કભી કભી – દેવેન્દ્ર પટેલ

મૃત્યુ પહેલાં જ પોતાના માટે શોકાંજલિ લખનાર ખુશવંતસિંહે લોકોને ખુશી આપી

સાદિયા દહેલવી એક ખૂબસૂરત મહિલા પત્રકાર છે. લેખિકા પણ છે. તેઓ દિલ્હીમાં યોજાયેલા એક કેલિગ્રાફી પ્રદર્શનમાં ફરી રહ્યાં હતાં ત્યારે ખુશવંતસિંહ તેમની તરફ ગયા અને કહ્યું : “તમે આટલાં બધાં સુંદર કેમ છો ?”

સાદિયા સ્તબ્ધ થઈને સાંભળી રહ્યાં. તેઓ આ પ્રકારના પ્રશ્ન માટે તૈયાર નહોતાં છતાં પોતાના મનોભાવ મનમાં જ રાખીને બોલ્યાં : “વેલ, કારણ કે હું સુંદર વ્યક્તિ છું માટે.”

સ્કોચ ને બ્યૂટીફૂલ સ્ત્રીઓનું સાંનિધ્ય છતાં શ્રેષ્ઠ માનવી

ખુશવંતસિંહ બીજી જ ક્ષણે બોલ્યા : “કાલે, મારા ઘરે, સાંજે ૭ વાગે.”

આ વાતને ૩૦ વર્ષ થઈ ગયાં, પરંતુ સાદિયા દહેલવી તેમના અંતરંગ વર્તુળમાં ગૌરવપૂર્ણ રીતે આ વાત કહેતાં ઉમેરે છે : “મારી જેમ બીજા અનેક લોકોને સ્પર્શી ગયા, તેમનાં લખાણોથી, કોઈને નોકરી અપાવીને કે નવા પત્રકારો-લેખકોની હસ્તપ્રત વાંચીને કે શીખવીને. મારા જીવન અને લેખન પર તેમનો ખૂબ જ પ્રભાવ રહ્યો.”

દેશના સુપ્રસિદ્ધ લેખક અને પત્રકાર ખુશવંતસિંહ હવે રહ્યા નથી. અંગ્રેજી ભાષાના આ લેખકે ૯૯ વર્ષની વયે દિલ્હીમાં તેમના નિવાસસ્થાન સુજાનપાર્ક ખાતે અંતિમ શ્વાસ લીધા. તેઓ પદ્મભૂષણથી સન્માનિત હતા. ૧૯૮૪માં અમૃતસરના સુવર્ણમંદિરમાં લશ્કરના પ્રવેશના વિરોધમાં તેમણે એ સન્માન પાછું આપી દીધું હતું. ૨૦૦૭માં ફરી તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખુશવંતસિંહનો જન્મ ૧૯૧૫માં હાદલી (હાલના પાકિસ્તાન) ખાતે થયો હતો.

એક પત્રકાર તરીકે પોતાની કારકિર્દી શરૃ કરનાર ખુશવંતસિંહે ‘ઇલસ્ટ્રેટેડ વિકલી ઓફ ઇન્ડિયા’નું સંપાદન કર્યું હતું. તે પછી ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના તંત્રીપદે પણ રહ્યા હતા. ત્યાર પછી ‘વિથ મેલાઈસ ટુ વન એન્ડ ઓલ’ નામની સિન્ડિકેટેડ કોલમ હમણાં સુધી લખતા રહ્યા હતા. પોતાના લાંબા જીવનકાળ દરમિયાન તેમણે પત્રકાર, લેખક, વકીલ, રાજનીતિજ્ઞા અને સાંસદ તરીકે કામ કર્યું, પરંતુ વાંચવું-લખવું એ જ એમનો શોખ હતો. ખુશવંતસિંહે પરંપરાગત પત્રકારત્વ છોડીને એક નવા જ પ્રકારના પત્રકારત્વનો આરંભ કર્યો હતો. સેક્સ પર આધારિત તેમના લેખોના કારણે તેઓ વિવાદમાં પણ રહ્યા.

તેઓ કહેતા હતા : “કોઈપણ વસ્તુ છુપાવવાની મારામાં હિંમત નથી. શરાબ પીઉં છું. હું નાસ્તિક છું એ વાત મેં કદી છુપાવી નથી. હું કહું છું કે, મારો કોઈ દીન-ઇમાન કે ધરમ નથી.”

ખુશવંતસિંહ પોતાની જિંદગી પોતાની શરતો પર જીવ્યા. તેમના ઘરના બારણાની બહાર એક સૂચના લખેલી રહેતી : “તમારા આગમનની મને અપેક્ષા ના હોય તો ડોરબેલ વગાડવો નહીં.”

રાતના ૮ વાગ્યાનો સમય તેમનો કટ ઓફ સમય હતો. તમારે એમને મળવું હોય તો સાંજે ૭ વાગે જ પહોંચી જવું પડતું. આઠ વાગે એટલે તેઓ તમને જમવા ઊભા કરી દે : “ચલો બોટમ્સ અપ કરો.” તેઓ સિંગલ માલ્ટ વ્હિસ્કીના શોખીન હતા. ખુશવંતસિંહને કોઈ પાર્ટીમાં બોલાવે તો આઠ વાગે તેમને ડિનર પીરસી દેવું તે તેમની પૂર્વશરત રહેતી. પોતાના ઘરમાં પાર્ટી આપી હોય તો પણ મહેમાનોએ નવ વાગે રવાના થઈ જવું પડતું. તેમના જન્મ દિવસે તેમના ઘરે આવતા મહેમાનોમાં વડા પ્રધાન ડો. મનમોહનસિંહ પણ હોય અને એલ. કે. અડવાણી પણ હોય. બીબીસીના પૂર્વ પત્રકાર માર્ક તુસી પણ હોય અને કોઈ એમ્બેસેડર પણ હોય. કોઈ એક્ટર, ડિરેક્ટર અને એક્ટ્રેસ પણ હોય. નવોદિત લેખકો પણ હોય અને સુપ્રસિદ્ધ નવલકથાકાર પણ હોય. રોજ સવારે પાંચ વાગે ઊઠીને લખવા બેસવું તે તેમનો નિયમ હતો.

ખૂબસૂરત મહિલાઓની કંપની તેમને ગમતી હતી. એ કારણથી તેઓ ‘લેડીઝ મેન’ તરીકે પણ જાણીતા હતા. તેમને રૃપાળી ર્ગોર્જિયસ સ્ત્રીઓ ગમે છે તે વાત તેઓ કદી છુપાવતા નહીં. તેમના રોજના દરબારમાં સ્ત્રીઓ તો હોય જ. સુપ્રસિદ્ધ લેખિકા શોભા ડે તેમના માટે કહે છે : “શું તેઓ ડર્ટી ઓલ્ડમેન હતા ?

ના.

જરા પણ નહીં. સ્ત્રીઓને નિરાશ કરે તેવા. સ્ત્રીઓને તેઓ જાહેરમાં ફ્લર્ટ કરતા, પરંતુ એ બધું વાતોમાં જ. નો એક્શન, પરંતુ મંત્રમુગ્ધ કરે તેવા તો ખરા જ. એ કારણે જ રૃપાળી સ્ત્રીઓ તેમની કંપનીમાં સુવિધાજનક અનુભવ મહેસૂસ કરતી. બીજાઓ માને છે તેવું તેઓ કાંઈ જ ના કરતા. એમના માટે બસ એ વાત ‘મિથ’ જ હતી. એ જ રીતે તેઓ અત્યંત દારૃડિયા-શરાબી નહોતા. એક સભ્ય સમાજને શોભે તેમ સિંગલ માલ્ટનો ધીમે ધીમે ઘૂંટ પીતાં. તેઓ ડિનર પહેલાં માફકસરનું જ ડ્રિંક લેતા. પુસ્તક વાંચતા વાંચતા વહેલા સૂઈ જતા. તેઓ જેટલા તેમના કવિઓને વિદ્વાનોને જાણતા હતા એટલું જ તેમના પક્ષીઓને અને વૃક્ષોને પણ જાણતા હતા.”

તેમણે એક મહિલા પત્રકારને ઈન્ટરવ્યૂ આપતી વખતે કહ્યું હતું : “વિશ્વની તમામ વ્યક્તિઓને સેક્સનું ઓબ્સેશન હોય છે. દરેક પરિણીત સ્ત્રી કે પુરુષને લગ્નથી બહાર કોઈની સાથે સંબંધ બાંધવાની ફેન્ટસી હોય છે… પરંતુ થોડા લોકો જ એમ કરવાની હિંમત કરી શકે છે. બાકીના તેમ કરી શકતા નથી.”

“તમે એવી હિંમત કરી હતી ?” મહિલા પત્રકારે પૂછી લીધું.

ખુશવંતસિંહે ‘નન કમિટલ’ જવાબ આપ્યો હતો. ના ‘હા’ કહી ના ‘ના’ કહી.

હિમાલયની પર્વતમાળા વચ્ચે આવેલું કસૌલી તેમનું પ્રિય સ્થળ હતું. છેલ્લાં ૫૦ વર્ષથી ખુશવંતસિંહ તેમનો ઉનાળો અહીં પસાર કરતા. અહીં તેમના પિતાના સમયની એક કોટેજ પણ હતી. અહીં પણ તેમના અનેક મિત્રો હતા. અહીં રહેતા એકનાથ બાથ નામના તેમના એક મિત્ર કહે છે : “સાંજે ૭ વાગે એટલે તેમનો દરબાર ભરાતો. સાંજ પડે એટલે સ્કોચ, ચીઝ, ક્રેકર્સ અને રૃપાળી મહિલાઓની કંપની તેમને ગમતી. તેમાં મારી પત્ની પણ ખરી.”

એકનાથનાં પત્ની આશિમા કે જેઓ કસૌલીની લોરેન્સ સ્કૂલમાં શિક્ષિકા છે તેઓ કહે છે : “હું તો મારી સીટ તેમની બાજુમાં જ અનામત રાખતી. પૂરા એક કલાક સુધી તેઓ અમને તેમના જીવનની અનેક વાતો કરી મંત્રમુગ્ધ કરતા.”

ખુશવંતસિંહ નાસ્તિક પણ હતા. તેઓ કહેતા : “વર્ક ઇઝ વર્શીપ, વર્શીપ ઈઝ નોટ વર્ક.”

ખુશવંતસિંહ પોતે સરદારજી હતા, પરંતુ તેઓ સરદારજીની જોક્સ પણ તેમના કોલમોમાં લખતા, એકવાર શીખ સમાજના સર્વોચ્ચ સંગઠને કડક પત્ર લખી તેમને સરદારજીની જોક્સ ના લખવા ફરમાન મોકલ્યું હતું. તેના જવાબમાં ખુશવંતસિંહે જવાબ લખ્યો હતો : “ગો ટુ હેલ.”

એ જવાબ પછી શીખ સંગઠને વળતો કોઈ પત્ર લખ્યો નહોતો.
ખુશવંતસિંહ જીવવાથી કે મૃત્યુથી ડરતા નહોતા. કોઈના પણ વિશે લખતા ડરતા નહોતા.

ખુશવંતસિંહની ઇચ્છા હતી કે લોકો તેમને ખુશી દેવાવાળી વ્યક્તિ તરીકે યાદ કરે. કેટલાંક વર્ષો પહેલાં તેમણે પોતાના મૃત્યુ પછીની અંજલિ રૃપે લખ્યું હતું કે, “અહીં એક એવી વ્યક્તિ સૂઈ ગઈ છે કે જેણે ના માનવીને બક્ષ્યો કે ના ભગવાનને. તેના માટે આંસુ સારશો નહીં.”

આવા ખુશવંતસિંહ હજારો લેખકો અને પત્રકારોની કાયમ માટે પ્રેરણા બની રહેશે.
ખુશવંતસિંહે તેમની જ કોલમમાં લખેલો એક જોક અહીં પ્રસ્તુત છે :

રાત્રે દુકાન બંધ થવાના સમયે એક ગ્રાહક દુકાનમાં પહોંચ્યો. તેણે પૂછયું : “સિંગતેલ છે ?”

દુકાનદારે કહ્યું : “સરદારજી છો ?”

ગ્રાહકે ખિજાઈને કહ્યું : “શું હું મસાલા ઢોંસાનો લોટ માગત તો તમે મને મદ્રાસી કહેત ?”

દુકાનદારે કહ્યું : “ના.”
“તો હું સરદારજી છું એમ કેમ પૂછયું ?”
“કારણ કે તમે દારૃની દુકાનમાં ઊભા છો અને તેલ માગી રહ્યા છો.”
– આવી જોક ખુશવંતસિંહ જ લખી શકે.
– દેવેન્દ્ર પટેલ