‘ડો ક્ટર સાહેબ ! આ છોકરી લગ્ન કરવા જેવડી થઈ ગઈ છે. પણ એનો હાથ કોણ પકડશે ?”

૧૪ વર્ષની દીકરીના કપાયેલા હોઠ દર્શાવતાં છોકરીની માએ કહ્યું:”મારી છોકરીને જન્મજાત ખોડ છે. જન્મથી જ એના હોઠ કપાયેલા છે. એ મોટી થશે તો એની સાથે લગ્ન કોણ કરશે?”

વડનગર નાગરિક મંડળ દ્વારા ચાલતી હોસ્પિટલમાં એક યુવાન ડોક્ટર સામે આ કેસ આવ્યો હતો. નવા સવા જોડાયેલા હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર તબીબે છોકરીના ચહેરાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને કહ્યું: ”તમારી દીકરીના કપાયેલા હોઠ ઠીક કરવા માટે તો પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. પ્લાસ્ટિક સર્જરી કરાવવા તમારે અમદાવાદ જઈ કોઈ પ્લાસ્ટિક સર્જનને બતાવવું પડશે.”

પેલી સ્ત્રીએ કહ્યું: ”સાહેબ, અમે ગરીબ છીએ. અમારી પાસે અમદાવાદ જવાનું ભાડું પણ નથી. ઓપરેશનના પૈસા ક્યાંથી લાવીશું?”

 આવનાર મહિલાની ગરીબી અને એની દીકરીના અંધકારમય ભાવિની ચિંતા ડોક્ટરે નીરખી લીધી. થોડીવાર પછી તેઓ બોલ્યાઃ”જુઓ બહેન! હું જનરલ સર્જન છું. કપાયેલા હોઠ સારા કરવાનું કામ આમ તો પ્લાસ્ટિક સર્જનનું છે પરંતુ આવા ઓપરેશન કેવી રીતે કરાય તે મને પણ આવડે છે. આવું ઓપરેશન મેં કદીયે કર્યું નથી પરંતુ હું આ ઓપરેશન કરીશ તો સારું પરિણામ લાવી શકવાની ખાતરી આપું છું. હું સર્જરીનું ભણતો હતો ત્યારે અભ્યાસ દરમિયાન પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં છ મહિના આવા ઓપરેશનોમાં મદદનીશ ડોક્ટર તરીકે કામ કર્યું છે તમને મારી પર ભરોસો હોય તો હું ઓપરેશન કરું.”

આવનાર ગરીબ મહિલા પાસે અમદાવાદ જઈ પ્લાસ્ટિક સર્જન પાસે ઓપરેશન કરાવવા પૈસા નહોતા. બીજી બાજુ છોકરી ઉંમર લાયક થતાં દીકરીના કપાળે કંકુનો સૂરજ ક્યારે ઊગશે તેની ચિંતા તેને કોરી ખાતી હતી. એણે કહ્યું: ” ડોક્ટર સાહેબ! તમને ઠીક લાગે તેમ કરો. મને તમારી પર ભરોસો છે.”

‘તો હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. બે દિવસ પછી દીકરીને હોસ્પિટલમાં દાખલ કરી દેજો’ ડોક્ટરે કહ્યું.

દર્દીને ઓપરેશનની તારીખ આપ્યા પછી ડોક્ટર પ્લાસ્ટિક સર્જરી કલેફ્ટલીપ વિશેની વિવિધ પદ્ધતિઓ વિશે અભ્યાસમાં જે ભણ્યા હતા, તે ફરીવાર વાંચી ગયા. વડનગર નાગરિક મંડળ હોસ્પિટલમાં આ પહેલા ક્યારેય પ્લાસ્ટિક સર્જરી થતી નહીં એટલે આ સર્જરી માટે જરૂરી ર્સિજકલ સાધનો પણ નહોતા. કપાયેલા હોઠને બરોબર ગોઠવવા માટે તેનું માપ મેળવવા માટે કેલિપર્સ નામના સાધનનો ઉપયોગ થાય. ક્લેફ્ટલીપ સર્જરી કરવા માટે આ સાધન ખૂબ જ મહત્ત્વનું ગણાય. ભૂમિતિનું માપ લેતા હોય તેમ, હોઠ પર ચેકો મૂકવા માટે કેલિપર્સ દ્વારા ચોકસાઈપૂર્વક માપ કાઢવું પડે. સર્જરીની સફળતા માટે તેની મહત્ત્વની ભૂમિકા રહે. પણ આ સાધનની કિંમત તો પચાસ હજાર રૂપિયાથી વધુ થાય. ડોક્ટરે મોંઘા સાધનની સામે એક સસ્તો વિકલ્પ શોધી કાઢયો. પ્રાથમિક શાળામાં ભૂમિતિના વિષયમાં વિદ્યાર્થીઓ માપ લેવા માટે જે ડિવાઈડરનો ઉપયોગ કરે તેનો ઉપયોગ કેલિપર્સ તરીકે કર્યો.હોસ્પિટલમાં પહેલી પ્લાસ્ટિક સર્જરી થઈ રહી છે એટલે છોકરીના પરિવારની સાથે હોસ્પિટલના સ્ટાફમાં પણ ઘણી જિજ્ઞાાસા હતી.

પ્લાસ્ટિક સર્જરી કરતાં પહેલાં છોકરીના કપાયેલા હોઠવાળો ફોટો પાડયો અને પછી તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. એક કલાક સર્જરી ચાલી. ઓપરેશન થિયેટરની બહાર છોકરીનાં માતા અને પરિવારજનો ઉત્તેજનાપૂર્વક રાહ જોઈને બેઠાં હતા. કલાક પછી છોકરીને ઓપરેશન થિયેટરની બહાર લાવ્યા. સર્જરી પછી દીકરીનો ચહેરો જોઈ તેની માતા ઘડીભર તો ચક્તિ થઈ ગઈ. વિચારવા લાગી કે, આ એ જ છોકરી છે કે જેને કપાયેલા હોઠને લીધે કદરૂપા દેખાતા પોતાના ચહેરાને, શરમથી મોં ઢાંકેલું રાખવું પડતું. કદરૂપા હોઠવાળી દીકરી હવે કોડભરી કન્યા બની ગઈ. ટાંચાં સાધનો અને એક યુવાન ડોક્ટરે તબીબી કુશળતાથી એક છોકરીના કપાળે કંકુનો સૂરજ ઊગાડયો.

હવે એક બીજો કિસ્સો.

 દસ વરસનો મંગો ઝૂંપડીની બહાર ખીલે બાંધેલી ભેંસને બીજા ખીલે બાંધવા જતો હતો ત્યાં ભેંસએ અચાનક દોટ મૂકી. મંગાએ જમણા હાથમાં જકડીને પકડેલી સાંકળ, એના અંગૂઠાની ચામડીને ઉખેડતી ગઈ. અંગૂઠો ચામડી વગર માત્ર હાડકાનો ખીલો બની રહ્યો. લોહી નીતરતો અંગૂઠો મંગાએ બીજા હાથમાં ઝાલી રાખ્યો. ઝૂંપડીની અંદર બેઠેલી મંગાની મા કમુબેન, આ દૃશ્ય જોતાં જ મંગા પાસે દોડી ગઈ. કમુબેન મંગાને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ આવ્યા. ડોક્ટરે લટકતા અંગૂઠાવાળો હાથ જોયો.

 ”ચિંતા કરવાની જરૂર નથી. ઓપરેશન કરવાથી સારું થઈ જશે. ત્રીસ દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડશે.” ડોક્ટરે મંગાને હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું.

તૂટી ગયેલા અંગૂઠાની ચામડી પર ફરી રૂઝ આવે અને નવી ચામડી આવે એટલા માટે અંગૂઠાને કલમ કરવી પડે. બાગાયતમાં આંબાના એક છોડને જેમ બીજા છોડ સાથે બાંધીને, કલમ કરવામાં આવે. બસ એવી જ રીતે. જો સર્જરી કરવામાં ન આવે તો અંગૂઠા પર સતત દુખાવો રહ્યા કરે અને અંતે અંગૂઠાને કાપવો પડે.

મંગાનો પરિવાર મહુવામાં ટોકરિયા મહાદેવ પાસે, ખરેડવાળા રોડના કાંઠે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહે. ત્રણ ભાઈઓેમાં મંગો વચેટ, મોટો ભાઈ પુનો અને નાનો ભાઈ હરિ. મંગાના પિતાજી હિમાભાઈનું, મંગો યાદ કરે તોય તેમના ચહેરાની સ્મૃતિ તાજી થાય નહીં,એટલી નાની ઉંમરે અવસાન થયેલું. મંગાના ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ. મંગાની મા કમુબેન પરમાર. કમુબેન ઈંટોના ભઠ્ઠામાં દાડિયંુ કરે. રોજનું રળીને રોજ ખાય. આખો દિવસ ગરમ ઈંટોના ભઠ્ઠામાં કામ કરે ત્યારે રાત્રે ત્રણ છોકરાઓનાં પેટની જઠરાગ્નિ ઠરે. આ સંજોગોમાં સળંગ એક મહિનો હોસ્પિટલમાં રહેવું કેમ પરવડે?

”જો મંગાનો અંગૂઠો કાપી નાંખો તો કેટલા દી દાખલ થવું પડે?” કમુબેને ડોકટરને સવાલ કર્યો.

”અંગૂઠો કાપી નાંખીએ તો તો એક જ દિવસ થાય.” ડોક્ટરે જવાબ આપ્યો.

”અંગૂઠો કાપી નાંખોને. જલદી કામ પતે.” કમુબેને તરત જ કહ્યું.

પણ જો ઓપરેશન કરવાથી અંગૂઠો એમ જ રાખી શકાતો હોય તો કાપી શું કામ નાંખવો પડે?’ ડોક્ટરે ફરીવાર કમુબેનને સમજાવ્યાં.

કમુબેનના ઘરમાં કારમી ગરીબી. આ ગરીબીમાં મંગાના શરીરમાંથી એક અંગ ઓછું થાય તો પોષાય, પણ એક દિવસ મજૂરી પડે અને બે ટંક ઓછા થાય એ પોષાય નહીં. કમુબેન શા માટે અંગૂઠો કપાવવાનો આગ્રહ કરે છે એ વાત ડોક્ટર બરોબર સમજી ગયા.

ડોક્ટરે મંગાની સારવાર મફત કરી આપવાનું કહ્યું, ” હા, મંગાને ત્રીસ દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડે તો જ ઓપરેશન સફળ થાય.”

”ઓપરેશન મફત કરી આપો તોય એક મહિનો એની હારે કોણ રે? મંગા સિવાયના બીજા બે છોકરા નાના છે. હું તો આખો દી, મજૂરી કરવા જતી રહું. તો પછી હોસ્પિટલમાં મંગાની હારે કોણ રે, ઘરનું કોઈક તો હાજર હોવું જોઈને સાહેબ?” સારવાર સાવ મફત કરવાની સાંભળ્યા પછી કમુબેને બીજી મુશ્કેલી કહી.

હોસ્પિટલમાં મંગાને દાખલ કર્યા પછી તે સંપૂર્ણ સાજો થઈ જાય ત્યાં સુધીની તમામ કાળજી હોસ્પિટલ લેશે એવી હૈયાધારણ આપી. ડોક્ટરે કમુબેનને એ જવાબદારીમાંથીય મુક્ત કર્યાં. કમુબેનની બધીય ચિંતા દૂર થતાં આખરે મંગાને એક મહિના માટે સદ્ભાવના ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ કર્યો. ડોક્ટરને મન મંગાના અંગૂઠાનું મૂલ્ય ઘણું મોટું હતું. દસ વરસનો મંગો, નિશાળનું એક પગથિયું ય ચડયો નહોતો. મંગો ભણ્યો નથી એટલે મોટો થશે ત્યારે મજૂરી જ કરવી પડશે. જો એક અંગૂઠો નહીં હોય તો મજૂરી કરવામાં ઘણી મુશ્કેલી પડે.

દ્રોણાચાર્યોના આ દેશમાં એકલવ્યના અંગૂઠાની કિંમત કેટલી? પણ ડોક્ટરને મન મંગાના અંગૂઠાની કિંમત મોટી હતી. પોતાના તબીબી વ્યવસાયની કુશળતાનો સમાજને ખપ લાગે એટલે તો ટ્રસ્ટ બનાવી હોસ્પિટલ શરૂ કરી છે, તો પછી પૈસાના અભાવે મંગાને અંગૂઠો કપાવવાની ફરજ કેમ પડે? મંગાને દાખલ કર્યા પછી. બીજા દિવસે ડોક્ટરે પેડિકલ ગ્રાફ્ટિંગ નામની પ્લાસ્ટિક સર્જરી દ્વારા અંગૂઠાને પેટના ભાગમાંથી કલમ કરી. એક મહિના સુધી આ જ સ્થિતિમાં રહે એની કાળજી રાખી. હોસ્પિટલમાં મંગા માટે જમવાની વ્યવસ્થા કરી. કમુબેન મજૂરીએથી છૂટીને સમય હોય એ દિવસે મંગાને જોવા ક્યારેક આવે.

એક મહિનો સુધી અંગૂઠાને કલમ કરી રાખ્યા પછી અંગૂઠો ખોલ્યો ત્યારે અંગૂઠા પર રૂઝ આવી ગઈ હતી. સર્જરી સફળ થઈ. મંગાને રજા આપવામાં આવી. મંગાની મા કમુબેન રાજી હતી. આજે કમુબેનનો દીકરો સુરત પાસે એક બગીચામાં માળી તરીકે નોકરી કરે છે.

આ કથામાં વર્ણવાયેલા ડોક્ટર તે બીજા કોઈ નહીં પરંતુ ડો. કનુભાઈ કળસળીયા છે. જાણીતા લેખક અને પત્રકાર વિજયસિંહ પરમારે ડો. કનુભાઈ કળસળીયાના જીવનનાં સંસ્મરણોને ‘પીડ પરાઈ જાણે રે’ પુસ્તકમાં સુંદર રીતે આલેખ્યા છે. પોતાની પીડા ભૂલીને પારકાની પીડા જાણી તેનો ઈલાજ કરનાર એક સામાન્ય માણસની અસામાન્ય કથાઓ તેમાં આલેખવામાં આવી છે. જીવનમાં સ્વૈચ્છિક રીતે ગરીબી સ્વીકારતા ડો.કનુભાઈ કળસળીયા ખૂબ નમ્રતાથી કહ્યું છે : ”લોકસેવાના કાર્યોમાં ખૂબ સાચવીને ચાલવા જેવું છે. રસ્તો કપરો છે. સેવાનો પણ અહંકાર હોય છે. વેતન પણ ખપ પૂરતું જ લેવું જોઈએ. તમારી પાસે કોઈ કૌશલ્ય હોય તો તે સમાજને સર્મિપત કરો.”

રાજનીતિમાં ડો. કનુભાઈ કળસળીયાને લોકો સ્વચ્છ વ્યક્તિ ઓળખે છે પણ તેમનું અસલી ને ઉદાત્ત સ્વરૂપ આ પણ છે. કનુભાઈ જેવા કેટલા તબીબો આજે

ગુજરાતમાં છે ?
– દેવેન્દ્ર પટેલ