાં વસી રહ્યા હતા. ડી.એન. હાઈસ્કૂલ માત્ર તેમની કર્મભૂમિ નહોતી, પરંતુ તેમણે પાર કરેલા કાર્યો પૂરા પાડયા તે સ્વપ્નભૂમિ હતી.

વિઠ્ઠલભાઈ પ્રકૃત્તિપ્રેમી હતા. કોણ જાણે તેમને મૃત્યુનો સંકેત મળ્યો હોય તેમ એક કાગળમાં લખ્યું હતું કે મારા મૃત્યુ પછી મારા દેહ પર ફૂલો કે ફૂલહાર ન મૂકતાં. ફૂલોને પણ પોતાનો જીવ વહાલો હોય છે. અગ્નિમાં તેમને શા માટે બાળવા જોઈએ, તેમની સુગંધને શા માટે નષ્ટ કરવી જોઈએે. તેવી તેમણે નોંધ કરી હતી.

પોતાનું સમગ્ર જીવન વિદ્યાર્થી અને શિક્ષણ પાછળ સમર્પી દેનાર, મૂર્ધન્ય કેળવણીકાર, ચરોતરના શિક્ષણ પ્રહરી વિઠ્ઠલભાઈનો તા. ૮-૮-૧૩ને ગુરુવારના રોજ ૯૪ વર્ષની વયે સ્વર્ગવાસ થયો. ૯૩ વર્ષના પત્ની મણીબા સહિત સૌ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. તા. ૧૧-૮-૧૩ના રોજ સવારે નવ વાગે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા તેમની ઈચ્છા મુજબ સાદગીભર્યા માહોલમાં નીકળી હતી. તેમના દેહને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ ડી.એન. હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યો હતો. તેમની ઈચ્છા મુજબ અંતિમ સંસ્કારમાં ફક્ત કાયમી પહેરણ, ધોતિયું અને ૨૫ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં અગ્નિ સંસ્કાર કરવો. ફૂલ કે હાર ચડાવવા નહિ. કોઈ પણ પ્રકારની લૌકિકક્રિયા કરવી નહિ તેવી તેમની અંતિમ ઈચ્છા હતી.

આજે હજારો વિદ્યાર્થીઓ એક આદર્શ શિક્ષક એવા વિઠ્ઠલભાઈ પટેલને યાદ કરે છે.

શિક્ષણ એક પવિત્ર વ્યવસાય છે. કોઈ પણ દેશના રાષ્ટ્ર ઘડતરમાં શિક્ષક જ મહત્ત્વનો રોલ અદા કરે છે. શિક્ષક ધારે તો કૃષ્ણ જેવા ગીતા જ્ઞાાનના ઉપદેશક પેદા કરી શકે છે. ગુરુ ધારે તો ભગવાન રામ જેવો આદર્શ પેદા કરી શકે છે.શિક્ષક ધારે તો ગાંધીજી જેવી પ્રતિભા પેદા કરી શકે છે. શિક્ષક ધારે તો ક્રાંતિ સર્જી શકી છે. શિક્ષક ધારે તો સમાજવ્યવસ્થા બદલી શકે છે. શિક્ષક ધારે તો દુનિયા બદલી શકે છે. માતા-પિતા તો બાળકને માત્ર જન્મ જ આપે છે, લાગણીના અતિરેકમાં માતાપિતા ઘણીવાર બાળકનું ઘડતર કરવામાં ઉણા ઉતરે છે, પરંતુ તેમને શ્રેષ્ઠ નાગરિક બનાવવાનું કામ શિક્ષક જ કરી શકે છે. ઓશો રજનીશ કહે છે કે ડો. સર્વપલ્લી રાધાક્રિષ્ણ એક શિક્ષક મટી રાષ્ટ્રપતિ થયા એટલે આપણે તેમનું સન્માન કરીએ છીએ કારણ કે એ રાષ્ટ્રપતિપદનું સન્માન છે, શિક્ષકનું નહીં. પરંતુ જે દિવસે એક રાષ્ટ્રપતિ શિક્ષક બનશે તે દિવસે જ શિક્ષકનું શ્રેષ્ઠ સન્માન હશે.

ચાલો આપણે આપણા ગુરુજનોનું સન્માન કરીએ.

– દેવેન્દ્ર પટેલ