દિલ્હી ગેંગરેપનું શહેર, તો અમદાવાદ હવે લૂંટ અને હત્યાનું ક્રાઈમ કેપિટલ

અમેરિકાનું શિકાગો શહેર એક જમાનામાં ગુનેગારોનું ક્રાઈમ કેપિટલ ગણાતું હતું. અમેરિકાના અંડરવર્લ્ડના માફિયાઓનો તે અડ્ડો હતું. તે પછી ન્યૂયોર્ક ગુનાખોરીનું શહેર બની ગયું. ધોળે દિવસે લોકોને રિવોલ્વરની અણીએ લૂંટી લેવાતા. દસ ડોલર માટે ગોળી મારી દેવાતી. ન્યૂયોર્કની ૪૨મી સ્ટ્રિટ નોટોરિયસ સ્ટ્રિટ ગણાતી, પણ હવે એ બધી ભૂતકાળની વાતો બની ગઈ છે. આજે દેશના વિકાસ મોડેલ તરીકે પેશ થઈ રહેલા ગુજરાતના આર્થિક પાટનગર સમં અમદાવાદ દેશનું નોટોરિયસ ક્રાઈમ કેપિટલ બની રહ્યું છે. દિલ્હી ગેંગરેપ માટે કુખ્યાત છે, તો અમદાવાદ ચોરી, લૂંટફાટ, મર્ડર , દારૂ અને જુગારના અડ્ડા માટે કુખ્યાત છે. અમદાવાદ શહેરમાં રોજ ચારથી પાંચ ઘરફોડ ચોરીઓ થાય છે. દર મહિને એક આંગડિયો લૂંટાય છે. બેંકમાંથી કેશ લઈને બહાર નીકળતો નાગરિક લૂંટાય છે. ઝવેરીઓને ધોળે દહાડે ગોળીથી ઠાર કરી દેવામાં આવે છે.અમદાવાદ જેવા શહેરમાં રોજેરોજ મહિલાઓના દોરા ખેંચાય છે. નાના બાળકોને ઉપાડી જવામાં આવે છે. શહેરમાં રોડ અકસ્માતથી રોજ એક મૃત્યુ નીપજે છે, છતાં રાજ્ય સરકારનું ગૃહખાતું અને ગુજરાતની પોલીસ કંભકર્ણની નીંદર માણે છે.

ગુજરાત ગુંડાઓને હવાલે પોલીસ નેતાઓને હવાલે

આબરુના લીરેલીરા

શહેરના પોશ ગણાતો સેટેલાઈટ વિસ્તાર લૂંટારાઓનું સ્વર્ગ બની ગયો છે. શિવરંજની ચાર રસ્તા પાસે દિવસના સમયે હિતેશ ઝવેરી નામના એક વેપારીની હત્યા કરી દેવાઈ અને રૂ.૧ કરોડ ૯ લાખની રકમ લૂંટી મોટરબાઈક પર આવેલા લુંટારા ભાગી ગયા. આ ઘટનાએ ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની આબરૂના લીરેલીરા ઉડાડી દીધા છે. ગુજરાતની પોલીસની આબરૂ ચીંથરેહાલ કરી નાંખી છે. શહેરીજનો અને ખાસ કરીને વેપારીઓ ભયથી થરથર કાંપી રહ્યા છે. થોડા દિવસો પૂર્વે શહેરમાં લાડ સોસાયટી પાસે એક પોઈન્ટબ્લેંક ફાયરિંગ કરી પ્રકાશ સોની નામના એક વેપારીને લુંટારાઓએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. તે પહેલાં તા. ૧૦મી ડિસેમ્બર ઘાટલોડિયામાં એક જ્વેલરની હત્યા કરી તેને લૂંટી લેવાયો હતો. તા. ૨ ઓક્ટોબરના રોજ સોલા બ્રિજ પર એક જ્વેલર પર ગોળીબાર કરી લૂંટ ચલાવવામાં આવી હતી. તા. ૧૨ નવેમ્બરના રોજ પ્રહલાદનગર ગાર્ડન પાસે એક યુવાનની ગોળી મારી તેની હત્યા કરી દેવામાં આવી હતી. તા. ૩ ડિસેમ્બરના રોજ મોટેરા સ્ટેડિયમ પાસે એક વેપારી પર ફાયરિંગ કરી હત્યા કરી દેવામાં આવી હતી. આનંદનગર પાસેથી ગૂમ થયેલી એક બાળકીનો આજ સુધી કોઈ પત્તો નથી. દિપેશ- અભિષેકના મૃત્યુનું રહસ્ય હજુ ઉકેલાયું નથી. શહેરમાં નોંધાયેલા ગંભીર ગુનાઓની યાદી લાંબી છે.

નેતાઓની સેવામાં

અમદાવાદ શહેર એક જમાનામાં વેપાર- ઉદ્યોગ અને રહેવા માટે સલામત શહેર ગણાતું હતું. રાત્રે ૧૨ વાગે પણ યુવતી એકલી ફરી શકતી હતી. હવે આ જ અમદાવાદ લોહીથી લથપથ છે.પોલીસ પાસે બે જ કામ છેઃ એક તો દારૂ- જુગારના અડ્ડાઓ પાસેથી હપ્તાઓ ઉઘરાવવા અને છેક ‘ઉપર’ સુધી પહોંચાડવા, અને બીજું કામ છે મોટા અધિકારીઓની તથા નેતાઓને સલામો મારવી અને તેમની જ સલામતીમાં વ્યસ્ત રહેવું. તાજેતરમાં જ રાજ્યના ગૃહખાતાના એક ઉચ્ચ અધિકારીને છાતીમાં દુઃખવાની તકલીફ થતા તેમને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે વખતે પોલીસનો જબરદસ્ત મોટો કાફલો હોસ્પિટલ પહોંચી ગયો અને મોટા અધિકારીની ખુશામત માટે આખી હોસ્પિટલને પોલીસછાવણીમાં ફેરવી નાંખી હતી. માત્ર સાહેબને ખુશ કરવા આવેલી પોલીસથી હોસ્પિટલના સત્તાવાળા પણ ત્રાસી ગયા હતા. ગુજરાતમાં આજે તો પરિસ્થિતિ એવી છે કે મોટા નેતાઓ અને બડાબડા અધિકારીઓ જ સલામત છે, અને પ્રજા ભગવાન ભરોસે છે.

લોકો જાતે રક્ષણ કરે

અમદાવાદ શહેરની તાજેતરની ઘટનાઓ જોતાં તો એમ લાગે છે કે પ્રજાએ હવે જાતે જ તેમનું રક્ષણ કરવું પડશે. પ્રજાના રક્ષણની જવાબદારી લેવા પોલીસ તૈયાર નથી. કેટલાંક કિસ્સાઓમાં તો પોલીસ ફરિયાદ લેવાની પણ આનાકાની કરે છે. રાત્રીના સમયે પોલીસ ઊંઘતી જણાય છે. જ્યારે પણ પૂછો કે, ઈન્સ્પેક્ટર સાહેબ ક્યાં છે ? તો જવાબ મળે છે કે પેટ્રોલિંગમાં ગયા છે. દિવસના સમયે ‘વહીવટદાર’ ઉઘરાણા માટે ફરે છે. બાકીનાઓ તેમના ઉપરી અમલદારની વરધીઓ પૂરી કરવા માટે ફરે છે. દુનિયાના વિકસીત દેશોમાં, અરે, સિંગાપોર કે બેંગકોક જેવા શહેરમાં પણ કોઈ ઘટના બને ત્રણ મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જાય છે. અહીં શિવરંજની ખાતે થયેલી એક કરોડની લૂંટ અને હત્યાના કેસમાં પોલીસને જાણ કર્યા પછી ઘટના સ્થળે પહોંચતા ૨૦ મિનિટ લાગી. તે પછી નાકાબંધી કરતાં દોઢ કલાક લાગ્યો. ત્યાં સુધીમાં તો લુંટારુંઓ સલામત સ્થળે પહોંચી ગયા હતા. શિવરંજની અને નજીકના પોલીસસ્ટેશન વચ્ચે માત્ર બે જ મિનિટનું અંતર છે. આવી ઘટનાઓમાં પોલીસની જવાબદારી ફિક્સ નહીં થાય તો આવી ઘટનાઓ રોજની થઈ પડશે. લુંટારુંઓને ખબર છે કે પોલીસ કશું કરી શકવાની નથી. ગુનેગારોને પકડવાની અને ગુનાઓ ઉકેલવાની કામગીરી પર જ જાણે કે તાળાં લાગી ગયાં છે.

હોસ્પિટલ કે કસાઈખાનું ?

સહુથી દુઃખદ વાત તો એ હતી કે હિતેશ ઝવેરીને બચાવવા લોકોએ મેદાનમાં આવવું પડયું અને તેમ કરવા જતાં લુંટારુંઓના ગોળીબારથી ઘવાયેલા બે નાગરિકોને લોહીલુહાણ હાલતમાં મેડિલિંક નામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવાયા ત્યારે હોસ્પિટલના સત્તાવાળાઓએ તેમને પહેલાં ૮૦ હજાર રૂપિયા ભરી દેવા કહ્યું. ગુજરાતની પ્રાઈવેટ હોસ્પિટલો હવે કસાઈખાના બની ગઈ છે. અમેરિકા કે યુરોપ જેવા દેશોમાં પ્રાઈવેટ હોસ્પિટલોની સારવાર અત્યંત મોંઘી છે, પરંતુ કોઈ પણ નાગરિકને કટોકટીભરી હાલતમાં દાખલ કરવામાં આવે તો તેની તાત્કાલિક સારવાર આપવી અને દર્દીનું જીવન બચાવવું તે તેની પહેલી ફરજ ગણવામાં આવે છે. આવી હાલતમાં દાખલ કરાતા દર્દી પાસેથી વિશ્વની પ્રાઈવેટ હોસ્પિટલો ગંભીર હાલતમાં આવેલા વ્યક્તિ પાસે પહેલાં પૈસા માંગતી નથી. ગુજરાતની પ્રાઈવેટ હોસ્પિટલોને કાનૂનના સખ્ત સકંજામાં લાવવાની જરૂર છે. કટોકટીભરી પરિસ્થિતિમાં આવેલા દર્દીની સારવાર કરતાં પહેલાં પૈસા માંગતી હોસ્પિટલોના લાઈસન્સ રદ કરી તેના માલિકોની ધરપકડ કરવી જોઈએ.

કમિશનર રજા પર કેમ ?
ખેર !

આશ્ચર્યની વાત એ છે કે શિવરંજની ખાતે એક કરોડની લૂંટ અને વેપારીની હત્યા બાદ શહેરના પોલીસ કમિશનર શિવાનંદ ઝા અચાનક રજા પર ઉતરી ગયા છે. અત્યારે શહેરને એક મજબૂત પોલીસ નેતૃત્વની જરૂર છે ત્યારે એક ઉચ્ચ અધિકારીનું અચાનક રજા પર ઉતરી જવું તે રહસ્યમય છે. પોલીસ ધારે તો એક રાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં લઈ શકે છે. અનામત આંદોલન વખતે એક વર્ષથી ગુજરાતમાં રોજ ખંજરબાજી થતી હતી. ગુજરાતની પોલીસ તે ખાળવા નાકામયાબ હતી. દિલ્હીથી તે વખતના વડાપ્રધાન રાજીવ ગાંધીએ સુપરકોપ જુલિયો રિબેરોને ગુજરાત મોકલી આપ્યા હતા. જુલિયો રિબેરોએ એક જ રાતમાં ૫૦થી વધુ ખતરનાક ગુનેગારોને ઝડપી લઈ તે તમામને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અને બીજા જ દિવસથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય બની ગઈ હતી. અમદાવાદમાં ગુનાખોરી વધવાનું કારણ પરપ્રાંતથી આવેલા કેટલાક ખતરનાક ગુનેગારો છે. તે બધા ક્યાં વસે છે તેની પોલીસને ખબર છે, પણ ગુજરાતને સલામતી બક્ષવાની પોલીસની ઈચ્છાશક્તિ જ ખતમ થઈ ગઈ છે. પોલીસ જાણે છે કે ”અખબારોને જે લખવું હોય તે લખે, આપણે સાહેબોને અને મંત્રીઓને ખુશ રાખીએ એટલે પત્યું, પછી પ્રજા જાય તેલ લેવા! પ્રજાને મરવું હોય તો મરે, પણ સાહેબોને કાંઈ થવું ના જોઈએ.”

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશ સમક્ષ ગુજરાતને એક આદર્શ મોડેલ તરીકે પેશ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતનું ગૃહખાતું અને ગુજરાતની પોલીસ મુખ્યમંત્રીને બદનામી મળે તે રીતે ગુજરાતમાં વધતી ગુનાખોરી પ્રત્યે ગંભીર બેજવાબદારી દાખવી રહી છે. મુખ્યમંત્રીએ જાતે જ ગુજરાતમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કાબૂમાં લેવા પહેલાં તો ઉચ્ચ પોલીસઅધિકારીઓ સામે જ સખ્ત પગલાં ભરવાની જરૂર છે. ગુજરાતમાં જ્યાં પણ ગંભીર ગુના બને છે ત્યાં પોલીસ અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવાની જરૂર છે. એમ નહીં થાય તો પોલીસની નિષ્કાળજીના કારણે ગુજરાત ગુંડાઓનું ગુજરાત બની જશે.