લાખો ભક્તો ધરાવતા શોભન સરકાર કોણ છે એ ખજાનો મળે તે પહેલાં લૂંટારાઓ હાજર છે !

ગોલ્ડ, ગોલ્ડ, ગોલ્ડ.

ગોલ્ડ એ ‘God’sCurrency’ ગણાય છે. ગોલ્ડ કરતાં પ્લેટિનમ મોંઘું હોવા છતાં ગોલ્ડની ઘેલછા અનોખી છે. ગોલ્ડની ઘેલછા પર અનેક કથાઓ લખાઈ છે, ફિલ્મો બની છે. ‘ગોલ્ડ રશ’, ‘મેકેન્નાઝ ગોલ્ડ’થી માંડીને બીજી અનેક સુપરહિટ ફિલ્મો બની છે. પૈસા પાછળ ગાંડી દુનિયાની મજાક ઉડાવતી ફિલ્મ ‘ઇટ્સ અ મેડ મેડ મેડ વર્લ્ડ’ પણ બની છે. લોકોએ ખજાનો શોધવા પિરામિડોમાં બાકોરાં પાડયા છે. પદ્મનાભના મંદિરમાં પણ ખજાનો છે અને તેની ગણતરી કરવાની બાકી છે. ભગવાન શ્રીકૃષ્ણની સોનાની દ્વારિકા પણ હજુ દરિયામાં ડૂબેલી જ છે. હવે ઉત્તરપ્રદેશના ડૌંડિયા ખેડા ગામે પણ રાજા રામબક્સ સિંહના ખંડેર થઈ ગયેલા રાજમહેલની નીચેથી ૧૦૦૦ ટન સોનું એક સ્વપ્નના આધારે શોધવા પ્રયાસ થઈ રહ્યો છે. સ્વપ્નને અને પૃથ્વીની ભીતર છુપાયેલી સંપત્તિને કોઈ વૈજ્ઞાનિક સંબંધ ના હોવા છતાં જે ખોદકામ થઈ રહ્યું છે તે દર્શાવે છે કે, ૨૧મી સદીમાં પ્રવેશેલું ભારત હજી ૧૬મી સદીની માન્યતામાં જ જીવે છે. સ્વપ્ન સાચું પડે છે કે કેમ તે ઉપર માત્ર ભારતની જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે.

સાધુ, સ્વપ્ન, સોનું ને સરકાર ઈટ્સ અ મેડ મેડ મેડ વર્લ્ડ !

શોભન સરકાર કોણ છે ?

અલબત્ત, જેમને સ્વપ્ન આવ્યું હતું તે સંતનું નામ શોભન સરકાર છે. શોભન સરકાર સ્વયં બહાર આવતા નથી, પરંતુ તેમના વતી ઉઘાડા શરીર અને સફેદ દાઢીવાળા એક વૃદ્ધ શિષ્ય ઓમ બાબા બોલે છે. શોભન સરકારે એમના વિસ્તારમાં રસ્તા અને પાણીની નહેરો બનાવેલી છે. તેઓ હંમેશાં તંદ્રાવસ્થામાં રહે છે. તેઓ કોઈને મળતા નથી. હા, તેઓ ઇચ્છે તો જ કોઈ એમને મળી શકે છે. તેમના પ્રવકતા સ્વામી ઓમ બાબા છે. તેમના ભક્તો તેમની ઇચ્છા હોય તો દર્શન સભામાં તેમનાં દર્શન કરી શકે છે. તેમના ભક્તો તેમને ફળ, સૂકોમેવો, ઘી, મીઠાઈઓ, પૈસા અને ફૂલો અર્પણ કરે છે, પરંતુ સ્વામી શોભન સરકાર કહે છે : “મને આ બધી ચીજવસ્તુઓનો મોહ નથી. હું દિવસમાં એક જ વાર ખાઉં છું અને તે પણ જવની બે રોટલી અને મગની દાળ.” સ્વામીના ભક્તો તેમને ભગવાન તરીકે પૂજે છે. તેઓ કહે છે : “સ્વપ્નની શું વાત કરો છો ? આ જીવન જ એક સ્વપ્ન છે. તમે એક સ્વપ્ન છો. હું એક સ્વપ્ન છું. દરેક ક્ષણ એક સ્વપ્ન છે. મેં તો છૂપાયેલા ખજાનાની બીજી ચાર જગાઓ દર્શાવી છે. તેમાંથી ફતેપુરમાં એક અને કાનપુરમાં ત્રણ જગાએ ખજાનો છે અને પૂરા ભારતમાં આવા સુવર્ણ ભંડારો છે.”

સ્વામી વિરુદ્ધ મોદી

સ્વામી શોભન સરકારના સ્વપ્ન પછી આર્કિયોલોજિક સર્વે ઓફ ઇન્ડિયાએ ખોદકામ શરૂ કરાવ્યું છે. કાનપુરમાં રેલી વખતે ભાજપાના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ યુપીએ સરકારને ઝાટકવા માટે સ્વપ્નના આધારે થતા ખોદકામના સંદર્ભમાં કહ્યું કે, “આખી દુનિયા ભારત સરકારની મજાક ઉડાવી રહી છે.” મોદીના આ વિધાનનું રિએક્શન કેન્દ્ર સરકાર પર આવવાના બદલે સ્વામી શોભન સરકાર પર આવ્યું. સ્વામી શોભન સરકારના શિષ્યે નરેન્દ્ર મોદીને એકમંચ પર આવવા પડકાર ફેંક્યો અને બ્રાન્ડ મોદીના પ્રચાર તથા મોદીની રેલીઓ પાછળ ખર્ચાતાં કરોડો રૂપિયા ધોળા છે કે કાળા તેની સ્પષ્ટતા માગી. નરેન્દ્ર મોદીની વાત વૈજ્ઞાનિક અને બુદ્ધિગમ્ય હોવા છતાં તેઓ ફસાઈ ગયા. સ્વપ્નના આધારે ખોદકામ કરવું તે અવૈજ્ઞાનિક છે, પરંતુ સ્વામીએ મોદીની રેલીનો હિસાબ માગતા ભાજપા અને મોદી બેકફૂટ પર આવી ગયા. ઉત્તરપ્રદેશમાં લાખો લોકો સ્વામી શોભન સરકારને ભગવાન માને છે. ભક્તો મોદીની રેશનલ વાત સ્વીકારવા તૈયાર નથી. પહેલાં મોદીના શૌચાલયના મુદ્દે અને હવે સ્વામી શોભન સરકારની મજાકના મુદ્દે હિન્દુ સંતો મોદીથી નારાજ છે. અલબત્ત, સ્વામી શોભન સરકારની નારાજગી દૂર કરવા મોદીએ તેમના એક દૂત સાથે ‘પ્રણામ’ મોકલી આપ્યાં છે. ધર્મ આધારિત રાજનીતિના આધારે સત્તા કબજે કરવા જઈ રહેલી ભારતીય જનતા પાર્ટીને મોદી સાચા હોય તો પણ સાધુ-સંતોની નારાજગી પોસાય તેમ નથી. અલબત્ત સ્વામી શોભન સરકારના જે શિષ્ય ઓમ બાબાએ મોદી અને ભાજપ પર આક્ષેપો કર્યા છે તેઓ એક જમાનામાં કોંગ્રેસી હોવાનું બહાર આવ્યું છે અને રાજનીતિમાં મોહભંગ થઈ જતાં તેઓ સાધુ બની ગયા હતા.

સુવર્ણ ખજાનો કોનો ?

ઉત્તરપ્રદેશના ડૌંડિયા ખેડા ગામે જ્યાં સુવર્ણ ખજાનો શોધવા ખોદકામ થઈ રહ્યું છે તે અંગે અલગ અલગ કથાઓ છે. કેટલાક ઇતિહાસકારો માને છે કે, આ સુવર્ણ ખજાનો ઉન્નાવના રાજા રામબક્ષ સિંહનો છે. ૧૫૬ વર્ષ પહેલાં થઈ ગયેલા આ રાજા મહાન દેશભક્ત હતા અને તેમની પાસે પુષ્કળ સંપત્તિ હતી. ૧૮૫૭માં તેમણે અંગ્રેજો સામે બળવો કર્યો હતો, પણ સમગ્ર દેશમાં એ બળવો નિષ્ફળ જતાં અંગ્રેજોએ રાજા રામબક્ષ સિંહને ફાંસીએ લટકાવી દીધા હતા. એ પહેલાં તેમણે એમનો સુવર્ણ ખજાનો છુપાવી દીધો હતો. તે બળવો નિષ્ફળ જતાં તેમની બે બહેનોએ નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. બીજા કેટલાક નિષ્ણાતો માને છે કે, એ સોનું ૧૮૫૭ના શહીદ રાજા રામબક્ષ સિંહનું નહીં, પરંતુ નાનારાવ પેશવાનું છે. પેશવાએ તાત્યા ટોપે અને ઝાંસીની રાણી સાથે ઉત્તરપ્રદેશમાં ૧૮૫૭ના બળવાનું નેતૃત્વ કર્યું હતું. એ વખતે એ સોનું નાનાસાહેબ પેશવાએ છુપાવ્યું હોવાની શક્યતા ઇતિહાસકારો વ્યક્ત કરી રહ્યા છે. વાત એમ છે કે, ૧૮૫૭માં ભારતમાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ વિદ્રોહ શરૂ થયો ત્યારે વિવિધ રજવાડાંઓના રાજવીઓની સુવર્ણ સંપત્તિ શત્રુઓના હાથ લાગે નહીં એટલે નાનાસાહેબ પેશવાએ એમની તમામ સુવર્ણ-ચાંદીની સંપત્તિ કિલ્લા તથા મંદિરોમાં જુદી જુદી જગાએ જમીનમાં નીચે છુપાવી દીધી હતી. તેથી ૧૦૦૦ ટન સોનાની સ્વામી શોભન સરકારની વાત એ પેશવાનું છુપાવેલું સોનું જ હોઈ શકે છે તેમ કેટલાક માને છે. નાનાસાહેબ પેશવા કાનપુરના બિકુરમાં તાલુકદાર તરીકે કામ કરતા હતા અને રાજા રામબક્ષ સિંહના સ્નેહી પણ હતા. ૧૮૫૭ના બળવા વખતે નાનાસાહેબ તમામ મૂલ્યવાન રત્નો હીરા-માણેક તથા સોનું અને ચાંદી ડૌંડિયા ખેડાના કિલ્લાના ભોંયરામાં તથા આસપાસના મંદિરોમાં છુપાવ્યાં હોવાનું મનાઈ રહ્યું છે.

મળે તો સોનું કોનું ?

સ્વામી શોભન સરકારના સ્વપ્નનિર્દેશના આધારે થઈ રહેલા સોનાની ખોજ માટેના ખોદકામથી સોનું મળે છે કે નહીં એ તો ખબર નથી, પરંતુ એ સંભવિત સોનાના માલિકીપણા માટે અત્યારથી જ વિવાદ શરૂ થઈ ગયો છે. યુ.પી.ના મુખ્યમંત્રી અખિલેશ યાદવે એ ખજાના પર ઉત્તરપ્રદેશની સરકારનો અધિકાર હોવાનો દાવો કર્યો છે. એ ખજાનો રાજપૂત રાજાનો હોઈ સ્થાનિક ક્ષત્રિય સભાના આગેવાનો કહે છે કે, એ ખજાના પર ક્ષત્રિય સભાનો અધિકાર છે. ડૌંડિયા ખેડા ગામના અન્ય લોકો કહે છે કે, એ ખજાના પર સમગ્ર ગામનો અધિકાર છે. ડૌંડિયા ખેડા ગામમાં ભલે યુદ્ધના સ્તરે સુવર્ણ ખજાનાની શોધ માટે ખોદકામ ચાલી રહ્યું હોય અને એના માલિકીપણા માટે અનેક દાવા થઈ રહ્યા હોય, પરંતુ એ સુવર્ણ નીકળે તો તેને લૂંટી લેવા લૂંટારા પણ ડૌંડિયા ખેડા ગામે આવી ગયા હોવાનું સ્થાનિક પોલીસ માની રહી છે. નજીકના જ આદમપુર ગામના એક મંદિરની નીચે પણ આવો ખજાનો હોવાની વાતો શરૂ થતાં કેટલાક લૂંટારાઓએ ખજાનાની શોધમાં મંદિરના પૂજારીને તેમના રૂમમાં બાંધી દઈ બંધક બનાવી દીધા હતા અને મંદિરમાં જ રાત્રે પાંચ ફૂટનું ખોદકામ કરી નાખ્યું હતું. જો કે તેમને કોઈ ખજાનો મળ્યો નહોતો.

એક સંતના સ્વપ્નના આધારે સરકાર પણ સુવર્ણ ખજાનો શોધે છે અને લૂંટારાઓ પણ !
નર્યો અંધવિશ્વાસ

અલબત્ત, નોંધપાત્ર અને વિચિત્ર વાત તો એ છે કે, જે દેશ મંગળ પર પોતાનું મિશન મોકલવાની તૈયારી કરી રહ્યો હોય તે જ દેશમાં કેન્દ્ર સરકાર એક સાધુના સ્વપ્નના આધારે સોના માટે ખોદકામ કરાવી રહી હોય તે માત્ર હાસ્યાસ્પદ જ નહીં, પરંતુ દેશમાં અંધવિશ્વાસની ધારણા મજબૂત કરવાનું કામ એક સાધુ અને સરકાર ભેગાં મળીને કરી રહ્યાં છે. આખી કેન્દ્ર સરકાર અર્તાિકક,અવૈજ્ઞાનિક અને ઔચિત્યહીન જણાય છે. ટી.વી. ચેનલો પોતાનો ટીઆરપી વધારવા અંદરોઅંદર સ્પર્ધા કરી રહી છે. સાધુના સપના પર ખોદકામ કરવામાં આવતું હોય તેવું પહેલી જ વાર આ દેશમાં બની રહ્યું છે. જનતાને ભ્રમિત કરવા સિવાય આ બીજું કાંઈ નથી.

નરેન્દ્રભાઈ, હમણાં કશું બોલવા જેવું નથી. થોભો અને રાહ જુઓ.