કભી કભી – દેવેન્દ્ર પટેલ
પ્રેમીને પામવા કલાવતી એક તાંત્રિક પાસે ગઈ તાંત્રિકે કહ્યું : “તેરા કામ હો જાયેગા, બેટા”
મથુરા પાસે ગાજીપુર નામનું ગામ છે. આ ગામમાં કેવલ પટવારી તેની પત્ની કલાવતી સાથે રહેતો હતો. કલાવતી બે બાળકોની માતા છે. કેવલ પટવારીનો એક દોસ્ત હતો, તેનું નામ બિરબલ. બિરબલ અપરિણીત હતો. બિરબલ અવારનવાર કેવલ પટવારીના ઘરે આવતો. ઘણા વખતથી તેની નજર મિત્રની પત્ની કલાવતી પર હતી. કલાવતી પણ બિરબલ જ્યારે પણ આવે ત્યારે તેને પ્રેમથી ચા-નાસ્તો કરાવતી.
એક દિવસ અચાનક જ બપોરના સમયે બિરબલ આવી પહોંચ્યો. એ વખતે કલાવતી એકલી ઘરે હતી. કલાવતી બોલી :
“અરે દેવરજી, અત્યારે ?”
બિરબલે તેના હાથમાં રાખેલું એક બોક્સ આપ્યું. કલાવતીએ પૂછયું : “આમાં શું છે ?”
“સાડી… તમારા માટે.”
કલાવતીએ બોક્સ ખોલી સાડી જોઈ તે ખુશ થઈ ગઈ. એ બોલી : “દેવરજી, તમે બહુ સારા છો. મારો કેટલો બધો ખ્યાલ રાખો છો?”
“પણ તમે મારો ખ્યાલ ક્યાં રાખો છો ?” બિરબલ બોલ્યો.
કલાવતીએ કહ્યું : “હું તો તમારો બધો જ ખ્યાલ રાખવા તૈયાર છું. તમારી નજર જ મારા પર ક્યાં પડે છે ?”
અને બિરબલે કલાવતીના ગળામાં બે હાથ પ્રસરાવતાં પોતાની તરફ ખેંચી. તે બોલ્યો : “લ્યો… બસ… ?”
કલાવતી બિરબલના સ્પર્શથી રોમાંચિત થઈ ગઈ. કેવલ ઘરે ન હોય ત્યારે બિરબલને રાત્રે જ પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું. એક દિવસ તેનો પતિ બહારગામ ગયો ત્યારે કલાવતીએ બિરબલને રાત્રે ઘરે બોલાવી દીધો. એ પછી કેવલ પટવારી બપોરના સમયે દુકાન પર હોય ત્યારે પણ બિરબલ કલાવતીના ઘરે પહોંચી જતો. કોઈ કોઈવાર કલાવતી બિરબલ સાથે મથુરા ફરવા જતી. બેઉ સાથે જ પિક્ચર જોતાં. બગીચામાં ફરતાં. એક દિવસ બિરબલ બપોરના સમયે કલાવતીના ઘરમાં હતો તે વખતે જ કોઈ કામસર કલાવતીનો પતિ કેવલ પટવારી ઘરે આવી ગયો. એણે બારણું ખટખટાવ્યું. અંદર કલાવતી અને બિરબલ એકલાં જ હતાં. તેમનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત હતાં. બિરબલ તો ભાગી ગયો, પણ કેવલે કલાવતીને બહુ જ ફટકારી. કલાવતી પતિના પગે પડી ગઈ. માફી માગવા લાગી : “હવે આવી ભૂલ ફરી નહીં કરું.”
પતિએ એ વખતે તો ગામમાં ભવાડો ના થાય એ હેતુથી કલાવતીને ચેતવણી આપી માફ કરી દીધી, પરંતુ ભીતરથી તે બિરબલને મળવા તડપતી રહી. થોડા દિવસ બાદ તે ફરીથી ચોરીછૂપીથી ઘરની બહાર બિરબલને મળવા લાગી. શાકભાજી લેવાના બહાને પણ તે બિરબલ પાસે પહોંચી જતી. એક દિવસ કલાવતીએ કહી જ દીધું : “મારા ઘરમાં રોજેરોજ ઝઘડા થાય છે. હું તારા વગર રહી શકતી નથી. આપણે કાયમ સાથે રહીએ તેવો કોઈ ઉપાય કર. હવે મારો વર મને તારી સાથે જોઈ જશે તો મને મારી જ નાખશે.”
બિરબલે કહ્યું : “હું કોઈ ઉપાય વિચારું છું. હું એક તાંત્રિકને જાણું છું.”
બીજા જ દિવસે બિરબલ પ્રેમ સરોવરમાં રહેતા તાંત્રિક રઘુનાથ પાસે પહોંચી ગયો અને કલાવતી તેની સાથે કાયમ રહે તેવો કોઈ ઉપાય કરવા વિનંતી કરી. તાંત્રિક રઘુનાથે બિરબલને કલાવતીને સાથે લઈ આવવા જણાવ્યું. બે દિવસ પછી બિરબલ કલાવતીને લઈ તાંત્રિક પાસે પહોંચી ગયો. તાંત્રિકે કહ્યું : “તુમ્હારા કામ હો જાયેગા, લેકિન મુજે કુછ વિધિ કરની પડેગી.” એમ કહી પૂજાનો સામાન લાવવા તાંત્રિકે પૈસા માગ્યા. કલાવતીએ તેના પર્સમાંથી હજાર રૂપિયા કાઢી તાંત્રિકને આપી દીધા. તાંત્રિકે કહ્યું : “ચિંતા મત કરો બેટા, કાલી મા કી કૃપા સે તુમ્હારા કામ હો જાયેગા.”
એ પછી તાંત્રિક અવારનવાર કલાવતી પાસે પૈસા ખંખેરતો રહ્યો. બિરબલ તો કાંઈ કમાતો નહોતો, પણ કલાવતી તેની પાછળ પાગલ હતી. એક દિવસ તાંત્રિકે કલાવતી પાસે અઢી લાખ રૂપિયાની માગણી કરતાં કહ્યું : “મુજે બડા મહાયજ્ઞા કરના પડેગા.”
બિરબલ પાસે તો પૈસા નહોતા. એણે કલાવતી સામે જોયું. કલાવતીને ખબર હતી કે તેના પતિએ હમણાં જ ગામના છેવાડે આવેલી જમીન વેચી હતી. તેના અઢી લાખ રૂપિયા આવ્યા હતા અને પતિએ ઘરના કબાટની તિજોરીમાં મૂક્યા હતા. કલાવતીએ એ રૂપિયાની ચોરી કરી તાંત્રિકને આપવા નિર્ણય કર્યો, પણ તિજોરીની ચાવી તેના પતિ પાસે રહેતી હતી. એક દિવસ તેનો પતિ બાથરૂમમાં નહાતો હતો તે વખતે જ પતિની બંડીના ખિસ્સામાંથી ચાવી કાઢી તિજોરીમાંથી અઢી લાખ રૂપિયા કાઢી બીજે સંતાડી દીધાં. સાંજે જ કલાવતી અને બિરબલ અઢી લાખ રૂપિયા લઈ તાંત્રિક પાસે પહોંચી ગયાં. તાંત્રિક ખુસ થઈ ગયો. કલાવતી બોલી : “બાબા, જલદી સે જો કરના હો વહ કરો. મેરા પતિ હી મર જાય ઐસા કરો.”
તાંત્રિકે કહ્યું : “ઠીક હૈં, મૈં કલ હી ઉજ્જૈન જાતા હું. વહાં તુમ્હારે લિયે મહાયજ્ઞા કરુંગા. દસ દિન મેં તુમ્હારા પતિ મર જાયેગા. ફિર તુમ આઝાદ હો.”
એ પછી તાંત્રિક ગુમ થઈ ગયો. પૂરા એક મહિના પછી પાછો આવ્યો. કલાવતી અને બિરબલ વિહ્વળ હતાં. તાંત્રિક વિધિની કોઈ અસર કલાવતીના પતિ પર થઈ નહોતી. એથી ઊલટું ઘરમાં પૈસા ગુમ થવાથી કેવલ પટવારીએ કલાવતીને સખત માર માર્યો હતો. અલબત્ત, કલાવતીએ એ પૈસાની ચોરી કરી છે એ વાત ના સ્વીકારી તે ના જ સ્વીકારી. રોજ માર ખાતી રહી. કલાવતીએ તાંત્રિક સાથે ઝઘડો કર્યો : “મેરા પતિ અબતક જિંદા ક્યોં હૈં ?”
તાંત્રિકે કહ્યું : “ઇતની હી જલદી હૈં તો ઝહર દે કે માર ક્યોં નહીં ડાલતી ?”
કલાવતી બોલી : “મેરે મેં હિંમત નહીં હૈ.”
તાંત્રિક બોલ્યો : “મૈં તો સબકુછ કર રહા હું. લેકિન લગતા હૈ કિ મા કુછ ઔર માગ રહી હૈ.”
“એક બચ્ચે કી.”
કલાવતી બોલી : “યે ક્યા કહ રહે હો, બાબા ? બચ્ચા હમ કહાં સે લાયેંગે ?”
તાંત્રિક બોલ્યો : “અગર તુમ કોઈ બચ્ચે કા બલી દે સકતી હો તો તુમ્હારા પતિ ભી મર જાયેગા ઔર મા કી કૃપા સે તુમ માલામાલ હો જાઓગી. બચ્ચે કા બલી દેને સે તુમ્હારે સર પર રૂપયોં કી બારીશ હોગી.”
કલાવતી રૂપિયાના વરસાદની વાત સાંભળી રોમાંચિત થઈ ગઈ. એ બોલી : “ઠીક હૈ, મૈં કુછ કરતી હું.”
કલાવતી અને બિરબલ તાંત્રિકના કહેવા પ્રમાણે હવે પાંચ વર્ષના બાળકની શોધ કરવા લાગ્યાં. ગામમાં ગૌરવ શર્મા તેની પત્ની સાથે દૂરના કસબામાં રહેતા હતા. તેમનો પાંચ વર્ષનો હેમંત નામનો પુત્ર હતો. બિરબલ અને કલાવતીએ હેમંતને ઉઠાવવાનો નિર્ણય કર્યો. એક સાંજે એક દિવસ અંધારું થવાના સમયે નાનકડો હેમંત ઘરની બહાર રમતો હતો ત્યારે બિરબલ તેની પાસે પહોંચી ગયો. હેમંતને ચોકલેટ્સ ખવડાવી તે પછી બીજી ચોકલેટ્સ આપવાની લાલચ આપી બિરબલ નાનકડા બાળકને દૂર દૂર લઈ ગયો. રસ્તામાંથી તેણે કલાવતીને ફોન કરી બોલાવી લીધી. રિક્ષા કરી બેઉ જણ નાનકડા હેમંતને લઈ તાંત્રિકની કુટિયા પર પહોંચ્યા. એ વખતે રાત પડી ગઈ હતી. તાંત્રિક ધૂણી ધખાવીને બેઠો હતો. બાળકને જોતાં જ તેની આંખોમાં ચમક આવી ગઈ. એણે નાનકડા હેમંતને પાસે બોલાવ્યો. તેના ગળામાં લાલ કપડું વીંટાળ્યું. એ કપડાંના ગાળો ફાંસીની જેમ ભીડાવી દીધો. નાનકડો હેમંત રડવા લાગ્યો, પણ તાંત્રિકે એ કપડાંને કસીને તેનું ગળું રુંધાઈ જાય તે રીતે ખેંચ્યું. થોડી જ વારમાં નાનકડો હેમંત તરફડિયા મારી મૃત્યુ પામ્યો.
તાંત્રિકે કહ્યું : “જાઓ, અબ યે બચ્ચે કી લાશ કો સ્મશાન મેં જા કર દફના દો.”
કલાવતી અને બિરબલ રાતના અંધારામાં જ બાળકની લાશને સ્મશાનમાં દફનાવી ઘરે જતાં રહ્યાં. આ તરફ બાળક હેમંતના ઘરે દોડધામ મચી ગઈ. આખી રાત બાળકની તલાશ જારી રહી. બીજા દિવસે હેમંતના પિતાને કોઈકે કહ્યું : “રાત્રે બિરબલ સાથે તમારા હેમંતને વાત કરતાં જોયો હતો.”
હેમંતના પિતાએ પોલીસને જાણ કરી. પોલીસે બિરબલને બોલાવ્યો. થર્ડ ડિગ્રીનો અમલ થતાં તેણે કહ્યું : “મેં નહીં, પણ કલાવતીએ આ કૃત્ય કરવા મને કહ્યું હતું.”
પોલીસે કલાવતીને બોલાવી. કલાવતી પોલીસની કડકાઈ સામે ટકી શકી નહીં. એ બધું સાચું બોલી ગઈ. એણે કહ્યું : “અમે હેમંતને તાંત્રિક પાસે લઈ ગયા હતા, પણ તેને અમે માર્યો નથી. હેમંતનું ગળું તો તાંત્રિક રઘુનાથે દાબી દીધું હતું.”
પોલીસ તાંત્રિક રઘુનાથની કુટિયા પર પહોંચી ગઈ, પણ તાંત્રિક કુટિયામાં નહોતો. પોલીસે કલાવતી અને બિરબલને બાળકની હત્યાની સાજીશ રચવા માટે જેલભેગાં કરી દીધાં. થોડા દિવસ પછી તાંત્રિક રઘુનાથ પણ પકડાઈ ગયો. તે પણ હવે જેલની હવા ખાઈ રહ્યો છે. હવે એકમાત્ર હેમંતના ઘરમાં શોકની કાલિમા છે. પ્રેમીને પામવા એક સ્ત્રી આટલી હદે પણ જઈ શકે છે.
Comments are closed.