રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાં દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. કેટલાક આ ચૂંટણીઓને લોકસભાની ચૂંટણીઓ પહેલાંનો લિટમસ ટેસ્ટ ગણાવે છે પણ તે તારણ ખોટું છે. આ પાંચ રાજ્યો દક્ષિણ ભારત, પશ્ચિમ બંગાળ કે નોર્થ ઈસ્ટનાં બધાં રાજ્યના મૂડનું પ્રતિનિધિત્વ કરતા નથી. હા, ભાજપ – એનડીએએ નરેન્દ્ર મોદી જેવા હિન્દુત્વના ચહેરાને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કર્યા હોઈ આ પાંચ રાજ્યોના લઘુમતી કોમના મત કઈ તરફ પડે છે, તે પરથી બીજાં રાજ્યોના મુસ્લિમ મતોના ઝોક વિશે ધારણા કરી શકાશે.

મુસ્લિમ વોટ્સ Key Factor

મુસ્લિમ મતો પર નજર

જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે, તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી અને મિઝોરમ સામેલ છે. મિઝોરમને છોડી દેવામાં આવે તો અન્ય ચાર રાજ્યોમાં લઘુમતી અથવા તો મુસ્લિમ મતદાતાઓના હાથમાં સત્તા કોને સોંપવી તેની ચાવી છે. આ ચાર રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. નરેન્દ્ર મોદીને ભાજપે ભાવિ વડાપ્રધાન તરીકે પેશ કર્યા હોઈ કોંગ્રેસ હાઈકમાન્ડ જાગૃત થઈ ગયું છે. અલબત્ત, ભાજપને સંબંધ છે ત્યાં સુધી તેની કેડર અને કાર્યકર્તાઓ હવામાં છે. તેઓ એવી ગેરસમજ ધરાવે છે કે દેશભરમાં મોદીની લહેર હોવાથી બેઠાં બેઠાં જ વિજય પ્રાપ્ત થઈ જશે. કાર્યકર્તાઓ માને છે કે હવે બહુ મહેનત કરવાની કોઈ જ જરૂર નથી. આવો અતિવિશ્વાસ કદીક ભારે પડી જઈ શકે છે.

લઘુમતી મતોનું મહત્ત્વ

ચાર વિધાનસભાઓની ચૂંટણીઓમાં મુસ્લિમ મતોનું વિશેષ મહત્ત્વ છે. દિલ્હી વિધાનસભા મત વિસ્તારોમાં ૧૫ ટકા મુસ્લિમ મતો છે. દિલ્હીની ૩૦ બેઠકો પર મુસ્લિમ મતોનો પ્રભાવ છે. મધ્યપ્રદેશમાં મુસ્લિમ મતો ૮ ટકા છે, પરંતુ મધ્ય પ્રદેશની ૩૨ બેઠકો પર મુસ્લિમ મતો પ્રભાવ પાડી શકે તેમ છે. રાજસ્થાનમાં મુસ્લિમ મતોની ટકાવારી ૯ ટકા છે અને ૨૭ બેઠકો પર મુસ્લિમ મતો નિર્ણાયક બની શકે તેમ છે. છત્તીસગઢમાં મુસ્લિમ મતોની ટકાવારી ૭ ટકા છે અને ૧૭ બેઠકો પર મુસ્લિમ મતો કોને જિતાડવા તે નિર્ણય કરશે. આ રીતે આ ચાર રાજ્યો કે જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ગળાકાપ હરીફાઈ છે ત્યાં કોઈ પણ પાર્ટીની હાર કે જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

કોંગ્રેસ શું કહે છે?

૨૦૧૪માં લોકસભાની આવનારી ચૂંટણીમાં પ્રત્યેક રાજનૈતિક દળ લઘુમતી મતો પ્રાપ્ત કરવા માગે છે. દરેક રાજકીય પક્ષ મુસ્લિમોને રાજી કરવા પ્રયાસ કરે છે. કોંગ્રેસ સત્તામાં હોઈ લઘુમતી કોમને સહુથી વધુ ખુશ રાખવાની સ્થિતિમાં છે. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ બધી જ રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યો છે કે આતંકવાદના ખોટા આક્ષેપોમાં ફસાવી દેવાયેલા મુસ્લિમ યુવાનોને ન્યાય અપાવવા વિશેષ પ્રયાસ કરે. જે મુસ્લિમ યુવાનો નિર્દોષ છૂટે તેમના પુનર્વાસ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે. એ જ રીતે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા તાજેતરમાં જ એવી જાહેરાત કરવામાં આવી છે કે અર્ધ સૈનિક દળોમાં લઘુમતી કોમને અને ખાસ કરીને મુસ્લિમોના પ્રતિનિધિત્વને વધારવા માટે ૭૦ હજાર મુસલમાનોની ભરતી કરવામાં આવે. એ જ રીતે રાષ્ટ્રીયકૃત બેન્કોને પણ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ સંજોગોમાં ૧૫ ટકા ધિરાણ લઘુમતી કોમના નાગરિકોને આપવામાં આવે.

રાષ્ટ્રીયકૃત બેન્કોમાં લઘુમતી કોમના યુવાનોની નિયુક્તિનં અભિયાન પણ કોંગ્રેસ – યુપીએ-૨ સરકાર ચલાવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટ પર નભતી જામિયા મિલિયા ઈસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિર્વિસટીમાં લઘુમતી માટે ૬૫ ટકા બેઠકો અનામત કરવામાં આવી છે.

ભાજપ પણ દોડમાં

ભારતીય જનતા પાર્ટીની છાપ આમ તો કટ્ટર હિન્દુત્વની અને આરએસએસના સંતાન તરીકેની છે, છતાં તે પણ પોતાની સાંપ્રદાયિક છાપ મિટાવવા મુસ્લિમ મતો મેળવવાની દોડમાં સામેલ થઈ ગઈ છે. ભાજપના વ્યૂહબાજો એ બાબતે પૂરી તાકાત લગાવી રહ્યા છે કે નરેન્દ્ર મોદીની બધી જ જાહેર સભાઓમાં ટોપીવાળા મુસ્લિમો અને બુરખાધારી મુસ્લિમ મહિલાઓ હાજર રહે. આ માટે ૧૦ હજાર બુરખા ખરીદવાનો પણ ભાજપ પર આક્ષેપ થયેલો છે, જે આક્ષેપ ભાજપે નકારી કાઢેલો છે. લઘુમતી કોમના મત લેવાના મોહમાં પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં થયેલાં કોમી રમખાણોની બાબતમાં ભાજપના નેતાઓ મૌન સેવી રહ્યા છે. ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહે મુઝફ્ફરનગરની મુલાકાત લેવાની હિંમત કરી નથી.

પીડિત હિન્દુઓની મુલાકાત લે તો પીડિત મુસ્લિમો નારાજ થઈ જાય એ દહેશતથી તેઓ મુઝફફરનગર ગયા નથી. હવે તેઓ મુસલમાનોને પણ નારાજ કરવા માગતા નથી. એથી ઊલટું લઘુમતીને વધુ ને વધુ સુવિધા મળે તે માટે ભાજપના સ્થાનિક નેતાઓ કહી રહ્યા છે.

મમતા બેનરજીને પણ મોહ

ટૂંકમાં, લોકસભાની આવી રહેલી ચૂંટણીઓના સંદર્ભમાં બધા જ રાજકીય પક્ષો મુસ્લિમોના તુષ્ટિકરણના માર્ગ પર ચાલી રહ્યા છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ રાજ્યની ૨૬ હજાર મસ્જિદોના ઈમામો અને અજાન દેવાવાળાઓને સત્તામાં આવ્યા બાદ માસિક વેતન આપવાનું શરૂ કર્યું હતું. અલબત્ત, કોલકાત્તા હાઈકોર્ટે એ નિર્ણયને ગેરકાનૂની જાહેર કરી દીધો છે, પરંતુ મમતા બેનરજી પોતાની નીતિના અમલમાં પરિવર્તન લાવવા માગતાં નથી. તેમણે જાહેરાત કરી છે કે અમે અડધી રોટલી ખાઈશું પરંતુ ઈમામો અને અજાન દેવાવાળાઓને ભથ્થું જરૂર આપીશું. ટૂંકમાં, બધા જ પક્ષો હવે એ વાત સમજે છે કે સત્તાની ચાવી લઘુમતી કોમ પાસે છે. સમાજવાદી પાર્ટી તો પહેલાંથી જ મુસ્લિમ મતો પર મદાર રાખે છે. યુપીમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવના બફાટથી મુસ્લિમો સમાજવાદી પાર્ટીથી નારાજ છે. તેથી લઘુમતીની નારાજગી દૂર કરવાની કમાન હવે મુલાયમસિંહે સંભાળી લીધી છે. એ જ રીતે બિહારમાં નીતીશ કુમાર અને લાલુ યાદવની પાર્ટીઓ પણ લોકસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખી મુસ્લિમ મતો મેળવવાની હોડમાં લાગી ગઈ છે.

લોકસભામાં શું ?

નિષ્ણાતો માને છે કે લોકસભાની ૧૦૦થી ૧૨૦ બેઠકો એવી છે, જેમાં મતની ચાવી મુસલમાનોના હાથમાં છે. આવા નવ મત વિસ્તારો બિહારમાં, ૪ ઝારખંડમાં, ૨૦ ઉત્તર પ્રદેશમાં, ૨૨ પશ્ચિમ બંગાળમાં, ૯ આસામમાં, ૭ મહારાષ્ટ્રમાં, ૩ આંધ્રપ્રદેશમાં, ૪ કર્ણાટકમાં, ૩ કેરળમાં, ૩ મધ્યપ્રદેશમાં, ૬ જમ્મુ-કાશ્મીરમાં અને ૩ દિલ્હીમાં છે. મુસ્લિમ નેતાઓના કહેવા પ્રમાણે આ મત વિસ્તારોમાં મુસ્લિમ મતોની ટકાવારી ૨૫ ટકાથી માંડીને ૯૦ ટકા સુધી છે. અલબત્ત, નોંધનીય વાત એ છે કે મુસલમાનો બધા જ એક થઈને કોઈ એકની પાર્ટીને મત આપતા નથી. મુસલમાન મતદાતાઓને એક મંચ પર લાવવા ૧૯૬૦માં જમાતે ઈસ્લામીએ પ્રયાસો કર્યા હતા. વાસ્તવિકતા એ છે કે મુસ્લિમ મતદાતાઓ પણ ભારતીય સમાજના અન્ય વર્ગોની જેમ વિભાજિત છે. મુસલમાનોની કમજોરી એ છે કે તેમની પાસે રાષ્ટ્રીય સ્તર પર સર્વમાન્ય એવા કોઈ એક રાષ્ટ્રીય નેતા નથી. એ કારણે બધા જ રાજકીય પક્ષો મુસલમાનોના મત લેવા પ્રયાસ કરતા રહે છે.

www.devendrapatel.in