ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદ અને એક પત્રકાર વેદ પ્રતાપ વૈદિક આજકાલ ચર્ચામાં છે. વેદ પ્રતાપ વૈદિક હમણાં પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા ત્યારે તેઓ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને મળ્યા. તે પછી મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને પણ મળ્યા. એ કારણે દેશની પાર્લામેન્ટમાં ધમાલ મચી ગઈ છે. કોઈ કહે છે તેઓ આરએસએસના સભ્ય છે,કોઈ તેનો ઈનકાર કરે છે, કોઈ કહે છે તેઓ ભારત સરકારના દૂત બનીને ગયા હતા. કેન્દ્ર સરકાર એ વાતનો ધરાર ઈનકાર કરે છે.

પત્રકારની સીમા

સૌથી પહેલાં વેદ પ્રતાપ વૈદિકની વાત. તેઓ એક પત્રકાર છે તો વિશ્વની કોઈપણ વ્યક્તિને તેઓ મળી શકે છે. માહિતીના ઉત્સર્જન માટે કોઈને પણ મળવું તે પત્રકારનો ધર્મ છે. આઝાદીના જંગના સમયમાં અંગ્રેજી હકૂમતના વિરોધી મહાત્મા ગાંધીજીને અંગ્રેજી પત્રકારો પણ મળતા હતા. તેમની સાથે રહેતા હતા. તેમની સાથે જમતા પણ હતા. ખુદ વેદ પ્રતાપ વૈદિકે પણ પોતાનો બચાવ કરતાં કહ્યું છે કે, કેટલાયે પત્રકારો એલટીટીઈના પ્રમુખ પ્રભાકરનને પણ મળી ચૂક્યા છે. એ જ રીતે તેમણે વાલ્મીકિ અને અંગુલિમાલના પણ દાખલા આપ્યા છે. એ વાતમાં કોઈનેય વાંધો ના હોઈ શકે કે, વેદ પ્રતાપ વૈદિક એક પત્રકારની હેસિયતથી હાફિઝ સઈદ સહિત કોઈને પણ મળી શકે છે. પત્રકાર તરીકે તેઓ હાફિઝ સઈદને મળે તે સામે મુક્ત અખબારી સ્વાતંત્ર્ય ધરાવતા દેશમાં કોઈને પણ વાંધો હોઈ ના શકે, પરંતુ પાકિસ્તાની ટી.વી. ચેનલ પર તેમણે જે ઈન્ટરવ્યૂ આપ્યો તેમાં વેદ પ્રતાપ વૈદિકે કહ્યું કે, “પાકિસ્તાન અને ભારત હસ્તકના કાશ્મીરને જો તે પ્રજા આઝાદી ઈચ્છતી હોય તો આઝાદી આપવી જોઈએ.” વેદ પ્રતાપ વૈદિકનું આ બયાન કોઈપણ ભારતીયને સ્વીકાર્ય નથી. લાગે છે કે, વેદ પ્રતાપ વૈદિકે જબરદસ્ત પબ્લિસિટી પ્રાપ્ત કરવા અને પોતાની જાતને મહાન પત્રકાર તરીકે ખપાવવાના મોહમાં આવું રાષ્ટ્રવિરોધી બયાન પાકિસ્તાની ચેનલને આપ્યું હતું. વેદ પ્રતાપ વૈદિકના આ નિવેદનથી ખુદ પાકિસ્તાની ન્યૂઝ ચેનલના પત્રકાર પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

બડી બડી બાતેં

સૌથી અગત્યની વાત એ છે કે, વેદ પ્રતાપ વૈદિક છે કોણ ? આખીયે કેન્દ્ર સરકારને મુસીબતમાં મૂકી દેનાર વેદ પ્રતાપ વૈદિક કોઈ એક અખબાર કે મેગેઝિન સાથે સંકળાયેલા નથી. તેઓ જાતે જ પોતાની જાતને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો વિશે નિષ્ણાત માને છે. તેમનો દાવો છે કે, પૂર્વ વડા પ્રધાન નરસિંહરાવ પણ વિદેશી નીતિની બાબતમાં તેમની સલાહ લેતા હતા. વેદ પ્રતાપ વૈદિક કહે છે કે, “હું દુનિયાભરના નેતાઓના સંપર્કમાં છું.” ખરી વાત એ છે કે, જેઓ સાધુ ઓછા અને રાજકારણી તથા વેપારી વધુ છે તેવા બાબા રામદેવના તેઓ ચેલા છે. તેમણે જાતે જ એવી હવા ઊભી કરી છે કે, ભારતના બડા બડા નેતાઓ સાથે તેમનો ઘરોબો છે અને બધા તેમને પૂછી પૂછીને જ પાણી પીએ છે. પાકિસ્તાનમાં એક કાર્યક્રમ માટે જાય, કાર્યક્રમ પૂરો થયા બાદ પંદર દિવસ ત્યાં રોકાઈ જાય. પાકિસ્તાનના વડા પ્રધાનને મળે તે પછી હાફિઝ સઈદને પણ મળે તે દર્શાવે છે કે, આટલી બધી મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ વ્યક્તિઓને મળવાની વ્યવસ્થા ગોઠવવા પાછળ કોઈ ‘તાકાત’ તો હશે જ. કોઈનું પીઠબળ તો હશે જ. એમણે જે કર્યું તે કર્યું, પરંતુ કાશ્મીરને આઝાદી અપાવવાની વાત પાકિસ્તાનની ભૂમિ પર કરવાની તેમની ગુસ્તાખીથી આખી મોદી સરકારને તેમણે કઠેડામાં ખડી કરી દીધી છે અને છેવટે ભાજપાએ તથા સરકારે વેદ પ્રતાપ વૈદિક સામે કડક વલણ અપનાવવું પડયું છે.

હાફિઝ સઈદ કોણ છે ?

આખા દેશની જનતા એ સમજી શકતી નથી કે, એક પત્રકારને રાષ્ટ્રવિરોધી બયાન કરવાનો અધિકાર કોણે આપ્યો ? વળી તેઓ પત્રકાર છે તો કયા અખબારના ? તેઓ એ વાત કેમ ભૂલી ગયા કે, હાફિઝ સઈદ ૨૬/૧૧ના મુંબઈ હુમલામાં માર્યા ગયેલા ૧૬૬ ભારતીયો માટે જવાબદાર છે. કસાબને ભારત મોકલનાર પણ હાફિઝ સઈદ જ હતો. હાફિઝ સઈદ એક આંતરરાષ્ટ્રીય ગુનેગાર છે. તેના માથે ૬ અબજ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું છે. તે સતત ભારતીય સરહદોની નજીક પાકિસ્તાનમાં ફરતો દેખાયો છે. સીમાન્ત પ્રદેશોમાં ફરી ભારતીય જવાનોના માથાં કાપી લાવવા માટે લોકોને ઉશ્કેરતો રહે છે. ભારતીય સૈનિકોનાં માથાં વાઢી લાવનારને તે ઇનામ પણ આપે છે. આવી ઘૃણાસ્પદ વ્યક્તિને મળ્યા બાદ વળી પાછા વેદ પ્રતાપ વૈદિક તેની પ્રશંસા કરે છે. હાફિઝ સઈદ તેમને ઘરની બહાર મૂકવા આવ્યો અને કારનો દરવાજો ખોલી આપ્યો તેનું વર્ણન કરી તેઓ એનાથી કેટલા પ્રભાવિત છે તે વાતનો પણ નિર્દેશ કરે છે. આવા હાફિઝ સઈદને મળવાથી વેદ પ્રતાપ વૈદિકને પબ્લિસિટી તો જરૂર મળી, પરંતુ તેથી આતંકવાદની વિરુદ્ધ સરકારની ઝુંબેશ પર આંચ જરૂર આવી છે.

આતંકવાદના વકીલ

વેદ પ્રતાપ વૈદિક હાફિઝ સઈદને મળ્યા એ એક અલગ વાત છે, પરંતુ તેમણે જે વાતો ટેલિવિઝન ચેનલ પર કહી તે જોતાં તો તેઓ એક ખતરનાક આતંકવાદીના વકીલ જેવા લાગ્યા. કાશ્મીર પર વક્તવ્ય આપતી વખતે તો તેઓ સ્વયંભૂ ભારતના રાજદૂત બની ગયા હોય એમ લાગ્યું. તેમનો ઇન્ટરવ્યૂ સાંભળતાં તો એમ લાગતું હતું કે, હાફિઝ સઈદ પાકિસ્તાનની પ્રજા વગેરે તૈયાર હોય તો તેઓ જ કેન્દ્ર સરકારને સમજાવવા તૈયાર છે. હકીકતમાં પાકિસ્તાનની ભૂમિ પર જઈ વેદ પ્રતાપ વૈદિકે ભારત સરકારની ઉદ્ઘોષિત નીતિની જ મજાક ઉડાવી. એ એક આશ્ચર્યની વાત છે કે, ભાજપા અને આરએસએસ સાથે સંકળાયેલી વ્યક્તિઓ પાકિસ્તાનની ભૂમિ પર જઈ બદલાઈ કેમ જાય છે ? એલ. કે. અડવાણી ખુદ કરાચીમાં મોહંમદ અલી ઝીણાની કબર પર માથું ટેકવી આવ્યા હતા. ભાજપાના જશવંતસિંહે ભારતના ભાગલા કરાવનાર ઝીણાની પ્રશંસા કરી હતી. હવે વેદ પ્રતાપ વૈદિક પોતે ભલે આરએસએસના સભ્ય નથી એમ કહેતા હોય, પરંતુ તેમણે ભાજપાની, સંઘની અને ભારત સરકારની જાહેર નીતિ વિરુદ્ધ કાશ્મીરને આઝાદ કરાવવાની વાત કહી ભાજપાને, સંઘને અને મોદી સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી છે. શું વૈદિક એ વાત જાણતા નથી કે પાક. હસ્તક કાશ્મીરમાં હાફિઝ સઈદ આતંકવાદીઓ તૈયાર કરવાના કેમ્પ ચલાવે છે ?

સ્વયંભૂ રાજદૂત ?

વેદ પ્રતાપ વૈદિક એ વાત યાદ રાખે કે, હાફિઝ સઈદ કોઈ ગૌતમ બુદ્ધ નથી, યાસિન મલિક કોઈ અંગુલિમાલ નથી. વૈદિક જાતે જ બની બેઠેલા પત્રકાર છે. જાતે જ બની બેઠેલા કેન્દ્ર સરકારના રાજદૂત છે અને જાતે જ બની બેઠેલા મધ્યસ્થી છે. જો એમ ના હોય તો તેઓ જાહેર કરે કે, તેઓ કોના કહેવાથી કાશ્મીરની આઝાદી વિશે વાત કરવા હાફિઝ સઈદને મળવા ગયા હતા. 

કાંઈક ગરબડ તો છે જ !