કભી કભી – દેવેન્દ્ર પટેલ

અગર મને કાંઈ થઈ જાય તો-
મરણ પથારી પર સુતેલી પરમિન્દરે પતિ પાસેથી એક વચન લઈ લીધું

‘ગયા.’

ભારતના ભાગલા પડયા તે પહેલાં તે ભારતનું જ એક ગામ હતું. ચિનાબ નદીના તટવર્તી ગામો પૈકીનું એક ગામ ”ગયા” ત્યારે જ સુર્ખિયોમાં આવ્યું જ્યારે ડો. મનમોહનસિંહ ભારતના વડા પ્રધાન બન્યા. ડો. મનમોહન સિંહ આ ગામમાં જન્મ્યા હતા. ઈશ્વરસિંહ આનંદ પણ ગામના જ વતની હતા. તેમના એક પુત્રનું નામ હરમીતસિંહ આનંદ. હરમીતસિંહ એક મેડિકલ સ્ટોર ચલાવતો હતો. પુશ્તેની બ્રાહ્મણ પરિવારના હોવાના નાતે તે મૂળ હિન્દુ હતા પરંતુ પાછળથી શીખ ધર્મ અપનાવી લીધો હતો. હરમીત આનંદ હવે વયસ્ક બનતાં તેની શાદી લુધિયાણા સ્થિત ત્રિલોચન ચડ્ડાની પુત્રી પરમિન્દર સાથે કરી દેવામાં આવી. પરમિન્દર કૌર સુંદર, સુશીલ અને સુશિક્ષિત હતી. કુશળ ગૃહિણી પણ હતી. પિતા પણ વ્યાપાર સાથે સંકળાયેલા હોઈ તેના અનુભવનો લાભ પતિને પણ આપવા લાગી.પરમિન્દર વેપારમાં સક્રિય બની. તેનો પતિ હરમીત કહેતોઃ ”પરમિન્દર મારી લાઈફ પાર્ટનર જ નહીં પરંતુ બિઝનેસ પાર્ટનર પણ છે એના વગર હું અધૂરો છું.”

એવી સ્ત્રી સાથે લગ્ન કરજો જે દુર્ભાગ્યથી વિધવા હોય

આવક વધતાં હરમીતે કોટામાં એક નવું ઘર પણ લઈ લીધું. સમયાંતરે પરમિન્દર કૌરે એક પુત્રરત્નને જન્મ આપ્યો. હરમીત- પરમિન્દરના પરિવારમાં હવે આનંદ જ આનંદ હતો, પરંતુ એ આનંદ ઝાઝો ટક્યો નહીં. પરમિન્દર અચાનક બીમાર પડી ગઈ. અનેક ડોક્ટરોને બતાવ્યું પણ તેને સારું થયું નહીં. ડોક્ટરોએ નિદાન કર્યું કે પરમિન્દરને ગર્ભાશયનું કેન્સર છે. પરમિન્દરને ઉપલબ્ધ તમામ સારવાર આપવામાં આવી, પણ તેને સારું ના થયું. દિનપ્રતિદિન તેની તબિયત વધુને વધુ કથળવા લાગી. હવે પથારીમાં જ રહેવા લાગી. પરમિન્દરનું બહાર જવાનું બંધ થઈ ગયું. ધીમે ધીમે પરમિન્દરને ખ્યાલ આવી ગયો કે, ”મારો અંત સમય નજીક આવી ગયો છે.”

એક દિવસ પતિને પલંગમાં પોતાની કરીબ બેસાડી પરમિન્દરે પતિનો હાથ પકડયો. તે બોલીઃ ”મારે એક વાત કરવી છે.”

”બોલ શું વાત કરવી છે ?”

”પહેલાં વચન આપો કે હું જેમ કહીશ તેમ કરશો.” પરમિન્દર બોલી રહી.

”તું કહે… હું તને વચન આપું છું.”

વચનબદ્ધ કરી દીધા બાદ પરમિન્દર ગળગળા સ્વરે બોલીઃ ”અગર મને કાંઈ થઈ જાય તો આપણા દીકરાનો ખ્યાલ રાખજો. જુઓ ! મારા વિયોગમાં ડૂબવાના બદલે આપણા પ્રેમના પ્રતીકરૂપ આપણા બાળકને સાચવજો. મારા મૃત્યુ પછી આપણું બાળક માના પ્રેમથી વંચિત ના રહે તે માટે કોઈ એવી સ્ત્રી સાથે લગ્ન કરજો કે જે દુર્ભાગ્યથી વૈધવ્ય ભોગવી રહી હોય. જેને એક સંતાન પણ હોય અને તેનું સંતાન પુત્રી હોય. જેથી આપણા દીકરાને બહેન મળી રહે.”

બોલતાં બોલતાં પરમિન્દરની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. હરમીત પણ રડી રહ્યો.

તે ચૂપ રહ્યો.

પરમિન્દર બોલીઃ ”આટલેથી અટકતા નહીં. જીવનની અધવચ્ચે જ જીવનસાથીઓને જોડવાનું કામ કરજો. જોડનહાર બનજો. જીવનયાત્રામાં સાથીના વિયોગને પણ તમારાથી વધુ કોણ સમજી શકશે ? ગુરૂનાનકની વાણી યાદ કરજો.”જો તુઘ ભાવે નાનકા સોઈ ભલી કાર.”

હરમીતસિંહ તો પરમિન્દરની વાત સાંભળી સ્તબ્ધ રહી ગયો. એ બોલ્યોઃ ”પરમિન્દર, તને કાંઈ જ થવાનું નથી.”

પરંતુ પરમિન્દરનો અંદેશો સાચો સાબીત થયો. અંતિમ વાતચીત સમયે જ પરમિન્દરે આંખ મીંચી લીધી અને ત્યારબાદ એણે આંખો કદિયે ના ખોલી. પરમિન્દર મૃત્યુ પામી. હરમીત શોકમાં ડૂબી ગયો. એણે ખાવા-પીવાનું, હસવા- બોલવાનું બધું જ બંધ કરી દીધું. તેના પિતરાઈભાઈ મંજીતસિંહ કાફી તેની કરીબ હતા. તેમણે ખૂબ આશ્વાસન આપ્યું. પરાણે હરમીતને ખવરાવ્યું. શોક પૂરા ત્રણ મહિના ચાલ્યો. હરમીત હજી યુવાન હતો. થોડાક જ મહિના બાદ લગ્ન માટે પ્રસ્તાવ આવવા લાગ્યા. તે સારું કમાતો હતો, સારી પ્રતિષ્ઠા હતી. અન્ય વેપારીઓએ પણ તેને લગ્ન કરી લેવા સલાહ આપી પરંતુ ”પરમિન્દરની જગા કોઈ લઈ શકશે નહીં.” એમ કહી વાત ટાળી દેવા લાગ્યો. વળી નવી પત્ની પોતાના પુત્રને પ્યાર આપી શકશે કે કેમ તે પણ એક સંદેહ હતો. સમય વીતતો રહ્યો. એક રાત એને પરમિન્દર સ્વપ્નમાં આવી. જાણે કે તે કહી રહી હતીઃ ”મને આપેલું વચન પૂરું કરશો ત્યારે જ મારા આત્માને શાંતિ થશે.”

પરંતુ હરમીત કહી રહ્યો હતોઃ ”ક્યાંથી લાવું એવી સ્ત્રી ?”

હરમીતના ચહેરા પર હવે ચિંતા છવાયેલી રહેતી. એને શાદીમાં રસ નહોતો પરંતુ પરમિન્દરને આપેલા વચનની ચિંતા હતી. તેના ભાઈ મંજીતસિંહે કહ્યું: ”ભાઈ, સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે બોલ, શું વાત છે?”

હરમીતે મરતા પહેલાં પરમિન્દરને આપેલા વચનની વાત કરી. મંજીતસિંહે કહ્યું: ”આટલી મોટી વાત છુપાવીને શા માટે ફરે છે?”

મંજીતસિંહે સ્મિત આપ્યું. બીજા જ દિવસથી એણે હરમીત માટે જીવનસંગિનીની શોધ શરૂ કરી, જે વિધવા પણ હોય અને એક પુત્રીની માતા પણ હોય. મંજીતસિંહે હરમીતને કહ્યું હતું : ”તું તારી બધી ચિંતા મારી પર છોડી દે, તારો ભાઈ હજુ જીવે છે. તું વાહેગુરૂનું નામ લે અને ઉદાસી છોડી દે.”

સમય તો પાંખો ફફડાવતો ઉડતો રહ્યો.

એક દિવસ અચાનક મંજીતસિંહ હરમીતના ઘેર પહોંચ્યો. એ બોલ્યોઃ ”હરમીત, તારું કામ થઈ ગયું. જેવું પરમિન્દર ચાહતી તેવી સ્ત્રી મળી ગઈ છે. યુવતીનું નામ મનપ્રીત છે. પિતાનું નામ હનુમંતસિંહ છે. માતાનું નામ હનુમંત કૌર છે. દિલ્હીમાં રહે છે. અચ્છો કારોબાર છે. મનપ્રીતની શાદી એક એન્જિનિયર સાથે થઈ હતી, પરંતુ કાર અકસ્માતમાં તેનું મૃત્યું થઈ ગયું છે. મનપ્રીતને એક દીકરી પણ છે. બોલ શું કરવું છે?”

હરમીત હજી માનસિક રીતે સ્વસ્થ નહોતો. તેની સામે મોટો પ્રશ્ન હતો કે ”સમાજ શું કહેશે? એક વિધવા સાથે લગ્નને સમાજ સ્વીકારશે ?જિંદગી બોઝ તો નહીં બની જાય ને ?”

મંજીતસિંહે આખા પરિવારને વાત કરી, હરમીતના મિત્રોને વાત કરી. શુભચિંતકોને વાત કરી. બધાંએ હરમીતને સલાહ આપીઃ ”હરમીત, સમય બદલાઈ ગયો છે. મનપ્રીત સુંદર છે. યુવાન છે. સુશીલ છે. તારા માટે એકદમ યોગ્ય છે.”

બીજી બાજુ મનપ્રીત પણ તૈયાર નહોતી. તેના માતા-પિતાએ અને સુધારાવાદી શુભચિંતકોએ સમજાવ્યું ”બેટા, એક યુવાન વિધુર સાથે લગ્ન કરવામાં કશું જ અનૈતિક નથી, કોઈ જ અધર્મ નથી. ઈશ્વરની આમ જ ઈચ્છા છે તેમ માનીને આ પ્રસ્તાવ સ્વીકારી લે.”

લાંબા મનોમંથન બાદ મનપ્રીતે મૌન સમર્થન આપ્યું. આખરે રોજ સ્ટેશન રોડ, ગુરૂદ્વારામાં અત્યંત સાદગીથી હરમીત અને મનપ્રીતના લગ્ન સંપન્ન થયાં. લગ્નના થોડાક દિવસ સુધી તો હરમીતને ચિંતા સતાવતી રહી કે, ”લોકો શું કહેશે ?”

પરંતુ ધીમે ધીમે બેઉનું ગૃહસ્થ જીવન ગોઠવાઈ ગયું. મનપ્રીત અત્યંત ડાહી અને સુશીલ નીકળી. એ પોતાની પુત્રીને સાથે લાવી હતી. પરમિન્દરથી થયેલા પુત્રને તેણે પોતાના જ પુત્ર તરીકે અપનાવી લીધો. એક ભાઈને બહેન મળી ગઈ અને બહેનને ભાઈ. બેઉ ખૂબ નાનાં હતાં તેથી જલ્દી એકબીજા સાથે ભળી ગયાં. હરમીત- મનપ્રીતનો સંસાર તો ગોઠવાઈ ગયો પરંતુ એણે પરમિન્દરને આપેલું બીજું વચન હજી તેને યાદ હતું. ”જોડનહાર બનવાનું. પોતાનું ઘર તો વસાવી લીધું. તૂટેલું જીવન તો જોડી લીધું. પરંતુ આવા બીજા તૂટેલાં પાત્રોને જોડવાનાં હજુ બાકી હતાં. હરમીતે મનપ્રીતને પોતે અગાઉની પત્નીને આપેલા વચનની વાત કરી. મનપ્રીતે પણ હરમીતના ધ્યેયને પોતાનું ધ્યેય બનાવી લીધું. તેમણે મિત્રોની મદદથી ”જોડનહાર” નામની એક સંસ્થા ઊભી કરી. આ સંગઠને એવા પાત્રોની ખોજ ચલાવી કે જેઓનું જીવન અધવચ્ચે જ તૂટી ગયું હોય. એક વિધુર હોય ને બીજી વિધવા હોય તો તેમને જોડવાનું કામ શરૂ કર્યું. આ કામ માત્ર શીખ સમુદાય પૂરતું જ સીમિત ના રાખ્યું. તેમણે તમામ ધર્મ કે સમાજ માટે કામ કરવા માંડયું.

હરમીત અને મનપ્રીત દ્વારા ચલાવવામાં આવતા આ અનોખા સંગઠને અત્યાર સુધીમાં પાંચ યુગલોને નવું દામ્પત્યજીવન બક્ષ્યું છે. આંકડો ભલે નાનો હોય પરંતુ શરૂઆત અનોખી છે, ભાવનાત્મક છે. સરાહનીય છે. વૈધવ્ય વિવાહ પ્રતિ લોકોનું વલણ બદલવાની આ કામગીરી પ્રશંસનીય છે. જ્યારે કોઈને કોઈ નવું યુગલ નવેસરથી તૂટેલી જિંદગી શરૂ કરે છે ત્યારે હરમીત અને મનપ્રીત પરમિન્દરની તસવીર સામે ઊભા રહી પરમિન્દરની આંખો સામે એક અંજલિ આપતાં હોય તેમ ઊભાં રહી જાય છે.Ÿ      

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in