તાજેતરમાં મહિલાદિન ઊજવાયો. ભારત જેવા દેશમાં વક્રતા એ છે કે, સ્ત્રીને ‘શક્તિ સ્વરૂપા’ અને ‘દેવી’ જેવા શબ્દોથી સંબોધવામાં આવે છે તે જ દેશમાં સ્ત્રીઓ પર સહુથી વધુ અત્યાચાર થાય છે. અમેરિકા જેવા દેશમાં આજ સુધી કોઈ મહિલાને પ્રેસિડેન્ટ બનાવવાથી પ્રજા દૂર રહી છે ત્યારે ભારત જેવા દેશમાં ઈન્દિંરા ગાંધી જેવાં શક્તિશાળી વડાપ્રધાન હાંસલ થયાં છે છતાં ભારતમાં સ્ત્રીઓ સહુથી વધુ બળાત્કારનો ભોગ બનતી રહી છે. દિલચશ્પ વાત એ છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં ૪૯ ટકા મતદાતાઓ મહિલાઓ હશે. મહિલાઓને પ્રભાવિત કરવા રાજકીય પક્ષો રસોઈ ગેસની સબસિડી વધારવા, સાડી, દુપટ્ટો, પ્રેશર કૂકર, મિક્સર, ગ્રાઈન્ડર અને કલર ટીવી વહેંચવા વગેરે પ્રયુક્તિઓ અજમાવે છે,પરંતુ દેશના ૬૦ કરોડ મતદાતાઓ જેમાં ૩૦ કરોડ મહિલાઓ પણ છે. તે બધાં શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે.
જે દેશની રાજનીતિ પર મહિલાઓની ધાક છે તે જ દેશમાં મહિલાઓની દુર્દશા વધુ કેમ છે? સંસદમાં ૩૩ ટકા અનામત મહિલાઓ માટે લાવવાનું બિલ લાવવામાં આવ્યું, પરંતુ રાજકીય પક્ષોની પુરુષવાદી વિચારધારાને કારણે તે વિલંબિત જ રહ્યું છે. દેશની રાષ્ટ્રીય પાર્ટીઓ લોકસભાની ચૂંટણીમાં મહિલાઓને ૧૦ કે ૧૫ ટકાથી વધુ ટિકિટો આપતી નથી. કેજરીવાલની આમ આદમી પાર્ટીએ શાઝિયા ઈલ્મીને દિલ્હીમાં ટિકિટ આપવા ઈન્કાર કરી દીધો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલાં નૃત્યાંગના મલ્લિકા સારાભાઈની પાર્ટીના નેતાઓ ઉપેક્ષા કરી રહી રહ્યા છે. એ આશ્ચર્યની વાત છે કે ભારતમાં પ્રતિભા પાટિલ જેવાં મહિલાએ રાષ્ટ્રપતિ પદ શોભાવ્યું છે. દેશની રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ્સ પર મહિલા એન્કર્સ સુંદર રોલ ભજવી રહી છે, પરંતુ ચૂંટણી આવે ત્યારે એ જ દેશની રાજનીતિ મહિલાઓની ભાગીદારીની ઉપેક્ષા કરી રહી છે. આ દેશે રાજનીતિમાં ધાક જમાવવાવાળી શક્તિશાળી મહિલાઓ આપી છે, તેની પર નજર કરીએ.
ઇન્દિરા ગાંધી આ દેશમાં પહેલાં મહિલા વડાપ્રધાન બન્યાં. ૧૯૬૬થી ૧૯૭૭ સુધી સતત ત્રણ વખત તેઓ વડાપ્રધાન રહ્યાં. તે પછી ૧૯૮૦થી ૧૯૮૪ સુધી ચોથી વખત પણ તેઓ વડાપ્રધાન પદે રહ્યાં. તેમણે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું. રાજાઓનાં સાલિયાણાં અને વિશેષધિકારો રદ કર્યાં. પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખ્યા. તેમના શાસનમાં દેશમાં હરિયાળી ક્રાંતિ અને દૂધ ઉત્પાદનમાં દેશ આત્મનિર્ભર બન્યો. ૧૯૭૫માં તેમણે દેશમાં કટોકટી જાહેર કરી અને તેઓ ચૂંટણી હારી ગયાં, પરંતુ ત્રણ વાર તેઓ સત્તામાં પાછાં આવ્યાં.
વિજયાલક્ષ્મી પંડિત પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનાં બહેન હતાં. ૧૯૫૬ના વર્ષમાં વિજયાલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર સંઘની આમ સભાનાં પ્રથમ ભારતીય અને મહિલા અધ્યક્ષ બન્યાં. ૧૯૬૨થી ૧૯૬૪ના વર્ષ દરમિયાન તેઓ મહારાષ્ટ્રનાં રાજ્યપાલ પણ રહ્યાં. ૧૯૬૪થી ૧૯૬૮ સુધી તેઓ ઉત્તર પ્રદેશના ફુલપુર મતવિસ્તારમાંથી લોકસભાનાં સાંસદ તરીકે ચૂંટાયાં હતા.
સરોજિની નાયડુને ઘણાં ભારતનાં ‘બુલબુલ’ પણ કહેતાં. તેઓ ગાંધીજી સરદારનાં સાથી અને સ્વાતંત્ર્ય સેનાની હતાં. આઝાદી પહેલાં તેઓ સંયુક્ત પ્રાંતનાં રાજ્યપાલ બન્યાં. આઝાદી પછી તેઓ એ જ રાજ્યનાં ગવર્નર બન્યાં એટલે કે સ્વતંત્ર ભારતનાં તેઓ પહેલા મહિલા રાજ્યપાલ બન્યાં. આઝાદી પહેલાં તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધ્યક્ષ પણ રહ્યાં. આઝાદીની લડત દરમિયાન તેઓ અનેક વાર જેલમાં ગયાં.
સુચેતા કૃપાલાણી ભારતના સ્વાતંત્ર્ય પૂર્વ સેનાની આચાર્ય કૃપાલાનીનાં પત્ની હતાં. સુચેતા કૃપાલાની ૧૯૬૭માં ઉત્તર પ્રદેશનાં પહેલા મુખ્યમંત્રી બન્યાં. તેઓ ભારતના બંધારણના ઘડવૈયાઓની બનેલી સમિતિનાં સભ્ય પણ હતાં. એ સિવાય કેટલીયે સમિતિઓ અને ઉપસમિતિઓનાં સભ્ય પણ રહ્યાં. તેમના પતિ આઝાદી પછી કોંગ્રેસના સખત ટીકાકાર હતાં, પરંતુ સુચેતા કૃપાલાની કોંગ્રેસમાં જ અનેક પદ શોભાવતાં રહ્યાં.
ઈ.સ. ૧૯૯૮થી સોનિયા ગાંધી આજ સુધી સતત કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ છે. ઈટાલીમાં જન્મેલાં સોનિયા ગાંધી યુપીએ ગઠબંધનનાં પણ અધ્યક્ષ છે. શરૂઆતમાં તેઓ રાજનીતિમાં આવવા માગતાં નહોતાં, પરંતુ શ્રીપેરુમ્બુદુર ખાતે બોમ્બ વિસ્ફોટમાં પતિની હત્યા બાદ કેટલાંક વર્ષોના વિશ્રામ બાદ તેમણે કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યું. આખો પક્ષ તેમને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતો હતો, પરંતુ તેમણે વડાપ્રધાન પદ ઠુકરાવી વિપક્ષને પણ આંચકો આપ્યો. યુપીએ સરકારના શાસન દરમિયાન માહિતીનો અધિકાર અને મનરેગા લાવવામાં તેમની મોટી ભૂમિકા રહી.
ભાજપનાં નેતા સુષમા સ્વરાજ લોકસભામાં વિપક્ષનાં નેતા છે. તેઓ છ વખત સંસદ અને ત્રણ વખત વિધાનસભામાં ચૂંટાયાં છે. સુષમા સ્વરાજ ૧૯૯૮માં દિલ્હીનાં પહેલા મુખ્યમંત્રી બન્યાં. એમનો કાર્યકાળ માત્ર બે મહિના જ રહ્યો. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં પણ મંત્રી રહ્યા. વ્યવસાયથી ધારાશાસ્ત્રી રહેલાં સુષમા સ્વરાજે ૧૯૭૭માં હરિયાણાથી જાહેરજીવનની કારકિર્દી શરૂ કરી હતી. લોકસભામાં વિપક્ષનાં નેતા તરીકે તેમણે અસરકારક ભૂમિકા નિભાવી અને છતાં ભાષાનો વિવેક કદી ચૂક્યાં નથી.
દલિતોનાં નેતા તરીકે ઉભરી આવેલાં માયાવતી બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ છે. તેઓ ઉત્તર પ્રદેશમાં ચાર વખત મુખ્યમંત્રી પદે રહી ચૂક્યાં છે. હાલ મુખ્યમંત્રી ન હોવા છતાં આખાયે ઉત્તર પ્રદેશમાં તેમનો પ્રભાવ છે. ઉત્તર પ્રદેશમાં તેમણે દલિત- બ્રાહ્મણોનું સમીકરણ આપ્યું છે. ઈ.સ. ૧૯૭૭માં બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપક કાંશીરામ માયાવતીને રાજનીતિમાં લાવ્યા હતા.
મમતા બેનરજી પશ્ચિમ બંગાળનાં પહેલા મહિલા મુખ્યમંત્રી છે. તેમણે પશ્ચિમ બંગાળમાંથી ડાબેરીઓનાં ૩૪ વર્ષના શાસનને ખતમ કરી દીધું. તેઓ દેશનાં પહેલા રેલમંત્રી પણ રહ્યાં. તેમણે રાજનીતિની શરૂઆત કોંગ્રેસમાં જોડાઈને કરી હતી, પરંતુ ત્યારબાદ કોંગ્રેસથી અલગ થઈ તૃણમૂલ કોંગ્રેસની રચના કરી હતી. તેઓ પશ્ચિમ બંગાળમાં ‘દીદી’ના નામે ઓળખાય છે.
જયલલિતા તામિલનાડુનાં મુખ્યમંત્રી અને એઆઈએડીએમકેનાં પ્રમુખ છે. કરુણાનિધિની ડીએમકે પાર્ટીને પરાસ્ત કરીને તેઓ સત્તા પર આવ્યાં હતાં. તામિલનાડુના ભૂતપૂર્વ લિજેન્ડરી અભિનેતા એમ.જી. રામચંદ્રન તેમને રાજનીતિમાં લાવ્યા હતા. જયલલિતા ખુદ એક અભિનેત્રી હતાં. તાિમલનાડુમાં તેમની જબરદસ્ત લોકપ્રિયતાને કારણે કેટલાંક લોકોએ તેમનાં મંદિરો પણ બનાવ્યાં છે. તેઓ તમિળ ઉપરાંત સુંદર હિન્દી અને અંગ્રેજી પણ બોલી શકે છે. સીબીઆઈના દરોડા દરમિયાન ૧૦ હજાર સાડીઓ જોઈને અધિકારીઓ પર સ્તબ્ધ થઈ ગયા હતા. જયલલિતા દેશનાં વડાપ્રધાન બનવાની ખુલ્લી ખ્વાહીશ ધરાવે છે. તામિલનાડુમાં તેઓ ‘અમ્મા’ ના નામે જાણીતાં છે.
આ સિવાય ભારતે જે શક્તિશાળી મહિલા નેતાઓ આપ્યાં છે, તેમાં લોકસભામાં સ્પીકર મીરાં કુમાર, દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અને હવે કેરળનાં રાજ્યપાલ શીલા દીક્ષિત પણ છે. મેનકા ગાંધી અને એવાં બીજાં અનેક નામો આ યાદીમાં ઉમેરી શકાય. ગુજરાતનાં રાજ્યપાલ તરીકે પણ ડો. શ્રીમતી કમલા પણ રાજસ્થાનમાં શક્તિશાળી મહિલા રાજકીય નેતા રહી ચૂક્યાં છે. રાજસ્થાનનાં મુખ્યમંત્રી તરીકે પણ વસુંધરા રાજે એક તાકાતવર મહિલા નેતા છે. તેમનાં માતા વિજયારાજે સિંધિયા પણ ભાજપનાં કદાવર નેતા હતાં. એ સિવાય ડાબેરી નેતા વૃંદા કરાત, પૂરણદેશ્વરી, સુપ્રિયા સૂલે, પ્રભા તાવડિયા પણ સંસદમાં તેમનો રોલ ભજવે છે. આટલાં બધાં શક્તિશાળી મહિલા નેતાઓના દેશમાં ‘મહિલા’ જ અસુરક્ષિત કેમ?

Comments are closed.